ગમ–ર૩ : લૂક તથા હિમનું

પ્ર્રતિપાદિત વિષયઃ

મનના સ્વભાવનું નિરૂપણ.

મુખ્ય મુદ્દા        

૧.મન જીવ થકી જુદું નથી તેની જ કોઈ કિરણ છે.

ર.જેવા વિષય તેવું બની જવું તેવો મનનો સ્વભાવ છે.

૩.મનમાં વિવેક રાખવો એ સંતનો સ્વભાવ છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજ કહે છે કે આજે અમે મનનું રૂપ વિચારી જોયુ તો મન જીવ થકી જુદું ન જણાયું. જીવની જ કોઈક કિરણ છે અને મનનું રૂપ તો એવું છે જે જેમ ઉનાળામાં લૂક હોય તથા શિયાળામાં હિમ હોય તેવું છે. વસ્તુતઃ મન આહંકારિક જડ દૃવ્ય છે. અણુ પરિમાણ તેનું સ્વરૂપ છે અને અતીન્દ્રિય છે. જીવ ચૈતન્ય છે. જીવનો ચૈતન્ય રૂપી પ્રવાહ મન રૂપી ગોલકમાં જતાં મન પણ ચૈતન્યની જેમ સંચાલિત બને છે. જેમ સૂર્યપ્રકાશ ચંદ્ર ઉપર પડે અને તે જ પ્રકાશ ચંદ્ર ઉપરથી પરાવર્તિત થઈને પૃથ્વી પર પડે છે તેને આપણે ચંદ્રનો પ્રકાશ અથવા ચાંદની કહીએ છીએ. તેમ જીવની ચૈતન્યરૂપી કિરણ મનમાંથી પસાર થતાં મન ચૈતન્યવંતુ બને છે. તેથી મહારાજે મનને જીવની કોઈક કિરણ છે એવું કહ્યું છે, પણ જુદું નથી.

લૂક–હિમ અને બાળકનાં દૃષ્ટાંત દીધાં તે મનનો સ્વભાવ બતાવવા માટે છે. મનનું દ્રવ્ય દુષ્ટ નથી, તે તો સાત્ત્વિક છે. પરંતુ મનનો સ્વભાવ અતિ દુષ્ટ છે તે બતાવવા મહારાજ કહે છે કે ઉનાળામાં જેમ લૂક હોય તે માણસના શરીરમાં પેસે તો માણસ મરી જાય છે તેમ મન ઈન્દ્રિયો દ્વારે દુઃખદાયી વિષયમાં પ્રવેશ કરે છે ત્યારે તપીને ઉનાળાની લૂક જેવું થાય છે અને પાછું જીવના હૃદયમાં પેસીને જીવને દુખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. દુઃખદાયી વિષય દ્વારા જીવને ખૂબ જ ઉદ્વેગ, શોક, દ્વેષ અને ખિન્નતા ઉત્પન્ન થાય એવી લાગણીઓ ઉત્પન્ન કરીને ભગવાનના માર્ગમાંથી પાડે છે.

જ્યારે મન ઈન્દ્રિયો દ્વારા સુખદાયી વિષયમાં પ્રવેશ કરે ત્યારે જેમ હિમ પ્રવેશ કરે ને માણસ મરે છે એમ થાય છે. સુખદાયી વિષયમાંથી મન ટાઢું થઈને ફરી પાછું જીવના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે જીવને વિષય પ્રત્યે રાગ, વેગ, તન્મયતા, મોહ અને જડતાની વૃત્તિઓ ઉત્પન્ન કરીને કલ્યાણના માર્ગમાંથી પાડે છે. એટલે હિમના પ્રવેશે કરીને મર્યો જાણવો. સુખદાયી વિષયમાંથી પાછુ મન જ્યારે જીવના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે વિષય પ્રત્યે આસક્તિ ઊભી થાય છે અને જીવની વૃત્તિ તેમા લટ્ટુ થઈને વળગે છે અને જીવ તેમા એકરસ થઈ જાય છે. જીવને વિવેકહીન થઈને એક જાતનો વૈચારિક અંધાપો આવી જાય છે ને મોહના ખાડામાં પડે છે અને કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે. આમ સારા અથવા નબળા વિષયમાં પ્રવર્તીને કલ્યાણના માર્ગમાંથી પાંડવો તેવો મનનો દુષ્ટ સ્વભાવ છે.

તો પછી મુમુક્ષુએ શું કરવું ? વિષય સારા અથવા નબળા એક પ્રકારના તો હોવાના જ. તો એનું સમાધાન એ છે કે મનની દુષ્ટતાનો અથવા મારક સ્વભાવનો નાશ કરવો.

કોઈને એમ થાય કે મનને આપણે વિષય ભોગવવાની જ બંધી કરી દઈએ તો !! તેની સ્પષ્ટતા કરતાં મહારાજ બીજું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે મનનો બીજો સ્વભાવ બાળક જેવો છે. જેમ નાનું બાળક સર્પ કે ઉઘાડી તલવારને પકડવા દોડે છે ત્યારે તેને જો રોકવામાં આવે તો પણ દુઃખી થાય છે અને પકડવા દેવામાં પણ આવે તો વધારે દુઃખી થાય છે. મનનો પણ આવો સ્વભાવ છે. જેમ બાળકમાં વિવેકહીનતાની દશા છે તેમ મનનો સ્વભાવ પણ વિષય પ્રત્યે વિવેકહીનતા બતાવનારો છે. જેમ રાગ, દ્વેષ એ મનનો સ્વભાવ છે તેમજ વિવેકહીનતા તે પણ તેનો સ્વભાવ જ છે. આમ મન વિવેકનો ત્યાગ કરીને, રાગદ્વેષવશ થઈને પ્રવર્તે છે અને પાછું જીવના હૃદયમાં આવીને બંને પોતાના સ્વભાવો જીવને અર્પણ કરે છે. મનને રાગ, દ્વેષ કે વિવેકહીનતામાં ભટકવાનું ખૂબ જ ગમે છે. તેને વિવેકમાં આનંદ આવતો નથી. સ્વામીની વાતોમા ખૂંટિયાનું દૃષ્ટાંત આપેલું છે. જેમ ખૂંટિયો પોતાનું માથું ભરાવીને ધૂળ પોતાની ઉપર ઉડાડે તેમ મનને રાગદ્વેષમાં અને વિવેકશૂન્યતામાં ફરવાનો ખૂબ જ આનંદ હોય છે.

વિવેકહીનતા એટલે અજ્ઞાનતા. તેને જ કારણ શરીર કહેવાય છે. જેમ જીવને સ્થૂળ શરીર સૌથી વહાલું છે. તેને ઘસારો લાગે તે ખમી શકાતું નથી તેમજ મનને કારણ શરીર તેથી પણ વધારે વહાલું છે. વિવેકહીનતા નાશ પામે તે જીવને સહન થતું નથી અને માન્ય પણ નથી. આ બંને મનના મોટા રોગ છે. તે બે વાનાં જેને ન હોય એટલે કે મનના સ્વભાવ ઓળખીને તેનો ત્યાગ કરે તેને સાધુ માનવા. તેનાથી રહિત થાય ત્યારે તેમનું મન તંદુરસ્ત થયું કહેવાય, નિરોગી થયું કહેવાય. માટે સારા વિષયને દેખીને આસક્ત ન થાય અને ભૂંડાં વિષયને દેખીને દુઃખી ન થાય અને પોતાના કલ્યાણનો વિવેક ચૂકે નહીં તેને પરમ ભાગવત સંત જાણવા.

મનની આવી ત્રણ અવસ્થાઓ છે. ૧. સુખી મન ર. દુઃખી મન ૩. સ્વસ્થ મન. જેને પ્રસન્ન અથવા આનંદિત મન પણ કહેવામાં આવે છે.

જેમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ તેમાંથી કોઈને કોઈ અવસ્થામાં જીવ અવશ્ય હોય છે. તેમ મનની આ ત્રણ સ્થિતિમાંથી એક સ્થિતિ અવશ્ય વર્તતી હોય છે. દુઃખી મન ભગવાન ભજી શકતું નથી. તેને દુઃખનું ભજન હોય છે. સુખી મન પણ ભગવાન ભજી શકતું નથી; તે સુખમાં ચોટેલું હોય છે. માટે તંદુરસ્ત જેને અનાસક્ત મન પણ કહેવામાં આવે છે તે જ ભગવાન ભજી શકે છે. માટે ભગવાન ભજવા માટે એવા મનની સાધના કરવી જરૂરી છે અને જે તે કરે તેને જ ભાગવત સંત કહેવાય છે.