ગમ–૧૬ : સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાસ–૧૬ : સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા

પ્રતિપાદિત વિષયઃ

સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા.

મુખ્ય મુદ્દા

૧.સ્વરૂપનિષ્ઠા રાખવાથી ધર્મનિષ્ઠા રહે છે.

ર.નિયમથી પંચવિષય વિશેષ જીતાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : એક તો અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે. તેમાં જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જેણે કરીને બેમાંથી એકેય નિષ્ઠા મોળી પડે નહી ? પ્રથમ તો એ બંને નિષ્ઠા એટલે શું તે સમજી લઈએ.

પરમાત્માના વ્યક્તિત્વમાં ખાસ કરીને અવતાર સમયના વ્યક્તિત્વમાં તથા તેના વિધાનમાં અતિ દૃઢ વિશ્વાસ અને આધીનપણુ હોવું તેને સ્વરૂપનિષ્ઠા કહેવાય. જે અર્જુનના જીવનમાં હતી. ધર્મશાસ્ત્રના વિધિનિષેધના વિધાનમાં અતિ વિશ્વાસ અને આધીનતા હોવી તેને ધર્મનિષ્ઠા કહેવાય. જે યુધિષ્ઠિર મહારાજના જીવનમાં હતી.

હવે જો ભગવાનના સ્વરૂપને જ એટલે કે ભગવાનના જ વ્યક્તિત્વને તથા તેના લૌકિક પારલૌકિક વિધાનોને જ પકડી રાખવા જાય તો પુણ્ય પાપ થોડાં ગૌણ થતા હોય તેવું દેખાય છે. જે ઉપરથી જોતાં અર્જુનના જીવનમાં જોવા મળશે. જો પુણ્ય પાપાત્મક ધર્મનિષ્ઠાને જ જીવનમાં પકડી રાખે તો પરમાત્માનું વ્યક્તિત્વ ગૌણ સ્થાને રહેશે. જે યુધિષ્ઠિર મહારાજના જીવનમાં દેખાય છે. માટે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે એ બન્ને નિષ્ઠા સચવાય ને એક પણ ગૌણ ન થાય એવો ઉપાય મહારાજ તમે બતાવો.

ત્યારે મહારાજ બોલ્યા, પૃથ્વી અને ધર્મનો શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે. તેમા એમ કહ્યુ છે જે સત્ય, શૌચાદિક કલ્યાણકારી એવા જે ઓગણચાલીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારુ ભગવાનને ધર્મ ધુરંધર કહ્યા છે. વળી તે જ સ્કંધમાં શૌનકાદિક ૠષિઓએ સૂત પુરાણીને પૂછયું છે જે ધર્મના બખતરરૂપ ભગવાન પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થયા પછી ધર્મ કોને શરણે જઈને રહ્યો ? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને આશરે જ રહે છે.

તે ધર્મના બે સ્વરૂપો છે. એક તો કર્મકાંડરૂપ–વિધિ નિષેધરૂપ ક્રિયાત્મક ધર્મ જે પુણ્યોત્પાદક છે અને વિશેષે કરીને તે ધર્મ શાસ્ત્રાધીન છે. બીજો સત્ય શૌચાદિક ગુણાત્મક ધર્મ છે. તે પુણ્યોત્પાદક તો છે જ પણ તે ભગવદાધીનતા કે ભગવદ્‌પરાયણતા અર્પિત કરાવનારો પણ છે. તે સદા ભગવાનની મૂર્તિને આધારે રહે છે અને તે જ ધર્મના પ્રાણ છે. પ્રથમ કહ્યું તે કલેવર છે.

અહીં વચનામૃતમાં ધર્મનિષ્ઠાથી કેવળ વિધિ–નિષેધ રૂપ જે પુણ્ય–પાપાત્મકતા તેને ધર્મનિષ્ઠા તરીકે ગણાવવામાં આવી છે. કારણ કે બન્ને નિષ્ઠાઓ સાથે એક એક વ્યક્તિઓના નામ જોડાયા છે તેના ઉપરથી તારવી શકાય. માટે મહારાજ કહે છે કે ધર્મ તે ભગવાનની મૂર્તિના આશ્રયે રહે છે. તે ગુણાત્મક ધર્મ છે અને તે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે છે. માટે તેને હૃદયમાં ધર્મ પણ રહે છે. તેથી જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે છે. તે ગૌણ પડતી નથી. જો એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય.

માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દૃઢ કરીને રાખવી તો ધર્મ નિષ્ઠા પણ સહેજે જ દૃઢ રહેશે. અને તેના જીવનમાંથી પણ પુણ્ય–પાપાત્મક ભાવના ગૌણ નહીં પડે. સત્ય, શૌચાદિક ગુણો તે ધર્મના પ્રાણને ઠેકાણે છે તે ભગવાનના સ્વરૂપથી પોષિત થાય છે. કયારેક પુણ્ય પાપાત્મક વિધાનો ગૌણ થતા હોય એવું દેખાય, પણ વાસ્તવમાં ભગવાન તેમા પણ પ્રાણ પૂરનારા છે. જોનારાની દૃષ્ટિ એટલી વેધક નથી હોતી તેથી એવું ભાસે છે.

પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછયો જે પંચવિષય જીતાય તે વૈરાગ્યે કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે ? બીજો કોઈ ઉપાય છે એ પ્રશ્નથી એવો પણ ઈશારો છે કે વિષય જીતવામાં સ્વરૂપનિષ્ઠાનો ફાળો કેટલો છે ?

મહારાજે ઉત્તર કર્યો જે વૈરાગ્ય હોય અથવા ન હોય પણ પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે ખબડદાર રહે તો પંચવિષય જીતાય છે અર્થાત્‌પંચવિષય જીતવામાં સ્વરૂપનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને વૈરાગ્યનિષ્ઠામાં વધુ સહાયકારક કઈ છે ? તો મહારાજ કહે વિષય જીતવામાં મુખ્ય કારણ નિયમપાલન છે. વૈરાગ્ય રાગનું મર્દન કરે છે. જ્યારે ઈન્દ્રિયવૃત્તિનો નિરોધ એ વિષય જીતવામાં કારણ બને છે.

જો વૈરાગ્યથી વૃત્તિને પાછી વાળે તો ઘણો પ્રયાસ પડે છે ને કાનને બીડી લે અને જે વિષયનો સંબંધ તૂટે છે તેવો વૈરાગ્યે કરીને તૂટતો નથી. પછી તે બાહ્ય ઈન્દ્રિયો સંબંધી હોય કે મન સંબંધી હોય; પણ નિયમથી વિષયનો સંબંધ જેવો ચોખ્ખો દૂર થાય છે તેવો ભોગવીને પછી ગમે તેવો વૈરાગ્ય વિચાર કરે તો પણ તેને સાંભરે ખરો. નિયમથી ઈન્દ્રિયો રોકી લે તેને વિષય પરાભવના દ્વાર જલ્દી બંધ થઈ જાય છે. માટે મહારાજ કહે જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા ગમે તેવો જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલ જે નિયમ તે જ છે. તેમા પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે. જેમ માંદો કરી પાળીને ઔષધી ખાય તો જ નિરોગી થાય.

ત્યારે અખંડાનંદ સ્વામીએ પૂછયું જે માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ રાખવી. તેમ કલ્યાણનાં સાધનનો કોઈ નિયમ છે કે નથી ? એટલે કે નિયમ કેટલો સમય પાળવા ? તેનો કાંઈ અવધિ છે કે નહિ ? મહારાજ કહે જેને શ્રદ્ધા મંદ હોય તેને ઘણે જન્મે નિયમની સમાપ્તિ થાય ને જેને શ્રદ્ધા તીવ્ર હોય તો આને આ જન્મે સમાપ્તિ થાય છે. માટે સમયાવધિ શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. મંદ શ્રદ્ધાવાળો દેવલોક, મનુષ્ય લોકમાં અનેક વાર જન્મ લઈ અને વૈરાગ્ય પામી અંતે ભગવાન પાસે જાય છે.

વળી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછયો કે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શાં લક્ષણ છે ? મહારાજે ઉત્તર કર્યો કે જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્‌કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે અને કાગળ લખીને અમે કોઈ વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય ને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠે આકળાઈ કરવા માંડે. એવાં જેનાં લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો.

મહારાજે અહીં તીવ્ર શ્રદ્ધાવાન માટે ત્રણ વાતનું ધ્યાન દોર્યું છે. તેમા એક તો ભગવાનનાં દર્શન કરવાં, કથાવાર્તા સાંભળવી, માનસી પૂજા કરવી અથવા નવધા ભક્તિમાંથી કોઈપણ ભક્તિ હોય કે પછી ભગવાનને પ્રસન્ન કરવા માટેની કોઈપણ ક્રિયા કરવાની હોય તે દેહના પોષણ અને પાલનના ભોગે પણ કરે; તેનો સંકોચ કરીને કરે. તેમા ભગવત્‌સંબંધી ક્રિયામાં કાપ ન મૂકે દેહને માટે કરાતી ક્રિયાઓમાં કાપ મૂકે. દેહના ભોગે પેલી ક્રિયાઓની વધારે પુષ્ટિ કરે અને સદા કરવાની ઈચ્છા રાખે એવો હોય.

બીજું ભગવાન સંબંધી જે ક્રિયા કરતો હોય તેમા કોઈ રીતે કંટાળો કે થાક ન લાગે. આ ક્રિયાઓ કરવામાં અને ભગવાનનો આદેશ ઝીલવામાં અતિ ઉત્સાહ હોય. જરા પણ ઢીલાશ ન હોય અને તીવ્ર વેગ હોય તેમજ સદા ઉત્સાહ વર્તતો હોય.

ત્રીજું એ કે એ ભગવાન સંબંધી ક્રિયાઓની ગેરહાજરીમાં તેને કરવાની તીવ્ર આતુરતા હોય. મહારાજ કહે મોટો માણસ હોય તે પણ દર્શન કરવા આકળો થઈ જાય. એટલે કે તે ભગવાન સંબંધી ક્રિયાઓનો વિયોગ જરા પણ ચલાવી ન લે તે વિના તેને વ્યગ્રતા અનુભવાય. અતિ આતુર રહે. એવું જણાય ત્યારે એમ જાણવું જે એ ભક્તને તીવ્ર શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધાવાળો હોય તે ઈન્દ્રિયોને તત્કાળ વશ કરે છે.

જેને શ્રદ્ધા મંદ હોય તેની ઈન્દ્રિયો વિષય સન્મુખ તીક્ષ્ણપણે વર્તતી હોય તે ગમે તેટલી સંતાડવા જાય તો પણ સૌને જણાઈ જાય છે. કારણ કે ઈન્દ્રિયોનું રૂપ વાયુના વેગ જેવું છે. દેખાય નહિ પણ સર્વને અનુભૂતિ કરાવે છે. તેમ ઈન્દ્રિયોની વૃત્તિ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે ને કપટે કરીને ઢાંકવા જાય તો માણસોને ‘કપટી છે એમ જાણી’ ને સૌને અતિશય અવગુણ આવે છે. માટે વિષય ભોગવવાની તીક્ષ્ણતા કોઈ પ્રકારે છાની રહેતી નથી.

તેને ટાળ્યાનો પણ એ જ ઉપાય છે કે પરમેશ્વરે બાંધેલા જે નિયમ છે તેમા ઈન્દ્રિયોને મરડીને રાખે તો તીક્ષ્ણતા મટી જાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ ઈન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો તીવ્ર વૈરાગ્યે કરીને વિષય જીતાય છે. તે થકી પણ નિયમવાળાને વિશેષ જીતાય છે. માટે તે નિયમને અતિ દૃઢ રાખવા અને મંદ શ્રદ્ધા હોય તો પણ માહાત્મ્ય જાણે તો શ્રદ્ધા ઉત્કૃષ્ટ થાય છે ને ન હોય તો નવીન શ્રદ્ધા જન્મે પણ છે. માટે ભગવાન તથા કથા કીર્તનાદિ ભક્તિનુ માહાત્મ્ય જાણવું તો શ્રદ્ધા વૃદ્ધિ પામે ને ઉત્તમ બને.