પ્રતિપાદિત વિષયઃ
વાસનાવાળા ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ તે બેમાંથી મર્યા પછી કોની ઉત્તમ ગતિ થાય ?
મુખ્ય મુદ્દા
૧. મૃત્યુ પછી ઉત્તમ ગતિ માટે નિર્વાસનિકપણું કારણભૂત છે.
ર. સગવડતા, શક્તિ ને સમૃદ્ધિની હાજરીમા પણ નિર્વાસનિક રહેવું તે જ સાચી નિર્વાસનિકતા છે.
વિવેચન :–
મહારાજે આ વચનામૃતમાં પરમહંસો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે એક તો તીખી વાસનાવાળો ત્યાગી છે ને બીજો નિર્વાસનિક ગૃહસ્થ છે. બેય વર્તમાનધર્મ તો દેહે કરીને પાળે છે તો બેયની મૃત્યુ પછી કેવી ગતિ થશે ?
મહારાજે ત્યાગી અને ગૃહસ્થની તુલના સામે રાખીને એક પ્રશ્ન વચ.ગ.પ્ર.૧૪મા પૂછયો છે. બીજો એક આવો જ પ્રશ્ન વચ.ગ.અ.ર૯માંપૂછયો છે. ત્રણેય જગ્યાએ પાયાની વસ્તુ એક સરખી રાખીને જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રશ્ન પૂછયા છે. તેથી ઉત્તર પણ જુદા જુદા કર્યા છે.
વચ.ગ.પ્ર.૧૪માં બેમાંથી કોણ શ્રેષ્ઠ છે તેવો પ્રશ્ન પૂછયો છે. અહીં બેયની મૃત્યુ પછી ગતિ શી થાય છે તેવો પ્રશ્ન પૂછયો છે અને વચ.અ.ર૯માં કોની વાસના ઓછી થાય તેવો પ્રશ્ન પૂછયો છે.
ઘણી વખત આવા પ્રશ્ન–ઉત્તર થતાં હોય છે કે કયો આશ્રમ શ્રેષ્ઠ? ત્યાગાશ્રમ કે ગૃહસ્થાશ્રમ ?
હિન્દુ સમાજમાં ત્યાગની જ હંમેશા પૂજા થતી આવી છે, નિર્વાસનિકતાની નહીં. જ્યારે મહારાજ નિર્વાસનિકતાના હિમાયતી હતા, નહીં કે ત્યાગાશ્રમના. એટલે તો મહારાજ બંનેને સામે રાખીને અંતે નિર્વાસનિકતા ઉપર પોતાના ઝોક લઈ જાય છે. તેથી ત્યાગાશ્રમ મહારાજને વહાલો ન હતો એવુ નથી; જરૂર વહાલો હતો. એટલુ જ નહીં પણ ગૃહસ્થાશ્રમ કરતાં પણ વધારે વહાલો હતો એમ કહીએ તોપણ ખોટું નથી. કારણકે જો બંનેમાંથી મહારાજ ત્યાગાશ્રમને વધારે સારો ન ગણતા હોય તો પોતે ત્યાગી થઈને ત્યાગાશ્રમ શા માટે સ્વીકારે ? પણ પોતે તો ત્યાગાશ્રમ જ પસંદ કર્યો છે. એટલે મહારાજ ત્યાગાશ્રમને શ્રેષ્ઠ તો માનતા જ હશે, પણ તેના કરતાં નિર્વાસનિક સ્થિતિને વધારે શ્રેષ્ઠ માને છે તે નક્કી છે.
અહીં મહારાજના પ્રશ્નનો ઉત્તર ગોપાળાનંદ સ્વામીએ આપ્યો કે ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે અંતરમાં વિષય ભોગવવાની તીખી વાસના હોવાથી ભગવાન તેને મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગૃહસ્થ કરશે ને ભોગ ભોગવીને પછી પશ્ચાતાપ કરીને નિર્વાસનિક થશે ત્યારે ભગવાનના ધામમાં જશે. જ્યારે ગૃહસ્થ છે તે નિર્વાસનિક હોવાથી મૃત્યુ પછી સીધો ભગવાનના ધામમાં જશે ને ભગવાનના ચરણારવિંદની સેવા પામશે.
આ ઉપરથી એટલું જણાઈ આવે છે કે મૃત્યુ પછીની સારી અથવા નરસી ગતિમાં નિયામક–નિર્ણાયક આશ્રમ નથી. કારણ કે જો એમ જ હોય તો ત્યાગાશ્રમમાં છે એટલે તે વાસનાવાળો હોય તોય સારી જ ગતિને પામે અને ગૃહસ્થ હોય તે ગમે તેવો નિર્વાસનિક હોય તોય ત્યાગીથી તો હલકી જ ગતિ પામે એવું થાત; પણ એવું નથી. કોઈ ‘એક’ આશ્રમને અને સારી નરસી ગતિને એવો સીધો સંબંધ નથી, જેવો નિર્વાસનિક સ્થિતિને છે. નિર્વાસનિકતા એ મૃત્યુ પછીની ગતિનું નિયામક છે. નિર્વાસનિકતાના માપદંડથી તેની સારી નરસી ગતિ થાય છે, આશ્રમથી નહીં. આશ્રમ આ લોકની વ્યવસ્થા કરે છે. ત્યાગાશ્રમ હોય તો તેને અન્ન, વસ્ત્ર, અને રહેઠાણ માટે પરિશ્રમ–પુરુષાર્થ કરવો પડતો નથી. જેથી તેનો સમગ્ર પુરુષાર્થ તે મોક્ષ માટે કરી શકે છે. મહારાજને રાજી કરવા ધારે તો વધારે રાજી કરી શકે છે. તેમાં એટલી સુગમતા વધારે છે પણ જેને મોક્ષ માર્ગની તીવ્ર આકાંક્ષા જ નથી તેમજ કોઇ સારા સંતમાં બંધાયો નથી તો ત્યાગાશ્રમ વિકૃતિ ઊભી કરે છે.
જ્યારે ગૃહસ્થાશ્રમમાં અર્થ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો ફરજિયાત બની રહે છે, એટલું જ નહીં, પણ સમાજની એવી વ્યવસ્થા છે કે સમાજના કેટલાક નિષ્ક્રિય વર્ગોને પણ તેણે ઈચ્છા–અનિચ્છાએ નિભાવવા પડે છે. તેમાં તેનો મોટો પુરુષાર્થ ખપી જાય છે. ગૃહસ્થને જો આ વસ્તુનું ભાન હોય તો જ તેને સાચો વૈરાગ્ય ઉદય થાય છે ને નિર્વાસનિકપણું પણ આવે છે. મોહમાં નિમગ્ન ગૃહસ્થને નિર્વાસનિકપણું આવી જાય છે એવું નથી.
પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, ત્યાગીને એવી દૃઢ વાસના ટાળવાનો શો ઉપાય છે ? મહારાજ કહે ત્યાગીને તીખી વાસના ટાળવી હોય તો જેવું ઉકાખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડયું છે એવી રીતે ભગવાન તથા ભગવાનના સંતની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર રહેવાય નહીં તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.
વચ.ગ.અં.ર૯મા પણ આ વાત જ પૂછાણી છે કે કોની વાસના ઓછી થાય ? ત્યારે મહારાજ કહે ગૃહસ્થની વાસના ઓછી થાય છે. આશ્રમની લાક્ષણિક એવી છે કે ગૃહસ્થાશ્રમાં ઉપર ચર્ચા થઈ તેમ વાસ્તવિકનો વિચાર કરે તો સંસારની વાસનાની ગતિ ધીમી પડે છે. ગૃહસ્થાશ્રમમાં અધિકાંશ પુરુષાર્થ પોતા સિવાય બીજાને માટે પોતાની ઈચ્છા હોય કે ન હોય તોય કરવો પડે છે. પછી તેને આપણે ફરજ ગણીએ, પોતાની વાસનાનો દંડ ગણીએ કે સંસારની વેઠ ગણીએ, જે ગણીએ તે; પણ અલ્પાંશ પુરુષાર્થ જ પોતાને માટે કરી શકે છે. તેમાં તેનો સંસાર ને મોક્ષ બન્ને આવી જાય. આ પરિસ્થતિ ગૃહસ્થની છે.
માટે વાસ્તવિક સમજમાં આવતાં જ તીવ્ર વાસના મંદ પડી જાય છે કે ‘ગદ્ધામજૂરી કરી કરી ને મરી ગયા ને અંતે કાંઈ ફળ નહીં.’ તેથી તો ગૃહસ્થાશ્રમ ભોગની હાજરીમાં પણ નિર્વાસનિક બનાવે છે ને નિર્વાસનિક બનવું એ જ ગૃહસ્થાશ્રમનો શાસ્ત્રમાં હેતુ કહ્યો છે, નહિ કે ભોગ ભોગવવા.
જ્યારે ત્યાગીની વાસના આશ્રમ વ્યવસ્થાથી ઓછી થતી નથી. ત્યાગીને જો વાસના હોય ને આ આશ્રમમાં આવે તો વાસના ઉલ્ટી મજબૂત થાય. તેનું કારણ છે કે ત્યાગીને ભોગ માટે પુરુષાર્થ કરવો પડતો નથી; મફતમાં ભોગ સિદ્ધ થાય છે. તેથી હરામ ચસકો જો લાગી જાય ને ભોગમાં ચિત્ત ફસાઈ જાય તો વાસના ઘટતી નથી. ગૃહસ્થને વાસના પૂરી કરવા તેનુ પૂરું લૌકિક મૂલ્ય ચૂકવવું પડે છે ને ઉપરથી શાસ્ત્રો ને ત્યાગીઓ તેને ટકોરે છે અને ફટકારે પણ છે. તેથી વાસના ઓછી થવાની શકયતા વધારે છે.
જ્યારે ત્યાગીને તેનાથી ઉલ્ટી પરિસ્થિતિ છે. ત્યાગીને ભોગ માટે પુરુષાર્થનું મૂલ્ય ચુકવવું પડતું નથી; મફતિયા ભોગ છે ને વળી ગૃહસ્થાશ્રમ હાથ જોડે, ‘બાપજી, તમે અમારું વાપર્યું–ભોગવ્યું અમને ધન્ય કર્યા ?’ પછી તે ત્યાગીને વાસના હોય તો કેવી રીતે ઓછી થાય ? ઉલ્ટી ન હોય તો પણ વધવાની શકયતા વધારે રહે છે. છતાં મહારાજ એવા દયાળુ છે કે ત્યાગીને નિરાશ થવા જેવું રહેવા દીધું નથી.
ગૃહસ્થને આશ્રમની લાક્ષણિકતાથી વાસના ઓછી થાય છે. તેમ ત્યાગાશ્રમનો પણ એક વિશિષ્ટ લાભ છે અને તેનાથી પણ ત્યાગીને વાસના જલ્દી ઓછી થાય છે. જો મહારાજે કહ્યો તે ઉપાય અજમાવે તો. તે ઉપાય ત્યાગાશ્રમમાં જ વધુ શકય છે. ગૃહસ્થાશ્રમમાં નહીં. મહારાજ કહે, નિર્વાસનિક સંતોની સેવા કર્યાનું વ્યસન પડે તો ત્યાગીની વાસના પણ જલ્દી નાશ પામી જાય. એમાં પણ મહારાજ કહે તેના વિના ક્ષણમાત્ર પણ રહી ન શકે તેવું વ્યસન પડયું જોઈએ. તો તેની જેટલી જલ્દી વાસના દૂર થાય છે તેટલી જલ્દી ગૃહસ્થાશ્રમમાં પણ થતી નથી.
પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય તેવું કયુ સાધન છે ? ત્યારે મહારાજ કહે છે કે સંત પાસે ગરજુ થઈને નિર્માની રહેવું. એનાથી ભગવાન અતિ રાજી થાય છે. તેમાં પણ આશ્રમને અનુરૂપ સમૃદ્ધિ–શકિત હોય તો પણ જે નિર્માની–દીન આધીન ગરજુ થઈને રહે ત્યારે ભગવાન અતિ રાજી થાય છે.
વસ્તુતાએ તો ભગવાન તેના સંત અને ભક્તની આગળ નિર્માનીપણાથી તથા આરજૂથી રાજી થાય છે પણ અહીં એમ કહ્યું કે પ્રથમ કંગાલ સ્થિતિ હોય ત્યારે જે ભાવ હોય તે રાજ્યની પ્રાપ્તિ થાય તો પણ રહે. ત્યાગી પ્રથમ આવ્યો હોય ત્યારે જે નિર્માની થઈ સંતની ટેલ ચાકરી કરતો હોય અને ગરીબ થઈ રહેતો હોય તેવો જ ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ રહે તો ભગવાન અતિ રાજી થાય છે. શકિત સમૃદ્ધિ હોય ત્યારે જે દીન આધીન રહે, નિર્માની રહે અને ગરજ રાખે તે જ સાચી કલ્યાણની ગરજ કહેવાય અને તેનાથી મહારાજ અતિ રાજી થાય. શરૂઆતની જે ગરીબાઈ ને દીનઆધીનપણું અને નિર્માનીભાવ એે ભકિતભાવનું પરિણામ નથી એ તો પરિસ્થિતિ તેને તેવો બનવા લાચાર કરે છે. તે કોઈ હૃદયની ભાવનાથી તેમ વર્તે છે એમ નિશ્ચિત ન થઈ શકે. જ્યારે શક્તિ–સમૃદ્ધિની હાજરીમાં તેનું વર્તન તેવું હોય તો તે ભકિતભાવનું જ પરિણામ છે. પરિસ્થિતિ તો તેના વર્તનથી જુદી ને વિરોધ ઊભો કરે તેવી છે; છતાં તેને દાબીને પોતાના હૃદયની ભાવનાથી પ્રેરાઈને તે દીન આધીન ને નિર્માની રહે છે તે જ સાચી ભાવના છે અને તેથી શ્રીજી મહારાજ અતિશય રાજી થાય છે.