પ્રતિપાદિત વિષયઃ
સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો.
મુખ્ય મુદ્દા
૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો.
ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે.
વિવેચન :–
આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના ગર્ભનું, કલ્યાણના મૂળ બીજનું જતન કરવાનું કહ્યુ છે. જેમ પ્રથમ ગર્ભાધાનનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તેનું જતન કરીને ઉદરમાં સાચવવાથી સર્વાંગ સુંદર બાળકની પ્રાપ્તિ થાય છે. તેમ જેને આત્મકલ્યાણરૂપ ફળ જોઈએ છે અથવા ‘તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્।’ બ્રહ્મરૂપે ભગવતસેવારૂપ કલ્યાણ ફળની પ્રાપ્તિ જોઈતી હોય તો અહીં કહ્યું તે પ્રમાણે તેનું જતન કરવું જોઈએ.
મહારાજ કહે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તેને શ્રીમદ્ભાગવતમાંથી પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર સમજાય છે.
‘જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે….।।
અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમૂત્તયઃ…. ।।
વગેરે શ્લોકો ભગવાનના મહિમાને ગાય છે તો પણ ભગવાનના આકારની સ્પષ્ટતા કરતા નથી. પેટાળમાં મૌન રહે છે. એ શ્લોકોમાં કહેલી પ્રક્રિયા–સૃષ્ટિ પ્રક્રિયાઓ મહારાજ કહે મૂર્તિમાન પરમાત્મા વિના શકય નથી. એક બાજુ પરમાત્માને સૃષ્ટિના કર્તા તરીકે વર્ણવે છે પણ મૂર્તતાની વાણીથી સ્પષ્ટતા કરતા નથી. ખાલી અન્વયપણે અને વ્યતિરેકપણે તેટલા શબ્દો કહીને ચલાવી લે છે. તેથી મહારાજ કહે, જેના હૃદયમાં ભક્તિ ન હોય તો તેમાંથી પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર સમજાય છે. એટલે કે ભાગવત સાકાર–નિરાકારનો નિર્ણય સ્વયં આપી દેતું નથી. ભક્તિ જગાડે છે પણ આ નિર્ણય આપતું નથી. એટલે મહારાજે કહ્યું કે ભાગવતને ભણ્યા પહેલાં પ્રથમ જ સાકારપણાનો, પરમાત્માનો નિર્ણય સદ્ગુરુ પાસેથી ન કર્યો હોય તો ભાગવતના આધારે પણ હૃદયમાં નિરાકાર પરમાત્મા છે એવા નિર્ણય પર આવી જવાય છે.
ખરેખર પરમાત્મા નિરાકાર નથી ને ભાગવતને એવું પ્રતિપાદન પણ કરવું નથી. કારણ કે તે ભક્શિાસ્ત્ર છે પણ તેની ભાષા ઘણી ગર્ભિત છે. એટલે જ તો ભાગવતના જ્ઞાતાઓ તેને સમાધિ ભાષામાં લખાયેલું ગણાવે છે. તેના શાબ્દિક અન્વયમાં અધ્યાહાર ઘણુ રાખેલ છે. જેની પૂર્તિ પોતાના સ્વતંત્ર કરેલા નિર્ણય પ્રમાણે સાકારને અનુસરીને કે નિરાકારને અનુસરીને થતી હોય છે. સ્વયં તો અધ્યાહાર રાખીને વિરમી જાય છે. તેથી ભાગવતમાં પ્રવેશ કરતાં પહેલાં પરમાત્મા સાકાર છે તેવો નિશ્ચય કરીને પ્રવર્તે તો સાકારતાની અને ભક્તિની પુષ્ટિ થાય, નહિ તો નિરાકારતાની પુષ્ટિ થાય.
ભાગવતમાં સમયે સમયે પરમાત્માના અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ બન્નેનું મિશ્ર વર્ણન છે. અન્વય વર્ણનથી નિરાકારતા સમજાય છે. વ્યતિરેક સ્વરૂપ તો સાકાર જ હોય. કારણ કે તેનો દેશ, આકાર વગેરે નિર્દેશ થાય ત્યારે જ વ્યતિરેક થઈ શકે.
જીવનું જે કલ્યાણ થાય છે તે વ્યતિરેક સ્વરૂપનો આશ્રય કરવાથી જ થાય છે, અન્વય સ્વરૂપનો નહિ. સૃષ્ટિમાં રહેલું પરમાત્માનું અન્વય સ્વરૂપ કોઈ પણ જીવનું દુઃખ ટાળવામાં મદદ કરી શકતું નથી. જ્યારે પણ મદદ કરે છે તો પ્રથમ વ્યતિરેક થઈને અથવા બીજા એવા માધ્યમ દ્વારા; પણ વ્યતિરેક થયા વિના જીવને મદદરૂપ થઈ શકતા નથી. તેમજ જીવનું કલ્યાણ પણ કરી શકતા નથી. સૃષ્ટિ ભલે ચલાવી શકે; પણ કલ્યાણ તો વ્યતિરેક–મૂર્તિમાન થઈને આવે ત્યારે જ થાય છે. તેથી જ્યારે જ્યારે પૃથ્વી પર કે દેવતાને મુશ્કેલી પડી છે ત્યારે અંતર્યામીને એવી પ્રાર્થના કરી છે કે તમે અવતાર લઈને પધારો ને અમારા વિધ્નોનો નાશ કરો અને પરમાત્માએ સાંભળીને અવતાર લઈને વિધ્નોનો નાશ કર્યો છે. જો અન્વય સ્વરૂપથી કલ્યાણ થતું હોય તો તેનો આધાર તો બધાને છે જ. તો બધાનું કલ્યાણ થઈ જવું જોઈએ. પ્રાર્થના પણ કરવાની જરૂર નથી. પ્રાર્થના, ભક્તિ, સ્તુતિ વ્યતિરેકની જ થાય છે ને તેનું જ શાસ્ત્રમાં ફળ કહ્યું છે.
માટે પરમાત્માના વ્યતિરેક સ્વરૂપનો એટલે કે સાકાર પરમાત્માનો આશ્રય કરવો તે સ્ત્રીના ગર્ભને સ્થાને છે. તેનું જતન ને પોષણ કરે તો જ બાળકરૂપ ફળ પામે છે. જેમ ગર્ભ બહાર દેખાતો નથી, અનુભવાય છે ને પ્રતીતિ થાય છે. તેમ ભગવાનના સાકાર સ્વરૂપનું પણ તેવું છે. માટે જેને કલ્યાણને પામવું તેને તેવો નિશ્ચય પ્રથમ જ કરવો ને સાકાર પરમાત્માથી જ કલ્યાણ પામવાની ઈચ્છા કરવી ને તેની હાનિ ન થાય તેનું જતન કરતા રહેવું. જેમ અગ્નિ અન્વયપણે બધા લાકડામાં છે પણ અર્જુનની સહાય માટે મૂર્તિ ધરીને આવ્યો હતો. તેમ ભગવાન જીવને સહાય કરવા કે કલ્યાણ કરવા માટે સાકાર જ છે એમ માની ભક્તિ ને આશ્રય કરવા તો અક્ષરધામરૂપ ફળ પ્રાપ્ત થાય.
પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયમાં ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કયુ છે ? એટલે કે ભગવાનને વિષે પ્રીતિ કરાવવામાં ત્રણેયમાંથી અધિક દૈવત કોનામાં છે ? ત્યારે તેનો ઉત્તર કરતાં મહારાજ કહે છે કે તેમા ત્રણેય સાધનોમાં ભગવાનમાં પ્રીતિ કરાવવાની સામર્થી તો છે જ; પણ ત્રણેયની સરખામણીમાં અધિકતા કોનામાં છે ? તેનું વિવરણ કરતાં મહારાજ કહે છે : પ્રથમ અમે વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના સ્વરૂપ જુદાં જુદાં કહીએ છીએ તે સાંભળો.
તેમા વૈરાગ્યનું સ્વરૂપ કહીએ છીએ. વૈરાગ્યમાં વિવેકનું પ્રાધાન્ય વધારે છે. જીવમાત્રનો એવો સ્વભાવ છે કે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતા પદાર્થમાંથી હેત ઉતરી જાય છે. જેમાં વધારે સુખ દેખે એટલે ઓછા સુખવાળા પદાર્થમાંથી મન પાછું ખેંચાઈ આવે છે ને તેમા વૈરાગ્ય થઈ જાય છે.તેમ ભગવાનના અક્ષરધામનું જે સુખ છે તેની આગળ માયિક સુખ છે તે નકલ જેવું છે. માટે પરમેશ્વરની વાત સાંભળતાં સાંભળતાં જો ભગવાન સંબંધી સુખ ઓળખાઈ જાય તો માયિક સુખમાં વૈરાગ્ય થઈ જાય અને સુખના રાશિ, કેન્દ્ર એવા ભગવાનમાં પ્રીતિ થઈ જાય. આમ વૈરાગ્ય થતાં સુખની દૃષ્ટિથી વિવેક થતાં તે ભગવાનમાં જોડાય છે ને ભગવાનમાં પ્રીતિ થાય છે.
હવે જ્ઞાનનુ સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન નિરૂપણમાં તત્ત્વદૃષ્ટિ છે. આત્મતત્ત્વ અને તેનાથી પર પરમાત્મતત્ત્વ એટલુ બધું નિર્વિકાર, અતિશય શુદ્ધ, અતિશય નિર્લેપ છે. તેના તુલ્ય કોઈ નથી. તે ભાવમાં જે જીવી શકે તે પણ એવો શુદ્ધ રહી શકે. એમ મહિમા દેખીને તેમા પ્રીતિ થાય છે. મહારાજ કહે જ્ઞાન નિરૂપણના બે શાસ્ત્ર છે. એક સાંખ્ય અને બીજું યોગ. અહીં સાંખ્ય કહીને મહારાજે વેદાંતને પણ તેમા સમાવી લીધો છે.
તેમા મહારાજે દુર્વાસા વૃંદાવન પધાર્યા ત્યારનો પ્રસંગ કહીને ભગવાન આકાશ જેવા અતિ અસંગી, કર્તા છતાં અકર્તા અને દેવ મનુષ્યની બુદ્ધિમાં ન આવે તેવું કલ્પનાતીત નિર્વિકારીપણું ગોપીઓ સંગે ઉર્ધ્વરેતા રહ્યાનો પ્રસંગ કહી યમુનાજી દ્વારા તેની પ્રતીતિ કરાવી. દુર્વાસા પણ થાળ જમીને સદા ઉપવાસી. આજે જ ઉપવાસ એવું નહિ સદા ઉપવાસીની પ્રતીતિ યમુના મહારાણી દ્વારા કરાવી. બીજાની તો બુદ્ધિ ભ્રાન્તિમાં પડી જાય. દૈવી પુરાવાઓએ સાબિતી આપી કે બંને મહા યોગશક્તિઓ અતિ નિર્વિકાર અને અતિ નિર્લેપ છે. ભ્રાંતિમાં પડવાની જરૂર નથી. એવી અદ્ભુત સામર્થી જોઈને તેમા ઉલટી આશ્રયની દૃઢતા થાય છે.
બીજું જ્ઞાન યોગશાસ્ત્ર સંમત છે. જેમાં પ્રથમ બુદ્ધિ–અંતઃકરણને સ્થિર કરવાની હોય છે. પછી પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનું અને તેમા સ્થિરતા પ્રાપ્ત થતાં અતિ સામર્થી આવે છે. જેથી ભગવાનમાં વધુને વધુ સ્થિરતા પ્રાપ્ત કરીને સમાધિસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે પરમાત્મામાં તેને વિશેષ પ્રીતિ થાય છે આમ જોડાવું તે જ્ઞાનદૃષ્ટિથી થયેલ જોડાણ છે.
હવે ભક્તિનું સ્વરૂપ કહીએ છીએ. તેમા વ્યક્તિત્વ દુષ્ટિ છે. પરમાત્મા જેવું વ્યક્તિત્વ દેવો, મનુષ્યો, સિદ્ધો, મુક્તો કોઈમાં આવતું નથી. મહારાજ કહે સમુદ્રમંથન થયું ત્યારે સમુદ્રમાંથી સાક્ષાત્લક્ષ્મીજી નીસર્યા ત્યારે લક્ષ્મીજીને પામવાની ઈચ્છાથી આવેલામાં લક્ષ્મીજીએ જોયું કે જેમાં રૂપ તેમા ગુણ નહિ ને ગુણ તેમા રૂપ નહિ. મોટા મોટાને કલંકના ભર્યા દેખીને સર્વાંગ સંપૂર્ણ વ્યક્તિત્વવાળા, દોષરહિત, ગુણનિધાન, સર્વ સુખના નિધાન એવા પરમાત્માને જોઈને તેમને વરમાળા પહેરાવી. આ ભક્તિની પ્રક્રિયા છે અને તેથી ભગવાનમાં પ્રીતિ થાય છે.
ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછયું : મહારાજ આમાં કોનામાં વધારે દૈવત આવ્યું તે સમજાયું નહિ. મહારાજ કહે ભક્તિમાં દૈવત વધારે આવ્યું. જ્ઞાન, વૈરાગ્ય પણ ભગવાનમાં જોડે તો છે જ; પણ ભગવાનમાં જોડવાની ભક્તિમાં દૃષ્ટિ ને દૈવત છે તેટલાં જ્ઞાન વૈરાગ્યમાં નથી. તે દૈવત વધારે છે કે ઓછું છે તે કયારે ખબર પડે ?
મહારાજ કહે કે જ્યારે જીવોના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને વિચરે છે ત્યારે કેટલાંક ચરિત્ર તો દિવ્ય કરતા હોય ને કેટલાંક ચરિત્ર તો માયિક જેવા કરતા હોય. તેમા જ્યારે દિવ્ય ચરિત્રો કરે ત્યારે તો પાપી જીવ હોય તેને પણ તેમા દિવ્યતા દેખાય ને સંશય થાય નહિ; પણ જ્યારે માયિક જેવા ચરિત્રો કરવા માંડે ત્યારે કાચોપોચો ભક્ત હોય ને ભગવાનમાં અત્યંત ન જોડાયો હોય તો સંશય થવા લાગે ને ભગવાનને માણસ જેવા માનવા લાગે ને વિવેક કે તત્ત્વદૃષ્ટિ કાંઈ ઊભી ન રહે. ત્યારે તો સાચી ભક્તિ જ કામ કરી શકે. જ્ઞાની કે વૈરાગી પણ મૂંઝાઈ જાય છે. સાચા ભક્ત પાછા પડતા નથી. મહારાજ કહે છે કે જેમ ગોપીઓ ભગવાનની ભક્ત હતી તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને પરીક્ષિતે ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સામર્થ્ય દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો.
અહીં ત્રણેય ભગવાનમાં જોડાયેલા તો છે જ. પરીક્ષિતમાં મૃત્યુના સાંનિધ્યથી વૈરાગ્યની પ્રધાનતા છે. શુકદેવજીમાં જ્ઞાનાંશની પ્રધાનતા છે અને ગોપીઓમાં ભક્નિી. માટે વધારે દૈવત ભક્તિમાં છે. માટે ભગવાન જે જે ચરિત્ર કરે તે સર્વને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ. એવી જે ભક્તિ તે મહા દુર્લભ છે. જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે જેને દિવ્યપણું જણાય ત્યારે તો તેને ભક્તિ કહેવાય છે. એવી ભક્તિ એક બે જન્મના સુકૃતે કરીને નથી આવતી. એ તો અનેક જન્મના શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે અને એવી ભક્તિ એ જ પરમપદ છે. જેના હૃદયમાં એવી ભક્તિ હોય તેને કાઈ કરવું બાકી રહ્યું નથી.