સ–૧ર : આત્માના વિચારનું

પ્રતિપાદિત વિષયઃ

સાધુમાં કયા ગુણ અખંડ રહે છે ને કયા આવે જાય એવા છે તથા આત્મવિચાર.

મુખ્ય મુદ્દાઃ

૧. સ્વધર્મ, આત્મનિષ્ઠા અને નિશ્ચય આ ગુણો સાધુમાં અખંડ રહે છે.(રહેવા જોઈએ)

ર. માયાના તત્ત્વોથી નોખા પડી સાક્ષીભાવ તેની સમીક્ષા કરવી ને પોતાનો આત્મભાવ દૃઢ કરવો.

વિવેચન :–

નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે અને કયા ગુણ આવે જાય એવા છે ? આ પ્રશ્ન થોડો જટિલ છે. તેને આપણે અનેક દૃષ્ટિકોણથી વિચારી શકીએ તેવો છે. બધા જ દૃષ્ટિકોણ થોડા ઘણા અંશમાં સાર્થક પણ ગણાશે. વ્યર્થ નહીં ગણાય. કારણ કે સાધુતાની અનેક પ્રકારે શાસ્ત્રમાં અને લોકમાં વિચારણાઓ થયેલી છે. જેમકે સાધુનાં ત્રીસ લક્ષણો, પપ લક્ષણો (હરિલીલામૃત), ૬૪ લક્ષણો (સત્સંગીજીવન) એવા સંતને નામું હું શીશ (ભકતચિંતામણિ), ચોસઠ પદી (નિ. કાવ્ય) તથા કપિલગીતા, રામાયણ વગેરે સદ્‌ગ્રંથોમાં અનેક દૃષ્ટિથી સાધુતાની પ્રતિભા આંકવામાં આવી છે. આ બતાવેલાં લક્ષણો સાધુઓ પોતામાં સમાજને બતાવી દેતા હોય છે.(demonstration કરી દેતા હોય છે.) છતાં મુમુક્ષુના મનમાં સંતોષ થતો હોતો નથી. સાધુતાનું વ્યક્તિત્વ ભગવદ્‌વ્યક્તિત્વ જેવું અગાધ છે. તેને માપવું અશકય નહિ તો કઠિન તો છે જ. તેથી જ સદ્‌.ગુણાતીતાનંદ સ્વામીએ સાધુને ઓળખવા એ ચાર ઘાટી માંહેલી એક ઘાટી કહી છે.

અહીં વચનામૃતના પ્રશ્નનું અનુસંધાન કરીએ તો એવું સ્પષ્ટ થશે કે ઓછામાં ઓછા કયા અને કેટલા ગુણો હોય તો સાધુતા સુરક્ષિત જળવાઈ રહે અથવા સાધુતાના મુખ્ય આધારસ્વરૂપ ગણી શકાય તેવા ગુણો કયા છે ? જો એક ગુણમાં સંપૂર્ણ સાધુતા આવી જાય તો બીજા ગુણો વ્યર્થ બની જાય અને ઝાઝા ગુણો મળીને સાધુતાની અસાધારણતા થતી હોય તો એક વ્યક્તિત્વ નક્કી કરવું મુશ્કેલ બનશે. આ બધા મુદ્દાની આપણે વિશદ્‌ચર્ચા કરીને સાથે વચનામૃતના પ્રશ્નને પણ વિચારીશું.

હવે સાધુતાનો અસાધારણ પરિચય કરાવનાર કયું લક્ષણ છે તે એક એક વિચારીએ (એટલે કે સંતની ઓળખાણ શી ?તેનો વિચાર કરીએ.)

(૧) ભગવાં કપડાં પહેર્યા હોય એ સંતની ઓળખાણ છે ?

ના. જો એમ માનીએ તો ઘણી ગડબડ થઈ જાય. અંબરીષ જેવા હોય ને તેની સંતમાં ગણતરી નહિ થાય. જ્યારે કાળનેમી, રાવણ જેવા ડ્રેસ બદલાવીને બેઠા હોય તેનું સાધુતાના લીસ્ટમાં નામ આવી જશે. માટે કપડાંથી તો સાધુતાનો નિર્ણય નહીં થઈ શકે.

(ર) જેને બહુ લોકો માનતા હોય તેનાથી તે સાધુ કહી શકાય કે કેમ ? અથવા વધારે મોટા સંત કહેવાય કે કેમ ?

તેનું સમાધાન એ છે કે સાચા સંતને જરૂર ઝાઝા અનુસરતા હોય છે; પણ ઝાઝાના અનુસરવાથી તે સાચા કે મોટા જ હોય એવું ન માની લેવાય. આજે સૌથી વધુ ચાહના તો માણસોની નબળાઈને પારખીને ફિલ્મી એકટરો પણ મેળવી લે છે. ઘણાના તો જીવનના આદર્શ પણ ફિલ્મી એકટરો બની ગયા હોય છે. તેથી તેને સંત ન કહી શકાય. સમાજની માર્મિક નબળાઈનો બિઝનેસમાં ઉપયોગ કરીને પણ સમાજમા વ્યાપ વધારી શકાય છે, પણ તે વ્યાપ કલ્યાણના માર્ગનો નથી. કલ્યાણના માર્ગમાં નબળાઈઓ છોડાવીને ચાહના વધારવાની છે. તેને પ્રોત્સાહન આપીને નહિ.

(૩) ચમત્કારો સર્જવાથી સાધુ કહી શકાય ?

અહીં ઘણું વિચારવા જેવું છે. કોઈ પ્રકારની સાધના સિવાય ચમત્કાર સર્જાતા નથી. છતાં એ ચમત્કાર સાધુતાનો પરિચય કરાવનારો ગણવો કે કેમ ? એમાં શંકા રહે છે. કારણ કે ચમત્કાર તો મલિન સાધના કે મેલી વિદ્યાથી પણ સર્જાતા હોય છે. તેથી તેને સાધનારાને સાધુતાની હરોળમાં તો ન મૂકી શકાય. છતાં બધા ચમત્કાર એવા જ હોય છે એવું પણ માનવાને કોઈ કારણ નથી. એટલું તો જરૂર કે ચમત્કાર અને સાધુતાને એવો કોઈ કાયમી સંબંધ અનિવાર્ય હોય એવું નથી.

(૪) જેમાં સદ્‌ગુણો હોય તેને તો સાધુ ગણી જ શકાય ને ?

તો તેમાં પણ વિચારણા જરૂર માગી લે છે. એટલું જરૂર કહી શકાય કે સાધુમાં સદ્‌ગુણો જરૂર હોવા જોઈએ. ઘણી વખત સદ્‌ગુણોની હાજરી વ્યક્તિમાં હોય તોય સાધુતા ન હોય એવા વિરલ પાત્રો કે પ્રસંગો બનતા હોય છે. કારણ કે સદ્‌ગુણો ઘણી વખત ભરાડી લોકોમાં, વિમુખોમાં કે અસુરોમાં પણ સારા અને વખાણવા જેવા હોય છે. કર્ણ દાનેશ્વરી, જરાસંધ બ્રહ્મણ્ય, શુક્રાચાર્યની નીતિજ્ઞતા અને સંજીવની વિદ્યાના જ્ઞાતા ને અશ્વત્થામા તો બ્રહ્મરૂપની કક્ષામાં પહોંચેલ હતો છતા તે સાધુ નહીં કહેવાય. કારણ કે ભલે તેમાં સદ્‌ગુણો અથવાતો ચમત્કાર સર્જવાની શક્તિ હોય પણ તેનો ઉપયોગ કોના માટે કરે છે એટલે કે કોની તરફેણમાં કે કેના લાભ માટે કરે છે તેના ઉપર સાધુતાનો આધાર છે. તે જ સદ્‌ગુણો જો ભગવાન કે કોઈ ભક્તની તરફેણમાં વપરાયા હોત તો ખરેખર તે સાધુતાની ઓળખાણરૂપ બની જાત.

(પ) તેનાથી પણ આગળ કે દુર્ગુણથી રહિત હોવું કે નિર્દોષ હોવું એ સાધુતાનું અસાધારણ ચિહ્ન છે ?

તો ત્યાં પણ એટલું જ કહી શકાય કે દુર્ગુણ રહિતતા એ સાધુમાં અવશ્ય હોવી ઘટે છે. છતાં પણ વચનામૃતમાં મહારાજ કહે છે કહે છે કે નારદ, પરાશર, વશિષ્ઠ, વગેરેમાં કયારેક દોષ દર્શન થાય છે તો પણ તેની કલ્યાણકારીતા ગઈ નથી. એટલે કે તો પણ તેઓ શાસ્ત્રમાં સાધુ પુરુષો તરીકે ગણાયા છે. તેઓની ખામી તો જરૂર ગણાય છે, પણ અંતરનો ઈરાદો એક ભગવાનને રાજી કરવાનો હતો અને સારો હતો તેથી જલ્દી તે ખામીને દૂર કરીને પોતાના માર્ગ પર આવી ગયા હતા. તેથી એમ હોવા છતાં તેઓ સાધુ પુરુષો મનાયા છે.

(૬) પંચવર્તમાન એ સાધુની ઓળખાણ છે ?

મહારાજ કહે સૌ કરતાં સરસ હરિભક્ત જણાય પણ જો એકવાર કાંઈ કઠણ વચન કહ્યુ હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. લગારેક છેડયો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય વચ. ગ. અં. ૧૪. વળી વચ. લોયા. ૬માં કહેવાયું છે કે દંભે કરીને વર્તમાન પાળતો હોય. જ્યારે દંભથી વર્તમાન પાળે ત્યારે સાચા પાળનાર કરતાં વધારે આકર્ષિત રીતે પાળે તો જ દંભનો ઈરાદો સિદ્ધ થાય. બીજા જેટલું કરે તો અંતરનો ઈરાદો સિદ્ધ ન થાય. માટે વર્તમાન ઘર્મ પણ ઘણી વખત દંભ કે માન કેન્દ્રિત બની જાય છે. સાધુતા પ્રેરિત ન પણ હોવાની સંભાવના રહે છે. તેથી તેમાં પણ સંશોધનને સ્થાન રહે છે.

(૭) સાધના કરતા હોય તેને અથવા સાધના સિદ્ધ થઈ ગઈ હોય તેને સાધુ ગણવા ?

તો એ ધારણા પણ કયારેક છેતરામણી બની જાય છે. સાધુ હોય તેણે સાધના જરૂર કરવી જોઈએ. તે સિવાય સાધુતા આવતી નથી, પણ તેને ઉલટ જોતાં જ્યાં સાધના હોય ત્યાં બધે જ સાધુતા અવશ્ય હોય એવું બનતું નથી. જેમ સાધુતા લાવવા સાધના કરવી પડે છે તેમ અસાધુતા વધારવા પણ સાધનાઓ થતી હોય છે. હિરણ્યકશિપુ, રાવણ, ભસ્માસુર વગેરેએ સાધુ પુરુષો કરતાં પણ વધારે કઠોર સાધનાઓ કરેલી હતી એવું શાસ્ત્રમાં કહ્યુ છે. તો પણ તેની શાસ્ત્રકારોએ સાધુ પુરુષોમાં ગણના કરી નથી. તેઓ તો ચોખ્ખા અસાધુ જ ગણાયા છે.

આ ઉપરાંત પણ પ્રખ્યાત લક્ષણો કહ્યાં છે. તે તે લક્ષણો સમગ્રતાથી અને સચોટતાથી સાધુતાનું પ્રતિપાદન કરવામાં કંઈક અંશે ઊણા પડે છે. છતાં પણ શાસ્ત્રકારોએ તથા મહાપુરુષોએ સાધુતા માટે તે જ બધાં લક્ષણો બતાવ્યાં છે માટે એ તમામ લક્ષણો સાર્થક છે; નિરર્થક નથી.

ઉપરની ચર્ચા આપણે આસ્તિક દૃષ્ટિથી જોવાની છે. હકારાત્મક વલણથી અને સંશોધન વલણથી વિચારવાનું છે, પણ નાસ્તિકતાથી નહીં. આપણે એને શ્રદ્ધાથી જોવાનાં છે, અંધશ્રદ્ધાથી નહી. અહીં જે તર્ક અને શંકાઓ ઉઠાવવામાં આવી છે તે તેની શુદ્ધિ તપાસવા અને વિચારવા માટે છે. હૃદયમાંથી તેનાં મૂળ ઉખાડવા માટે નહીં. આવા વિચારો આપણે અંધશ્રદ્ધાના મૂળ ઉખાડવા માટે કરવાના હોય છે. શ્રદ્ધાના મૂળ ઉખાડવા માટે નહીં. એટલું વાંચકો – વિચારકો ધ્યાનમાં રાખશે તો આ વિચારો તેને પોતાના કલ્યાણમાં ઉપયોગી થશે. તર્કથી શાસ્ત્રનો અર્થ ગમે તે તરફ ખેંચીને લઈ જઈ શકાય છે, પણ કલ્યાણનો માર્ગ આપણો ખેંચ્યો ખેચાઈ જતો નથી. તેને તટસ્થપણે ભગવાન તરફ ખેંચીને વિચારવામાં આવે તો જ તે માર્ગ સફળ બને છે.

આખરે સાધુતાને ઓળખવા માટે શું કરવું ? તો તેનું સમાધાન એ છે કે જેમ નદીના બે કિનારા હોય છે ને બન્ને કિનારા વચ્ચે નદીનો પ્રવાહ વહ્યો જાય છે. તેમ સાધુતા બે કિનારા વચ્ચે પ્રવાહિત થઈને ચાલી જાય છે. તેમાં એક છે વ્યક્તિનો સદાશય – કલ્યાણકારી આશય અને બીજો છે સમગ્ર લક્ષણસમૂહ.

કોઈ પણ ક્રિયા કે સદ્‌ગુણની પાછળ વ્યક્તિનો કલ્યાણકારી આશય અથવા દુરાશય એ સાધુતામાં વધારે નિર્ણાયક બને છે. તેથી જ તો સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી સાધુ–અસાધુનાં લક્ષણો વર્ણવતાં ચોસઠપદીમાં કહે છે કે

”જેમ ચીલ ચડે અસમાને રે; નજર તેની નીચી છે,

દેખી મારણને મન માને રે; અન્ય જેવા આંખ્ય મીંચી છે.

એવા લક્ષણવાળા લાખો રે દીઠા મેં દૃગે ભરિયા;

કહે નિષ્કુળાનંદ શું ભાખું રે ઓળખો તેની જોઈ ક્રિયા….”

નબળી ક્રિયા કે નબળા દુર્ગુણોની તો અહીં વાત જ નથી પણ સદ્‌ગુણ અને સત્‌ક્રિયા પાછળ પણ વ્યક્તિના અંતરનો આશય શું છે એ જ તેને સાધુતામાં કે અસાધુતામાં લઈ જાય છે. જેને મહારાજે ઈશક, આશય, અભિપ્રાય રુચિ વગેરે શબ્દથી કહ્યો છે

બીજી વાત છે શાસ્ત્રમાં વર્ણવેલાં લક્ષણસમૂહો. જે ૬૪, પપ, ૩૦, ૬ વગેરે સંતનાં લક્ષણો કહ્યાં છે તે તે લક્ષણો પણ જીવનમાં હોવાં જરૂરી છે. લક્ષણ વિનાનો ખાલી આશય અકિંચિત્‌કર અને નિર્માલ્ય બની રહે છે. તેને જ્યાં સુધી ક્રિયા કે સદ્‌ગુણનો ટેકો નહીં મળે ત્યાં સુધી તે ચરિતાર્થ થઈ શકતો નથી. માટે તે લક્ષણો હોવાં પણ જરૂરી છે. બીજી બાજુ સ્થૂળ રીતે લક્ષણોનું પ્રદર્શન (ડેમોંસ્ટ્રેશન) કરી દે પણ આશય નબળો હોય તો તેના તે ગુણો કે ક્રિયાઓ અસાધુતામાં લઈ જશે. ઘણી વખત ગુણ સમૂહમાંથી કોઈ પણ સદ્‌ગુણ નીચે દુરાશયનું પોષણ થઈ શકે તેવું બને ખરું. એટલે કે સદ્‌ગુણનો ઓથ લઈ સદાશયનો ઘાત કરી શકાય છે. એવું બને ત્યારે તે સદ્‌ગુણ કે તે સત્ક્રિયા સાધુતાની ઘટક ન બની શકે. ઉલ્ટું તે વ્યક્તિને અસાધુ કક્ષમાં મૂકી દે છે. એટલું જ નહીં પણ પ્રગટ દુરાચારણ કરતા સદ્‌ગુણને ઓથે પાંગરતો દુરાશય વધારે ભયંકરતા સર્જતો હોય છે. જ્યારે સદાશયના પક્ષમાં એવું નહિ બને. સદ્‌ગુણની હાજરી ન હોય તો પણ સદાશય – અકિંચિત્‌કર બની રહે, પણ વ્યક્તિને દુર્જન બનાવી દેતો નથી. એટલી સદાશયમાં – લક્ષણસમૂહ કરતાં વિશેષતા છે. એ સદાશય સદ્‌ગુણોનો પ્રોત્સાહક હોવો જોઈએ. ત્યારે જ સંવાદિતા સર્જાશે અને બન્ને મળીને સાધુતા ખીલી ઉઠશે.

આ બન્નેમાં પણ જ્યારે સંઘર્ષ ઊભો થાય ત્યારે સદાશય છે તે જ વધારે મહત્ત્વનો બને છે. ગુણસમૂહનો ક્રમ પછી આવે છે. જો બન્ને સંગતિથી એક વ્યક્તિમાં હોય તો તો કોઈ ખામી જ રહેતી નથી. એવી વ્યક્તિઓ વિરલ હોય છે. પરમાત્માની પૂર્ણ કૃપા વિના અને સાચા સંતની કૃપા વિના એવો યોગ પ્રાપ્ત થતો નથી. એવી સાધુતા આવતી નથી.

અહીં વચનામૃતમાં પણ મહારાજ સાધુમાં અખંડ રહેનારા ગુણોમાં એક તો ભગવાનનો નિશ્ચય, આત્મનિષ્ઠા અને સ્વધર્મ એ ત્રણ ગુણો અખંડ રહે છે એમ કહે છે. આ ગુણો એવા છે કે અંતરના આશયને શુદ્ધ અને કલ્યાણકારી બનાવનારામાં મુખ્ય અને બીજ સ્વરૂપ છે તથા સદ્‌ગુણોના પ્રોત્સાહક ને વર્ધક છે.

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તો પણ તે વિક્નિે ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે ? ત્યારે મહારાજ કહે, જો એક વાર ચોખ્ખી વિક્તિ સમજાણી હોય તો પછી ભુલાતી નથી. પોતાને દેહ માનવા જાય તો પણ પોતાને દેહરૂપ માની શકતો નથી અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દૃઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળતો નથી ને અખંડને અખંડ રહે છે.

ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછયું : આત્માનો વિચાર કેમ કરવો ? મહારાજે ઉત્તર કર્યો જે જ્યારે અંતઃકરણ સામું દૃષ્ટા એવો જે જીવાત્મા તે જો રહે ત્યારે બાહેર જે સ્થૂળ શરીર ને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે.

પોતાને દૃષ્ટા માનીને પોતાનાં જ ઈન્દ્રિયો –અંતઃકરણની હિલચાલ જોવી તથા તેના લાભાલાભની સમીક્ષા કરવી તેને પ્રતિલોમ દૃષ્ટિ કહેવાય છે. તેમ કરવાથી તેની વિષય પ્રવૃત્તિ મંદ વેગવાળી થઈ જાય છે. ઈન્દ્રિયો, અંતઃકરણ, સંગાં આ બધો જગત સમાજ છે. (મહારાજે પ૧ ભૂતનું ટોળું જણાવ્યું છે મ.૪પ) આત્મા દૃષ્ટાભાવથી તે એક એકની ક્રિયાના ઈરાદાની ચિકિત્સા જ્યારે પ્રતિલોમ દૃષ્ટિ કરીને કરે છે ત્યારે તેઓના લૌકિક ઈરાદા મંદ ગતિવાળા બનતા જાય છે. તેથી ધ્યાનમાં વિક્ષેપ ઓછો કરનારા બનતા જાય છે અને તે જ વિચારથી આત્મસમીક્ષા કરતો જાય એટલે કે આત્મભાવની ચિકિત્સા કરતો જાય ત્યારે તે શુભ વસ્તુ હોવાથી તેને પ્રોત્સાહન મળે છે. તેથી ધ્યાનની અનુકૂળતા ઘણી વધી જાય છે.

જ્યારે પ્રયત્ન કરતાં પણ વિષયો તરફ વૃત્તિનો વેગ ધીરો ન પડે ત્યારે મહારાજે બે પ્રકારે વિચાર કરવાનો કહ્યો. એક તો વિષયને આકારે વિચાર કરવો. વિષયને આકારે વિચાર કરવો એટલે શું ? તો તે પ્રકારના વિચારો અને તે પ્રકારની ક્રિયાઓના જે વાસ્તવિક અને શાસ્ત્રીય દોષો મહાપુરુષોએ તથા શાસ્ત્રમાં કહ્યા છે તેને વિચારવા. પોતાના હૃદયમાં તેને જોતા શીખવા. જ્યારે તેમ થાય ત્યારે તે ઘાટ બંધ થઈ જાય.

બીજો વિચાર દૃષ્ટાને આકારે કરવો. એટલેકે તેના ગુણની સમીક્ષા કરવી. તેની પોતાના હૃદયમાં અનુભૂતિ કરતા શીખવી. તેથી ખોટા ઘાટ બંધ થઈને સાચા જ રહશે ને બન્ને વિચારો એક થઈ જશે. પછી ધ્યાન સુગમ પડે છે. માટે જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી ધ્યાન ન કરવું પણ વિવેક વિચાર કરવો. તે વિવેક વિચાર કરવાથી ધ્યાનની યોગ્યતા પામી શકાય છે. માટે તે વિચાર ચાલુ રાખવો.

મહારાજ કહે, દેહના ભાવ દેહને વિષે હોમવા અને ચૈતન્યના ભાવ ચૈતન્યને વિષે હોમવા એટલે કે વિવેકદૃષ્ટિથી દેહના ધર્મો દેહને વિષે માનવા અને તેને ઉખેડવા જેવા છે એમ માનવા. સ્થૂળતા, કૃશતા, તાવ વગેરે દેહ ધર્મો છે. તે દેહમાં આવતાંની સાથે જીવ પોતાના માની લે છે તે ન માનવા ને દેહ પૂરતા મર્યાદિત માનવા. હું તેથી અલગ પરમાત્માનો ભક્ત છું, આત્મસ્વરૂપ છું એવી ભાવના દૃઢ કરવી. તે ભાવોને દેહમાં હોમ્યા ગણાય. અસાવધાની, ગાંડપણ, ભોળપણ, તૃષ્ણા, શોક, વગેરે અંતઃકરણના ધર્મો છે. તે પણ આત્મા એવો જે હું તે મારામાં નથી. હું તે તે ધર્મોએ યુક્ત મન આદિથી અલગ આત્મા છું. એવો વિવેક દૃઢ કરે તો તેને તે ભાવો અંતઃકરણમાં હોમ્યા ગણાય. આત્માની ગુણકારીતા જાણીને દૃઢ મનન કરવું તે આત્મામાં હોમ્યા ગણાય. મહારાજ કહે, એવો વિવેક વિચાર જ્યાં સુધી વિક્ષેપ દૂર ન થાય અને સુખે ધ્યાન ન થાય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા તમામ શત્રુનો પરાભવ કર્યા વિના નિરાંત લઈને રાજ્યનું સુખ ભોગવી ન શકે. તેમ ઈન્દ્રિયો અંતઃકરણ તથા જગતના કોઈ વિક્ષેપો વિવેક વિચારથી દૂર કર્યા વિના ધ્યાનનું સુખ પામી ન શકાય, ભગવાનનું સુખ પામી ન શકાય.