ગમ–ર૭ : મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું

પ્રતિપાદિત વિષયઃ

અંતરમાં મલિન આશય ન રહે તો જ મોટા રાજી થાય છે.

મુખ્ય મુદ્દા        

૧.સ્વભાવને દબાવવા પ્રબળ સંસ્કાર જોઈએ.

ર.ગરીબની આગળ અવળાઈ કરે તે ભગવાન સામે પણ અવળાઈ કરે ખરો.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો : તમારે ક્રોઘ શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે થાય છે ? વળી,પોતાનું કહી દીધું કે અમને અમારા માટે તો એકથી લાખનો બગાડ કરે તોપણ કોઈ રીતે ક્રોધ આવતો નથી. અર્થાત્‌અમારા માટે ક્રોધ આવતો જ નથી. અમને ત્યારે ક્રોધ આવે કે કોઈ ધર્મનો લોપ કરે (ધર્મ મર્યાદાના રક્ષણ માટે ક્રોધ આવે છે) અથવા બળિયો હોય તે ગરીબને પીડે (ગરીબના રક્ષણ માટે ક્રોધ આવે છે) અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે ક્રોધ થાય છે (ન્યાયનું રક્ષણ કરવા ક્રોધ આવે છે).

ત્યારે મુકતાનંદ સ્વામીએ કહ્યું જે અમને પદાર્થને યોગે કરીને અથવા કોઈકની અવળાઈ દેખાય ત્યારે ક્રોધ આવે છે (અવળા સ્વભાવ ઉપર) ને તે તત્કાળ શમી જાય છે. મહારાજે પૂછયું કે તમે ક્રોધને કઈ સમજણને આધારે શમાવો છો ? ત્યારે મુકતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનનો મહિમા સમજીને ભગવાનને રાજી કરવા છે. માટે કુરાજી થાય એવો કોઈ સ્વભાવ રાખવો નથી. (ભગવાનને રાજી કરવા છે માટે) અને બીજો વિચાર એ રહે છે કે શુક અને જડભરતનો માર્ગ છે. માટે સાધુમાં આવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. એમ વિચાર આવે છે. મારે નિષ્કલંક જીવન જીવવું છે એવો સંકલ્પ હોઈ (સાધુનો માર્ગ ચૂકવો નથી) એ નિમિત્તે ક્રોધનું શમન થાય છે.

મહારાજ કહે કે ”તમારો આ વિચાર સ્વભાવ નિગ્રહ કરનારો હોવાથી પ્રબળ છે, ગુણ થકી પર છે. જે પૂર્વ જન્મનો સંસ્કાર છે તે તમારા જીવમાં રહ્યો છે. તમારી કોરનું અમને એટલું તો જણાય છે કે પ્રથમ આંટીમાં આવી જવાય, પણ અંતે બંધન તોડીને નીકળાય ખરું.”

ત્યારે મુકતાનંદ સ્વામી કહે : હે મહારાજ, પ્રથમ આંટીમાં આવી જવાય છે તે કાચ્યપ શા કારણથી રહે છે ? શ્રીજી મહારાજ કહે : જેવું પૂર્વ સંસ્કારમાં સ્વભાવને પણ દબાવે તેવું જોર છે, તેવું જોર દેશકાળાદિક આઠે આઠમાં છે. તેમા પૂર્વ સંસ્કારને પણ દબાવી દેવાની તાકાત છે. માટે ભૂંડા દેશકાળનો યોગ થાય ત્યારે પૂર્વકર્મનું (પૂર્વ સંસ્કારનું) કાંઈ જોર રહેવા દેતા નથી. ત્યારે તેને જરૂર બંધન થાય. જો પ્રારબ્ધમાં (પૂર્વ સંસ્કારનું) લખ્યું હોય એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વિધિનિષેધ ખોટા થઈ જાય. પણ મોટાના કરેલ શાસ્ત્ર તો ખોટાં થાય જ નહીં. જય વિજય, પ્રહ્‌લાદ, યાદવો, દુર્વાસા વગેરે તેનાં દૃષ્ટાંતો છે. માટે મોટાની બાંધેલ મર્યાદામાં રહીને મોટાને રાજી કરવા.

વળી મહારાજે કહ્યું કે મોટા પુરુષ પણ ત્યારે જ રાજી થાય છે જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન આશય ન રહે. જો ગરીબ ઉપર મલિન ઘાટ થાય તો તેને છેવટે ભગવાન ઉપર પણ થાય ખરો. માટે કોઈ પ્રકારનો મલિન આશય અંતરમાં હોય તો ભગવાન કે મોટા પુરુષ રાજી થતા નથી. જો ગરીબને દુઃખવે કે ધર્મની મર્યાદા લોપે કે નબળા સાથે અન્યાય કરે કે તકનો લાભ લઈને અવળાઈ કરે તો તે ભગવાનની સાથે પણ કયારેક એવું આચરણ કરે ખરો. જે જે નબળાઈ ગરીબ અથવા અલ્પ ભક્ત આગળ થાય છે અથવા થઈ જાય છે તે તે નબળાઈ સમય આવ્યે ભગવાન સાથેના વ્યવહારમાં પણ થઈ જવાની છે. માટે ગરીબ અથવા નાના ભક્તોની સાથે પણ એવો વ્યવહાર ન કરવો અને ગરીબ કે નાના ભક્તને પણ ન દુઃખવવા. તેમના ઉપર દયા રાખવી.

વળી શ્રીજી મહારાજે વિચાર્યું કે દયા અને ત્યાગ જો અતિ હોય તો ભગવાનની ભકિતના ઘાતક પણ બને છે. જગતનો ત્યાગ અને બીજા ઉપર દયા એ ભકિત કે ઉપાસનામાં મદદરૂપ થતા હોય તો તે બરાબર છે ને તો જ તેને સદ્‌ગુણના રુપમાં જોવા યોગ્ય છે. જો ભકિત–ઉપાસનાથી વિરુદ્ધમાં હોય તો તેનો ત્યાગ કરવા યોગ્ય છે. માટે જીવનમાં તેની સમતુલા રાખવી જરૂરી છે. તે વસ્તુ બતાવતાં શ્રીજી મહારાજ આગળ કહે છે કે જ્યારે અતિ દયા કે અતિ ત્યાગ રાખે ત્યારે તેનાથી ભકિત થઈ શકતી નથી ને ઉપાસનાનો નાશ થઈ જાય છે. માટે સમતુલા જાળવીને ભકિત અને ઉપાસનાને થોડું પ્રાધાન્ય આપીને ત્યાગ અને દયાને પણ યોગ્ય ન્યાય આપવાથી કલ્યાણનો માર્ગ અખંડ જળવાઈ રહે છે.

બીજું, દયા એ હૃદયની ભાવુકતાથી પ્રગટે છે. જ્યારે ઉપાસના મહિમાથી ઊભા થયેલા સન્માનમાંથી પ્રગટે છે. પૂજય પાત્રની સેવા કરવાની દૃઢ ગ્રંથિને ઉપાસના કહી શકાય. હૃદયની ભાવુકતા વિનાની સેવા, સેવા બનતી નથી પણ ખાલી નોકરી બની રહે છે. જ્યારે સેવા વિનાની ભાવના કેવળ વાણીનો વિષય બની રહે છે. સેવા અને હૃદયની ભાવુકતા એક બીજાના પૂરક છે. ભાવના વધે તો સેવાનો પણ વધારો થાય છે. જો સેવા વધે તો ભાવનાનો પણ વધારો થાય છે. આ બંને એક બીજાના પૂરક છે છતાં પણ હૃદયની ભાવુકતા કરતાં ભગવાનની સેવાનું મહત્ત્વ વધારે છે.

૧.ત્યાગ ૨.ભક્તિ

૧. ત્યાગમાં પૂજાવાનો સ્વભાવ છે. ૧. ભકિતમાં અન્યને પૂજવાનો સ્વભાવ છે.

ર. ત્યાગમાં છોડવાનો–બંધન કાપવાનો સ્વભાવ છે. ર. ભકિતમાં બાંધવાનો ચોટાડવાનો સ્વભાવ છે.

૩. ત્યાગ લોકમાં વધારે ભભકાદાર દેખાય છે. તે લોકમાં માનનું પાત્ર બને છે. જગત તેને પૂજે છે. ૩. લોકમાં ભકિતમાં સ્વાર્થ જેવું અને વેવલાઈ જેવું દેખાય છે. ફકત ભગવાન પાસે જ તેમનું સન્માન છે.

૪. ત્યાગમાં અહંકાર આવવાનો જલદી સંભવ છે. ૪. ભકિતમાં નમાલાઈ આવવાનો જલ્દી સંભવ છે.

પ. ત્યાગમાં તેજ હોય છે. પ. ભકિતમાં કોમળતા હોય છે.

૬. ભકિતની સહાય હોય તો સાર્થક થાય છે. ૬. ત્યાગની સહાય હોય તો સુંદર વિકાસ થાય છે.

૭. ભકિતરહિત ત્યાગનું ફળ શૂન્ય છે. ૭. ત્યાગરહિત ભકિત બંધન ઊભું કરી શકે છે.