પ્રતિપાદિત વિષયઃ
ઈર્ષ્યાનું રૂપ.
મુખ્ય મુદ્દાઃ
૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે.
ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે.
વિવેચન :–
આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ઈર્ષ્યાનું એ રૂપ છે જે પોતાથી જે મોટો હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં. એવો જેનો સ્વભાવ હોય ત્યારે એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષ્યા છે. યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટપયને દેખી શકે નહીં.
ઈર્ષ્યા માટે સુપ્રસિદ્ધ પ્રસંગ અને ઉદાહરણ શાસ્ત્રમાં દેવતાઓના રાજા ઈન્દ્રના કહ્યા છે. સૂર્યવંશમાં મહારાજા દિલીપે સો યજ્ઞ કરવાની દીક્ષા લીધી ત્યારે નવાણું યજ્ઞ થયા અને સો મો યજ્ઞ શરૂ થયો ત્યારે ઈન્દ્ર આવીને યજ્ઞના અશ્વને ચોરી ગયા. રઘુને અને ઈન્દ્રને યુદ્ધ થયું. ઈન્દ્રનો પરાજય થયો. તો પણ ઈન્દ્રે કહ્યુ કે તું યજ્ઞના અશ્વ સિવાય બીજુ જે કાઈ જોઈએ તે માગી લે, પણ આ યજ્ઞ તો પૂરો નહીં જ થવા દઉં. અહીં ઊંડાણથી ભાવોને જોવાના છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે સો યજ્ઞ કરે ત્યારે તેને ઈન્દ્ર પદવી મળે છે. એનો અર્થ એવો નથી કે ચાલુ ઈન્દ્રને પદવી પરથી ઉઠાડી તેને રદ કરીને તેને મળે. અનેક બ્રહ્માંડો છે. ભગવાન ગમે ત્યાં અવકાશ પ્રમાણે તેને ઈન્દ્રપદ આપે. તેમાં ચાલુ ઈન્દ્રને કોઈ મુશ્કેલી નડતી નથી.
મહારાજ કહે છે કે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે. મારા જેવી ઈન્દ્રપદવી તેને મળે તે જ ઈન્દ્રના મનમાં માન્ય નથી. ભલે પોતાની ઈન્દ્ર પદવી જતી નથી. ભવિષ્યમાં જવાનો સંભવ પણ નથી, પણ ઈર્ષ્યા બીજા કોઈને પોતાના જેવી કક્ષા સુધી આવવાનું પણ સહન કરી શકતી નથી. તેને અગાઉથી જ વિધ્ન કરી નીચે રાખવા સક્રિય બની જાય છે. તેથી તો મહારાજ કહે છે કે ક્રોધ, મત્સર, અસૂયા તે પણ માનમાંથી ઈર્ષ્યાની સાથે સાથે જ પ્રવર્તે છે. પારકાનો ઉત્કર્ષ ન સહન થઈ શકવો એવો ઈર્ષ્યાનો સ્વભાવ છે. એટલે કે એ જેમાં હોય તેને પણ એવું કરાવે છે. જ્યાં સુધી તેનો કાંઈક અપકર્ષ ન થાય ત્યાં સુધી પોતાના હૃદયમાં જલન થયા કરે છે. જો સામાનું ખરાબ થાય તો ખુશી થાય છે. હું સર્વથી શ્રેષ્ઠ છું અને સતત રહેવો જોઈએ. મારી સમાન પણ કોઈ ન થવો જોઈએ. આવી ગુપ્ત દુર્ભાવના તેને આવું કરવા પ્રેરે છે. તેથી મહારાજ કહે છે જે ઈર્ષ્યા માનમાંથી જન્મે છે.