પ્રતિપાદિત વિષયઃ
પ્રત્યક્ષ અને માનસી પૂજામાં કઈ શ્રેષ્ઠ ? તથા શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણ.
મુખ્ય મુદ્દાઃ
૧.રોમાંચિત ગાત્ર તથા ગદ્ગદ્કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય.
ર. પૂજા–સેવામાં, કથા–કીર્તનાદિકમાં અતિ શ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું.
૩. ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે કથા સાંભળવી તેને શ્રવણ કહેવાય.
૪. શ્રવણ પછી યોગ્ય હોય તેટલી ગ્રહણ કરે ને બિનજરૂરી ત્યાગ કરે તેને મનન કહેવાય.
પ. મનન કરેલ અર્થને રાત દિવસ સંભારવાનો અભ્યાસ તેને નિદિધ્યાસ કહેવાય.
૬. તે વસ્તુ યાદ કર્યા વિના પણ ઈદંની પેઠે સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહેવાય.
વિવેચન :–
આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે : હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. એ બે ભક્તોમાં શ્રેષ્ઠ કોણ છે ?
ત્યારે મહારાજે કહ્યું જો ભગવાનને વિષે પે્રમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્ગદ્કંઠે થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. કેવળ શુષ્ક મને કરે છે તે તો બેય ન્યૂન છે. પૂજા કરવી એ ભગવાનમાં પ્રીતિ વધારવાનું અને વૃદ્ધિપામેલી પ્રીતિની અભિવ્યક્તિનું પણ સાધન છે. માટે પ્રત્યક્ષ કે માનસી કોઈ પણ પૂજામાં પ્રીતિ મુખ્ય છે. તે જેટલી હોય અથવા તે પૂજા કરવાથી પ્રીતિ જેટલી વધે તે જ મહત્ત્વનું છે. જો તેની બાદબાકી થાય તો માત્ર દેખાવ જ રહે. તેની ઝાઝી કિંમત રહેતી નથી. માટે મહારાજ કહે તેની રોમાંચિત ગાત્ર અને ગદ્ગદ્કંઠ થઈને પ્રત્યક્ષ પૂજા કરે કે પછી માનસી પૂજા કરે તે શ્રેષ્ઠ છે અને તે વિના બન્ને ન્યૂન છે.
ત્યારે સોમલા ખાચરે પૂછયું જે એવી રીતે જે પ્રેમમગ્ન થઈને બન્ને પ્રકારની પૂજા કરતો હોય તે કયે લક્ષણે કરીને ઓળખાય ? ત્યારે મહારાજ કહે જેને ભગવાનની પૂજા – સેવાને વિષે તથા કથા, વાર્તા, કીર્તન ને વિષે અતિશય શ્રદ્ધા હોય, ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય. એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં જ રહેતા હોય અને કયારેય ગૌણ ન પડતા હોય એ લક્ષણે કરીને એ ભક્તને ઓળખવો. મહારાજે મુક્તાનંદ સ્વામીનું દૃષ્ટાંત દીધું. જેમ મુક્તાનંદ સ્વામીને અમે લોજપુરમાં દીઠા હતા ને જેવી શ્રદ્ધા અને અમારું માહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડયું નથી. એવા લક્ષણથી જણાય છે.
ભગવાનમાં પ્રીતિ હોવી એ અંદરની વસ્તુ છે. તેને બહાર જણાવા માટે માપદંડ શું છે ? પ્રીતિનું સ્વરૂપ રાગ છે. રાગ એ હૃદયના અતિ ઊંડાણમાં પડેલો પદાર્થ છે. તે સીધે સીધો આપણી સામે પોતાના સ્વરૂપમાં આવતો નથી પણ કોઈક વિશિષ્ટ ચિહ્ન રૂપે, ક્રિયાના માધ્યમથી અથવા ચેષ્ટાઓના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. ત્યારે મહારાજ કહે છે કે ભગવાન પ્રત્યે અંતરમાં પ્રેમમગ્નતા હોય તો આ ક્રિયાઓ તેના જીવનમાં અવશ્ય દેખાવી જોઈએ. તે એ કે તેને ભગવાનની પૂજા – સેવામાં શ્રદ્ધા હોય. એટલે કે તેમાં થાક ન લાગે અને તેમાં કંટાળો ન આવે. સેવા કરતાં કંટાળી જતા હોઈએ તો એમ સમજવું કે શ્રદ્ધાનો અભાવ છે. એટલી માહાત્મ્યની ખામી છે. કંટાળો સેવામાંથી નથી નીકળતો એતો શ્રદ્ધાની અને મહિમાની ખામીમાંથી નીકળે છે. વળી કથા, વાર્તા, કીર્તનમાં શ્રદ્ધા હોય તેમાં તેને આનંદ આવે, થાક ન લાગે, કંટાળો ન લાગે. વળી આ બધી ક્રિયાઓ ગમે તેટલો લાંબો સમય કરે તો પણ ઝાંખપ ન આવે.
ઘણી વખત ઘણા ભક્તનો ઉત્સાહ ગાંડો હોય પણ થોડા દિવસમાં ભરતીની જેમ ઓટ પણ ગાંડી આવે. એ કાંઈ હૃદયની પ્રીતિ ન કહેવાય. ધણી વખત ઉપર બતાવેલી ક્રિયા કૃત્રિમતા કે દંભ, દેખાવથી પણ થાય પણ તે લાંબો વખત ચાલતી નથી. લાંબો વખત તો જે સાચા જ હૃદયથી હોય તે જ ચાલે છે. બીજી થોડા ટાઈમમાં બહાના કાઢી આઘી પાછી થઈ જાય છે. તેથી મહારાજ અહીં કહે એવી ભગવાનમાં પ્રેમમગ્નતા હોય. તેથી એ ક્રિયાઓમાં નવીન ને નવીન રસસભરતા રહે પણ કયારેય ગૌણ ન પડે. ગમે તેટલો લાંબો સમય કરે તો નીરસ ન થાય ઉલ્ટી રસ સભરતા વધે. જે મંદિર વાળવામાં પ્રથમ રસ અને મહિમા હતો તે વૃદ્ધ થાય તો પણ ઓછો ન થાય. જે કથા સાંભળવામાં પ્રથમ નવીનતા હતી તે આજ પણ ઓછી ન થાય. ત્યારે એમ જાણવું કે તે તે ક્રિયાઓ પ્રીતિથી પ્રેરાઈ ને થાય છે. ઘરેડ– કે રુઢિની જડતા પ્રેરિત નથી અને તે જ ફળદાયી થાય છે. મહારાજ કહે યાદવો ભગવાન સાથે જ રહેતા ને સેવા પણ કરતા પણ ભક્ત ન કહેવાયા. જ્યારે ઉદ્ધવજી ભક્ત કહેવાયા.
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પશ્ન પૂછયો. હે મહારાજ ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કોને કહેવાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શ્રોત્રે કરીને જે વાર્તા સાભળવી તેને શ્રવણ કહે છે. એટલે કે પવિત્ર અને નિરુપદ્રવ સ્થાનમાં બેસીને સ્થિર ચિત્તે સાંભળવાનું હોય છે. તે પણ ભગવાનના ભક્ત એવા વકના મુખથી સાંભળવાનું હોય છે, ભગવદ્વિમુખથી નહીં. કારણ કે અહીં જે શ્રવણ કહ્યુ છે તે ખાલી શ્રવણ નથી પણ આત્મા અને પરમાત્મા એટલે કે મહારાજ તેના સાક્ષાત્કારનું સાધન બને એવું શ્રવણ કરવાનું હોય છે. શ્રુતિમાં પણ કહ્યુ છે ‘આત્મા વા રે દ્રષ્ટવ્યઃ શ્રોતવ્યઃ મન્તવ્યો નિદિધ્યાસિતવ્યઃ સાક્ષાત્કર્તવ્યશ્ચ’ આત્મા પરમાત્માના સાક્ષાત્કારમાં તે મુખ્ય સાધન છે. શ્રીમદ્ભાગવતમાં પણ શ્રવણ ભક્તિ આત્માના ઉદ્ધાર માટે મુખ્ય પુરવાર કરી છે. પરીક્ષિત અને ધુંધુકારી વગેરે તેમના શ્રેષ્ઠ દૃષ્ટાંતો છે. હરિલીલામૃતમાં પણ શ્રવણભક્નિે નવધાભક્તિમાં સર્વ શ્રેષ્ઠ અને મુખ્ય ભક્તિ ગણાવી છે. તે પણ એવું શ્રવણ જ બીજી વસ્તુની જેમ સાંભળી લેવી એમ નહિ.
પછી મહારાજ કહે છે કે જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરી જેટલી વાર્તા ત્યાગ કરવા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી ગ્રહણ કરે તેને મનન કહેવાય . જેમ માણસ ભોજન જમે ત્યારે સ્થૂળ–નક્કર ભોજન પેટમાં આરોગે છે; પરંતુ પેટમાં એક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તમામ નક્કર પદાર્થને નરમ બનાવીને એક આહારરસ બનાવી દે છે. પછી તેમાં નક્કરતા રહેતી નથી અને આહાર રસમાં ફેરવવાની શકયતા ન હોય તો ઉત્સર્ગતંત્ર દ્વારા બહાર મોકલવાની વ્યવસ્થા થાય છે.
તેમ શ્રવણ કરવાથી વૃત્તિમાં પકડાયેલા અર્થોનું વારંવાર પુનરાવર્તન કરીને ચિંતવન કરવાથી આધ્યાત્મિક જીવન જીવવા માટે એક જીવનરસ તૈયાર થાય છે. જે સતત ચિંતન થઈ થઈ ને નિર્ણયાત્મક બની ગયો હોય છે. જેમાં ત્યાગ કરવાનું એટલે પોતાના અંગમાં જે ન આવતું હોય તેને છોડીને પોતાના અંગમાં જે આવતું હોય તેને પોતાના જીવન માટે નિર્ણયાત્મકરૂપ આપીને તૈયાર કરીને આપવું તેને અહીંયા મનન પ્રક્રિયા કહી છે. તે શ્રવણ કર્યા પછી મનનનું કાર્ય છે.
ત્યાર પછી નિદિધ્યાસ માટે મહારાજ કહે છે કે જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અભ્યાસ રાખવાનો હોય તેને નિદિધ્યાસ કહેવાય છે. આ મનન દ્વારા નિર્ણયાત્મક અથવા નિશ્ચયાત્મક રૂપ જે આપવામાં આવ્યું છે તે પોતાના ચિત્તપટમાં કાયમ કંડારાયેલું રહે તે માટે તેનું વારંવાર આવર્તન કરીને ઊંડા સંસ્કારો બેસાડીને બુદ્ધિના પડદામાં સંસ્કારોના રૂપમાં ઉપસાવી દેવું. અંતરપટમાં વિના પ્રયત્ને ધ્યાનના રૂપમાં ફેરવી નાખવું તેને નિદિધ્યાસની પ્રક્રિયા કહેવામાં આવે છે. નિદિધ્યાસ એ હાલતાં ચાલતાં સર્વ ક્રિયામાં ધ્યાનાનુસંધાનરૂપ છે. એવું થાય તેને નિદિધ્યાસ કહેવાય.
પછી મહારાજ કહે છે કે તે વાર્તા જેવી હોય એટલે કે તે વસ્તુ જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વ મૂર્તિમાનની પેઠે ઈદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહેવાય.
અહીં સંવેદનાપૂર્વક અને જતનપૂર્વક કરેલા દર્શનને સ્થાને શ્રવણ છે નિશ્ચિય સ્થાનીય મનન છે. કારણ કે શ્રવણમાંથી નિર્ણયાત્મક આકાર મનન આપે છે ને નિદિધ્યાસ એ ધ્યાન સ્થાનીય છે. પરિમિત સમય માટે જે વસ્તુની સ્મૃર્તિ રહે તેને ધ્યાન કહેવાય છે અને સર્વ કાળમાં ક્ષણે ક્ષણે જે વસ્તુની સ્મૃર્તિ થાય તેને નિદિધ્યાસ કહેવાય. ધ્યાન પરિમિતકાલિક હોય છે અને નિદિધ્યાસ સર્વકાળમાં રહે છે એટલો તેમાં સૂક્ષ્મ તફાવત છે. જ્યારે સાક્ષાત્કાર એ તૈલધારાવત્ અખંડ સ્મૃતિને ઠેકાણે છે. તેથી જ તો મહારાજ કહે છે કે ચિંતવન કર્યા વિના મૂર્તિમાનની પેઠે ઈદં સાંભરી આવે તેનો અર્થ અખંડ સ્મૃતિ એવો જ કરી શકાય છે. આમ શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર એ પરમાત્માને પામવાની સાધન પરંપરા છે.
જેમ ગીતામાં ભગવાનને પામવા માટે કર્મયોગને ઉત્તમ સાધન કહ્યો છે. તે ક્રિયાપ્રધાન સાધના છે. તેમ આ શ્રવણ, મનન વગેરે જ્ઞાનયોગ ભગવાનને પામવાનું સાધન છે. તે જ્ઞાનપ્રધાન સાધના છે. શુકદેવજી, સનકાદિક વગેરેમાં આ સાધનોની વધારે પ્રધાનતા છે. જનક, અર્જુન વગેરેમાં ક્રિયાપ્રધાન કર્મયોગની પ્રધાનતા છે. ગોપીઓ એ પ્રેમથી સીધા ભગવાનને આરાધ્યા છે. બધાનું અંતિમ ધ્યેય પરમાત્મા અને પરમાત્માની ભક્તિ છે. અર્જુન, જનક વગેરેની કર્મયોગપ્રધાન ભક્તિમાં સમર્પણની પ્રધાનતા છે. શુક સનકાદિકની જ્ઞાનપ્રધાન ભક્તિમાં મહિમાની પ્રધાનતા રહે છે. જ્યારે ગોપીઓની ભક્તિમાં પ્રેમપ્રધાનતા છે. તે જ્ઞાનમાર્ગમાં પણ ભક્તિ જ અંતિમ પગથિયું છે. તે કહ્યુ છે કે…
વેદનં ધ્યાન વિશ્રાંતં ધ્યાનં શ્રાન્તં ધ્રુવા સ્મૃતિઃ ।
સા ચ દૃષ્ટિત્વમભ્યેતિ દૃષ્ટિ ભક્તિત્વમૃચ્છતિ ।।
સાચા મહિમાનું અથવા પરમાત્માના જ્ઞાનનું ધ્યાનમાં પરિપાકરૂપે રૂપાંતરિત થાય છે. જ્યારે ધ્યાન પરિપાક થતાં અખંડ સ્મૃતિમાં પરિણમે છે. તે સ્મૃતિ જેવી હોય તેમ તેની દૃષ્ટિ થઈ જાય છે. તે દૃષ્ટિ તેની પરાભક્તિમાં રૂપાંતરિત થાય છે. માટે તેનું અંતિમ ફળ પણ પરમાત્મા અને તેમની ભક્તિ જ છે.
તેથી મહારાજ અહીં કહે છે કે જો એવી રીતે આત્માના સ્વરૂપનું તથા ભગવાનના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મા તથા ભગવાનનો પણ એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન અને નિદિધ્યાસ કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. મહારાજ કહે છે કે જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તેને સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. તે દર્શન ખાલી શ્રવણ માત્ર સરખું ગણાય. માટે જેણે ભગવાનના અંગનું દર્શન કરીને પછી તેનું મનન અને નિદિધ્યાસ કર્યો હશે તેને તે અંગ આજે સહેજે સાંભરી આવતું હશે.
કેટલાક હરિભક્ત ફરિયાદ કરે છે કે અમે સંભારીએ છીએ, પણ મહારાજ સાંભરતા નથી. તે સાચી વાત છે કે ન સાંભરે. કારણ કે દર્શન કર્યા પછી મનન કોઈ દિવસ કર્યું જ નથી ને સીધા સંભારવા બેસે તો ન સાંભરે. શ્રવણ, મનન વિના માયિક પદાર્થ પણ નથી યાદ રાખી શકાતા તો અમાયિક અને દિવ્ય એવા મહારાજનો શ્રવણ, મનન વિના સાક્ષાત્કાર કેમ થાય ? માટે ભગવાનનું દર્શન કરીને તથા કથાવાર્તા સાંભળીને મનન અને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર દર્શન, શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં.