પ્રતિપાદિત વિષયઃ
કુસંગના બે મત. જેનાથી દૂર રહેવું.
મુખ્ય મુદ્દો
નાસ્તિક અને શુષ્કવેદાંતીના મતની સમજણ.
વિવેચન :–
મહારાજ કહે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વથી અધિક કુસંગ તે એ છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ. તે એવા તો આ સંસારમાં બે મત છે.
એક તો નાસ્તિકનો ને બીજો શુષ્કવેદાંતીનો. એ બે અતિ કુસંગ છે. મહારાજ કહે તેમાં જો હેત થાય અને તેનો સંગ થાય તો પ્રથમ તો આસ્તિકબુદ્ધિનો જ નાશ થઈ જાય છે. તે નાસ્તિકોથી થાય છે ને શુષ્કવેદાંતીઓથી ભગવાનની ઉપાસના અને ભગવાનની ભક્તિનો નાશ થાય છે. માટે તેનો સંગ ન કરવો.
તેમાં નાસ્તિક એમ માને છે કે સારાં કર્મ કરતાં કરતાં કૈવલ્ય જ્ઞાન પ્રગટે છે અને તપસ્યા કરવાથી નબળા કર્મ ખપે છે. જ્યારે સંપૂર્ણ કર્મો ખપી જાય ત્યારે પોતે ભગવાન થઈ જાય છે. એવી રીતે અનંત ભગવાન માન્યા છે. મુશ્કેલીની વાત એ છે કે સારાં કર્મો કરાવવામાં અને નબળાં છોડાવવામાં તો મહારાજ પણ માને છે ને સૌ કોઈ માને છે ને માનવું જોઈએ પણ એ બહાને ગુણ આવે ને તેમાં હેત થાય ને તેનો સિદ્ધાંત મનાય ત્યારે કલ્યાણનો માર્ગ ખોટો થઈ જાય. તેઓ કેવળ સારાં નરસાં કર્મને માને છે પણ કર્મના ફળપ્રદાતા એવા ભગવાનને નથી માનતા. એક પરમાત્મા છે તે જગતના માલિક છે અને બધાને પોતાનાં કરેલાં સારાં નરસાં કર્મનાં ફળ આપે છે એમ નથી માનતા. ઉલ્ટું એવુ માને છે કે રામચંદ્ર અને શ્રીકૃષ્ણ ભગવાન તે ભગવાન ન હતા પણ રાજા હતા અને તેને ત્રીજા નરકમાં પડવું પડયું છે. એ જ મહાકુસંગ છે. તેને મતે કોઈ અનાદિ પરમાત્મા છે જ નહિ. માટે તેની સમજણ વેદ–શાસ્ત્રથી ઊંધી છે.
જ્યારે શુષ્કવેદાંતીઓ એમ માને છે કે જે બ્રહ્મ છે, પરમાત્મા છે એ જ જીવરૂપે થયા છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ પરમાત્મા જીવ રૂપે થાય છે. માટે જ્યારે પોતાને એવું સમજાય જાય કે ‘અહં બ્રહ્માસ્મિ’ ‘હું બ્રહ્મ છું’ ‘હું પરમાત્મા છું’ ત્યારે તે પરમાત્મા બની જાય છે. પછી તેને કોઈ સાધન કરવાનું રહેતું નથી. જ્યારે પોતે જ પરમાત્મા બન્યો ત્યારે ભજન કોનું કરવાનું રહ્યું ને નમસ્કાર કોને કરવાના ? એવું માનીને અતિશય અહંકારી બની જાય છે ને ભગવાનની ઉપાસના તથા ભક્તિ તેના માર્ગ થકી ભ્રષ્ટ થઈ જાય છે.
વેદાંતને તો મહારાજ પણ માને છે. વેદાંત શ્રવણનું ફળ છે પરમાત્મામાં ભક્તિ ઉદય થવી. ભક્તિ તો ઉદય થતી નથી ને ઉલ્ટું હોય તે પણ નાશ પામી જાય છે. માટે તેની સમજણ પણ વેદ–શાસ્ત્રથી ઊંધી છે. વેદાંત તો નારદ–સનકાદિક ને શુકજી પણ જાણે છે; તો પણ પરમાત્માના અતિ દૃઢ દાસભાવે રહે છે. જ્યારે આ તો અતિ ક્ષુદ્ર હોવા છતાં ભગવાનના સમોવડિયા થઈ બેઠા છે માટે અતિ મોટો કુસંગ છે. તેનાથી અમારા ભક્તોએ દૂર રહેવું.