પ્રતિપાદિત વિષયઃ
ભગવાનની મૂર્તિનો પ્રભાવ અથવા મહિમા.
મુખ્ય મુદ્દો
શ્રીજી મહારાજનો (મૂર્તિનો) મહિમા સમજવાથી કલ્યાણના માર્ગમાં કોઈ જાતની ખામી રહેતી નથી.
વિવેચન :–
આ વચનામૃત તેજનું વચનામૃત કહેવાય છે. તેજનો અર્થ પ્રકાશ પણ થાય છે ને તેજનો અર્થ પ્રભાવ પણ થાય છે. અહીં મૂર્તિનું તેજ એટલે કે પ્રભાવની વાત કરવામાં આવી છે. મૂર્તિનો મહિમા અથવા પ્રભાવ શું છે ? તે વર્ણવામાં આવ્યું છે.
વળી, આ વચનામૃત મંગલાચરણનું પણ ગણાય છે. સદ્ગ્રંથોમાં ગ્રંથના આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ કરવામાં આવે છે. પ્રથમનું ૧લું, મધ્યનું ૧૩મું અને અંત્યનું છેલ્લું. આ ત્રણેય ભગવાનની મૂર્તિના મહિમાના અને સમગ્ર વચનામૃતના સારરૂપ અને સમગ્ર ગ્રંથના કેન્દ્રરૂપ ગણાય છે. એ દૃષ્ટિએ પણ અત્રે મહારાજની મૂર્તિનો પ્રભાવ–મહિમા વર્ણવીને સાર્થક થયું છે.
આ વચનામૃતમાં મહારાજે પરમાત્માની મૂર્તિ એટલે કે પોતાના સ્વરૂપનો મહિમા કહ્યો છે. પ્રથમ તો મહારાજ વાત કરે છે કે મોટેરા હો ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. અધ્યાત્મમાર્ગમાં જેટલું જાણવાનું માહાત્મ્ય છે તેના કરતાં પણ આપ્ત પુરુષોના વચનને માનવાનું વધુ મહત્ત્વ છે. તેથી જ તો મહારાજને થયું હશે કે હું જે આ વાત કરું છું તે જીવમાંથી માની શકો એવા હો તે આગળ આવો. એ સાચું પણ છે. કારણ કે આ વચનામૃતમાં એવી કોઈ બુદ્ધિની સૂક્ષ્મતાની વાત થઈ હોય તેના કરતાં માનવું અઘરું પડે એવી વાત જરૂર થઈ છે.
તેથી તો છેલ્લે પણ મહારાજે ભલામણ કરી કે જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ માનજો અને એટલું ન માની શકો તો એટલું તો જરૂર સ્વીકારજો કે એ મૂર્તિને મહારાજ દેખે છે. તો પણ તમારે મારે વિષે હેત રહેશે. મહારાજ કહે છે કે મારે જે આ વાત કરવી છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરેલ છે ને સર્વે શાસ્ત્રમાં મળતી આવે છે. કેવળ તમારા અને ઝાઝા જીવના કલ્યાણ માટે કરવી છે; પણ દંભે કરીને નથી કરવી. માન કે મોટયપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે કોઈને એ વાત સમજાઈ જાય એટલે કે જીવમાં મનાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારુ કરીએ છીએ.
મહારાજ કહે છે કે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે અતિ રૂડા પંચવિષયમાં પણ મારુ મન ઉદાસ રહે છે. મોટી રાજસત્તા કે ભીખ માગવી તેમા કયાંય રસ કે તિરસ્કાર નથી જણાતો, સમ વર્તે છે. ઉદાસીનતા રહે છે. માન–અપમાન, કિંમતી વસ્તુ કે કચરો તેમા પણ આસક્તિ કે તિરસ્કાર થતો નથી, પણ ઉદાસીનતા અને સમતા રહે છે. વળી મારા અંતરમાં તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો ભાર નથી જણાતો. મારે વિષે સદ્ધર્મ છે તેનો ભાર નથી જણાતો ને મારે વિષે જ્ઞાન છે, જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. જે કાંઈ વખાણ કરું છું તે ઉપરથી કરુ છું. મહારાજને આવું કેમ અનુભવાય છે ?
તો મહારાજના બતાવ્યા પ્રમાણે મહારાજના અંતરમાં એક ધ્યેય કેન્દ્ર અચળ નક્કી થયેલું છે. મહારાજ તો સાક્ષાત્પરમાત્મા છે તેમને તેવું કશુ નક્કી કરવાની જરૂર નથી; પણ મનુષ્ય નાટક કરીને આપણને તેમ કરાવવા માટે પોતાનું દૃષ્ટાંત લઈને શીખવે છે. આપણને તે કેન્દ્ર પકડાયું નથી એટલે સારી નરસી ક્રિયામાં હર્ષ–શોક, આસક્તિ–તિરસ્કાર વગેરે પ્રતિક્રિયાઓ થયા કરે છે. મહારાજ કહે છે કે અમને વૈરાગ્યાદિક સદ્ગુણોનો પણ ભાર નથી જણાતો.
ગૃહસ્થને પૈસા કે સત્તા મળી હોય અને ત્યાગી ને વૈરાગ્ય હોય કે નિયમ વધારે પાળતા હોય ત્યારે બન્ને જણા પેની ઊંચી રાખીને ચાલતા હોય છે. શા માટે એમ થાય છે ? તો તેણે એમ માન્યું છે કે અમને મળ્યું છે તેનાથી આગળ કાંઈ નથી. મહારાજને વૈરાગ્ય, જ્ઞાન કે ધર્મ નિયમથી પણ વધારે કિંમતી એક વસ્તુ દેખાય છે. માટે મહારાજ કહે અમને તેમનો ભાર નથી જણાતો. એ વસ્તુ છે પરમાત્માની મૂર્તિ ને તેના પ્રભાવની જાણકારી.
એક વર્તુળ દોરેલું હોય ને બરાબર તેની જ ઉપર બીજું વર્તુળ દોરવું હોય તો પ્રથમ તો તેનું સાચું કેન્દ્ર પકડવું પડે. એ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ઉપર દોરેલ વર્તુળ પ્રથમ વર્તુળમાં બંધ ન બેસે. એક બાજુ અંદર આવી જાય તો બીજી બાજુ બહાર નીકળી જાય. આવું થાય તેને ક્રિયા–પ્રતિક્રિયા કહેવાય. એવી જ રીતે જ્યાં સુધી આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર ન પકડાય ત્યાં સુધી જીવનમાં હર્ષ–શોક, આસક્તિ–તિરસ્કાર વગેરે ક્રિયા–પ્રતિક્રિયા આવ્યા કરે ને જીવનમાં સમતુલા રહેતી નથી.
મહારાજ કહે અધ્યાત્મમાર્ગમાં કેન્દ્ર શું છે ?
તો પરમાત્માની મૂર્તિ અને તેનું બીજી વસ્તુ, ઉપાયોઅને વ્યક્તિઓ કરતાં વિશેષતા–વિલક્ષણતા બતાવતું માહાત્મ્ય. એ જ્યાં સુધી હાથમાં નથી આવ્યું ત્યાં સુધી સમતુલા જળવાતી નથી. તેમજ હૃદયમાંથી કામાદિક દોષો જતા નથી અને કોઈ સંજોગોમાં દોષોને તક ન મળી ને વૈરાગ્ય આદિક સાધનની સફળતા મળી તો પણ તેને વૈરાગ્ય આદિક સદ્ગુણોનો અહોહો થઈ જાય છે ને મુખ્ય કેન્દ્રનું મહત્ત્વ ચુકાઈને ગૌણ થઈ જાય છે. તે ગુણનું અભિમાન સવાર થઈ જાય છે. જ્યારે મહારાજ કહે છે કે અમને અમારા સદ્ગુણોનો પણ ભાર નથી જણાતો.
સદ્ગુણોમાં પણ વધારે અહોહો થવું એ મહારાજની દૃષ્ટિએ થોડી અધૂરાઈ છે. અધૂરાઈની ખાસિયત એ છે કે તે મર્યાદારેખાની બહાર ચાલીને પોતાની જાતને પ્રદર્શિત કરે છે. જો વચ્ચે ચાલે તો જાતપ્રદર્શન ન થઈ શકે અને પૂર્ણતાને પોતાની જાતને છુપાવવાની આદત છે. તેથી તે અતિરેકમાં જતા નથી ને વચ્ચેનો માર્ગ પસંદ કરે છે. જેમ કામાદિકે યુક્ત વર્તવું તે ખામી છે તેમ વૈરાગ્યાદિકમાં અહોહો થઈ જવું એ પણ ખામીની નિશાની છે. એટલે તો તે સદ્ગુણોનો તેને ભાર અનુભવાય છે ને પોતાને પણ તે ગુણોને લીધે બીજાના કરતાં વધારે વજનદાર અનુભવે છે. પરંતુ મહારાજ કહે અમારે તો તે સદ્ગુણો પૂર્ણ કક્ષામાં હોવા છતાં તેનો ભાર અમને જણાતો નથી. એનું કારણ અમે સૌથી ભારે વસ્તુને જીવનમાં અપનાવી છે અને તે છે ભગવાનની મૂર્તિ.
જો બીજા પદાર્થો, વિષયો અને વ્યક્તિ કરતાં મૂર્તિનું મહત્ત્વ, સુખ, પ્રભાવ વધારે મનાય તો બીજી પ્રતિક્રિયાઓનું તુરત શમન થઈ જાય છે અને કેન્દ્રમાં વૃત્તિ ચોટે છે. મહારાજ કહે છે કે અમે સારાં પદાર્થ, વ્યવહાર કે પંચવિષયમાં બળાત્કારે વૃત્તિ જોડીએ ત્યારે જોડાય છે, નહિ તો આકાશમાં ફગાવેલ પથ્થરની જેમ ધબ લઈને પાછી વળી આવે છે. એનું કારણ શું છે ? તો અમારા હૃદયાકાશમાં એકલું તેજ દેખાય છે ને તેમા એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તેની ચારેકોર મુક્તના મંડળ છે તે સર્વે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આવી મૂર્તિ અમને ત્રિકાળમા સદાય દેખાય છે. એ મૂર્તિમાં મારુ મન હમેશાં લુબ્ધ રહે છે. એ મૂર્તિને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. એટલે આપણને તેનું મહત્ત્વ મનાતું નથી.
જગતના સારા પદાર્થો, વ્યવહાર, ધન, ઉત્તમ પંચવિષયમાં જે સુખ અને રસ દેખાય છે તેવો કે તેથી વધારે આપણને મૂર્તિમાં નથી દેખાતો કે નથી મનાતો. દંભીને દંભમાં જે રસ આવે છે, માનીને માનમાં જે રસ અને મહિમા દેખાય છે, તેનાથી વધારે મૂર્તિમાં આપણને નથી દેખાતો. અરે ! તેટલોય નથી દેખાતો. ત્યાગી સાધકને વૈરાગ્યનું, ધર્મનું અને આત્મનિષ્ઠાનું જેટલું મહત્ત્વ સમજાયું છે તેટલું કે તેથી વધારે આ મૂર્તિનું મહત્ત્વ નથી સમજાયુ. એટલે તો તે વસ્તુઓની પ્રતિક્રિયાઓ થાય છે. મહારાજ કહે છે મૂર્તિને તમે પણ દેખો છો પણ પેલાં પદાર્થો કરતાં મૂર્તિમાં વધારે સુખ અને વધારે માલ છે એવું તમારાથી પૂર્ણ માની શકાતું નથી. એટલે તો વચનામૃતની શરૂઆતમાં જ ઈચ્છા કરે છે કે અમે જે માનીએ છીએ તેવું માની શકતા હોય તે આગળ આવો પણ આવા ચોખ્ખા શબ્દો કહે તો ઠીક ન લાગે. માટે ગ્રંથની ભાષામાં કહ્યું કે વાતમાં સમજતા હોય તે આગળ આવો. મારે અધ્યાત્મના રહસ્યની વાત કહેવી છે.
મહારાજ કહે છે કે જો તમને પણ અમારી જેમ બીજાં કરતાં મૂર્તિનો મહિમા, સુખ, રસ વધારે માની શકાય તો તમે પણ અમારી જેમ જ નિર્બંધપણે વર્તવા લાગશો. તે મૂર્તિ કેવી છે ? તેનો પ્રભાવ શો છે ?
તો મહારાજ કહે છે કે તે આત્મા અને અક્ષરનું તત્ત્વ છે. એટલે કે આત્મા તથા અક્ષર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ અને વધુ મહત્ત્વવાળું તત્ત્વ છે. વધુ સુખપ્રદ તત્ત્વ છે; પણ આપણે એવું અંતરથી સ્વીકારી પણ શકતા નથી અને અનુભૂતિમાં પણ આવતું નથી.
વળી એ મૂર્તિ મનુષ્ય જેવી દેખાય છે. તો પણ મનુષ્ય જેવી નથી. તેનાથી દરેક પ્રકારે અતિ વિલક્ષણ ફળ આપનારી છે. મહારાજ કહે એ મૂર્તિનું કોઈ ધ્યાન કરે તો તે સામાન્ય મનુષ્ય જેવી મૂર્તિ દેખાય છે તો પણ ધ્યાનનો કરનારો જીવ માયાને તરી જાય છે ને તેને તે મૂર્તિ તેજોમય દેખાય છે અને અક્ષરના સાધર્મ્યપણાને પામે છે ને અક્ષરના સુખ કરતાં પણ વિલક્ષણ સુખને ધ્યાનનો કરનારો પામે છે. એવી એ મૂર્તિની બીજાં કરતાં વિલક્ષણતા છે.
ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય જેવા થઈને આવે છે ત્યારે પણ તેવા ને તેવા જ કૈવલ્ય સ્વરૂપે હોય છે. તેને માયાનો ભાર સ્પર્શ કરી શકતો નથી. ઉલ્ટું તેના સંબંધને જે જે પામે છે તે તુરત માયાના બંધનથી મુકાઈ ને મુક્ત થાય છે ને નિર્ગુણભાવને પામે છે. એવી એ મૂર્તિમાં વિલક્ષણતા છે. પણ મહારાજના કહેવા મુજબ આપણે એવું અંતરથી પૂર્ણપણે માની શકતા નથી. જો માની શકતા હોઈએ તો તેનું પરિણામ દેખાવું જોઈએ. જેને એવું મનાઈ જાય તેને મહારાજ કહે અમારી પેઠે પંચવિષયમાં કયાંય પ્રીતિ રહે નહિ. તેને વૈરાગ્યાદિક સદ્ગુણોનું પણ માન આવે નહિ. મહારાજ કહે તે માયાથી સ્વતંત્ર થાય છે. એવો તે મૂર્તિનો પ્રભાવ છે.
તે મૂર્તિ અક્ષરાતીત છે. સર્વે અવતારનું કારણ છે. સર્વે અવતાર એ મૂર્તિમાંથી પ્રગટ થાય છે ને પાછા એ મૂર્તિમાં લીન થાય છે પણ આ મૂર્તિ કોઈમાં લીન થતી નથી. એવો એનો સર્વથી અધિક મહિમા છે.
તેમના પ્રાગટયની રીત પણ દેવ, મનુષ્ય, ૠષિ કે મુક્તો કરતાં અતિ વિલક્ષણ છે. તેને સૃષ્ટિના કોઈ નિયમ બંધનકર્તા બનતા નથી. તે કયારેક તો માતા–પિતાથી પ્રગટે છે. કયારેક તો ઈચ્છા પ્રમાણે પ્રગટે છે અને અંતર્ધ્યાન સમયે પણ કયારેક શરીર પડી રહે છે ને કયારેક તો શરીર સહિત અંતર્ધ્યાન થઈ જાય છે. આવી અનંત વિલક્ષણતાઓ એ મૂર્તિમાં છે તે બધી આપણા અંતરમાં યથાર્થ મનાય ત્યારે કલ્યાણના માર્ગમાં કોઈ પ્રકારનું વિધ્ન આવતું નથી. તેમા તો વિલક્ષણતા છે જ. આપણે માનીએ કે ન માનીએ પણ જો આપણાથી મનાય તો તેના પ્રભાવનો આપણને લાભ મળે. મહારાજ કહે એવો મૂર્તિનો મહિમા મનાયા વિના ગમે તેટલો ત્યાગ ને ગમે તેટલા ઉપવાસ કરો તોય ખામી ભાંગશે નહિ. આ મૂર્તિનું જેને જ્ઞાન થાય છે તેને તે જ્ઞાન જન્માંતરમાં પણ વૃત્રાસુર અને ભરતજીની જેમ નાશ નથી પામતું. બ્રહ્માદિકની સભામાં પણ આ મૂર્તિના મહિમાની જ વાત થાય છે. માટે મૂર્તિના આશ્રય જેવો કલ્યાણનો કોઈ માર્ગ નથી.
મહારાજ કહે સૌથી કઠણ માનવું તો એ છે કે એ જે મૂર્તિ કહી તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે. મહારાજ કહે છે કે આ વાતનો એટલો મહિમા છે કે તેને દેહ છતાં કરવાની અને દેહ મૂકીને દિવ્ય દેહે પણ નિત્ય આ જ વાર્તા કરવાની છે ને સમજવાની છે. આ વાર્તા સર્વે શાસ્ત્રોનો સિદ્ધાંત છે અને અમારા અનુભવની વાર્તા છે.