પ્રતિપાદિત વિષયઃ
મન જીત્યાનાં લક્ષણો.
મુખ્ય મુદ્દાઃ
૧. ઈન્દ્રિયો જ્યારે વિષયથી પાછી હઠે ત્યારે મન જીતાણું જાણવું.
ર. આત્મનિષ્ઠા તથા ભગવાનના મહિમાથી પંચ વિષયની નિવૃત્તિ થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ‘જિતં જગત્કેન મનો હિ યેન ।’ આ મણિરત્નમાળા નામના ગ્રથના શ્લોકમાં કહ્યુ છે કે જેણે પોતાનુ મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું માટે તે મન જીત્યું તે કેમ જણાય ? ત્યારે મહારાજે કહ્યુ કે શબ્દાદિ પંચવિષયમાંથી જ્યારે ઈન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા ન રહે ત્યારે સર્વ ઈન્દ્રિયો વશ થાય છે. જ્યારે ઈન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઈન્દ્રિયો સુધી આવે નહીં ને હૈયામાંને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દૃઢપણે કરીને થયો હોય ત્યારે તેનું મન જીત્યું જાણવું. વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું.
પંચ વિષય છે તે જગતવાસનાનો સાર છે. ધન, સ્ત્રી વગેરે અંતે તો વિષયોને માટે છે. માટે પંચ વિષય છે તે જ જગત છે. તે વાસના, સંસ્કાર અને રાગ સ્વરૂપે ઈન્દ્રિયો, મન અને જીવમાં દૃઢ પણે ચોટીને રહ્યા છે. જગતમાં રહેલા ઉત્તમ પંચ વિષયોને જીવમાં પેસવા માટે અને જીવમાં રાગરૂપે રહેલા પંચ વિષયોને બહાર આવવા માટે એક નિશ્ચિત ક્રમ છે–પદ્ધતિ છે. બહાર રહેલા પંચ વિષયો પ્રથમ ઈન્દ્રિયોમાં આવે છે. પછી અંતઃકરણમાં એટલે કે મનમાં આવે છે અને પછી જીવમાં રાગરૂપે જમા થાય છે જે જગત છે. જીવમાં રાગ અથવા વાસનારૂપે જમા થયેલા પંચ વિષય પ્રથમ મનમાં આવે છે એટલે કે પ્રથમ અંતઃકરણને ઉશ્કેરે છે ને પછી ઈન્દ્રિયોને. ત્યારે ઈન્દ્રિયો બહાર પડેલા પંચ વિષય સાથે સંધાન કરે છે. આ પ્રક્રિયાથી વિષય બહારથી અંદર જઈને જીવમાં જમા થાય છે અને જીવમાં પડેલા વિષયો બહાર અભિવ્યક્ત થાય છે. સ્થૂળ વિષયનો સંગ્રહ બહાર થાય છે. તેનાથી સૂક્ષ્મનો સંગ્રહ ઈન્દ્રિયોમાં તેથી સૂક્ષ્મનો સંગ્રહ અંતઃકરણમાં અને તેથી પણ સૂક્ષ્મનો સંગ્રહ જીવમાં થાય છે. તે ગીતામાં બતાવ્યું છે કે…
ઈન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ।
તથા
એવં બુદ્ધેઃ પરં બુધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્।।(ગીતા : ૩–૪૦,૪૩)
બહાર જગતમાં સ્થૂળરૂપે, મનમાં કે અતઃકરણમાં વાસનારૂપે અને જીવમાં અવ્યક્ત રાગરૂપે આ વિષયો અધિષ્ઠાન કરીને રહ્યા છે. તેને ઉખેડે છે ત્યારે જગત જીતાય છે. મનમાં સાંભરતા વિષયને જીતી લે છે. એટલે કે મનમાં ભગવાનને ખૂબ યાદ કરવા લાગે ને ભગવાનની મૂર્તિમા મશગૂલ બની જાય તો પણ જો જીવમાં રાગ પડયો હોય તો પંચ વિષય જીતાણા ન કહેવાય. એટલે મન તેને અત્યારે નથી સંભારતું તો પણ જીત્યું ન ગણાય. કારણ કે પંચ વિષયનો રાગ અંદર પડયો છે. તે ગમે ત્યારે જોગ થાશે ત્યારે બધાનો પરાભવ કરીને પોતાને સાનુકૂળ બનાવી લેશે અથવા અંતરમાં અતિ રાગ જેવું ન જણાતું હોય તો પણ બાહેર પંચ વિષયનો વિચાર કરીને અતિ અભાવ ન થયો હોય તો કયારેક અતિ યોગ થાય ત્યારે મનમાં રાગ ન હોય તો ઊભો થાય છે.
પૂર્વે સૌભરી આદિ ૠષિઓના આખ્યાન ઉપરથી એવું દેખાય છે. તેથી આ વચનામૃતમાં મહારાજે કહ્યા મુજબ બાહેર રહેલા પંચ વિષયના દોષનુ મનન કરીને તેનો અતિ અભાવ થવો જોઈએ અને ઈન્દ્રિયોના રસ નિર્મૂળ થવા જોઈએ. તેનો વિષયો તરફનો વેગ નાશ થઈને ભગવાન તરફ વળેલો થવો જોઈએ. મનમાંથી વિષયોની વાસના નાશ થવી જોઈએ અને જીવમાં રહેલ રાગ મૂળમાંથી ઉખડી જવો જોઈએ. કોઈ એક ઠેકાણે રહેલા પંચ વિષય હજુ સક્રિય પ્રક્રિયામાં પડયા હોય તો આખી શ્રૃંખલાને સજીવન કરે છે. માટે મહારાજ મન જીતવાના પ્રસંગમાં પણ પંચ વિષયનો અતિ ત્યાગ થયો હોય અને ઈન્દ્રિયો વિષયનો યોગ થાય તો પણ સ્પર્શ જ ન કરે. મન અંદર ને અંદર રહે ત્યારે મન જીત્યું એમ કહે છે. તેમાંથી એક જગ્યાએ કાચું હોય તો મન જીત્યું નથી એમ જાણવું. અને ત્યારે જ જગત સમૂળુ જીવમાંથી નીકળે છે. જ્યારે અંતરથી જગત નીકળી ગયું ત્યારે જગત જીતાઈ ગયું.
મુક્તાનંદ સ્વામીએ વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે તેમ પૂછયું. ત્યારે શ્રીજી મહારાજ કહે, વિષયની નિવૃત્તિનું એક કારણ તો આત્મનિષ્ઠા છે ને બીજું ભગવાનના મહિમાનું જ્ઞાન છે.
વિષયનું અનુસંધાન દેહભાવમાં જ રહે છે. દેહભાવ દૂર થાય ત્યારે વિષયનું જીવનપણું રહેતું નથી. માટે એક તો હું ત્રણ દેહથી જુદો આત્મસ્વરૂપ એ મારું સાચું સ્વરૂપ છે એમ દૃઢપણે મનાય અને દેહની દુઃખરૂપતા અને દોષરૂપતા મનાય તો પછી તેમાં પ્રીતિ ન થાય. ભગવાનનો મહિમા એમ સમજવો જે ભગવાનના એક રોમનું જે સુખ તે આખા બ્રહ્માંડના પંચ વિષયનું સુખ ભેળું કરે તો પણ તેના કોટીમા ભાગની બરોબર પણ આવે નહિ એવું ભગવાનનું સુખ છે. એવું અક્ષરધામનું સુખ છે. એવું સુખ મેળવવા માટે આ પંચ વિષયનું તુચ્છ સુખ અવશ્ય છોડવું પડે છે. બન્ને સાથે થઈ શકતું નથી. એવી રીતે વિચાર કરવાથી જે વૈરાગ્ય પ્રગટે છે તેણે કરીને વિષયનો ત્યાગ કરે તો પછી તેને ફરી વિષયમાં પ્રીતિ થાય જ નહીં. ત્યારે જ તેનું મન જીતાણું જાણવું અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય તો પણ કોઈ સારા મન ગમતા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડયા મૂકીને વિષયમાં પ્રીતિ કરે છે અથવા દુઃખ આવે કે વિષયસુખ દૂર થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ રહે નહીં. વિકળ જેવો થઈ જાય. તેની ભક્તિ પ્રથમ ઘણી શોભે પણ અંતે સારી ન રહે.