પ્રતિપાદિત વિષયઃ
કુસંગ એ સ્વભાવનુ રક્ષણ પોષણ કરનારું પરિબળ છે.
મુખ્ય મુદ્દાઃ
૧. સાચા સંતમાં અશ્રદ્ધા અને કુસંગમાં શ્રદ્ધાવાળું હૃદય એ જીવનની નબળાઈઓને પાંગરવાની ઉત્તમ ભૂમિકા છે.
ર. કુસંગની રેલ, યુવાની ઉંમર, નબળાઈના બીજ વાવે છે. જીવની મૂર્ખતા એ નબળાઈઓનું રક્ષણ કરે છે, સંતના અવગુણ તેમાં ખાતરરૂપ બને છે અને આ બધા નીચે સ્વભાવો સારી રીતે પાંગરે છે.
૩. સાચા સંતમાં શ્રદ્ધાથી સદ્ગુણો પાંગરે છે.
વિવેચન :–
આ વચનામૃતને મોટા સંતોએ ‘કુસંગ’ રૂપી પાણીની રેલનું વચનામૃત કહ્યુ છે. મનુષ્યના હૃદયમાં અને જીવનમાં કુસ્વભાવો તથા નબળાઈઓનું રક્ષણ કરવા કયા કયા ઉપાયો જીવ પોતે અખત્યાર કરે છે ? એ સ્વભાવો અને નબળાઈઓને પોષણ કયાંથી મળે છે, તે નબળાઈઓને દૂર કરવા શું કરવું જોઈએ તે વસ્તુની સુંદર છણાવટ મહારાજે અહીં કરી છે. મહારાજે અહીં બતાવ્યું કે સાચા સંતમાં અશ્રદ્ધા અને કુસંગમાં શ્રદ્ધાવાળું હૃદય એ જીવનની નબળાઈઓનું બીજારોપણ કરે છે. આ જીવ તે નબળાઈઓ તથા સ્વભાવોનું મૂર્ખતાભર્યા ઉપાયોથી રક્ષાકવચ બનાવી ને રક્ષણ કરે છે. સાચા સંતનો અવગુણ ગ્રહણ કરવો તે તેમાં ખાતરનું કામ કરે છે. પોતાની નબળાઈઓનો મનમાં ગુણભાવ હોવો તે પણ નબળાઈઓનુ રક્ષણ કરે છે. તેથી ઉલ્ટું સાચા સંતમાં શ્રદ્ધાવાળું હૃદય એ સદ્ગુણોને ઉદ્ભવનું ક્ષેત્ર છે. સત્સંગ, જાગૃતિ, સાચા સંતમાં ઉચ્ચ ભાવના અને પોતાના સ્વભાવ પ્રત્યે શત્રુતા આ બધા સદ્ગુણોના પોષક અને અનુકૂળ પરિબળો બને છે.
મહારાજ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને સાચા સંતનો સંગ મળે. જે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વેર્ પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. જો કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે સર્વે ગુણ તે નાશ પામી જાય છે. માટે ભગવાનના ભક્તે કોઈ દિવસ કુસંગ ન કરવો.
શ્રદ્ધા છે તે દૈવી સંપત્તિનો ગુણ છે છતાં તે કયાં જોડાય છે તેનું ઘણું મહત્ત્વ છે. શ્રદ્ધેય વસ્તુ જેવી હોય તેવું પરિણામ લાવે છે. શ્રદ્ધા વસ્તુ જેવી હોય તેવું પરિણામ આવતુ નથી. તે જ્ઞાન વૈરાગ્યની પણ જનની છે ને તેવી રીતે કામ ક્રોધાદિકની પણ જનની બને છે. શ્રદ્ધેય વસ્તુમાં જો નબળાઈ પડેલી હશે તો શ્રદ્ધાવાનમાં પણ વધારે નબળાઈઓ આવશે. કોઈક સાધકે ભગવાનને પ્રાર્થના કરી છે કે ”હે ભગવાન! સંપત્ત દે તો સમજણ દે નહિ તો સંપત્ત પાછી લે, સંપત્ત દે અને સમજણ ન દે એવા બબ્બે ધક્કા ન દે” તેવી જ રીતે કહી શકાય કે ”હે ભગવાન! શ્રદ્ધા દે તો સત્પાત્ર દે નહિ તો શ્રદ્ધા પાછી લે શ્રદ્ધા દે અને સત્પાત્ર ન દે એવા બબ્બે ધક્કા ન દે” માટે કુપાત્રની સેવા તે અધઃપતનને નોતરનારી છે. માટે પોતામાં કોઈ સ્વભાવ હોય અથવા કોઈ ભાગની નબળાઈ હોય તો તેને સંતનો સમાગમ કરીને – સંતની સહાય લઈને સમજી વિચારીને ટાળે તો તે નબળાઈનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તો સ્વભાવ ટળે નહીં.
મહારાજ કહે છે કે મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય એટલે કે પોતાની મૂર્ખાઈનું કે સ્વભાવનું પરિણામ સામે આવવા લાગે ત્યારે તેને સ્વીકારવા કે ભોગવવા તૈયાર હોતા નથી. એટલે ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવે ત્યારે મૂંઝાય અને તે મૂંઝવણ ટાળવા સૂઈ રહે છે. ત્યારે માતા–પિતા કે વડીલો કોઈ પણ પોતાના કાર્યક્ષેત્રના હિતેચ્છુઓ અથવા ભલો અનુયાયી વર્ગ તેમને મનાવવા વિનંતિ કરે છે કે તમારી મૂર્ખાઈનું પરિણામ અમે ભોગવીશું પરંતુ તમે ખુશીમા રહો અને તમારી મૂર્ખાઈ ચાલુ રાખો;તમારા ખાતર અમને બધું મંજૂર છે. ત્યારે મૂર્ખાઓ મોઢું મલકાવીને પોતાની નબળાઈ કે મૂર્ખાઈ કબૂલ – મંજૂર થયાથી ખુશી થઈને પાછા પાટે ચડતા હોય છે. માટે આ રિસામણું પોતાની નબળાઈ ઢાંકવાનું હથિયાર હોય છે. સ્વભાવ રક્ષાનો ઉપાય છે; નહિ કે ટાળવાનો. દૈવીસંપત્તિની લાજનો આ ગુણ નથી પણ અંદર પડેલી કુરૂપતાનું પ્રદર્શન હોય છે.
મહારાજ કહે, એવું કરવાથી સ્વભાવ કે નબળાઈ ન ટળે અને દુઃખ પણ ન જાય. સ્વભાવ–નબળાઈનું રક્ષણ કરવાનો બીજો ઉપાય મહારાજ કહે છે કે’કાંતો રૂવે’ જો પોતાની ગરજ બધાને ઘણી પડવાની છે એમ જણાય તો માણસ રિસાઈ જાય. સામા પક્ષમાં ઝાઝી ગરજ ન હોય તો પોતાના સ્વભાવનું રક્ષણ કરવા રોવું પડે છે. રિસાવા માત્રથી કામ ચાલતું નથી. જાહેરમાં રોવાથી અજાણ્યાને દયા આવે છે. જાણીતાને અન્ય લોકોની શરમ આવે છે તેથી રોનારાના સ્વભાવો તથા નબળાઈઓને ચલાવી લેવા કબૂલ થવું પડે છે માટે રોવે છે. આ પણ એક સ્વભાવ કે નબળાઈની રક્ષા કરવાનો ઉપાય છે.
ત્રીજો ઉપાય છે ‘વઢે'(ઝઘડો કરે). જો પોતે કોઈ પ્રકારે પહોંચી જાય તેમ હોય તો બળજબરી કરીને પોતાના સ્વભાવ–નબળાઈઓને જબરજસ્તી સ્વીકાર કરાવે છે. ત્યારે રિસાવાની કે રોવાની તકલીફ લેતા નથી પણ તે માટે ઝઘડો કરવો પડે તો કરી લે છે. વાસ્તવિકતા કે ન્યાય કબૂલ કરતા નથી. માટે સ્વભાવને રક્ષણ કરવાનો આ પણ એક ઉપાય છે.
ત્યારપછીનો ઉપાય છે ‘ઉપવાસ કરવો’. ઉપવાસ કરવાથી અજાણ્યા સમાજ ઉપર પવિત્રતાની અસર બતાવી શકાય છે તેટલી સૂવામાં, રોવામાં કે ઝઘડવામાં બતાવી નથી શકાતી. માટે ગણતરી કરીને જો સસ્તું પડતું હોય તો માણસ નબળાઈનું રક્ષણ કરવા ઉપવાસ પણ ખેંચી કાઢે છે; પરંતુ સ્વભાવમાં ઢીલાશ મૂક નથી.
જ્યારે છેલ્લો ઉપાય છે ‘મરે’. છેલ્લી બાકી વટથી વ્યક્તિ મરવા તૈયાર થાય અને મરે પણ ખરા તો પણ નબળાઈને છોડવા તૈયાર થતા નથી. આ બઘા સ્વભાવરક્ષાના ઉપાયો છે. નબળાઈનું રક્ષણ કરવાના ઉપાયો છે. તેને નાશ કરવાના નથી. મહારાજ કહે છે કે સમજીને ટાળે તો સ્વભાવ અને તેના પરિણામે આવતું દુઃખ એ બેય ટળી જાય છે. માટે પ્રથમ તો પોતાના સ્વભાવ ટાળવાનો પોતાના અંતરમાં સાચો આશય હોવો ઘણો જરૂરી છે. જો ઈશક જાગે તો જરૂર ટળે છે.
મહારાજ કહે છે કે જેમ અગ્નિની જવાળા મોટી હોય તો પણ ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલવાઈ જાય પણ વીજળીના અગ્નિનો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ તેના જીવનમાં સ્વભાવો અને નબળાઈઓ પ્રવેશતા વાર લાગતી નથી. વૈરાગ્ય અને પ્રીતિની હાજરીમાં પણ સ્વભાવો વૃદ્ધિ પામતા જાય છે. માટે અંતરના શુદ્ધ આશયપૂર્વકની સમજણથી જે વૈરાગ્ય અને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવા છે. તે થોડા હોય તો પણ પોતાના જીવને ખૂબ ફાયદો કરનારા થાય છે.
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછયું જે, કોઈ પુરુષમાં ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે ? મતલબ કે નબળાઈઓને પ્રવેશના દ્વાર આ વચનામૃતમાં બતાળ્યા છે તેમાં સમજીને સાવધાન રહે તો નવા સ્વભાવ તો ન આવે પણ જૂના ભૂંડા સ્વભાવ આવી ગયા હોય તે પ્રયત્ન કરવાથી ટળે કે ન ટળે ? મહારાજ કહે, તે પણ ટળે છે. વાણિયાની જેમ પોતાના જીવનના ગુણ –દોષનું નામું રાખે અને વારંવાર તપાસ કરતો રહે તો સર્વે સ્વભાવ નાશ થઈ જાય છે; પરંતુ વચનામૃતમાં જેમ કહ્યુ તેમ નિરંતર તપાસ કરતું રહેવું પડે છે.
ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, કુસંગ હોય ત્યારે તો ભૂંડા સ્વભાવ હોય જ પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ? ત્યારે મહારાજ કહે, તેનું કારણ યુવાની ઉંમર છે. યુવાની દીવાની હોય છે. જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે અંતઃશત્રુ હોય નહી અને ભગવાન તથા સંતમાં પ્રીતિ પણ વિશેષ હોય છે. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે શારીરિક પરિસ્થિતિ જ એવી હોય છે કે અંતઃશત્રુઓ અંદરથી જાગૃત થાય છે અને દેહાભિમાન વધે છે. દેહાનુસંધાન વધે છે. એવે સમયે જે સંતને વિષે અંતઃશત્રુ ન હોય, જેમાં અંદરની નબળાઈ ન હોય, દેહાભિમાનથી રહિત હોય, તેવા સંત સાથે પ્રીતિથી જોડાઈ રહે અને નિત્ય તેનો સમાગમ રાખે તો યુવાની અવસ્થારૂપી સમુદ્ર તરી જાય છે. નહીં તો તે અવસ્થામાં સત્સંગમાં આવીને પણ સ્વભાવનો વધારો થાય છે અને સત્સંગમાં રહેતાં રહેતાં પણ નબળાઈઓથી ભરપૂર હૃદય બની જાય છે.
મહારાજ કહે, જેની પ્રૌઢ અવસ્થા છે અને તે સત્સંગ કરતાં કરતાં બગડે છે અને તેનુ કારણ તો તેને સાચા સંતમાં કુભાવના થાય છે તે છે. મહારાજ કહે, મોટાપુરુષને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને પોતાને ન્યૂન સમજે, પોતાની કુભાવનાનો હૃદયમાં પરિતાપ કરે તો તે પુરુષના હૃદયની મલિનતા મટી જાય છે. માટે પ્રૌઢ અવસ્થામાં જે બગાડ થાય છે તે પોતાના હૃદયની કુભાવનાથી થાય છે.
ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ પૂછયું જે, ત્રણે ગુણના સ્વભાવ સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા ? ત્યારે મહારાજ કહે, સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. ત્યારે સ્વામીએ પૂછયું કે હે મહારાજ ! દુર્વાસાદિક મુક્તો થયા છે તો પણ તામસી સ્વભાવના કેમ રહ્યાં છે ? ત્યારે મહારાજ કહે એ તો પોતાને એ સ્વભાવ રાખવો છે માટે રહ્યા છે. તેમના પોતાના સ્વભાવમાં ગુણબુદ્ધિ છે, અભાવ કે શત્રુભાવ નથી. એ એમ જાણે છે કે કોઈ અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારુ આપણો તમોગુણ છે તે બહુ રૂડો છે અથવા ભક્ત જ્યારે બીજા ભક્તને સદ્ગુણો, પ્રેમભાવ કે ભક્તિભાવથી વશ કે નિયંત્રણ નથી કરી શકતા ત્યારે તે ભક્તે, અનુયાયી કે ગુરુજનોને પોતાની નબળાઈ પ્રગટ કરીને અથવા પોતાના કઢંગા સ્વભાવથી બીજાને મજબૂર કરીને પણ નિયંત્રિત કરે છે. ત્યારે તેને અખત્યાર કરેલ નબળાઈમાં ગુણભાવ હોય છે કે આમ જો ન કરીએ તો આ બધા (બીજા ભક્તે) સરખા ન ચાલે. માટે સરખા ચલાવવા માટે નબળા સ્વભાવનો ગુણ જાણીને તેનું રક્ષણ પોષણ થાય છે. જો તેને તેનો અભાવ આવે કે હું ભગવાનનો ભક્ત છું તો મારે આવા અવળા સ્વભાવ ઘટે નહિ અને દોષરૂપ જાણીને ત્યાગવા ઈચ્છે તો ભગવાનના પ્રતાપથી સર્વે સ્વભાવ નિવૃત્તિ પામી જાય છે.