આ વચનામૃત આત્મા અનાત્માની ચોખ્ખી ઓળખાણનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખ્ખી વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા–અનાત્મા એક સમજાય નહીં. મહારાજ કહે, એક શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા પછી દેહ અને આત્માનો એક લોચો જ રહે નહીં. ચોખ્ખું સમજાય તે જ સમજણ સુખદાયી થાય છે. ગોબરી સમજણ સુખદાયી થતી નથી. જ્યાં સુધી પોતાના અંતરમાં પોતે કોણ છે તેની ઓળખાણ થતી નથી કે નિર્ણય થતો નથી ત્યાં સુધી જગત તથા દેહના ભાવ અલગ થતા નથી અને તેને દબાવી શકાતા નથી. માટે પોતાના અંતરમાં પોતાની સ્પષ્ટ ઓળખાણ (identification) હોવી જરૂરી છે.
માણસ જેવો પોતાના અંતરમાં પોતાને માનતો હોય કે જોતો હોય તેના અનુસારે તેના તમામ વ્યવહાર અને પુરુષાર્થમાં બદલાવ આવી જાય છે. એક માણસ કોઈ શેઠની દુકાનમાં નોકરી કરતો હોય. ગ્રાહકને સામાન આપતો હોય. પોતે હોંશિયાર હોય અને તે જ પ્રકારનો વ્યાપાર ધંધો પોતે કરે ત્યારે તેનો દૃષ્ટિકોણ તમામ પ્રકારે બદલી જાય છે. પહેલા તે પોતાને સ્વયં નોકર માનીને કામ કરતો હતો. હવે પોતાને માલિક માને છે. માટે માલ પ્રત્યે, ગ્રાહક પ્રત્યે, કિંમત પ્રત્યે તમામ પ્રકારે તેની દૃષ્ટિમાં બદલાવ આવી જાય છે. પહેલા નોકર હતો ત્યારે જે દૃષ્ટિકોણથી જોતો હતો હવે તે દૃષ્ટિકોણથી નહીં દેખે. કારણ એ છે કે પોતાના પ્રત્યેની પોતાની ઓળખાણમાં બદલાવ થયો છે. પહેલા પોતાને નોકર માનતો હતો. હવે પોતાને માલિક માને છે. માટે સર્વ પદાર્થ પ્રત્યે માલિકની દૃષ્ટિ આવી ગઈ છે. (બીજું દૃષ્ટાંત વણકરની દીકરી ચમારને ઘેર)
મહારાજ કહે, પોતાને દેહથી અતિશય વિલક્ષણ આત્મા સ્વરૂપે જો માને તો તેની તમામ ક્રિયાઓ અને પુરુષાર્થ બદલાઈ જાય છે. આત્મા ખરેખર તો દેહથી પૃથક્અને અતિ વિલક્ષણ છે પણ તેનો આપણે તપાસ કરતા નથી. જો દેખાય તો પણ અંતરથી પોતાને તે રૂપે માનવાનું સ્વીકારતા નથી. કારણ કે જો તેમ માને તો હમણાં સેટીંગ કરેલો(માનસિક રીતે ગોઠવેલો) આનંદ પ્રમોદ બધો વિખરાઈ જાય. માટે આત્મા સ્વરૂપે માનવાનું જ મુલતવી રાખીએ છીએ અને દેહને અનુરૂપ બધી જ પ્રતિપાદિત વિષયઃ
આત્મા – અનાત્માની ચોખ્ખી વિક્તિ.
મુખ્ય મુદ્દાઃ
૧. અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો વિચાર કરવો.
ર. ગોબરી સમજણ સુખદાયી થતી નથી.
૩. હિંમત હારવી નહિ.
વિવેચન :–
ગોઠવણી ચલાવીએ છીએ. મહારાજ કહે છે કે દેહ અને આત્મા અતિશય ભિન્ન છે. પોતાને દેહથી અતિશય જુદો માને અને દૃઢ માન્યતા કરીને અત્યંત નિર્વાસનિક થઈને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું ચિંતવન કરે ત્યારે દૃઢ વિવેક થયો જાણવો.
જ્યારે દેહના ભાવો સામે આવે છે ત્યારે જો દૃઢતા ન કરી હોય તો દેહરૂપ થઈ જવાય છે. કુળ, ગોત્ર, નામ, સૌંદર્ય, જાતિ, જાડો, પાતળો, કાળો, ધોળો એ બધા સ્થૂળ દેહના ભાવ છે. આત્મા એવો હું તેના નથી. ભૂખ, તરસ, અધતા, બધિરતા, કામ, ક્રોધ સમગ્ર ભાવો સૂક્ષ્મ દેહ જે પ્રાણ, અંતઃકરણ ને ઈન્દ્રિયોના છે, પણ મારી લાગણીઓ નથી. જડતા, રાગ, અજ્ઞાન આપણા વિશિષ્ટ સ્વભાવો એ બધા કારણ દેહના ભાવો છે, પણ આત્મા એવો હું તેના નથી. એવું ચોખ્ખું અને દૃઢપણે અંતરમાંથી મનાય ત્યારે તેને ચોખ્ખો વિવેક થયો જાણવો. ઘડીક પોતાને નોખો આત્મારૂપ માને ને ઘડીકમાં પેલા ભાવોમાં ભળી જઈને પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે તેને ગોબરો જાણવો અને એવું જ્યાં સુધી થાય ત્યાં સુધી તેના અંતરમાં સુખ આવતું નથી.
જેમ ઝાઝું દુધ હોય ને તેમાં થોડું ઝેર પડે તો પણ તે ઝેર થઈ જાય છે. તેમ આખો દિવસ પોતાને દેહથી નોખો આત્મા માને અને એક ઘડી વિષય ભોગવવા સમયે પોતાને દેહરૂપ માનીને ભેળો ભળી જાય ને દેહની લાગણીઓને પ્રાધાન્ય આપી દે. તેને ભોગવ્યા પછી વળી પોતાને આત્મા માનવા લાગે તો આખા દિવસનો વિચાર ધૂળમાં મળી જાય છે. તેના અંતરમાં આત્મચિંતનનું સુખ આવતું નથી. ઉલ્ટું દેહભાવ ડોકિયું કરી ગયો તેનું દુઃખ છવાઈ જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો.
વળી મહારાજ કહે કે આવી આકરી વાત સાંભળીને હિંમત હારી જવાની જરૂરત નથી, પણ પુરુષાર્થ વધારવાની જરૂરત છે. મહારાજ કહે, કોઈકને એવો સંશય થાય કે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે ? તો મહારાજ કહે, મરણની બીક ભગવાનના ભક્તે રાખવી નહીં. મરશે તો દેહ મરશે. હું તો આત્મા છું માટે નહીં મરુ. એમ હિંમત રાખીને વાસનાનો ત્યાગ કરવાના ઉપાયો કરવા અને વાસના ટાળતાં ટાળતાં જો કાંઈક થોડી ઘણી રહી ગઈ હોય તો પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં નહીં જવું પડે કે નરક ચોરાસીમાં નહીં જવું પડે. ભગવાનનો ભક્ત હોય ને તેને જગતની કોઈ વાસના રહી ગઈ હોય તો ઈન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય છે. જેને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મમાં નરક કહ્યા છે. તેવા નરકની પ્રાપ્તિ થાય છે. વળી પાછા મનુષ્ય થઈ ભક્તિ કરી ભગવાનના ધામમાં જશે. માટે ભગવાનના ભક્તને વાસનાનું બળ દેખીને હિંમત ન હારવી અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું. વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન તથા સંતના વચનમાં દૃઢ વિશ્વાસ રાખવો.