ગમ–ર૮ : જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

પ્રતિપાદિત વિષયઃ

ભક્તની જીવન દોરી.

મુખ્ય મુદ્દા        

૧.ભગવાનના ખરેખરા ભક્તનો અવગુણ ન આવવો.

ર.ભગવાનના ભક્તના દ્રોહી ઉપર રીસ ન ઉતરવી.

વિવેચન :–

આ વચનામૃત જીવનદોરીનું છે. આ વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ કેવી છે તે સ્પષ્ટ કરી છે. વચનામૃતની શરૂઆતમાં પ્રાગજી દવેએ કહ્યું કે શ્રીમદ્‌ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પ્રત્યક્ષ ભગવાનનું બળ અને ભકિત પ્રદર્શકતામાં તેના જેવો બીજો કોઈ ગ્રંથ નથી.

મહારાજ કહે, ભાગવત તો સારું જ છે; પણ વાસુદેવમાહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત એ મંગલ ચતુષ્ટય પ્રતિપાદન કરવામાં વાસુદેવમાહાત્મ્ય જેવો બીજો ગ્રંથ નથી. તેમા વર્ણાશ્રમ ધર્મમર્યાદા, અહિંસા વગેરેનું અતિ સુંદર પ્રતિપાદન થયું છે. તેમજ સાકારતા, એક નારાયણની જ ઉપાસના વગેરે એકાંતિક ધર્મનું સુંદર નિરૂપણ થયું છે. રામાયણમાં ભગવાન શ્રીરામજીનું મર્યાદાપાલન અતિ સુંદર છે પણ તેમા હિંસાનું થોડું પ્રતિપાદન થાય છે. રઘુનાથજી ક્ષત્રિયની પ્રકૃતિથી વર્ત્યા છે. તેને વિશે શરણાગત વાત્સલ્યપણું તો ખરું પણ શરણાગત જો મર્યાદા ભંગ કરે તો તત્કાળ તેનો ત્યાગ કરી દે એવી પ્રકૃતિ હતી. સીતાજી તો નિર્દોષ હતાં પણ થોડા મિથ્યા લોકાપવાદથી, અતિ વહાલાં હતાં ને પોતાને વિશે અતિ ભક્તિવાળા હતાં તો પણ તેમનો ત્યાગ કરી દીધો.

ત્યારે મુકતાનંદ સ્વામી બોલ્યા જે એવી તો રામાનંદસ્વામીની પ્રકૃતિ હતી. લોકાપવાદથી પણ શરણાગતનો ત્યાગ કરી દે. મહારાજ કહે અમારી પ્રકૃતિ એવી નથી. કોઈ પ્રકારના ભયના વિચારથી અમે શરણાગતનો ત્યાગ કોઈ રીતે કરતા નથી. સ્વામીની વાતોમાં કહ્યું છે કે અમે તો ‘ઘોડા બચકાં’ છીએ. એક વાર જેને અપનાવીએ તેનો કયારેય ત્યાગ કરતા નથી. અમને મૂકતાં જ આવડતું નથી. અમારે તો ભગવાનના ભક્ત ઉપર ખૂબ જ દયા વર્તે છે. અર્જુન અને રામચંદ્ર જેવા કોઈ પુરુષ ન ગણાય. તે દયાળુ અને શરણાગતવત્સલ હતા. સ્વામીનો ગુણ ગ્રહણ કરવામાં અને અવગુણ ન લેવામાં તથા પોતાનો અવગુણ ગ્રહણ કરવામાં અને પોતાનો ગુણ ન લેવામાં સીતા અને દ્રૌપદી સમાન જગતમાં કોઈ સ્ત્રી નથી. મહારાજ કહે અમારી પ્રકૃતિ અતિ દયાળુ છે, તો પણ જો કોઈ હરિભક્તનો દ્રોહ કરે તો તેનો અમારે અભાવ આવે છે. ત્યાં દયા રહેતી નથી. શરણાગતવત્સલપણું પણ રહેતું નથી.

ગ.મ.૬૦મા વચનામૃતમા મહારાજ કહે : ”હું તો દત્તાત્રેય, જડભરત, નારદ ને શુકદેવજી તે સરખો દયાવાળો છું. પૂર્વદેશમાં એક સમે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો; તે મને સર્વે વૈરાગીએ કહ્યું જે, ”તાંદળજાની લીલી ભાજી તોડો” ત્યારે મેં કહ્યું જે, ”એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ.’ પછી એક જણે તલવાર ઉઘાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી. એવો અમારો દયાવાળો સ્વભાવ છે. ડરથી પણ અમારી દયા દૂર થતી નથી. તો પણ કોઈક ભગવાનના ભક્ત પર ક્રૂર દૃષ્ટિએ જોતો હોય ને તે જો પોતાનો સગો હોય તો પણ જાણીએ જે, તેની આંખ્ય ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુઃખવે તો તેના હાથ કાપી નાખીએ એવો અમારો સ્વભાવ છે. મહારાજ કહે છે કે જો કોઈ હરિભક્તનું ઘસાતું બોલ્યો અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહીં. જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે છે તે ઉપર તો અમારે અતિ રાજીપો થઈ જાય છે. મહારાજ કહે, હું લાંબો સમય જોઉ છું અને કોઈના કહેવાથી નિર્ણય બાંધી લેતો નથી. પ્રત્યક્ષ અનુભવથી જ રાજી–કુરાજી થાઉં છું. મારે તો એે જ અંગ છે. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભકિત કરું છું.

વળી, જીવને ભગવાનને રાજી કર્યાનું કારણ તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કર્યાનું કારણ છે. અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં કાંઈ શોક ન થાય અને સર્વ શાસ્ત્રનો પણ એ જ સાર છે. ભગવાન જેમ રાજી હોય તેમ જ કરવું. એમ ન કરે તે ભગવાનના માર્ગથી પડયો જાણવો અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનની સમીપમાં જઈને નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્તની સાથે ઈર્ષ્યા છે તો તે ભગવાનના ધામમાંથી પણ હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થાય તે સારુ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે.

શ્રીજી મહારાજ વચ.ગ.મ.૪૮મા કહે છે કે અમારે પણ એ જ અંતરમાં વાસના છે. જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ થયાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો અને ધર્માદિકે યુકત એવા સંતના મધ્યમાં પડી રહેવું ને સેવા કરવી.

વચ.ગ.મ.૬૩મા પણ મહારાજ કહે છે કે અમને એમ વિચાર થયો જે સત્તારૂપે રહેવું તેના કરતાં પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળું રહેવું એ શ્રેષ્ઠ છે. અમને એમ બીક લાગી જે રખે ને સત્તારૂપે રહીએ અને પાછો દેહ ન ધરાય ! માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને એને અર્થે જે સેવા બની આવે એ જ શ્રેષ્ઠ સાધન છે. શ્રીજી મહારાજ કહે, આ જે વાર્તા કરી તે ભગવાનના ભક્તની જીવનદોરી છે. જેમ જીવનદોરી તૂટતાં માણસ મૃત્યુ પામી જાય. તે હોય ત્યાં સુધી જ નિભાવ થાય. તેમ આ વાર્તા પ્રમાણે રહે ત્યારે જ ભક્તપણાનો નિભાવ થાય. તો જ ભક્તપણું જીવે, નહિ તો ભક્તપણું મૃત્યુ પામી જાય. ફક્ત આપણે રહીએ. માટે તે જીવનદોરી છે.