પ્રતિપાદિત વિષયઃ
ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ કેમ થાય ? ભગવાન અને મોટા સંતને મુમુક્ષુમાં પ્રીતિ (રાજીપો) કેમ થાય ?
મુખ્ય મુદાઃ
૧. ભગવાનમાં પ્રીતિ થવાનાં અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ ભગવાનનો મહિમા જાણવો એટલે કે ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો જાણવા તે છે.
ર. ભગવાન મુમુક્ષુ ઉપર રાજી થાય તેમાં પણ અનેક કારણો છે. તેમાં મુખ્ય ૧. વાણીનું નિયમન અથવા વાણીનો વિવેક ર. દેહ દમન ૩. દર્શનમાં એકાગ્રતા આ મુખ્યપણે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનના ભકતને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય ? પ્રશ્ન ખૂબજ જટિલ છે. સ્નેહ બે પ્રકારનો હોય છે, એક ઉભયાંગી અને બીજો એકાંગી. સ્વામીએ મહત્ત્વનો પ્રશ્ન પૂછયો છે. તેમાં એકાંગી સ્નેહનો ઉલ્લેખ કર્યો છે. પછી મહારાજે તેમને યાદી આપીને એ પ્રશ્નને ઉભયાંગી સ્નેહનું સ્વરૂપ અપાવ્યું છે. એકાંગી એટલે એક વ્યકિત સામી વ્યકિતમાં સ્નેહ રાખે પણ સામી વ્યકિત સામો સ્નેહ રાખે કે ન રાખે તેની બહુ આશા ન રાખે તો તેને એકાંગી સ્નેહ કહેવાય. જો એવી આશા રાખે કે હું જેમ તેમાં સ્નેહ રાખું છું, તેમ પરમાત્મા પણ મારા ઉપર સ્નેહ રાખે તો સારું તેને ઉભયાંગી સ્નેહ કહેવાય.
આ સંસારમાં વધારે પ્રસિદ્ધ પ્રીતિ ત્રણ પ્રકારે થાય છે એવું સામાન્ય રીતે જોવામાં આવે છે. (૧) લોહીના સંબંધથી થતી પ્રીતિ (ર) વિજાતીય સંબંધથી થતી પ્રીતિ (૩) મહિમા સમજવાથી થતી પ્રીતિ. તેમાં ત્રણેય પ્રીતિનો મહારાજે વચનામૃતમાં જુદે જુદે સ્થાને ઉલ્લેખ કર્યો છે. તદ્ઉપરાંત પ્રીતિ જન્મવાના બીજા પણ ઘણા કારણો છે. જેમ કે મહારાજે કહ્યુ કે સ્નેહ તો રૂપે કરીને, કામે કરીને, લોભે કરીને, સ્વાર્થે કરીને અને ગુણે કરીને થાય છે. તદ્ઉપરાંત લેવડ દેવડથી, બોલવા ચાલવાથી, સહવાસથી પણ સ્નેહ થતો હોય છે. છતાં આગળ ગણાવ્યા તે શાસ્ત્ર અને સમાજમા અતિશય પ્રસિદ્ધ છે અને બળવાન પણ છે.
લોહીના સંબંધથી થતો સ્નેહઃ બાળકને માબાપમાં, માબાપને બાળકમાં, ભાઈ ભાઈ વચ્ચે, વગેરે કુટુંબમાં જે સ્નેહ પાંગરે છે તે લોહીના સંબંધનો સ્નેહ છે. મહારાજે તેને થોરના ઝાડ જેવો કહ્યો છે. કોઈપણ જાતના પ્રોત્સાહન વિના પણ પડયો પડયો પાલવે છે – વૃદ્ધિ પામે છે. કોઈ રીતે નાશ ન પામે તેવો બળવાન છે. તો પણ તેનો નાશ કરવામાં વિજાતીય સ્નેહ સારી રીતે સફળ છે ? શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.૩રમા કહ્યુ છે કે સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં સહેજે હેત થાય છે અને તે પણ બળવાન હેત થાય છે. એવું પુરુષને પુરુષમાં થતું નથી કે સ્ત્રીને સ્ત્રીમાં થતું નથી. એનું નામ ભગવાનની માયા કહેવાય છે. આ વિજાતીય હેત લોહીના હેત કરતાં પણ વધુ બળવાન છે.
લોકમાં અને શાસ્ત્રમાં દેખાય છે કે જ્યારથી વિજાતીય હેત શરૂ થાય છે ત્યારથી માબાપનું હેત પણ ઝાખું પડી જાય છે. ઘણી વખત તો કડવું લાગવા માંડે છે. ભાઈ ભાઈ વચ્ચેનો સ્નેહ પણ આ હેતની ખાતર તૂટી જાય છે. જે લોહીના સંબંધના હેતને શાસ્ત્રમાં અજરપાશ કહ્યો છે. તેને પણ આ હેત થોડા જ સમયમાં ટુકડે ટુકડા કરી નાખે છે. માટે લોહીના સંબંધની પ્રીતિ કરતાં વિજાતીય સંબંધથી થતી પ્રીતિ બળવાન છે. તેના કરતાં પણ પરમાત્માનો મહિમા સમજવાથી પરમાત્મામાં થતી પ્રીતિ, વિજાતીય સંબંધની પ્રીતિ કરતાં પણ વધારે બળવાન હોય છે. જેને જેને પરમાત્માનો મહિમા સમજાઈ ગયો છે તેણે ભર યુવાનીમાં પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને પરમાત્મામાં પ્રીતિ જોડી છે. ચિત્રકેતુએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. ભર્તૃહરીએ સોળસો નારીઓનો ત્યાગ કર્યો. અનેક ભકતોએ પોતાની અત્યંત પ્રિયપાત્ર સ્ત્રીઓનો ત્યાગ કરીને ભગવાનમાં પ્રીતિ કરી છે. ભગવાનનો મહિમા સમજવાથી જે પ્રીતિ થાય છે તે પ્રીતિ સર્વ કરતાં બળવાન છે. તેથી મહારાજે પ્રથમ એવું કહ્યું કે, ગુણે કરીને થયેલો સ્નેહ નાશ પામતો નથી. ભગવાનના ગુણો જાણવા એટલે જ ભગવાનનો મહિમા સમજવો ગણાય છે. તેથી ગુણો વિચારીને થતી પ્રીતિ અચળ રહે છે એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે.
ત્યાર પછી શ્રીજી મહારાજે જે વાત કરી છે તે મોટે ભાગે ભગવાનને ભકત ઉપર પ્રીતિ કેમ થાય ? એવા ભકતના ગુણોની વાત કરી છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે ભકતને ભગવાન ઉપર પ્રીતિ કેમ થાય તેની ચર્ચા કરી છે. વ્યકિતમાં અનેક ગુણો હોય તો પણ શ્રીજી મહારાજની પ્રીતિ જેને આપણે રાજીપો કહીએ છીએ તે સંપાદન કરવો હોય તો વાણી, દેહ, અને મનના જે ગુણો આ વચનામૃતમાં બતાવ્યા તે પ્રમાણે ભકતએ રહેવું જોઈએ.
વાણીના ગુણો અનેક છે. સત્ય બોલવું. મીઠું બોલવું. હિતકારી બોલવું. આ બધા ગુણોથી ભગવાન રાજી થાય તો પણ વચનામૃતમાં જે વાણીનો વિવેક બતાવ્યો તે વિવેકથી ભગવાન અને મોટા સંતો અતિ રાજી થાય છે. વાણીના બીજા ગુણો અનેક હોય પણ વચનામૃતમાં કહ્યો એવો વિવેક ન હોય તો બીજા ગુણોનો પોતાના કલ્યાણમાં ઝાઝો અર્થ રહેતો નથી.
તેવી જ રીતે શરીરના ગુણો પણ અનેક છે. શરીરશકિત, સેવાભાવ, વિનય વગેરે અનેક ગુણો છે. તેમાં પણ જેને મોક્ષને માર્ગે ચાલવું છે તેને આ ગુણ ખૂબ ઉપયોગી છે. તે ભગવાન અને મોટા સંતોના રાજીપાનું સાધન છે. દેહમાં ઉન્મત્તતા ન આવવા દેવી અને દેહે કરીને ભગવાનના ભકતની ટેલ ચાકરી કરવી. જેથી ભગવાન ને સંત, સાધક ઉપર ખૂબ રાજી થાય છે.
ત્રીજો મનનો ગુણ એ બતાવ્યો કે જ્યારે દર્શન કરવા, ત્યારે મન એકાગ્ર રાખીને કરવા; પણ દર્શનમાંથી વૃત્તિ તોડીને આડીઅવળી કરવી નહીં. દર્શન કરતાં કરતાં નેત્ર બંધ કરીને ભગવાનની મૂર્તિને નેત્ર દ્વારા હૃદયમાં ઉતારતી જવી. હૃદયમાં સ્થિર કરીને સંકલ્પ રહિત થઈને મૂર્તિ સામે જોઈ રહેવું. આવી રીતે વારંવાર દર્શન કરતી વખતે અભ્યાસ કરવો. તો એ ભકતને ભગવાનમાં પ્રીતિ થાય છે. ભગવાનની પ્રત્યક્ષ કે મોટા સંતને પણ એ ભકત ઉપર પ્રીતિ થાય છે અને રાજી થાય છે.
તદ્ઉપરાંત મહારાજે શ્રોત્ર અને નેત્રને વિશેષ નિયમમાં કરવાના કહ્યા છે. તેનું કારણ એ છે કે શ્રોત્ર અને નેત્ર ને પોતપોતાનો વિષય ગ્રહણ કરવો એ બીજી ઈન્દ્રિયોની અપેક્ષાએ સહેલો છે. કારણ કે શ્રોત્ર અને નેત્ર વિષય દૂર હોય તો પણ ત્યાં જઈને વિષયને પકડી શકે છે. બીજી ઈન્દ્રિયોને વિષય સામેથી પોતાની પાસે આવે ત્યારે તે વિષયને ગ્રહણ કરી શકે છે. તેથી શ્રોત્ર અને નેત્ર સતત વિષયને પકડયે જ રાખે છે તેથી તેને વધારે નિયમન કરવાની જરૂર છે. એટલે મહારાજે એ બે ઈન્દ્રિયોને વિશેષ નિયમન કરવાની વાત કરી છે. વળી જે વિષય આસક્તિપૂર્વક અથવા અતિ આતુરતાથી કે વેગમા આવી જઈને ભોગવ્યો હોય તે ભજન કરવા સમયે ખાસ યાદ આવે છે. માટે શ્રોત્ર અને નેત્રને ખાસ નિયમમાં કરવા અને તેમને પાછું વળવાનો ઉપદેશ દેવો.
ખાસ કરીને વચનામૃતમાં પછીના બે મન અને વાણીના જે ગુણો કહ્યા તે ભગવાન અને મોટા સાધુ સાધક ઉપર રાજી થાય તેમાં કારણભૂત બને છે. જ્યારે મહિમા એ સાધકને ભગવાનમાં પ્રીતિ થાય એમાં કારણ રૂપ બને છે. વચનામૃતનો વિષય બંનેને એકબીજામાં પ્રીતિ થાય તેવો છે. અહીં વિશેષ ભાર ભગવાન અને મોટા સાધુને મુમુક્ષુ ઉપર પ્રીતિ એટલે કે રાજીપો કેમ થાય તે વાત વધારે કરી છે અને મુમુક્ષને પરમાત્મામાં પ્રીતિ કેમ થાય તે પૂછેલું છે. પ્રશ્નમાં શ્રીજી મહારાજે થોડો ઉમેરો કર્યો છે. ઉમેરો કર્યા પછી પણ ભગવાન અને મોટા સંતને સાધક ઉપર વધારે પ્રીતિ કેમ થાય એ મુદ્દાને વિસ્તાર્યો છે. (વચનામૃતને સમજવા આટલું અનુસંધાન જરૂરી છે.)