પ્રતિપાદિત વિષયઃ
સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો.
મુખ્ય મુદ્દા
૧.સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. માત્ર તપ ઉપવાસ કામાદિ શત્રુના મૂળ ઉખેડી શકતા નથી.
ર.તેજસ્વી પ્રતિભાવાળા ભક્ત કયારેય ધર્માદિ માર્ગથી પાછા પડતા નથી.
વિવેચન :–
આ વચનામૃત સ્વભાવ ઉપર શત્રુભાવનું છે. સ્વભાવ પ્રત્યે શત્રુભાવ એ જ તેના મૂળ ઉચ્છેદનમાં મુખ્ય કારણ બને છે. ખાલી તપ–ઉપવાસ કામાદિક શત્રુનાં મૂળ ઉખેડવામાં કારણ બનતાં નથી. ઘણા તપસ્વીઓ પણ કામાદિકમાં ઘેલા થયેલાં શાસ્ત્રોમાં અને લોકમાં જોવા મળે છે. ઘણા ત્યાગીઓ ધનના લોભમાં લટ્ટુ થઈને ગુલતાન થતાં જોવા મળે છે. ઘણા રાંકાઓ અને અસમર્થો પણ ક્રોધાગ્નિમાં હડહડતા હોય છે. તો શું તપ, ઉપવાસ વગેરે કામાદિને હટાવવાનાં ઉપાય નથી ? જરૂર છે. પણ તપ ઉપવાસ, ત્યાગાદિક ઉપાયો અંતઃશત્રુને ક્ષીણ કરવામાં કારણભૂત છે, તેને દુર્બળ બનાવે છે. તેને મૂળમાંથી ઉચ્છેદ કરવામાં અહીં મહારાજે કહ્યો તે સ્વભાવની સાથે શત્રુભાવ રાખવો તે જ મુખ્ય ઉપાય છે.
વચ.વર.ર૦મા પણ મહારાજે પરમહંસોને આવો જ પ્રશ્ન બીજી રીતે પૂછયો છે : કામ, ક્રોધ, લોભનું બીજ ન રહે એનો શો ઉપાય છે ?
સંતોએ કહ્યું કે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે ને આત્મદર્શન થાય છે ત્યારે કામાદિક સ્વભાવનું બીજ બળી જાય છે ને તેના મૂળ ઉખડી જાય છે. મહારાજે તેમા આશંકા કરી કે બ્રહ્મા, શિવ, પરાશર, શ્રૃંગી ૠષિ એ આદિક મોટા મોટાને શું નિર્વિકલ્પ સમાધિ ન હતી ? હતી જ. તો પછી કામાદિક શત્રુથી કેમ પરાભવ પામ્યા ?
તેનો ઉત્તર આપતાં મહારાજ કહે છે કે જનક રાજાને વિષયોનો જોગ હતો છતાં પણ સાંખ્ય અને યોગના અનુસરણથી સમજણની દૃઢતા કરી હતી. જેથી મહારાજના કહેવા મુજબ અને શાસ્ત્રના અભિપ્રાય મુજબ જનક મહારાજના હૃદયમાં અંતઃશત્રુનાં મૂળ નિર્મૂળ થઈ ગયાં હતાં.
એ સમજણની દૃઢતા શી હતી ? એ સમજણની દૃઢતા એ હતી કે ‘સ્વભાવની સાથે શત્રુભાવના’ જે આ વચનામૃતમાં મહારાજે કહી છે. તેનાથી સ્વભાવનો મૂળ સહિત નાશ થાય છે. તપ, ઉપવાસ, ત્યાગ અને છેક નિર્વિકલ્પ સમાધિ પણ આપણા હૃદયમાંથી કામાદિકને ઉખેડી શકતા નથી, જો સ્વભાવની સાથે આપણે પોતાને જ મિત્રતા હોય તો.
દુર્વાસાની જેમ માણસમાત્રે પોતાના સ્ભાવનો ગુણ ગોખી રાખ્યો હોય છે. સ્વભાવનો ગુણભાવ સ્વભાવનો નાશ થવા જ દેતો નથી. તેના નાશના ગમે તેટલા ઉપાયોની વચ્ચે પણ આબાદ રીતે સંતાડીને તેનું સારી રીતે રક્ષણ કરે છે. જો તે ગુણભાવ જાય ને શત્રુભાવ આવે તો પછી તપ–ત્યાગ ઓછા હોય, નિર્વિકલ્પ સમાધિ હજુ પ્રાપ્ત ન થઈ હોય તોય સ્વભાવનો નાશ થઈ જશે. તેથી મહારાજ અહીં કહે છે કે સ્વભાવનો નાશ કરવામાં આ શ્રેષ્ઠ વિચાર છે. એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં.
મહારાજ કહે બાહેર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કામ બગાડી દે, મા–બેન સામે ગાળો દે તો તેનો અતિશય અભાવ આવે છે અને તેની સાથે કટ્ટર શત્રુતા બંધાય છે. પછી જે ઉપાયે તેનું ભૂંડુ થાય તે ઉપાય કરાય છે અથવા બીજા તેનું ભૂંડું કરે તો રાજી થવાય છે. તેમ મોક્ષને અર્થે યત્ન કરતો હોય ને તેમા કામ ક્રોધાદિ અંતઃશત્રુ વિધ્ન કરે તો તેની ઉપર તીવ્ર વૈરબુદ્ધિ થાય અને તેના વેરનો ડંખ કયારેય મટે નહી. એવો વિચાર જેના હાથમાં આવે તે વિચારે કરીને સ્વભાવમાત્રનો નાશ કરી નાખે. સંત તે સ્વભાવને ખોદે તો રાજી થાય. એવો વિચાર જેના હૃદયમાં હાથ આવે તો તેના હૃદયમાં કોઈ પણ ભૂંડો સ્વભાવ રહી શકે નહીં. માટે સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારોમાં શ્રેષ્ઠ વિચાર છે.
પછી મહારાજે બીજો પ્રશ્ન કર્યો કે ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ એ ચારવાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો ? તેનો સંતો ઉત્તર ન આપી શકયા. ત્યારે મહારાજે કહ્યું જે, જેનો બાળપણથી એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈથી હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં એવો હોય તે કયારેય ધર્માદિકથી પડે જ નહિ. તેનો માનીના જેવો સ્વભાવ છે તો પણ કલ્યાણનો ખપ છે માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ. શાસ્ત્રમાં તેમને મનસ્વી પુરુષો કહ્યા છે. પોતાના મનનું જ ધાર્યું કરે એટલે મનસ્વી એવા નહિ, પણ ‘પ્રશસ્તં મનઃ અસ્તિ અસ્ય ઈતિ મનસ્વી’ જેનામાં લોકોત્તર પ્રતિભા છુપાયેલી છે. એવા તેજસ્વી અને અમર્ષવાળા પુરુષોને મનસ્વી કહેવાય છે. સાહિત્યમાં કહ્યું છે જે…
રથસ્યેકં ચક્રં ભૂજગયમિતા સપ્ત તુરગાઃ
નિરાલમ્બો માર્ગશ્ચરણરહિતઃ સારથીરપિ ।
રવિગચ્છત્યન્તં પ્રતિદિનમપાર નભસઃ
ક્રિયા સિદ્ધિ સત્ત્વે વસતિ મહતાં નોપકરણે ।।
અહીં સૂર્યનુ દૃષ્ટાંત આપ્યું છે. લોકોત્તર પ્રતિભાસમ્પન્ન પુરુષોની પ્રતિભા બતાવતાં કહે છે કે રથને એક જ પૈડું છે, સર્પની લગામ છે, આધાર વિનાનો માર્ગ છે, પગ વિનાનો સારથિ છે, અપાર લાંબો માર્ગ છે છતાં સૂર્ય પ્રતિદિન તેનો પાર લે છે. માટે કાર્ય, સાધન કરતાં તેજસ્વી પુરુષોના તેજથી જ થતું હોય છે.
મહારાજ કહે છે કે જેનો બાળપણથી તેજસ્વી સ્વભાવ હોય અને બીજાને દાબી દે એવી જેની પ્રતિભા હોય તેને કોઈથી હળવું વેણ કહેવાય નહિ. પોતાના હૃદયમાં અમર્ષ હોય એવી વ્યક્તિ કયારેય ધર્માદિકના માર્ગથી પાછા ન પડે. જો કે આ બધા ગુણોમાં જરા માનની છાંટ આવે છે. આ બધા જ ગુણો એવા છે કે માનના આધાર વિના સ્થિર ઊભા રહી શકતા નથી. તો પણ મહારાજ કહે છે કે જેને કલ્યાણનો ખપ છે તેને તે જે માનની છાયા તે નુકસાનરૂપ બનતી નથી, પણ ઉલ્ટી સદ્ગુણોને ધારી રાખવામાં પ્રેરણારૂપ બને છે. કલ્યાણના માર્ગમાં મદદરૂપ થાય છે. કારણ કે ધર્માદિનું પાલન કરવામાં માન રાખવું એવું મહારાજે કહ્યું છે.