સ–૧૪ : પ્રમાદ અને મોહનું

પ્રતિપાદિત વિષયઃ

પ્રમાદ તથા સ્થૂળ–સૂક્ષ્મ દેહનાં કર્મ.

મુખ્ય મુદ્દાઃ

૧. જે કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું હોય તે કરાય તેને પ્રમાદ કહેવાય છે.

ર. જેને પતિવ્રતાની ભક્તિ કરવી તેને પ્રમાદનો ત્યાગ કરવો.

૩. સ્થૂળ દેહ જેટલું જ સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગે છે.

વિવેચન :–

આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠ આદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામા કહ્યુ છે.’યદ્‌ગત્વા ન નિવરતન્તે તદ્ધામ પરમં મમ ।'(ગીતાઃ૧પ–૬) જે પડતો હશે તે શે દોષે કરીને પડતો હશે ? ત્યારે મહારાજ કહે, એવો કોણ પડયો જે એક તો બતાવો ? ત્યારે સ્વામી કહે એક તો જય વિજય, બીજા રાધિકાજી અને ત્રીજા શ્રીદામા. ત્યારે મહારાજ કહે, એમાં જય વિજય પડયા તે તો પોતાના સંતનો મહિમા બતાવવા માટે પડયા અને રાધિકાજી પડયા તે તો પોતાને અવતાર લેવો હતો તે નિમિત્ત માટે ભગવાનની ઈચ્છા હતી. માટે તે પડયા ન કહેવાય. ધામને પામીને કોઈ કદાપિ પડતો નથી. જે પડે છે તે આધુનિક સાધન દશામાં જ પડે છે. ભગવાનની ઈચ્છા હોય ત્યારે તો ગમે ત્યાંથી અવતાર સંભવી શકે છે. તે તો પાછા ધામમાં કાર્ય કરીને જાય છે. તે પડયા ન કહેવાય. માટે ધામમાંથી ન પડે એ નિશ્ચિત વાત છે.

પછી મહારાજે જ મુનિઓને પૂછયું. ”મહાભારત”ના ઉદ્યોગ પર્વને વિષે સનત્સુજાત ૠષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યુ છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યા છે. પ્રમાદ અને મોહ એનું જ નામ માયા છે. ‘પ્રમાદો વૈ મૃત્યુમહં બ્રવીમિ ।’ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ અને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે ? એ પ્રશ્ન છે. ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યુ જે માહાત્મ્યનો અતિ વિચાર કરે ને પ્રમાદ ને મોહ ન ટળે તો પણ ઝાઝી ચિંતા ન રાખે.

ત્યારે વળી મહારાજે પૂછયું કે જે ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટય કેટલી છે ને ન રાખે તેમાં વિશેષ શો છે ? ત્યારે સ્વામી કહે છે ભગવાનનું બળ(મહિમાનું બળ) રાખે ને સાધનનું બળ ન રાખે એ વિશેષ છે. ત્યારે મહારાજ કહે, તમારી આ અવળી સમજણ છે. કારણ કે ભગવાનનો મહિમા સમજવો એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તે મહિમા શુભ પરિણામ લાવનારો હોવો જોઈએ. જો તેનું અંતે શુભ પરિણામ ન આવતું હોય અને તો પણ તે મહિમા તરીકે જ ગણાતો હોય તો મહારાજ કહે મોક્ષના માર્ગની સમજણ નથી. ભગવાનને રાજી કરવાની સમજણ નથી, પણ અવળી સમજણ કહેવાય.મહિમા તટસ્થ ગતિવાળો છે. તેની એક બાજુ ઉપાસના છે એટલે કે પરમાત્મા પ્રત્યે આપણો પોતાનો સેવકભાવ છે અને બીજી બાજુ પ્રમાદ ને મોહ છે.

પ્રમાદ એટલે જે કરવાનું હોય તે ન કરે અને જે ન કરવાનું હોય તે કરે તેને પ્રમાદ કહેવાય અથવા પ્રાયોરીટી–અગત્યતાના ધર્મ પ્રમાણે ન કરવું અને ઉલ્ટા સુલ્ટું કરવું તે પણ એક જાતનો પ્રમાદ છે. જ્યારે મોહ એટલે મહારાજે વચ.ગ.મ.૧ મા વિશેષ ભ્રાંતિ દશાને મોહ કહ્યો છે, પણ તેને જાડી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં(ભગવાન કે સાચા ભક્માં) ચોટવાનું છે ત્યાં ન ચોટાય અને નથી ચોટવાનું (તે તો અનંત ઠેકાણા છે) ત્યાં ચોટાય તેને મોહ કહેવાય. તેથી અતિ મહિમા કાં તો પ્રમાદ અને મોહનું પોષણ કરે છે અને કાં તો પરમાત્મા પ્રત્યે સેવકભાવ(ઉપાસના)નું પોષણ કરે છે. બન્ને ન કરી શકે. માટે આપણે એવો મહિમા ગાતા હોઈએ કે તેના ઓથે આપણો પ્રમાદ અને આપણો મોહ સારી રીતે પોષણ પામે તથા ફાલે ફૂલે તો આપણી ઉપાસના જરૂર દુબળી પડી જાય અને સુકાઈ જાય. કારણ કે પ્રમાદ અને મોહ તે ઉપાસનાના તો શત્રુ છે.

મહિમાની સાથે એટલો બધો તેને શત્રુ ભાવ નથી કારણ કે મહિમા અને પ્રમાદ–મોહ સાથે એક ભક્તમાં સંપીને નિવાસ કરી શકે છે; પરંતુ પ્રમાદ–મોહ અને ઉપાસના એટલે કે ભગવાન પ્રત્યેનો સેવકભાવ સાથે રહી શકતા નથી. એટલે બે માંથી એકને વિદાય લેવાની થાય છે. હવે તટસ્થ નિર્ણાયક મહિમા છે. એ જેની મદદમાં જાય તે વધે અને બીજો વિદાય લે. મહિમા બન્નેને મદદ કરનારો અને પોષણ કરનારો બની શકે છે. માટે મહિમાને કઈ બાજુ ઝુકાવવો તે ભક્તની અંદરની રુચિ ઉપર આધાર રાખે છે. જો ભક્ત ઉપાસનાનો પક્ષકાર હોય તો તેને વધારવા મહિમાનો ઉપયોગ કરે અને ભક્તને પોતાના પ્રમાદ અને મોહ અંતરમાં પ્યારા લાગતા હોય તો તેને પોષવામાં મહિમાનો ઉપયોગ કરે છે અને સેવાભાવ પાડે છે.

મહારાજ પતિવ્રતાનું દૃષ્ટાંત આપીને કહે છે કે કોઈ પતિવ્રતા ખટકો ન રાખે ને ગાફલાઈ રાખે તો તેનો પતિ તેની સેવાથી કેમ રાજી થશે ? અને તે પતિવ્રતા કેમ ગણાશે ? તેમ પ્રમાદ અને મોહનું પોષણ કરીને સાચા સેવક કેમ બની શકીશું ? ભક્ત કેમ બની શકીશું ? મહારાજ કહે છે કે જેમ ભાંગ્ય–મદિરા પીવે તો વિમુખને કેફ ચડે તેમ ભક્તને પણ કેફ ચડે છે ને ગાંડો થાય છે. ‘પીત્વા પ્રમાદ મોહ મદિરા–ઉન્મત્ત ભૂતમ જગત્‌।’ પરંતુ ભગવાનના ભક્ત અને વિમુખમાં એટલો ફેર છે કે વિમુખને ટાળ્યા ટળે નહીં અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે ને ગાફલાઈ રાખે તે તો ભક્ત હોય તો પણ સારો નહીં.

પછી મહારાજે ફરી પ્રશ્ન પૂછયો. જે સ્થૂળ શરીર કેટલા તત્ત્વનું છે અને સૂક્ષ્મ શરીર કેટલા તત્ત્વનું છે ? સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે કે કાંઈક ઓછા અધિક છે ? એ બે શરીરનું રૂપ કરો. ત્યારે સંતોથી ઉત્તર ન થયો. ત્યારે મહારાજ બોલ્યા જે સ્થૂળ દેહ પૃથ્વી આદિ પંચ મહાભૂતનું છે અને સૂક્ષ્મ દેહ દશ ઈન્દ્રિયો, પંચ પ્રાણ, ચાર અંતઃકરણ મળી ઓગણીશ તત્ત્વનું છે; પરંતુ સ્થૂળ દેહથી સિદ્ધ થતું કાર્ય કરવા માટે સૂક્ષ્મ દેહ અનુસ્યૂતપણે વર્તે છે. ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે સિદ્ધ થાય છે. માટે સ્થૂળ દેહ પણ ચોવીસ તત્ત્વનું ગણાય અને સૂક્ષ્મ દેહના સર્વે વિષય પણ સ્થૂળ દેહના આધાર વિના સિદ્ધ થતા નથી માટે સ્થૂળ દેહ પણ ચોવીસ તત્ત્વનું ગણાય અને સૂક્ષ્મ દેહના સર્વે વિષય પણ સ્થૂળ દેહના આધાર વિના સિદ્ધ થતા નથી માટે સૂક્ષ્મ દેહ ભેળું પણ સ્થૂળ દેહ ભળે ત્યારે તે વિષય સિદ્ધ થાય છે. માટે સૂક્ષ્મ દેહને વિષે પણ ચોવીસ તત્ત્વ છે. તો પછી અલગ અલગ તત્ત્વ માનવાની જરૂર કેમ ઊભી થાય છે ? બન્નેને અલગ અલગ ન માનો. સ્થૂળ સૂક્ષ્મ ભેદ પણ ન માનો અને ચોવીસ તત્ત્વનું દેહ એમ જ માની લેવું વધારે સીધું ગણાશે.

તો તેનું સમાધાન એ છે કે મૃત્યુ પછી બન્નેનું અલગ અસ્તિત્વ સ્વતંત્રપણે ઉપલબ્ધ થાય છે. પંચ ભૂતનું સ્થૂળ શરીર અલગ પડી રહે છે અને સૂક્ષ્મ શરીરનું ઉત્ક્રમણ થાય છે. માટે બન્નેને અલગ અલગ માનવાની જરૂર પડે છે અને બન્નેમાં એકત્વ માનવાની ત્યારે જરૂર પડે છે કે સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહની જાગ્રત અને સ્વપ્નને વિષે એકતા છે એમ માનવામાં ફરજ પડે છે.

ત્યારે મુનિએ પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! આ તો જેવું સ્થૂળ દેહ છે તેવુ જ સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમ જ સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે છે કે કાંઈ ફેર છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સ્થૂળ દેહને વિષે જેવી દૃઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિષે હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે અને સૂક્ષ્મ દેહના કર્મને શાસ્ત્રકારો તથા ૠષિઓએ અલ્પ કહ્યા છે તે તો જીવને હિંમત દેવા સારુ છે અને જેને સ્થૂળ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહનું કર્મ પણ લાગતું નથી.

કર્મનું ફળ લાગવું એટલે કે કરેલા કર્મનું બંધન ઊભું થવું અથવા તેથી થતું સુખદુઃખ ભોગ ઊભો થવો અને તેને ભોગવવા ઊંચ–નીચ દેહ ધારણા કરવા પડે તે કર્મ લાગ્યું કહેવાય. એ કર્મનું ફળ કોને ન લાગે ? તેને માટે શાસ્ત્રમાં અનેક સંદર્ભો આપેલા છે.

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ ।
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાસ્યિંસિ ।।ગીતા ૨;૩૮।।

સુખ–દુઃખ, લાભ–હાનિ, જય–પરાજયમાં સમતા રાખી હર્ષ–શોક, રાગ–દ્વેષનો ત્યાગ કરીને તું યુદ્ધને માટે તેયાર થઈ જા.(તારી જે કોઈ ફરજ છે તે બજાવ)તો તને પાપ નહીં લાગે.

યજ્ઞાર્થાત્કર્મણોન્યત્ર લોકોયં કર્મબંધનઃ ।
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસંગઃ સમાચર ।।ગીતા ૩–૯।।

યજ્ઞના નિમિત્ત સિવાયના એટલે કે ભગવત્‌અર્થે કરવામાં આવતા કર્મો સિવાયના જ કર્મો આ લોકમાં બંધન કરે છે. માટે તું આસક્નિો ત્યાગ કરીને પરમાત્માને માટે કર્મ કર. તેનાથી તને બંધન નહીં થાય

જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।

ત્ક્ત્વા
દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન ।।ગીતા ૪–૯।।

મને દિવ્ય જાણે, મારા જન્મ–કર્મને દિવ્ય જાણે તો તેને પણ કર્મ લાગતું નથી.

બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યઃ ।
લિયિંતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ।।ગીતા પ–૧૦।।

પરમાત્માને અર્પણ થઈને અથવા કર્મ અર્પણ કરીને પણ કમળને જેમ જલ સ્પર્શતું નથી તેમ તેને પાપ લોપી શકતું નથી

યસ્ય નાહંકૃતોભાવો બુદ્ધિર્યસ્ય ન લિયિંતે
હત્વાપિ સ ઈમાલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ।।ગીતા ૧૮–૧૭।।

જેને અહંકાર નથી ને જેને આસક્તિ નથી તેને કોઈ પાપ સ્પર્શતું નથી. તેને કોઈ બંધન કરી શકતું નથી.

અબુધ દશામાં થયેલ કર્મનું ફળ ભોગવવું પડતું નથી દા.ત. ત્રણ વર્ષનો નાનો બાળક ખાટલામાં રમત કરીને કૂદતો હોય ને તેના પગ ત્રણ માસના સૂતેલા બાળકના ગળા ઉપર આવી જાય ને મરી જાય તો પણ તેને માણસ માર્યાનું કર્મ ન લાગે.

મનુષ્યેતર યોનિમાં થયેલાં કર્મો દા.ત. સર્પ કરડે ને કોઈ ગાય અથવા બ્રાહ્મણ મૃત્યુ પામે તો પણ તેને ગૌહત્યા કે બ્રહ્મહત્યા ન લાગે ને ભોગવવા ન પડે.

ત્રણ દેહથી નોખા પડી તેનાથી પર થઈને પછી કરેલું કર્મ બંધન કર્તા બનતું નથી.

ક્લેશ (અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ) રહિત થયેલું કોઈ પણ કર્મ બંધનરૂપ થતું નથી – યોગસૂત્ર

મહારાજની આજ્ઞા પ્રમાણે કરાયેલુ કર્મ બંધનકારક થતું નથી.

અહીં મહારાજ કહે છે કે જેમ સ્થૂળ દેહ ને વિશે ને સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને સ્થૂળ સૂક્ષ્મ દેહનું કોઈ કર્મ લાગતું નથી. તે કોઈ દિવસ અશુભ કર્મો તો કરતો જ નથી અને પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખને ભોગવતો થકો પોતાને દેહથી અલગ માને છે. જે દેહાભિમાની છે તેને તો સ્થૂળ સૂક્ષ્મ દેહનાં બધાં જ કર્મ લાગે છે. કારણ કે તે પોતાને ભક્તો માને છે.

મહારાજ કહે છે કે એવા અજ્ઞાની જીવ છે તેને અંત સમે જમ દેખાય છે. તેને દેહની વિસ્મૃતિ થઈ જાય છે ને મૂર્છા વસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને છોડાવીને જીવને જુદો કરે છે ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે અને તે દેહ વડે યમપુરીમાં કર્માનુસારે દુઃખને ભોગવે છે. શેષ વધેલાં કર્મો માટે ચોરાશીમાં જાય છે. જ્યારે ભગવાનના ભક્તને પણ અંતકાળે ભગવાન અથવા સંત દેખાય છે. દેહની વિસ્મૃતિ થઈ જાય છે અને મૂર્છા અવસ્થા આવે છે. પછી દેહને મૂકીને જુદો થાય છે. ત્યારે ભગવાન તેને ભાગવતી તનુ આપે છે. તેણે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરીને ભગવાનની સેવામાં રહે છે. ભગવાનના ભક્તને એ વિશેષતા છે કે કિંચિત્‌ન્યૂનતા હોય તો પણ ભગવાન અંતસમયે તે સ્થૂળ સૂક્ષ્મ દેહની આસક્તિ મુકાવે છે અથવા તે જે રીતે દૂર થાય તેવી યોજના કરે છે અને છેવટે શુદ્ધ કરી સેવામાં રાખે છે. એટલું બીજા જીવથી વિશેષ છે.