પ્રતિપાદિત વિષયઃ
નરનારાયણ ભગવાન ભક્તને અર્થે તપ કરે છે.
મુખ્ય મુદ્દાઃ
૧. જે પરમાત્માની સાચી આરાધના કરવા તત્પર થાય છે તેને ભગવાનની તપશ્ચર્યાનો ફાયદો મળે છે.
ર. ભગવાનને પ્રતાપે ભક્તની સાધના પૂર્ણ કક્ષાએ પહોંચે છે.
વિવેચન :–
શ્રી નરનારાયણ ૠષિના તપનું આ વચનામૃત છે. પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે શ્રી નરનારાયણ ૠષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપ કરે છે. છતાં સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ? ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો. ભગવાન જે તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે જ કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા. અહીં આપણને એક આશંકા પણ થાય છે કે બધા જ ભક્તને પણ કેમ સરખો ફાયદો દેખાતો નથી ? તો તેનું સમાધાન એ છે ભગવાન પોતાના ભક્તને અર્થે તપ કરે છે તે માત્ર ભક્તના વેશને આધારે તેની વહેંચણી નથી કરતા. ભડકાછાપ તિલક ચાંદલો, સુંદર તાજું કરાવેલ મુંડન અને કપડામાં નાખેલ ઘાટી ધૂળ તપની વહેંચણીનું માપદંડ નહીં હોય તેવું જણાય છે. ભક્તમાં એનું પરિણામ દેખાતું નથી. તેથી એવું અનુમાન કરી શકાય છે.
હવે પ્રશ્ન એ છે કે ભગવાનનું તપ ભક્તને વારસામાં મળવાનો માપદંડ શો હોઈ શકે ? તો મહારાજ કહે છે કે ભરત ખંડમાં અતિશય દુર્લભ એવા મનુષ્ય દેહની આધ્યાત્મિક કિંમત સમજીને, ગરજુ થઈને પરમાત્માની આરાધના કરે છે, તેના અનુગ્રહને માટે ભગવાન તપ કરે છે. ખાલી ભક્તને નામે તપ કરતા નથી. જેમ રેડિયો સ્ટેશન કે ટી.વી સ્ટેશન પરથી સમાચાર કે ચિત્રો પ્રસારિત કરવામાં આવે ત્યારે તેમને ઝીલવા માટે રીસીવરમાં પણ યોગ્ય ફ્રિકવંસીએ કરીને જ તેને મેળવી શકાય. ફ્રીકવંસી ન મળે તો અવાજ અને ચિત્રો મેળવી ન શકાય. તેમ ભગવાન જે હેતુ માટે તપ કરે છે તેને અનુરૂપ હેતુ લઈને ભક્ત ઝીલવા તૈયાર થાય તો જ ભગવાને રીલે કરેલું તપ ભક્ત મેળવી શકે, નહીં તો ભગવાન તો રીલે (મોકલ્યે જ ) કર્યે જ રાખે અને ભક્તની આજુબાજુમાં જ તે તપનો પાવર આંટા મારતો હોય તો પણ રીસીવર વિના મેળવી ન શકે(જેને આપણે સ્ટેશન મેળવવું કહીએ છીએ) માટે આજુબાજુમાં સૌથી નજીક હોય તો પણ મેળવી ન શકાય.
મહારાજ કહે છે, અતિ દુર્લભ મનુષ્ય દેહ જાણીને નરનારાયણ ભગવાને કરુણા કરી છે ને આપણા કલ્યાણની વૃદ્ધિ માટે ભગવાન તપ કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય, આદિ ગુણોથી યુક્ત એવું ભગવાનનું તપ છે. તેનાથી અલ્પ શક્તિવાળા; પરંતુ ખપવાળા અને ભગવાનના ગરજુ ભક્તોની શક્તિ વધી જાય છે ને ભગવાનના માર્ગમાં ચાલવા માટે બળિયા થઈ જાય છે. તેને નરનારાયણ ભગવાનના તપની મદદ મળે છે. ત્યારે મહારાજ કહે છે કે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું જે તેજ તેને વિષે સાક્ષાત્એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. તે ભક્તનું નિર્વિધ્ન કલ્યાણ થાય છે; પરંતુ ભગવાનના યથાર્થ ભક્ત નથી તેને ભગવાનના તપનો ફાયદો મળતો નથી. તેનું કલ્યાણ થતું નથી.