પ્રતિપાદિત વિષયઃ
કર્મની નિર્બંધકતા અને બંધકતા.
મુખ્ય મુદ્દો
૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે કે ધર્મ પુણ્ય સંપાદન કરવા માટે, અર્થ સમૃદ્ધિ સંપાદન કરવા માટે અને કામ ભોગ સંપાદન કરવા માટે. તે માટે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. શાસ્ત્રમાંથી ઉપરના ત્રણવાનાં પ્રાપ્ત થાય તેવું જ માર્ગદર્શન મેળવે છે. યજ્ઞ વ્રતાદિક જે કાંઈ શાસ્ત્રવિહિત શુભ કર્મ છે તેને ધર્માદિક માટે જ કરે છે. તેના ફળરૂપ દેવલોક, બ્રહ્મલોક, મૃત્યુલોક ને ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે; પણ ગુણાતીત એવું ભગવાનનું ધામ તેને પામતો નથી. જ્યા સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી જન્મ મરણ કે નરકનું દુઃખ તે મટે નહિ. માટે ધર્મ, અર્થ અને કામ સંબંધી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ ભક્તિરૂપ થઈ જાય છે ને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે…
આમયો યેન ભૂતાનાં જાયતે યશ્ચ સુવ્રત ।
તદેવ હ્યામયં દ્રવ્યં ન પુનાતિ ચિકિત્સિતમ્।।
એવં નૃણાં ક્રિયાયોગા સર્વે સંસૃતિ હેતવઃ ।
ત એવાત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે ।।
જેમ અતિશય ઘી સાકર વગેરે ખાવાથી રોગ થાય છે. તે જ વસ્તુને ડોકટર–વૈદ્યના કહેવા મુજબ તામ્રભસ્માદિક દવા સાથે ખાવાથી રોગનો નાશ કરે છે. તેમજ સર્વે ક્રિયાઓ જન્મમરણને વધારનારી છે પણ’પરે કલ્પિતા’ પરમાત્માને માટે થાય તો વાસનાનો નાશ કરીને મુક્તિ આપનારી બની જાય છે. ગીતામાં પણ કહ્યું છે કે…
‘યજ્ઞાર્થાત્કર્મણોન્યત્ર લોકોયં કર્મ બન્ધનઃ ।
તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર ।।’
યજ્ઞ એટલે પરમાત્મા ‘યજ્ઞો વૈ વિષ્ણુઃ।’ કર્મ બંધન કરનારું એટલે નથી કે તે કર્મ છે. કર્મ બંધન કરનારું એટલે જ બને છે કે તે ભગવાન કે ભગવાનના ભક્તને અર્થે કરવામાં નથી આવતું. શાસ્ત્રોમાં યજ્ઞ–પૂજા કે મંત્રોનું ફળ તેની વિનિયોજના (સંકલ્પ) કરે તેવી રીતે મળે છે. તેમજ કર્મફળ તે કોને અર્થે કરે છે ? તે પ્રમાણે તે બંધન કે મોક્ષ આપે છે. ક્રિયા તો તેની તે જ હોય છે. તેમા ઝાઝો બદલાવ થતો નથી.
માટે મહારાજ કહે છે કે એ વાત ખૂબ અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. ભગવાનના ભક્ત અને વિમુખ જીવની ક્રિયામાં ઘણો ફેર છે. વિમુખ જીવ જે ક્રિયા કરે છે તે પોતાની ઈન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે. જ્યારે ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે ક્રિયા છે તે તો સર્વે ભક્તિરૂપ છે અને ભક્તિ છે તે નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. પોતાના માટે કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાથી અને કર્મફળને ભગવાન કે ભક્તોને અર્થે સમર્પણ કરવાથી તે કર્મ સંસારનું બંધન તોડનારુ બને છે. માટે નૈષ્કર્મ્ય બને છે. માટે ભક્તની ક્રિયા બીજા સામાન્ય જીવની ક્રિયા જેવી ન જાણવી. ગીતામાં કહ્યું છે કે…
કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુ કૃત્સ્ન કર્મકૃત્।।
ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે અને ભગવાનના ભક્તની સેવાને અર્થે જે જે કર્મ કરે છે તેમા અકર્મને દેખે છે. એટલે કે બંધનરહિતતા દેખે છે–બંધન નિવારણતા દેખે છે. જ્યારે વિમુખ હોય ને તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે એટલે કે નિષ્ક્રિય થઈને બેઠો હોય તો પણ તેની તે નિષ્ક્રિયતામાં કર્મને દેખે છે એટલે કે બંધન દેખે છે–કર્મમાં ડૂબેલો દેખે છે. એવી દૃષ્ટિથી જોનારો સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે. મોક્ષ મેળવવામાં તે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે, યુક્ત છે. એટલે મોક્ષ પામવાને યોગ્ય છે. સર્વ કર્મનો કરનારો છે. માટે કોઈક ભગવાનને અર્થે સાચા ભાવથી કરતો હોય ને તેનો અવગુણ જો લે તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરીને રહે છે.