પ્રતિપાદિત વિષયઃ
ભગવાનના સુખની ઓળખાણ.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન અને સંતની જે જીવને ઓળખાણ થાય તેનો વિવેક જાગ્રત થાય છે અને તે ભગવાનનો ભક્ત બને છે.
ર.ભગવાન અને સંત મળ્યા પછી માયિક ભોગ, સુખને ઈચ્છે તે નરકના કીડા સમાન છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ ભક્તો પ્રત્યે કૃપા કરીને બોલ્યા છે જે આ ભરત ખંડમા જીવને મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર અથવા ભગવાન સાધુ એ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભકત થાય છે. જ્યારે ભગવાન ને સંતની સાચી ઓળખાણ થઈ ત્યારે એને વિવેક જાગ્રત થાય છે. એને જે વસ્તુ જેવી છે એવી જણાઈ આવે છે અર્થાત્જેવી છે તેવી જણાઈ આવવી જોઈએ. જો એ ભક્ત ખરી વિવેક દૃષ્ટિથી ભગવાન અને તેના સંતનો મહિમા અને તેના સંબંધથી થતી પ્રાપ્તિને માયિક વિષયસુખ અને તેના પ્રભાવથી થતી પ્રાપ્તિની તુલના કરે તો માયિક પંચવિષયનું સુખ તેને નરક જેવું જણાય, કારણ કે તે નરકની પ્રાપ્તિને કરાવનારું છે. છતાં જે નરકનો કીડો હોય તે નરક વિના રહી ન શકે અને તેને જ પરમ સુખ માને છે. મનુષ્ય તેને પરમ દુઃખદાયી જાણે છે. જેને ભગવાનની ઓળખાણ થઈને ભગવાનનો આશ્રય થયો તે તો ભગવાનનો પાર્ષદ થઈ ચૂકયો છે. તેને તો ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ થવાની છે. તેની તુલનામાં આ લોકનું સુખ કાકવિષ્ટાતુલ્ય છે. માટે ભક્તએ અવિવેકથી તેને ઈચ્છવું નહિ. ભગવાનનો ભક્ત જે જે મનોરથ કરે છે તે સત્ય થાય છે. માટે ભૂલે કરીને પણ અવિવેકથી માયિક ભોગસુખની ઈચ્છા કરે નહિ. ત્યારે જ તે સાચો ભક્ત ગણાય અને માયિક ભોગસુખની જેના અંતરમાં ઈચ્છા રહે છે તે તો ભગવાન અને તેના એકાંતિક સંતોની દૃષ્ટિએ વિષ્ટામાં પડેલા કીડા તુલ્ય છે. અવિવેકી છે.