પ્રતિપાદિત વિષયઃ
મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો.
મુખ્ય મુદ્દો
૧.મહારાજ, અક્ષરધામ, મહાપુરુષ–મહામાયા, પ્રધાન–પુરુષ, વિરાટ, બ્રહ્મ …ક્રમથી સૃષ્ટિ થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ પ્રાગજી દવે પાસે શ્રીમદ્ભાગવતમાં રહેલી કપિલ ગીતાની કથા કરાવતા હતા. કથા પૂરી થતાં મહારાજે અધ્યાત્મ તત્ત્વોની કથા કહી. પરમાત્મા શ્રીજી મહારાજ પોતાના ધામમાં અનંત અક્ષરાત્મક મુક્તો અને મૂર્તિમાન અક્ષરધામ તેનાથી સેવાયેલા સ્વરાટ થકા વિરાજમાન છે. જેને વચનામૃતમાં વાસુદેવ ભગવાન નામે કહ્યા છે. તેમને સૃષ્ટિ કરવાનો સંકલ્પ થયો.
ઉપનિષદોમાં વર્ણવ્યા મુજબ સ એકાકી ન રમતે । માયામાં ફસાઈને દુઃખી થતા પોતાના અજ્ઞાની પુત્રો રૂપ આત્માઓને જોઈને કરુણાનિધાન કરુણાસાગર મહારાજને મનમાં જરા ઓછું આવ્યું. તેથી મુક્તોની હાજરી હોવા છતા ‘એકાકી’ કંઈક ઘટે છે એવું લાગ્યું. ત્યારે ‘સ એક્ષત’ ‘સ સંકલ્પિતવાન્’ તેમણે સંકલ્પ ‘કાર્યો એકોહં બહુસ્યાં પ્રજાયેય’ હું બહુરૂપે થાઉં. હું અંતર્યામીરૂપે સૃષ્ટિ કરીને બહુરૂપે થાઉં અર્થાત્સૃષ્ટિ કરું. સૃષ્ટિનો મહારાજે સકલ્પ કર્યો ત્યારે એ અનંત અક્ષર મુક્તોમાંથી એક મુક્તે તે મહારાજનો સંકલ્પ ઝીલ્યો.
જેમ મહારાજા કચેરીમાં બેઠા હોય ને તેને કોઈ ઈચ્છા થાય તો હાજી કરતા હજાર ઊભા થાય. તેમ અહીં તો પોતાના ઉપાસ્ય, સેવ્ય અને સ્વામી એવા મહારાજ, તેનો સંકલ્પ. તેથી એક મુક્ત ઊભા થયા. સૃષ્ટિ કાર્ય કરી મહારાજનો સંકલ્પ પૂરો કરી સેવા કરવા માટે તૈયાર થયા. ત્યારે મહારાજે અનાદિ અક્ષર દ્વારા તે અક્ષરમુક્માં પોતાના સંકલ્પથી જ સૃષ્ટિ સર્જનની દિવ્ય શકિતનું આધાન કર્યું. ‘પુરુષેણાત્મભૂતેન વિર્યમાધત્ત વીર્યવાન્।’ તે અક્ષરમુક્ત જેને મહાપુરુષ એવા નામથી પણ કહેવાય છે તે મહામાયાને સંકલ્પ માત્રથી જ સૃષ્ટિ ઉન્મુખ કરી તેમા સંકલ્પથી જ ગર્ભને આધાન કરતા હવા એટલે કે સૃષ્ટિનો સંકલ્પ કરતા હવા. તેમાંથી અનંત એવા પ્રધાન પુરુષના જોડલાં ઉત્પન્ન થયાં. આમ શ્રીજી મહારાજે જેને વાસુદેવ એવા નામે વચનામૃતમાં વર્ણવ્યા છે. ત્યારપછી અક્ષરધામ–મહાપુરુષ–મહામાયા–પ્રધાનપુરુષ અને તેમાંથી વૈરાટપુરુષ રૂપ પુત્ર થયા. તેમા મહારાજ એક, અક્ષરધામ એક, મહાપુરુષ અને મહામાયા એક એક. પરંતુ પ્રધાનપુરુષના જોડલાં અનેક. તેમાંથી ઉત્પન્ન થયા એવા વૈરાટપુરુષ અનેક એટલે બ્રહ્માંડો પણ અનેક થશે. વૈરાટનું સ્થૂળ શરીર તે જ આ બ્રહ્માંડ છે અને તેનો આત્મા તે વૈરાટ તરીકે વર્ણવ્યા છે.
બ્રહ્માંડ ચોવીસ તત્ત્વો વડે બનેલું છે. તેથી તત્ત્વાત્મક દેવતાઓનું પણ ત્યારે જ સર્જન થઈ જાય છે. વૈરાટ, તેમાંથી બ્રહ્મા (નાભિમાંથી), શંકર–રુદ્ર (ભાગવત પ્રમાણે) પછી અનેક પ્રજાપતિઓ પછી ઈન્દ્રાદિ દેવતાથી માંડી મનુષ્ય અને સ્તંબ પર્યંત સૃષ્ટિ થઈ. તેમા જેમ જેમ સૃષ્ટિ થતી ગઈ તેમ તેમ ભગવાનનો અનુપ્રવેશ થતો ગયો. તેથી તેને વિષ્ણુ કહેવાય છે. વિશ– પ્રવેશને ધાતુ પરથી વિષ્ણુ. આમ સૃષ્ટિ કરી મહારાજ એક એકમાં અંર્તયામી કર્મફળપ્રદાતારૂપે રહીને ધારી રહ્યા છે.
સમગ્ર સૃષ્ટિમાં બે વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે. એક તો અક્ષરથી માંડી સામાન્ય જીવ સુધી પોતપોતાના વ્યક્તિત્વ સ્વતંત્ર છે. તેથી સૃષ્ટિમાં વૈચિત્ર્ય ને વૈવિધ્ય છે. વ્યક્તિત્વ નોખું અને સ્વતંત્ર હોવા છતાં અસ્તિત્વ પરમાત્મા એકને જ આધીન છે. તેનું જે અસ્તિત્વ છે તે ‘આ ન હોય તો ન હોય તેવું હોવાથી એ દૃષ્ટિએ પરમાત્માનું અદ્વૈતપણું સિદ્ધ થાય છે. વળી ‘એકમેવાદ્વિતીયંર બ્રહ્મ’ તેનો બીજો અર્થ એમ થાય છે કે અદ્વિતીય એટલે તેને સમાન કોઈ નહીં. તેથી પણ પરમાત્માને અદ્વિતીય કહેવાય છે, એક જ કહેવાય છે, દ્વૈતરહિત કહેવાય છે.
મહારાજે વચનામૃતમાં કહ્યું કે જે મહાપુરુષ છે તે મુક્ત છે. તે પોતાની કસરથી કે વાસનાથી સૃષ્ટિમાં નથી જોડાતા પણ સ્વામીનો સંકલ્પ પૂરો કરવા ને વિશિષ્ટ સેવાના ભાવથી જોડાય છે. જ્યારે વૈરાજપુરુષને મહારાજ કહે જીવની જેમ ત્રણ દેહ, ત્રણ અવસ્થા વગેરે બંધનકારી છે. પરંતુ તેનો બાપ જે પુરુષ તે સમર્થ છે માટે તેને સંસરણમાંથી જાળવે છે. જ્યારે જીવ સંસૃતિમાં જાય છે. વિરાજમાં જે સૃષ્ટિ શક્તિ છે તે અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. જો તે ગુણમય ઉપાસના છોડી નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરે તો તે મુક્ત થાય છે અને જીવ પણ જ્યાં સુધી ગુણમય દેવોની ઉપાસના કરે ત્યાં સુધી બદ્ધ રહે છે ને નિર્ગુણ એવા પરમાત્માના અવતારોની ઉપાસના કરે તો મુક્તિને પામે છે. જીવને દેહ ઈન્દ્રિયોનો સંગ ઘણો થાય છે તેથી તે તેમાં તદ્રુપ થઈ ગયો છે. પરંતુ તેનાથી અલગ પડી પોતાને બ્રહ્મરૂપની ભાવના–મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મરૂપ થાય ને મુક્ત થાય છે. પણ આ વસ્તુની સ્મૃતિ રહેતી નથી. અનુસંધાન ભૂલી જવાય છે. માટે મહારાજ કહે આ વાતનું ખૂબ મનન કરજો, યાદ રાખજો–લખજો.
અવતારો વૈરાજપુરુષમાંથી થાય છે એમ જે ભાગવતમાં કહ્યુ છે તે તો અંતર્યામી મહારાજ–વાસુદેવ નિર્ગુણ પરમાત્માને તેના અંતર્યામી રૂપે ગણીને કહ્યા છે. માટે અવતારો તો વાસુદેવના જ છે. તે જ્યારે નહોતા પ્રવેશ્યા ત્યારે તો વિરાટ પોતાની ક્રિયામાં પણ સમર્થ નહોતા થયા. તો વાસુદેવના પ્રવેશ વિના અવતાર કેમ સંભવી શકે ? માટે અવતારો તો વાસુદેવ પરમાત્માના જ છે. આમ સૃષ્ટિ મહાપુરુષના દ્વારા–પ્રવેશ દ્વારા પણ થાય છે. તોપણ જીવ અને વૈરાટમાં જેમ ભેદ છે. તેમ પરમાત્મા અને મહાપુરુષમાં અતિ ભેદ છે.
આમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરમાત્મા એ પાંચ અનાદિ પ્રવાહ છે. જીવ, ઈશ્વર અને બ્રહ્મતત્ત્વ એક છે. માટે અનાદિ તત્ત્વો ત્રણ જ છે; પણ સૃષ્ટિ અનાદિ હોવાથી એક જીવ પ્રવાહ છે. એક બ્રહ્માદિ ઈશ્વર પ્રવાહ છે અને મુકે–બ્રહ્મપ્રવાહ છે. એટલે દરેકના વ્યક્તિત્વ અલગ અલગ પાંચ પ્રકારના છે પણ સૌનું અસ્તિત્વ એક પરમાત્માને આધીન છે. અવિનાભાવથી છે. માટે વ્યાપક દૃષ્ટિથી પરમાત્મા એકનું જ સાર્વભૌમ અસ્તિત્વ છે. વ્યકિતત્વ અનાદિ પાંચ પ્રકારના છે. અનાદિ તત્ત્વો ત્રણ છે. જે શિક્ષાપત્રીમાં કહ્યું છે