પ્રતિપાદિત વિષયઃ
કલ્યાણના માર્ગની રાજનીતિ.
મુખ્ય મુદ્દા
૧.ભગવાનના માર્ગમાં પોતે પોતાના ગુરુ થવું.
ર.નબળા આશયનો ત્યાગ કરી સાચો પ્રયત્ન કરવો.
વિવેચન :–
આ વચનામૃત રાજનીતિનું છે. સત્તાનો દોર હાથમાં કેવી રીતે લેવો! તે હાથમાં લેવા માટે શું ક્રિયા–પ્રતિક્રિયા કરવી ! તથા સત્તાદોર હાથમાં આવ્યા પછી ચિરસ્થાયી આપણા જ હાથમાં ટકી રહે તેને માટે શા ઉપાયો કરવા ! તે પ્રક્રિયાને રાજનીતિ કહેવાય છે. અહીં તો મહારાજે જીવની રાજનીતિની વાત કરી છે, રાજકીય રાજનીતિની નહિ.
મહારાજ કહે છે : જેમ રાજા જો બુદ્ધિહીન હોય તો તેના ઘરના મનુષ્યો તેનું માને નહિ. પછી તેની ખબર ગામના મનુષ્યને પડે તો તે પણ માને નહિ. પછી રાજા ગ્લાનિ પામીને અસમર્થ સરખો થઈને બેસી રહે ને કોઈ ઉપર હુકમ ચલાવી શકે નહીં.
તેમ રાજાના ઠેકાણે જીવ છે ને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે. ગામ ને દેશના મનુષ્યને ઠેકાણે ઈન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈ બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને ભગવાન સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ તેનું કહ્યું કરે નહિ. તે ઈન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઈન્દ્રિયો પણ તેને વશ રહે નહિ. પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે. જ્યારે રાજા ખુદ નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહિ.
તેમ આ જીવના કાયાનગરમાં કામાદિક જે રાજા નથી તે રાજા થઈ બેસે છે અને જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે એવું નાદારપણું રાખવું નહિ એટલે પોતાને કમ તાકાત માનવું નહિ. પોતાને વિષે પુરુષાતન રાખવું. જે પ્રકારે પોતાના ઈન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વ પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રૈયતનો દાબ્યો દબાય નહિ. રૈયતને દાબીને જ વર્તે. માટે ઈન્દ્રિયો અંતઃકરણને દબાવવાના ઉપાય કરવા. જેમ રાજા રાજનીતિના ગ્રંથને ભણીને પ્રજાને નિયમમાં રાખે છે. જો રાજા યોગ્ય ઉપાય ન જાણતો હોય ને પ્રજાને મારવા જ માંડે તો વસ્તી ઉજ્જડ થઈ જાય ને અતિ અસમર્થ રહે તો કોઈ હુકમ જ માને નહિ. પછી રાજા દુઃખી થઈ જાય. માટે રાજનીતિ ભણ્યા વિના બંને વાતે દુઃખ થાય છે.
ત્યારે મુક્તાનંદસ્વામીએ પૂછયું : હે મહારાજ, કલ્યાણને ઈચ્છે તેણે કેમ રાજનીતિ ભણવી ?
મહારાજ કહે પ્રથમ તો ભગવાનનું સારી પેઠે માહાત્મ્ય જાણવું ને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું. પછી બધી જ ઈન્દ્રિયોને ભગવાનના સંબંધમાં રાખીને વશ કરવી, પણ કુમાર્ગે જવા ન દેવી. એવી રીતે દેહનગરમાં પોતાની સત્તા સ્થાપવી. આ રીતે પુરુષપ્રયત્ને યુક્ત વર્તવું ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરવો એ જ કલ્યાણને માર્ગે ચાલ્યાનો તેમજ સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે એવું બળવાન કલ્યાણનું સાધન છે. માટે પુરુષપ્રયત્ન છે એ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.
અહીં એક શંકા ઉદ્ભવે છે કે તો વચનામૃતમાં અને બીજા શાસ્ત્રોમાં બીજાં મોટાં મોટાં સાધનો કહ્યાં તે વ્યર્થ થઈ જશે ? કાં, જે એકને વિષે બધા જ આવી જાય છે ને ? ના, એવું નથી. જ્યાં સુધી પોતાના જીવમાંથી એવું ન ઉઠે કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે ત્યાં સુધી ગુરુઓ, શાસ્ત્રો અને બીજા સાધનોની સાનુકૂળતા હોય તોય જીવનું કલ્યાણ થતું નથી. ખુદ ભગવાનનો યોગ સાંપડયો હોય તોયપણ તે કાંઈ કામમાં આવતો નથી. તેથી શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને એમ કહ્યું કે…
‘પ્રાણેય મનુજાઃ લોકે લોક તત્ત્વ વિચક્ષણાઃ ।
સમુદ્ધરન્તિ હ્યાત્માનમાત્મનૈવાશુભાશયાત્।।’
આત્મનો ગુરૂરાત્મૈવ પુરૂષસ્ય વિશેષતઃ ।
યત્પ્રત્યક્ષાનુમાનાભ્યાં શ્રેયોસાવનુવિન્દતે ।। (ભા.૧૧//૧૯–૨૦)
પોતાની નબળી વાસનાઓમાંથી અને પોતાના નબળા ઈરાદાઓમાંથી છૂટવાનો જ્યાં સુધી પોતે સાચો થઈને નિર્ણય કરતો નથી ત્યાં સુધી ગુરુઓ, હિતેચ્છુઓ કે શાસ્ત્ર કશું કામ કરી શકતા નથી. એક વખત નબળાઈ છોડવાનો અંતરમાં દૃઢ નિર્ણય લીધા પછી પેલા બધા એ નિર્ણયમાં મદદ કરી શકે છે. એટલે કે પોતે પોતાનો ગુરુ થયા વિના પોતાનો ઉદ્ધાર કોટી ઉપાયે પણ શકય નથી. ‘આત્માનો ગુરૂ આત્મૈવ’ અને જો એમ થાય તો બીજા બધાં સાધનો તુરત સફળ થાય. ગીતામાં પણ આ જ વાતને ભગવાને દોહરાવી છે.
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવરિપુરાત્મનઃ ।।
બન્ધૂરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્।। ગીતા.૬/પ–૬
પોતે પોતાના આત્માનો ઉદ્ધાર કરવો પણ પોતે પોતાના આત્માને નરકમાં કે લખ ચોરાશી, જન્મ મરણમાં નાખીને દુઃખી ન કરવો. તેમ કરીને પોતે જ પોતાનો શત્રુ ન બનવું. તો શું પોતે જ પોતાને નરકમાં નાખે છે ? હા, ભગવાન કહે છે કે પોતે જ પોતાને નરકમાં લઈ જનારો શત્રુ છે ને પોતે જ પોતાને ભગવાનના ધામમાં લઈ જનારો ગુરુ છે. જગતના માર્ગે જતા પોતાના ઈન્દ્રિયો અંતઃકરણને વાળી ભગવાનને માર્ગે ચલાવે તે જ પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાનો હિતેચ્છુ છે. જ્યારે ઉન્માર્ગે જતા ઈન્દ્રિયો અંતઃકરણને રોકતો નથી અને પોતે જ તેના દ્વારા પોતાની નબળાઈઓ પૂરી કરવામાં રસ લે છે તે પોતે પોતાનો શત્રુ બને છે ને પોતે જ પોતાને નરકની ખાણમાં નાખનારો બને છે. માટે પોતાની નાદારી કે પોતાનો નબળો આશય કે પોતાનો અવળો રસ્તો તેનો ત્યાગ પોતાને જ કરવાનો છે. એ જો ત્યાગવા તૈયાર થાય તો બીજા બધા તેને મદદ કરવા તત્પર ઊભા જ છે. માટે પુરુષપ્રયત્ન સર્વથી મોટું ને બળવાન સાધન છે.