પ્રતિપાદિત વિષયઃ
મુક્તના ભેદ.
મુખ્ય મુદ્દાઃ
૧. મુક્તભાવમાં મુખ્ય કારણ ભગવાનમાં કયા ભાવથી કેટલો જોડાયો છે તે છે.
ર. મુક્તભાવમાં ન્યૂનતાનું કારણ માયા અને માયિક ભાવો સાથે કેટલો ઊંડાણથી જોડાયો છે તે છે.
વિવેચન :–
આ વચનામૃત મુક્તના ભેદનું વચનામૃત છે. ભગવાનના ભક્ત મુક્ત બધા જ સરખા કેમ નથી ? શા માટે તેઓમાં કક્ષાઓ સર્જાય છે ? તેનું કારણ બતાવવા માટે મહારાજ કહે છે કે ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ તેને પરમેશ્વરનું પરપણું સમજાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક જણાતો જાય છે. જીવ જ્યારે પોતાને દેહરૂપ માનતો હોય ત્યારે પરમાત્માને ત્રણ દેહથી પર માને અને જ્યારે પોતાને ત્રણ દેહથી પર માને ત્યારે ભગવાન તેનાથી પણ પર ભાસે અને મહિમા પણ વધુ વધુ સમજાતો જાય છે. જેમ જેમ વધુ ને વધુ પોતાની વૃત્તિ ભગવાનમાં ચોટતી જાય છે તેમ તેમ તેની ઉપાસના સુધી દૃઢ થતી જાય છે. એટલે કે સ્વામી – સેવક ભાવ જેમ જેમ દૃઢ થતો જાય છે તેમ તેમ મુક્તપણામાં વિશેષતા આવતી જાય છે.
પ્રથમ મહારાજે કીડીથી માંડી ને મોટા મોટા મગરમચ્છનું દૃષ્ટાંત દીધું છે. કીડી, કરચલું, મનુષ્ય, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ આ બધા સમુદ્રનું પાણી પીને બળિયા થયા છે. તેમાં પણ પોતાની શક્તિ પ્રમાણે પાણી પીવે છે. તેમ સમુદ્રને સ્થાને પરમાત્મામાંથી પાન કરવા યોગ્ય શું છે ? તો અનેક વસ્તુ છે. ભક્તનો સંગ, ભગવાનના સદ્ગુણ, ઉચ્ચ ભાવના, ભગવાનના સિદ્ધાંતો, મૂર્તિની અખંડ સ્મૃતિ વગેરે ભગવાનમાંથી પાન કરવા યોગ્ય વસ્તુઓ છે. ભગવાનને રસ્તે ચાલવાનું બળ વધે તે તેના પરિણામ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે તથા ત્યાગ, સેવા વગેરે જેમ જેમ પાન થાય તેમ મુક્તપણામાં વિશેષતા આવે છે.
બીજું દૃષ્ટાંત મહારાજે આકાશ અને તેમાં ઉડનારાનું આપ્યું છે. આકાશની જગ્યાએ મહારાજ છે. તેમાં ઉડનારા મચ્છર, ચરકલા, સમળા, સિંચાણો, અનળ પક્ષી ને ગરુડની જગ્યાએ ભક્તો છે. ભગવાનનો મહિમા સમજવો તે ઉડવું છે અને ભગવાન પ્રત્યે પોતાની અલ્પતા દેખાવી તથા તેમાં દાસભાવે – સેવકભાવે જોડાવું તે તેનું ફળ–પરિણામ છે.
ત્રીજું દૃષ્ટાંત પ્રકાશનું – તેજનું આપ્યું છે. તેમાં અંધારાને સ્થાને માયા અને માયિકભાવ છે. ખદ્યોત, દીવો, મશાલ, અગ્નિની જ્વાળ દાવાનળ, વીજળી, ચંદ્રમા, પ્રલયાગ્નિ અને મહાતેજ આ બધા તેજનાં સ્વરૂપો છે. માયા કે પોતાના માયિકભાવ દૂર થાય એ તેનું પરિણામ છે. (આ દૃષ્ટાંતનો વિશેષ વિસ્તાર સદ્. ગો.વા.પ્ર.ર.વા.૬માં કરેલ છે) સદ્. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પ્ર.ર વા. ૬, ૧૯, ૩૭, ૩૯ તથા પ્ર–૩ વા. ૩ર, ૩૩માં વિસ્તારથી ભક્તોના – મુક્તોના ભેદ બતાવ્યા છે. જ્યારે સદ્. ગુણાતીતાનંદસ્વામીની વાતોમાં પ્ર. ૧ વા. ૪૮,૧પ૭, પ્ર.ર વા. ૬૮, પ્ર.૩ વા. ૬પ, ૮૭, ૧ર૦, પ્ર.પ વા. ૧૩૮ તથા અન્ય જગ્યાએ ભક્તોના – મુક્તોના પ્રકાર બતાવ્યા છે.
મુક્તભાવનું મૂળ કારણ ભગવાનમાં કયા ભાવથી કેટલો જોડાયો છે તેના ઉપર આધાર રહે છે. તેમાં ન્યૂનતાનું કારણ માયા અને માયાના ભાવો સાથે કેટલો જડાઈ ગયો છે તે કારણભૂત છે. ઘણી વખત ભક્તોના મનમાં એમ થાય છે કે આ વચનામૃત અથવા તો સ્વામીની વાતોની મેળવણી જીવનમાં કરવા જતાં ફાયદા કરતાં નુકસાન વધારે થશે. કયા ભક્તો ઊંચી કક્ષાના છે ? કયા ભક્તો આપણાથી ન્યૂન કક્ષાના છે ? આપણી વાસ્તવિક સ્થિતિ શું છે ? એવી મીમાંસા કરવા જતાં મોટી ગડબડ ઊભી થશે. કલેશ ઊભો થાય છે. કારણ કે ભક્ત હોય તો પણ વાસ્તવિક ન્યૂનતાને કબૂલ કરવા કે સ્વીકારવા તૈયાર હોતા નથી. અવાસ્તવિક શ્રેષ્ઠતા હરખથી સ્વીકારી લે છે અથવા પ્લાન કરીને ઊભી કરે છે. માટે જીવતા ભક્તના ઈતિહાસો જાણવામાં ને તેની વાત મેળવણી કરવામાં જોખમ ઘણું હોય છે. તો પણ મહારાજ તથા મોટા સંતોએ ભક્તોના ભેદ જુદા છે. એવી શા માટે અહીં કક્ષાઓ બતાવી હશે ? અત્યારની આધ્યાત્મિક પરિસ્થિતિમાં તો શંકા બરાબર જ છે. પણ મહારાજે જે લખ્યું છે તે મુમુક્ષુને માર્ગદર્શન માટે કર્યું છે. નબળાને નબળા ચીતરવા નહિ. ભલે તે વાસ્તવિકતા છે તો પણ તેટલા માટે નથી. જ્યાં સુધી મુમુક્ષુ પોતે અધ્યાત્મ માર્ગમાં કયાં ઊભો છે તથા પોતાની આગળ–પાછળના પગથિયા કયા છે અને તેના ઉપર કોણ ઊભા છે ? તે જો તેને ભાન હોય તો તેનો માર્ગ જલ્દી આગળ વધે અને ભૂલા પડવાનો ભય ઓછો રહે. એવા સારા આશયથી બતાવ્યું છે અને ભક્તો એવા આશય સાથે જ મીમાંસા કરવા યોગ્ય છે.