ગમ–૧૭ : ભગવાનના સ્વરૂપમાં તત્ત્વ છે કે નહિ તેનું અને સ્થિતપ્રજ્ઞનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનને માયાના ર૪ તત્ત્વો સહિત સમજવા કે રહિત સમજવા ?

મુખ્ય મુદ્દા        

૧.ભગવાનની મૂર્તિમાં દેહ દેહી વિભાગ નથી.

ર.ભગવાનની મૂર્તિમાં જે દેખાય છે તે દિવ્ય છે. તેમાં સંશય ન કરવો.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે એમાં કોની સમજણ ઠીક છે ને કોની સમજણ ઠીક નથી ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી અને તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.

એમાં આક્ષેપ કરતાં મહારાજ કહે છે કે સાંખ્ય અથવા મહાભારતાદિકમાં આવતા સાંખ્ય પ્રકરણ વગેરેને આધારે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞની દૃષ્ટિએ જોઈએ ત્યારે માયાના ચોવીશ તત્ત્વો ક્ષેત્ર છે. જીવ, ઈશ્વરો ક્ષેત્રજ્ઞો છે. જીવ, ઈશ્વરો સહિત એ ચોવીશ તત્ત્વો ફરી પરમાત્માની અપેક્ષાએ ક્ષેત્ર છે અને પરમાત્મા ક્ષેત્રજ્ઞ છે, શરીરી છે. જેવી રીતે આપણું શરીર ક્ષેત્ર છે અને આપણો આત્મા ક્ષેત્રજ્ઞ છે. આત્મા વિના શરીરનું અસ્તિત્વ અશકય છે. કારણ કે આત્મા આધાર છે અને શરીર આધેય છે. તેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચે એવો સંબંધ અને અપેક્ષા છે કે આધાર વિના આધેયનું અસ્તિત્વ શકય નથી અને આધેય વિના ‘આધાર’ એવો શબ્દ પ્રયોગ શકય નથી. માટે ક્ષેત્રજ્ઞ એવા પરમાત્માને પોતાના ક્ષેત્રભૂત જીવ ઈશ્વરો કે માયિક તત્ત્વોથી અલગ કરવા અશકય છે. એનો અર્થ એ થયો કે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે સહિત છે.

વળી, જેમ આકાશને એકેય ભૂતોનો વિકાર અડતો નથી. તેમ પુરુષોત્તમનારાયણના સ્વરૂપને ક્ષેત્રનો કોઈ વિકાર અડતો નથી એવું ભગવાનનું સ્વરૂપ છે. માટે તત્ત્વ સહિત ભગવાનનું સ્વરૂપ કહેવામાં શો બાધ આવ્યો અને રહિત કહેવામાં શું વિશેષતા આવી ગઈ ? ઉલ્ટું શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે ભગવાન તત્ત્વને ગ્રહણ કરે તો તેને પણ બ્રહ્મરૂપ કરી મૂકે છે. પોતાના જેવું જ કરી મૂકે છે. જ્યારે તત્ત્વે રહિત કેવળ ચૈતન્યરૂપ હોય ત્યારે કંઈ વિશેષ શક્તિ કે પવિત્રતા ધરાવે છે એવું કયાંય શાસ્ત્રમાં કહ્યું નથી. માટે શી વિશેષતા છે ?

પ્રસ્તુત પ્રશ્ન અને આના પછી આવતા પ્રશ્ન ઉપરથી તારવીને મહારાજ એક માન્યતા તરફ ઈશારો કરે છે કે ભગવાનના સ્વરૂપમાં શરીર શરીરીભાવ સંબંધ રહ્યો છે કે કેમ ?

કેટલાક ભક્તો તથા આચાર્યો ભગવાનના સ્વરૂપમાં શરીર શરીરીભાવ સમજે છે એટલે કે જીવને જેમ ચોવીશ તત્ત્વોનું શરીર છે અને શરીરી તો તેથી પૃથક્‌કેવળ ચૈતન્ય સ્વરૂપ છે એમ માને છે.

રામાનુજાચાર્ય જેવા આચાર્યો ભગવાનમાં પણ દેહ દેહી અલગ–પૃથક્‌કરણ કરે છે. ‘સત્ય જ્ઞાનં અનત’ એ આદિક ‘સ્વરૂપ’ છે તથા અંતર્યામી એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. જ્યારે નરાકૃતિ, પુરુષવિધઃ, ઔજ્જવલ્ય, સૌન્દર્ય વગેરે રૂપદર્શક શબ્દો છે. તેનાથી લક્ષિત થતુ ‘રૂપ’ છે. આમ બન્ને અલગ કરીને બતાવે છે. પરંતુ મહારાજની માન્યતા એવી નથી.

સમગ્ર વચનામૃતમાં દૃષ્ટિ કરતાં મહારાજે ભગવાનની મૂર્તિને જ ભગવાનનું અંતિમ ‘સ્વરૂપ’ કહો કે ‘રૂપ’ કહો પણ મૂર્તિથી અલગ કોઈ વસ્તુ બતાવી નથી. સ્વરૂપ કહો તો પણ મૂર્તિ જ છે અને ‘રૂપ’ વર્ણન તો પણ તે જ, ભગવાનનું દેહ કહો તો પણ તે જ ને તેના દેહી કહો તો પણ તે જ છે. જીવની પેઠે તેમા દેહ દેહી એવો વિભાગ શકય નથી. જીવમાં તે ભલે શકય હોય.

વચ.ગ.પ્ર.૧મા મહારાજ કહે છે કે ‘ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી તે બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે…’ માટે સ્વરૂપ શબ્દ મૂર્તિ માટે અને મૂર્તિ શબ્દ સ્વરૂપ માટે પર્યાયરૂપ વાપર્યો છે પણ તેમા અલગાવ કર્યો નથી.

તેવી જ રીતે વચ.ગ.પ્ર.૧પમા પણ મૂર્તિ અને સ્વરૂપ એક બીજાને પયાર્ય વપરાયા છે.

વચ.ગ.પ્ર.૩રમા પણ ભગવાનના ‘સ્વરૂપ રૂપી માળો’ તથા ભગવાનની ‘મૂર્તિ રૂપી માળો’ એક જ અર્થમાં વપરાયા છે. આમ મૂર્તિમાં અને સ્વરૂપમાં જરા પણ અલગાવની કલ્પના મહારાજની દૃષ્ટિમાં નથી.

મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનનું સ્વરૂપ એવો શબ્દ પ્રયોગ કર્યો છે તે ભગવાનની મૂર્તિના અર્થમાં અને સંદર્ભમાં જ પ્રયોગ કર્યો છે. એટલું જ નહિ, પણ કોઈ જગ્યાએ આવું સ્વરૂપ છે અને તેનાથી ભિન્ન આ રૂપ છે એવું નિરૂપણ વચનામૃતમાં કયાંય દેખાતું નથી.

ઉલ્ટુ વચ.કા.૮મા સ્પષ્ટતા કરી છે કે સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ અને સ્થૂળ થકી પણ સ્થૂળ ભગવાનનું નિરૂપણ કર્યું તે તો ભગવાનનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. તો પછી મૂળ સ્વરૂપ કયું સમજવું ? તો મહારાજ કહે મનુષ્યાકૃતિ જે સાડા ત્રણ હાથની મહારાજની મૂર્તિ છે તે જ મૂળ સ્વરૂપ છે. તેથી પાર કોઈ વસ્તુ છે નહિ ને સમજવાની પણ નથી. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

મહારાજે વચ. અં.૩૦મા કહ્યું કે એક તેજના રાશિમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે તે વાત અમને ગમે છે ને ત્યાં જ મન અટકે છે અર્થાત્‌તેનાથી આગળ વધારે તત્ત્વશોધ અટકી જાય છે. મૂર્તિ એ ભગવાનના સ્વરૂપમાં અંતિમ સ્વરૂપ છે. તેથી પણ આગળ જઈને આ વચનામૃતમાં તો મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિમાં ‘રૂપ’, ‘સ્વરૂપ’ એવો વિભાગ કરે છે તે મહારાજને મતે સંમત નથી. માટે બીજા મતો કે ભક્તો ભલે માનતા હોય પણ મહારાજની રુચિ કે સિદ્ધાંત બિલકુલ નથી. એવું પૂર્વાપર વચનામૃત પરથી જણાય છે.

મહારાજ અહીં દીનાનાથ ભટ્ટના પ્રશ્નમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું તેમા તત્ત્વે સહિત સમજવું કે તત્ત્વે રહિત તેના ઉત્તરમાં કહે છે કે ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપમાં તત્ત્વ છે કે નહિ એવું ચૂંથણું કરવું ગમતું નથી. ભક્ત તો એમ માને છે કે ભગવાન તે ભગવાન. તેમા ભાગ ત્યાગને સ્થાન નથી. જેવાં દર્શન થયાં હોય તેવું ને તેવું જ ધ્યાન કરવું. તે મૂર્તિમાં આટલો માયિક ભાગ છે અથવા આટલો તત્ત્વ ભાગ છે તે દૂર કરીને ધ્યાન કરવું એવો અવકાશ જ નથી. કારણ કે ધ્યાનમાં આ બધા વિકલ્પો બાધક છે. આમ છે કે આમ ? અથવા આ સ્વરૂપ સાચું કે આનાથી હજુ કાંઈ આગળ છે ? તત્ત્વ સમજવા માટે આવા વિકલ્પ કરવા પડશે ત્યારે તે ધ્યાનના વિઘટક થશે અને ધ્યાનને સ્થિર જ થવા નહીં દે. માટે જેવી મૂર્તિ મળી તેને વિષે પતિવ્રતાની ટેક રાખીને તેનું ધ્યાન ઉપાસના કરવા એવું કહ્યુ છે. વિકલ્પો ધ્યાન તોડનારા છે. જ્યારે તે પરમાત્માના સ્વરૂપનો મહિમા ધ્યાનનો પોષક છે.

માટે જે સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ તેનો મહિમા સમજવો : જે મૂર્તિ મારા ધ્યાનનું આલંબન છે તે મૂર્તિ અનંત કોટી બ્રહ્માંડના આત્મા છે, આધાર છે, ધારક છે, અતિ નિર્વિકાર છે. માયા આદિ વિકારવાન પદાર્થનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી તે અતિ નિર્લેપ છે. માટે એવો મહિમા સમજીને આ મૂર્તિથી કાંઈક પર–આગળ છે કે આ મૂર્તિમાં પણ હજુ ભાગ–ત્યાગ છે એવા વિકલ્પને અતિ દૂર કરીને મૂર્તિને વિષે જ વિકલ્પે રહિત અતિ દૃઢતા કરવી. તેને પણ મહારાજે અહીં સ્થિતપ્રજ્ઞ કહ્યો છે. મહારાજ કહે જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી. એટલે કે જેને ભગવાનની મૂર્તિમાં કોઈ જાતનો હિચકિચાટ નથી તેને જ નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો ને સ્થિતપ્રજ્ઞ જાણવો.

જેને એવી ભગવાનના સ્વરૂપમાં દૃઢ મતિ છે તેને જ ગીતામાં કહ્યા પ્રમાણે ”સર્વધર્માન્‌પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ।।” ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. આ સંસારમાં પણ એવી રીત છે કે જેની પાસેથી પોતાનો અતિશય સ્વાર્થ સરતો હોય તેનો દોષ ગ્રહણ કરતા નથી. તેમ ભગવાન થકી જેને પોતાનો મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે, અભય પદ આપે છે. તો તેને અવગુણની શકયતા હોય તોય ન આવે. જેમ શુકદેવજીને, ખુદ ગોપીઓને તથા ગોપીઓની ખુલ્લી વાતો સાંભળીને પણ ઉદ્ધવજીને સંશય ન થયો ઉલ્ટું મહિમા સમજાયો. કારણ કે તેઓ ભગવાનના સ્વરૂપમાં, શ્રીકૃષ્ણની મૂર્તિમાં દૃઢ મતિવાળા હતા. માટે મહારાજ કહે, ભગવાનની મૂર્તિમાં દૃઢ મતિ હોય પછી તે અતિશય શાસ્ત્રવેત્તા–શુકજી જેવા હોય કે ઉદ્ધવ જેવા હોય કે ગોપીઓ જેવો અશિક્ષિત હોય તોય ભગવાનના મનુષ્ય ચરિત્રો કે કોઈ મનુષ્યભાવની ક્રિયા જોઈને તેની મતિ ભ્રમે નહિ ને ભગવાનપણાનો સંશય થાય નહિ. વળી બીજા દૃઢ મતિવાળા ભક્ત હોય તેનો મહિમા પણ જેને આવી દૃઢ મતિ થઈ હોય તે જ ઓળખી શકે ને જાણી પણ તે જ શકે. તે વિના ભગવાનથી વિમુખ જીવ પંડિત હોય તોય જાણી શકતા નથી. જેમ ગોપીઓ અને ઉદ્ધવજીએ પરસ્પર માહાત્મ્ય જાણ્યું હતું.

જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે પણ ગ્લાનિ પામી ન જાય કે મૂંઝાઈ ન જાય. જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ અયોગ્ય જેવું જણાતું હોય તેનું પણ હરખથી ગાન કરે પણ ભગવાનના ચરિત્રમાં યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ એવો જે હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો અને એથી ઉપરાંત તેને બીજું કાંઈ સમજવાનું બાકી નથી.