વ–૧૬ : મોટા માણસ સાથે બને નહિ તેનું

પ્રતિપાદિત વિષયઃ

મહારાજનો રહસ્ય અભિપ્રાય.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનના ભજનનું જે સુખ છે તે જ સુખરૂપ અને બીજું સર્વે દુઃખરૂપ.

ર.પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેટલો કરાવવો.

વિવેચન :–

આ વચનામૃત રહસ્ય અભિપ્રાયનું વચનામૃત છે. સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે હે મહારાજ તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય અર્થાત્‌આપ અગણિત જીવોનું કલ્યાણ કરવા અત્રે પૃથ્વી પર પધાર્યા છો તે હેતુ જલ્દી પૂરો કરવા કોઈ સત્તાધીશ વ્યક્તિ, રાજા, તેના મોટા પ્રધાન અથવા કોઈ મોટા ધનપતિને જો સમાધિ કે ભગવાનપણાનો ચમત્કાર જણાવો તો તેને અનુસરનારા હજારો મનુષ્યો પણ સત્સંગી થાય. વળી જે સત્સંગી થયા હોય તેનું રાજા તરફથી રક્ષણ થાય અને સત્સંગ ખૂબજ ફેલાય. આપનું એટલા માટે તો પૃથ્વી ઉપર પધારવું છે. તો આપ મોટા મોટા માણસો પકડી પકડીને સમાધિ કેમ કરાવતા નથી ? તમારી પાસે તો શક્તિ પણ છે અને બીજા સામાન્ય જીવને કરાવો છો પણ ખરા. તેથી જેવો અર્થ સરે તેવો સરતો નથી.

મહારાજ પોતાનો રહસ્ય અભિપ્રાય જણાવતાં બોલ્યા જે, મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહિ. શા માટે જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. સત્તાનો મદ અને સમૃદ્ધિનો મદ ભગવાનમાં રસ પડવા દેતો નથી. એ જરૂર અંતરાય રૂપ થાય છે અને મહારાજ કહે અમને તો ત્યાગમા અને ભક્તિમાં રસ છે. સત્સંગ ફેલાવવાનો અર્થ એવો છે કે ત્યાગમાં અને પરમાત્માની મૂર્તિ તથા તેની ભક્તિમાં ઝાઝા જીવોને રસ લેતા બનાવવા પણ કેવળ સંખ્યાબળ વધારવું એવો સત્સંગનો ફેલાવો કરવો એવો અમારો અભિપ્રાય નથી. રાજસી, તામસી સ્વભાવ રૂઢ થયેલા રાજાઓ કે ધનિકોને કદાચ ચમત્કાર જણાવીએ તો તેઓ સત્તા, ધન આપી દે પણ તે ભગવાનમાં રસ લઈને ભક્તિ કરવા લાગે એવું ન બને.

મહારાજ કહે, તેને સત્તા અને ધનનો મદ હોય છે. તેઓ એમ માને છે કે ભગવાન અને સાધુઓનું રક્ષણ અને પોષણ અમે કરીએ છીએ. તેને જીવવા માટે ધન અમે દઈએ છીએ. માટે ભગવાન પાસે કે સાધુ પાસે જઈને પણ પોતાનો જે મદ હોય તેને એક નવો પુટ ચડશે પણ તે મદ ઓછો થઈને તે ભક્તિમાં રસ લેતો થશે નહિ. એક બાજુ ધનરસ અને સત્તારસ છે. બીજી બાજુ ત્યાગરસ અને ભક્તિરસ છે. તેમાં જેણે ત્યાગરસ અને ભક્તિરસ ખરેખર ચાખ્યો છે તેને પેલામાં બિલકુલ રસ રહેતો નથી. ‘વહાલા એ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ.’

મહારાજ કહે છે સત્તામાં જો તેવો રસ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્યનો ત્યાગ કરીને વનમાં તપ કરવા શા સારુ જાય ? ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ અને રસ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ? માટે ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનના સુખે સુખિયો થયો હોય તેને વિષયનું સુખ છે તે નરકતુલ્ય ભાસે છે. અમને પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી.

પોતાને ભજન સ્મરણનું કે સત્સંગનું સુખ લેવું અથવા રહેવું મુખ્ય છે. તે રહેતા થકા બીજા લોકો ભગવાનનું ભજન કરે અને સત્સંગ કરે તો એ સારું છે અને અમે એવું કરવા આવ્યા છીએ પણ બીજાને સત્સંગ કરાવવા જતાં, બીજાને સમાસ કરાવવા જતાં પોતાને સત્સંગનું સુખ કે ભજન હરામ થઈ જતા હોય તો તે અમે ઠીક નથી જાણતા. મહારાજે ત્યાં સુધી કહ્યું કે દારુગોળો હોય અને લડવા સમયે કામ ન આવ્યો તેમ પોતાનું જ્ઞાન ભગવાનના હેતુમાં કામ ન આવ્યું તો શા અર્થનું ? માટે ઉપદેશ નિમિત્ત થોડી ચિન્તા રહે તો વાંધો નહિ. સંત નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ભજાવવા તથા સત્સંગ ફેલાવવા નિમિત્ત થોડી ઉપાધિ ગ્રહણ કરે એ જ મહારાજના મતે તેની ભક્તિ છે. છતાં પણ પોતાનુ ભજન અને સત્સંગ હરામ થઈ જતો હોય અને મોટા માણસ ને ધનવાન માણસને સત્સંગ કરાવતાં પોતાનું અંતઃકરણ તેના જેવું થઈ જાય તો એવું ન કરવું. મહારાજનો એવો આગ્રહ પણ નથી.

ખરેખર કોઈ મોટા રજવાડામાં જ્યારે સત્સંગ થયો છે ત્યારે મહારાજ ખૂબ રાજી થયા છે અને કરાવનારા સંતો ઉપર રાજીપો દર્શાવ્યો છે અને આગ્રહ પણ રાખતા. તો પછી અહીં મહારાજ કેમ કહે છે કે અમારે ન બને ? કાઠી દરબારોના ઘેર તો પોતાના ધામા કરેલા જ હતા. તો એનો ભાવ એ છે કે દૈવી અને મુમુક્ષુ રાજાઓ કે ધનવાનો સાથે મહારાજને વિરોધ નથી. પણ રાજસ, તામસ ભાવવાળા તથા સત્તા કે ધનના મદથી આવેલી ઉદ્ધતાઈ સાથે મહારાજને વિરોધ છે. જો તે ન હોય તો મહારાજને વિરોધ નથી. જો તેની ગરજ કરવા જઈએ તો આપણે આપણા અંગત સત્સંગમાં જરૂર બાંધછોડ કરવી પડે છે અને મહારાજને એવું કરવુ પરવડતું નથી. માટે મહારાજ કહે અમારે બને નહિ.

મહારાજે અહીં રહસ્ય અભિપ્રાય શબ્દ વાપર્યો છે તે શું ? અહીં તેને સમજવા આપણે આવા વિકલ્પ પાડીએ તો વધુ સ્પષ્ટ સમજી શકીશું.

(૧) એક તો એવો ભક્ત છે કે પોતે દૃઢ સત્સંગ રાખે પણ બીજાને રખાવવા પ્રયત્ન ન કરે. તો ભગવાન કુરાજી તો ન થાય, રાજી થાય પણ વિશેષ રાજી ન થાય કારણ કે પોતાના જીવનું કલ્યાણ કરવુ તે ખરેખર તો પોતાની ફરજ છે. માટે વિશેષ કરતા નથી; માટે વિશેષ રાજીપો નથી.

(ર) પોતે સત્સંગ દૃઢ રાખે અને બીજાને દૃઢ રખાવે અથવા તે માટે પ્રયત્ન કરે તો ભગવાનના રાજીપાનું પાત્ર બને અને ભગવાન વિશેષ રાજી થાય અને મહારાજ કહે તેને ધન્ય છે. બીજા ભક્તોને માટે કરે છે માટે ભગવાન અતિ રાજી થાય છે.

(૩) પોતાનો સત્સંગ ઘસાઈ જાય અને બીજાનો પણ ઘસી નાખે તો તો ભગવાન કુરાજી જ થાય અને તેને દંડ પણ જરૂર કરે. કારણ કે ભગવાનનું કામ બગાડી નુકશાની કરે માટે તેમાં તો કોઈને શંકા નથી. સ્પષ્ટ છે કે ભગવાન વિશેષ કુરાજી થાય.

(૪) હવે ચોથો ને છેલ્લો વિકલ્પ એ છે કે પોતાનો સત્સંગ ઢીલો પડી જાય અથવા મૃતપ્રાય થઈ જાય અને બીજાને સત્સંગ કરાવવા તો ખૂબ જ પ્રયત્ન કરે તો મહારાજ રાજી થાય, કુરાજી થાય, વિશેષ રાજી થાય કે વિશેષ કુરાજી થાય ? એ પ્રશ્ન છે.

આ વચનામૃતના અનુસંધાનમાં વિચારીને આપણા અંતરમાં સ્પષ્ટતા કરવાની છે. સ્વહિત(પોતાના જીવને સત્સંગ) અને પરહિત(બીજાને સત્સંગ) એ બે મુદ્દામાં મહારાજના અભિપ્રાયે મુખ્ય ધ્યેય અને ગૌણ ધ્યેય(અથવા સહાયક ધ્યેય) એક બીજા પ્રત્યે કયું છે ? કયું મુખ્ય સાધ્ય છે અને કયું કોનું સહાય કરનારું સાધન છે ? બહુજન હિતાય, બહુજન સુખાય એ સારો સિદ્ધાંત છે. જે મોટે ભાગે લૌકિક અથવા સાચા રાજનીતિજ્ઞોનો છે. જ્યારે સ્વાન્તઃસુખાય, બહુજન હિતાય એ સાધુઓનો અને અધ્યાત્મના વીર પુરુષોનો માર્ગ છે.

સ્વઉદ્ધાર બીજાના ઉદ્ધાર માટે કરવાનો છે કે બીજાનો ઉદ્ધાર સ્વઉદ્ધારમાં મદદગાર સમજીને કરવાનો છે ? સેલ્સમેન શેઠને માટે મહેનત કરે છે કે પોતાને માટે ? ત્યારે આપણે જરૂર કહીશું કે સેલ્સમેન શેઠની ફેકટરીના માલનો પ્રચાર કરે છે પણ અંતરમાં ઊંડે શેઠને માટે નથી કરતો પોતાને માટે કરે છે. ત્યારે શું પ્રચાર ન કરવો અથવા ઓછો કરવો ? ત્યારે શું પોતાને લાભ વિચાર્યા વિના કોઈ ચેષ્ટા કરે છે ? શેઠ શું એના અંતરની વાત નથી જાણતા ? શું એ વાત જાણીને શેઠ રાજી નથી થતા ? કુરાજી થાય છે ? જરૂર રાજી થાય છે. એ જ વાત સત્સંગ કરવા–કરાવવામાં પણ માર્ગદર્શન પૂરું પાડે છે.