પ્રતિપાદિત વિષયઃ
શ્રેષ્ઠ ભક્તિ.
મુખ્ય મુદ્દાઃ
૧. આત્મનિષ્ઠા ને વૈરાગ્યયુક્ત ભક્તિ શ્રેષ્ઠ છે.
ર. ગોપીઓની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે.
૩. ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ત્રણ પ્રકાર છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે એને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી. તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે. જ્યારે બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે. ભગવાનને વિષે પ્રીતિ પણ છે. તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી. પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બે નથી તો પણ તેની ભક્તિ અતિશય શોભે છે અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યયુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેની ભક્તિ જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કર્યો જે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે એ તો દેહાભિમાની છે માટે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?
અહીં મહારાજ અને સ્વામીના સંવાદ પરથી આપણે એટલું વિચારી શકીએ કે મહારાજ આપણું ધ્યાન એ ખેંચવા માગે છે કે ભક્તિનું બે દૃષ્ટિથી વિભાગીકરણ કરી શકાય. એક તો સુંદર દેખાવવાળી ભક્તિ અને બીજી લાંબા આયુષ્યવાળી ભક્તિ. એ બેમાં કઈ વધારે પસંદ કરવા યોગ્ય છે ? પહેલા પ્રકારની ભક્તિ પાસે પુષ્કળ શોભા છે, આકર્ષણ છે, ઉછાળો છે. જ્યારે બીજા પ્રકારની ભક્તિ પાસે નક્કર તંદુરસ્તી છે. કયારેય બિમારી લાગુ પડતી નથી. માટે લાંબુ જીવનારી પણ છે ને શાંત છે. આ મહારાજની દૃષ્ટિમા રહેલા વિભાગ છે. જ્યારે સ્વામીના દૃષ્ટિકોણમાં સાધ્ય અને સાધન બેય રહેલાં છે. ભક્તિ સાધ્ય છે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સાધન છે. સાધ્ય માટે સાધન હોય છે. તેનું મહત્ત્વ સાધ્યથી વધી જવું ન જોઈએ. તેથી તે આત્મનિષ્ઠા – વૈરાગ્ય વિનાની ભલે હોય પણ પેલાની ભક્તિ કરતાં આ ભક્તિ વધારે સારી છે. માટે આ ભક્તિ જ શ્રેષ્ઠ છે. જ્યારે મહારાજની પસંદગી એવી છે કે આત્મનિષ્ઠા– વૈરાગ્ય રહિત ભક્તિ રૂપાળી ઘણી દેખાય છે પણ અલ્પજીવી છે માટે તેના કરતાં પેલી પાતળી પણ ચિરંજીવી ભક્તિ છે તે ઠીક છે.
મહારાજને મતે ભક્તિ વિષયમાં સૌંદર્ય – શોભા કરતાં દીર્ઘજીવીતા વધારે પસંદ કરવા જેવી છે. શાસ્ત્રનો પણ એ મત છે અને તેને જ સાધ્ય ભક્તિ કહેવામાં આવે છે. છતાં ઘણી વખત ભક્તો ભક્તિની ઉપરની શોભા કે છટામાં ભરમાઈ કે અટવાઈ જઈને ચિરંજીવીતા ગુમાવી બેસતા હોય છે. માટે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા – વૈરાગ્ય રહિત ભક્તિને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ? કેમ જે એ તો દેહાભિમાની છે. માટે સાનુકૂળ પંચવિષયનો યોગ થશે ત્યારે વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનમાં એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ? ત્યારે સ્વામી કહે કે જેને વિષયમાં પ્રીતિ થઈ જાય તેને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ. ત્યારે મહારાજ કહે જે ગોપીઓ કાંઈ ભોળી નહોતી અને તેની ભક્તિમાં વૈરાગ્ય – આત્મનિષ્ઠાનો અભાવ નહોતો. એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુકત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. એટલે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળા એવા શુકસનકાદિકોની ભક્તિ કરતાં પણ ગોપીઓની ભક્તિ વિશેષ ગણાણી છે. જેને શાસ્ત્રકારો અને મહારાજે પણ બિરદાવી છે.
હવે આપણને જીજ્ઞાસા થાય કે ગોપીઓની ભક્તિમાં શું વિશેષતા છે ? તો તેને માટે વિષયમાં થોડું ઊંડુ ઉતરવું જોઈશે. ભક્તિના લક્ષણો અનેક પ્રકારે વર્ણવવામાં આવ્યા છે. તેમાં નારદ ભક્તિસૂત્રમાં નારદજી કહે છે કે ‘તદર્પિત અખિલાચારતા, તદ્વિરહે પરમ વ્યાકુલતા ।।’ (નારદ ભક્તિસૂત્ર) સંપૂર્ણપણે પોતાની જાત સહિત પરમાત્માને સમર્પણ કરી દેવું અને તેના વિરહમાં અંદરથી વિરહજાળની વેદના ઉઠવી તેને નારદજી ભક્તિ કહે છે. આ સાધ્ય ભક્તિ કહો અથવા પ્રેમલક્ષણા ભક્તિ કહો તે છે. એ સાધ્ય ભક્તિમાં આંતર્પાસાં બે છે. એક તદર્પિત અખિલાચારતા – સમગ્ર સમર્પણ અને બીજું છે વિરહ વેદના. આ બન્ને પાસાંમાં પણ તેના અભાવની સ્મૃતિમાં વિરહજાળ જે ઊભી થવી તે જ સાધ્ય ભક્તિનો પ્રાણ છે અને સમર્પણ એ ભક્તિનું કલેવર છે.
ભક્ત તો બધા જ છે. શુક, સનકાદિકો, પ્રહ્લાદ, ગોપીઓ, સમર્પણમાં કોઈ અધૂરા નથી; પણ વિરહવૃત્તિમાં ગોપીઓ સર્વ કરતાં અગ્રેસર છે. માટે જ શુક, સનકાદિકોથી પણ ગોપીઓની ભક્તિ શાસ્ત્રમાં વિશેષ વખાણવામા આવી છે. એવી ભક્તિ સર્વમાં શિરોમણિ તો ગોપીઓમાં છે. જીવુબા, લાડુબા, રાજબા, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પૂંજા ડોડિયા વગેરે મહારાજના સમકાલીન વિરહી ભક્તો પણ એવાં હતાં. માટે મહારાજ કહે ગોપીઓની ભક્તિમાં આત્મનિષ્ઠા – વૈરાગ્યનો અભાવ ન હતો. એ તો તેનાથી પણ એક ડગલું આગળ હતી. તે ભક્તોના આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સમર્પણ એ તો પૂર્ણ જ હતા. આ ઉપરાંત અંતરની વિરહ વેદના, હૃદયની આરજૂ અને મહારાજ પ્રત્યેનો તલસાટ એ વિશેષ બાબત છે. એ ભગવાન માટેની વિરહ વેદના તેના અંતરમાં શ્રેષ્ઠ ગુણો તથા વિવેક જગાડે છે. માટે ગોપીઓનાં વચન સાંભળીને તો ઉદ્ધવજીએ પણ ગદ્ગદ્કંઠ થઈને તેમના ચરણરજની ઈચ્છા કરી હતી.
મહારાજ કહે, તેવી ગોપીઓમાં મુગ્ધા – મધ્યા અને પ્રૌઢા એ ત્રણ ભેદ છે. શાસ્ત્રમાં તેમનાં વચનોને આધારે તેનાં ભેદ દેખાય છે. ત્રણે પ્રકારની ગોપીઓમાં સમર્પણ અને વિરહ ભાવમાં કોઈ ખામી નથી પણ ભગવાનની સાથે વિનોદ વ્યવહાર જુદો જુદો હોવાથી જુદા જુદા ભેદ પડે છે. પ્રૌઢા ભગવાન પાસે મનગમતું કરાવવાનો આગ્રહ બિલકુલ નથી રાખતી અને તેનો શાંત વિનોદ વ્યવહાર છે. મધ્યામાં થોડો વિનોદ વ્યવહાર તથા ગમતું કરાવવાનો થોડો આગ્રહ હોય છે. જ્યારે મુગ્ધામાં બન્ને વધારે હોય છે માટે તેને મુગ્ધા કહેવાય છે.
મહારાજ કહે છે કે એવા ભક્તને શબ્દાદિક પંચવિષય ભગવાન સંબંધી હોય પણ બીજા પંચવિષયને મનથી પણ ન ધારી શકે. જ્યારે આત્મનિષ્ઠા, વૈરાગ્યરહિત ભક્ત હોય તેની સ્થિતિ અલગ છે. મહારાજ કહે જેમ વરસાદ ન હોય ત્યારે કોઈ બીજ પૃથ્વીમાં ન દેખાય પણ વરસાદ થાય એટલે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ તેવી વ્યક્તિને જ્યારે કુસંગનો જોગ થશે ત્યારે અખંડ વિષયનું ધ્યાન થવા લાગશે ને મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી એવું જણાશે. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય રહિત પ્રેમી જણાતો હોય તો પણ અતિશય ન્યૂન છે. આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે ને ઉપરથી આતુરતા જેવું નથી જણાતું પણ તેની પ્રીતિનાં મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગે કરીને પણ એની પ્રીતિ ઓછી જ થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે.