પ્રતિપાદિત વિષયઃ
ધર્મવાળા તથા અધર્મી અને આત્મદૃષ્ટિ તથા બાહ્યદૃષ્ટિ.
મુખ્ય મુદ્દાઃ
૧. જેને સાચા સંતમાં પ્રીતિ છે તે ધર્મવાળા છે. જેને સાચા સંતનો દ્વેષ છે તે અધર્મી છે.
ર. મહારાજ સાથે આત્મદૃષ્ટિનો સંબંધ કેળવવો.
૩. આત્મદૃષ્ટિવાળા ભક્તોનો અતિ મહિમા છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કુંડળથી સંતનું મંડળ લઈને ગામ ખાંભડા આવ્યા છે ત્યારે મહારાજે તે ગામના માણસો આગળ વાત કરી છે. આ સંસારને વિષે ધર્મવાળા ને અધર્મી બે પ્રકારના માણસો છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી, પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી આદિ સર્વે પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે તેનો સંસારમા સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે સૌને સત્ય જ ભાસે છે. એવા ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અધર્મી હોય તે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય છે તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં. એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું નહી અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય તેનું કલ્યાણ થાય.
ભાગવતના પ્રથમ સ્કંધમાં શૌનકાદિક ૠષિઓએ પ્રશ્ન કર્યો છે કે ધર્મના બખતર અને ધર્મના ધર્તા એવા ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા ત્યારે એકાંતિક ધર્મ તે કોના આશ્રયે પૃથ્વી પર રહ્યો ? માટે ભગવાન અંતર્ધાન થતાં ભગવાનની મૂર્તિને ધારી રહેલા અને ધર્મનું આચરણ કરતા એવા સંતને આશ્રયે ધર્મ રહે છે. મહારાજે વચ.વર.૧૪માં પણ કહ્યુ છે કે અતિ કુપાત્ર જીવ હોય એટલે વર્ણ – આશ્રમના ધર્મથી અતિ પડી ગયો હોય અને તેને ભગવાન કે સાચા સંતનો હૈયામાં ગુણ આવે તો એને મોટું પુણ્ય થાય છે. તેના ધર્મ લોપ્યાનું પાપ હતું તે નાશ થઈ જાય છે. અતિ પવિત્ર થઈ જાય છે અને તેને ભગવાનમાં સમાધિ થઈ જાય છે. જો ધર્મમર્યાદા પાળતો હોય ને સાચા સંતનો દ્રોહ કરતો હોય તો ધર્મ પાળ્યાના પુણ્યને પણ બાળીને ભસ્મ કરી નાખે છે. માટે ધર્મમાં વર્તનારા એવા સાચા સંત છે તે ભગવાનની અવેજી કરનારા ભગવાનના પ્રતીક છે તેમ મૂર્તિમાન ધર્મના પણ પ્રતીક છે. તેમાં જેને પ્રીતિ થાય તેને ધર્મમાં પ્રીતિ નહિ હોય તો પણ થશે. માટે પાપક્રિયા ત્યાગ કરીને પવિત્રક્રિયાનું આચરણ કરવું. તે જેમ ધર્મનો આચારદેહ છે તેમ સાચા અને ધર્મનું આચરણ કરનારા સંત તે ધર્મનું મૂર્ત પ્રતીક છે. માટે આચારસંહિતા કરતાં પણ એવા સંત છે તે વિશેષ ધર્મનું સ્વરૂપ છે. માટે તેમાં પ્રીંતિ થાય ત્યારે ધર્મમાં તેને જરૂર પ્રીતિ થઈ જ જાય છે.
કોઈ એમ પ્રશ્ન કરે કે ધર્મમાં પ્રીતિ કરવાથી સંતમાં પ્રીતિ થઈ જાય છે કે એવા સંતમાં પ્રીતિ કરવાથી ધર્મમાં થઈ જાય છે ? તેમાંથી એક હોય તો પણ બન્નેનું કામ કરે તેવું શ્રેષ્ઠ કયું છે ? તો શાસ્ત્રો જરૂર એમ કહે છે કે ધર્મનિષ્ઠ અને સાચા સંતમા પ્રીતિ હોય તો તે ધર્મમાં પણ પ્રીતિ કરાવનારી થાય છે. ધર્મમાં પ્રીતિ પણ સંતમાં પ્રીતિ કરાવનારી તો છે, પણ કાર્યકારણ ભાવમાં સંતમાં પ્રીતિ તે કારણ છે અને પેલું કાર્ય છે. માટે ધર્મની સાચી પરિચાયક ક્રિયાકલાપમાં પ્રીતિ કે સંતમાં પ્રીતિ ? તો તેનું સમાધાન આગળ કહ્યુ તે જ કે સંતમાં પ્રીતિ એ પરિચાયક બને છે. માટે મહારાજ અહીં કહે છે કે જગતમાં બે પ્રકારના માણસો છે. ધર્મી અને અધર્મી. ધર્મી માણસોને સંતમાં પ્રીતિ થાય છે અને તેનો સમાગમ ગમે છે. જ્યારે અધર્મી માણસોને સંત ગમતા નથી. તેનો દ્રોહ કરવો ગમે છે. તે જ તેનામાં રહેલો ધર્મ પ્રત્યેનો દ્વેષ છુપાયેલો છે તે બતાવે છે. તે માટે જેને કલ્યાણ પામવું હોય તેને ધર્મને પામવા માટે પણ સાચા સંતમાં પ્રીતિ કરવી.
પછી મહારાજ સારંગપુર પધાર્યા ત્યાં સભામાં મહારાજે એમ વાર્તા કરી જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર તે બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટાં છે ને આત્મદૃષ્ટિએ અણુ માત્ર પણ છેટું નથી. માટે બાહ્ય દૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે ને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. પરમાત્માનું સાંનિધ્ય જીવને બે પ્રકારે છે. એક તો બાહ્ય સાંનિધ્ય, જે ભગવાન અવતાર ધારણ કરી મનુષ્યરૂપે પૃથ્વી પર આવ્યા હોય ત્યારે નજીક રહેવા, ફરવા વગેરે પ્રાપ્ત થાય તે. બીજું આંતર્સાંનિધ્ય. જેમ મહારાજે કહ્યુ, જે સાધુ એમ માનતો હોય કે મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે. તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે. મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે. તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુમાત્ર છેટે નથી. આવું દૃઢપણે માનવુ એ આંતર સાંનિધ્ય છે. આત્મ સાંનિધ્ય છે. તેને આત્મદ્રષ્ટિ કહેવાય.
હવે એ પણ વિચાર કરવાનો રહ્યો કે બાહ્યદૃષ્ટિ ખોટી શા માટે અને આત્મદૃષ્ટિ સાચી શા માટે ? તો તેનું સમાધાન એ છે કે ભગવાનનું સાચું સાંનિધ્ય મનથી એટલે કે ભાવનાથી માણી શકાય છે. કદાચ મહારાજના સાંનિધ્યનું સુખ પ્રત્યક્ષ આપણને મળ્યું તો પણ ભાવનાત્મક દૃષ્ટિ હૃદયમાં ઊભી ન થઈ તો પ્રત્યક્ષ સાંનિધ્યનું પરમાત્માનું સુખ આવતું નથી અને લઈ શકાતું નથી. તેથી ઉલ્ટું જો બાહ્ય રીતે મહારાજ દૂર વસીને લીલા કરતા હોય પણ અંતર ભાવનાથી તરબતર થઈને જુએ તો પરમાત્માનું સુખ જરૂર આવે છે. માટે પરમાત્માના વિષયમાં માનસિક અથવા આત્મદૃષ્ટિથી જ ભાવિત થયેલ સંબંધ છે તે જ સાચો છે. બીજા સંબંધો થયા હોય તો પણ લાંબો સમય તે શકય પણ નથી. જ્યારે આત્મદૃષ્ટિનો સંબંધ અહીં અને મૃત્યુ બાદ કયારેય અન્યથા થતો નથી માટે તે જ સાચો છે.
બીજી બાબત એ છે કે ભગવાનનું સાંનિધ્ય થયા પછી પણ જેટલી પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ ઉપજે, તેમાં જેટલું ચોટાય તેટલો જ તેને પરમાનંદ પ્રાપ્ત થાય છે. હવે જ્યારે બાહ્ય સંબંધમાં બે પ્રકાર હોવાની સંભાવના છે ખરી (૧) પ્રીતિયુક્ત (ર) પ્રીતિરહિત. પરંતુ આંતરદૃષ્ટિથી જે મૂર્તિનું સાંનિધ્ય ઊભું કરવામાં આવે છે તેમાં પ્રીતિની ગેરહાજરીની સંભાવના રહેતી નથી. કારણ કે જો પ્રીતિ ન હોય તો એવું સાંનિધ્ય સાધી શકાતું નથી. માટે પરમાત્માનું સુખ લેવા માટે મહારાજે કહ્યું તે રીતની આત્મદૃષ્ટિ સાધ્યા સિવાય અત્યારે કે પછી મહારાજનું યથાર્થ સુખ લઈ શકાતું નથી અને કોઈ લે તો કહેવા માત્રનું રહે છે. જ્યારે આત્મભાવથી સાંનિધ્ય થયા પછી તેને કાળ, કર્મ કોઈ તોડનાર નથી. માટે તેવું સાંનિધ્ય મેળવવું તે દુર્લભ છે. માટે મહારાજ કહે છે કે એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. એટલે કે દેહધારી છે તો પણ ધામના મુક્ત સરખો છે. એવા સંતનું દશર્ન થયું ત્યારે એમ જાણવું જે સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.
મહારાજ કહે, કદાચ જો એવી સમજણ આવી શકી નહીં ને જો તે સંતના સમાગમમાં પડયો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને અફીણના બંધાણીની જેમ સંત સમાગમ મૂકી શકે નહીં તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો તેને પણ જાણવો. તેનો અર્થ એ થયો કે એ સંત એવા ભગવાનમાં જોડાયા છે અને બીજો કોઈ તેવું જ જોડાણ સંત સાથે કરે તો તેને ભગવાનમાં જોડાવાનું જ ફળ મળે છે. સંત ભગવાનના પૂર્ણ વાહક છે, અવરોધક નથી. માટે જેમ ભગવાનમાં જોડાવાનું જે સાંનિધ્ય, સુખ, આનંદ અને પ્રાપ્તિ થાય તેવાને તેવા સંતમાં જોડાવાથી થાય છે. મહારાજ કહે અફીણનો બંધાણી હોય ને અફીણ સાથે બંધાયેલો હોય તેવું બંધાણ હોય તો આ ફળ થાય છે. અફીણનું બંધાણ જો પાકું થઈ ગયું હોય અને તેની અવેજી બીજું કાંઈ એટલે કે અમૃત પણ પૂરું પાડી શકતું નથી. એવું અફીણના બંધાણનું બંધન હોય છે. માટે મહારાજે કહ્યા તેવા સાચા સંતમાં બંધન એ તો સંસારથી મુક્તિ માટે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવનારું છે. માટે મહારાજ કહે, જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડયો રહે છે તેને પણ થાય છે