પ્રતિપાદિત વિષયઃ
ભગવાનની મૂર્તિની અલૌકિકતા.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાનની મૂર્તિમાં સહજ ચમત્કાર રહેલો છે.
ર.ભગવાન એકદેશી થકા સર્વદેશી છે.
વિવેચન :–
આ વચનામૃતમાં ભાદરણના પાટીદાર ભગુભાઈએ મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પ્રશ્નમાં ‘આ’ શબ્દથી એમ નક્કી થાય છે કે મહારાજને જોઈને ત્યારે જ કોઈને સમાધિ થયેલી હશે.
મહાચન :–
રાજે ઉત્તર આપતાં કહ્યું કે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે ત્યારે તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય જેવી હોય પણ તેમાં અતિશય અલૌકિકતા હોય છે. જેમ પૃથ્વીને વિષે સર્વે પથરા છે. જેમાં ચમકપાણ પણ એક પથરો છે. તે બીજા સામાન્ય પથરા કરતાં જુદી જાતનો છે. ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો હોય છે જે ચમકના પર્વતના સમીપે વહાણ જાય ત્યારે તેમાં રહેલા લોઢાના તમામ ખીલાઓ ચમકના પર્વત પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ છે તેનું જ્યારે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે ત્યારે તેનાં ઈન્દ્રિયો ભગવાનમાં તણાઈ જાય છે અને તેને તત્કાળ સમાધિ થઈ જાય છે.
મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે કે મનુષ્ય સિવાય પણ બીજી આકૃતિમાં ભગવાનનો અવતાર હોય તો પણ ભગવાનની મૂર્તિમાં જીવનાં ઈન્દ્રિયો અંતઃકરણને ખેંચી લેવાની તાકાત અને ચમત્કાર હોય છે. પછી તે ભગવાનની આકૃતિ રૂપવાન હોય અથવા અતિશય રૂપ ન પણ હોય તો પણ આ ચમત્કાર હોય છે. મહારાજ કહે, વ્યાસજીએ અવતાર ધર્યો ત્યારે ૠષિનું શરીર હતું. શરીરે મુવાળા ઘણા હતા. વળી શરીરે કાળા હતા. શરીર ગંધાતું હતું. તો પણ મૂર્તિનો ચમત્કાર તો હતો જ. એટલે ભગવાન જ્યારે પણ આકૃતિ ધારે તો પણ બીજા આકાર અને પરમાત્માના આકારમાં અતિ ભેદ છે. તે જો કોઈ ભાવેથી તેમનાં દર્શન કરે તો તેના ઈન્દ્રિયો અંતઃકરણ ભગવાનમાં ખેચાઈ જાય.
શ્રીજી મહારાજ વખતે હજારો જીવોને પણ આ હકીકત અનુસાર સમાધિઓ થતી. તેમાં પણ પરમાત્મા પૃથ્વી પર આવ્યા હોય અને પોતે પરમ કરુણાથી એવો સંકલ્પ કરે ત્યારે તો પાત્ર, કુપાત્ર, પશુ,પક્ષી કોઈપણના અંતઃકરણ તણાઈને સમાધિ થઈ જાય છે. મહારાજની મૂર્તિ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આકર્ષણ કરવામાં પ્રભુનો સંકલ્પ કારણરૂપ બને છે અને ઈન્દ્રિયો અંતઃકરણ લીન કરીને ચોટાડી રાખવામાં મૂર્તિ કારણભૂત બને છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ઇત્થંભૂતગુણો હરિ’ ભગવાનની મૂર્તિ એવી છે કે જબરજસ્તીથી પોતામાં ચોટાડે છે. આમ સમાધિ થઈ જવામાં ભગવાનની મૂર્તિ કારણભૂત છે અને એમના કરુણાપૂર્ણ સંકલ્પમાં જીવની પરમાત્મા પ્રત્યે આરજૂ કારણ બની શકે છે. જીવે કરેલી ગરજપૂર્વક કોઈક સાધના કારણભૂત થાય છે. સાધનામાં પ્રેરક શરણાગતિ છે. શરણાગતિમાં કારણભૂત સાચા સંતોની સંગતિ છે. તેમાં પોતાનો શુભ પુણ્યોદય કારણભૂત છે. શુભ પુણ્યોદયને અવસર મળવામાં કોઈ વિશિષ્ટ પ્રસંગ કારણભૂત બને છે, જે મુમુક્ષુએ જાણવું.
પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછયું જે ‘બ્રહ્મ તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે ત્યારે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય ?’ બ્રહ્મ એટલે અહીં પરમાત્મા એવો અર્થ લેવાનો છે. તેથી પરમાત્મા એવા આપ તો સદા મૂર્તિમાન છો તો તમને વ્યાપક કેમ કહેવાય ? જો વ્યાપક માનીએ તો મૂર્તિમાન નહિ માની શકાય નિરાકાર માનવા પડશે. જ્ઞાની ભક્તો અને ઉપનિષદ્વગેરે આપને વ્યાપક માને છે તેમાં કેમ સમજવું ?
તેનો ઉત્તર મહારાજ કરે છે કે બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી. તે બ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાન છે. તે એકદેશી થકા સર્વદેશી છે. એકદેશી અને સર્વદેશી એ શાસ્ત્રીય ભાષાના શબ્દો છે એકદેશી એટલે એકદેશમાં રહેવાપણું. એટલે કે મૂર્તિમાનપણું. પરમાત્મા મુખ્યપણે પોતાના ધામમાં મૂર્તિમાન રહ્યા છે. એટલે એકદેશી છે અને સર્વદેશી એટલે સર્વદેશમાં સર્વત્ર રહેવાપણું. એટલે નિરાકારપણે વ્યાપકતા. સર્વદેશી નથી એટલે મહારાજ નિરાકાર નથી.
મહારાજ કહે છે કે ભગવાન એકદેશી થકા સર્વદેશી છે. એટલે કે ભગવાન સદા સાકાર જ છે અને સદા પોતાના ધામમાં જ રહ્યા છે છતાં સર્વદેશી પણ છે. સર્વત્ર નિવાસ કરવાપણું પણ છે, પણ નિરાકાર બનીને નહીં. પોતાની યોગકળાથી મૂર્તિમાન થકા અનંત કોટિ બ્રહ્માંડમાં અણુએ અણુમાં જ્યાં જેને જેમ ઘટે તેમ મૂર્તિમાન દર્શન દે છે, કાર્ય કરે છે અને હાજર રહે છે. માટે એકદેશી થકા સર્વ દેશી છે અને એ જ ભગવાનનો અલૌકિક મહિમા છે. મહારાજ કહે કોઈ સિદ્ધ હોય તો તેમાં પણ દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે શક્તિ હોય તો ભગવાન તો યોગેશ્વરોના પણ યોગેશ્વર છે. ‘યોગ કળાના પૂરણ દરિયા’ છે. તો તેને માટે એવું હોવું કોઈ નવાઈ કે કઠિન નથી. માટે ભગવાન તો સદા મૂર્તિમાન જ છે અને છતાં મૂર્તિમાન થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપક પણ છે. તેને અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપવા માટે નિરાકાર જ થવું પડે એવી જરૂર નથી, એ તો પોતાના ધામમાં પોતાના તખત પર બેઠા થકા જ એમ કરવા સમર્થ છે.