પ્રતિપાદત વિષયઃ
જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તથા પરમાત્મદર્શનનું સાધન છે.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ આ ચારનો દ્રોહ કરવાથી જીવનો નાશ થઈ જાય છે.
ર.પોતાના આત્મકલ્યાણનું સાધન બુદ્ધિમાં ન સૂઝવું એ જીવનો નાશ થયો જાણવો.
૩.શાસ્ત્ર પુરાણને જાણવા છતાં ભગવાન અને નિર્દોષ સંતમાં પોતાના જેવી સંસારી કલ્પના કરે છે તેથી તેને મહિમા સમજાતો નથી.
૪.સત્પુરુષમાં અનન્ય પ્રીતિ એ આત્મદર્શન અને પરમાત્માના દર્શનનું પણ સાધન છે.
વિવેચન :–
આ વચનામૃત જીવના નાશનું વચનામૃત છે. મહારાજ કહે છે કે અમારો એવો સ્વભાવ છે કે એક તો ભગવાન, તેના ભક્ત, બ્રાહ્મણ અને ચોથો કોઈક ગરીબ મનુષ્ય એ ચારથી અમે અતિશય ડરીએ છીએ. રખે એનો દ્રોહ થઈ જાય નહીં ! એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચારમાંથી એકનો દ્રોહ કરે તો તેના જીવનો નાશ થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીએ આશંકા કરી કે હે મહારાજ, જીવ તો અવિનાશી છે તેનો નાશ કેમ સમજવો ? ત્યારે મહારાજ કહે, કોઈ પર્વતનું કે બીજું એવું જડ દેહ આવે તેમાં કોઈ કાળે કલ્યાણ થાય નહીં એટલે એના જીવનો નાશ થઈ ગયો જાણવો.
મહારાજ અહીં કહે છે કે આ ચાર જણાનો દ્રોહ રખે ને થઈ જાય ! તેનાથી અમે ડરીએ છીએ. તેમાં એક તો ભગવાન કે જે કેવળ જગત ઉપર કરુણા કરીને પૃથ્વી ઉપર દેહધારી થાય છે. બીજા તેમના ભક્તો એટલે કે જેઓએ એ ભગવાનને માટે અથવા તે ભગવાનના મિશનને માટે સર્વસ્વ સમર્પણ કર્યું છે. એનો જો દ્રોહ થઈ જાય તો જીવનો નાશ થઈ જાય છે. કારણ કે તે જગતના સામાન્ય જીવ જેવા સામાન્ય નથી.
ત્રીજા બ્રાહ્મણ એટલે કે જે સત્શાસ્ત્રો અને સંસ્કૃતિને માટે જીવે છે. તેને માટે પોતાનું જીવન લગાવી દીધું છે એવા હેતુથી બ્રાહ્મણ છે. નહિ કે મહારાજને કોઈ જાતિવાદ કે કોઈ વિશેષ જાતિ તરફની ખેંચતાણ હોય. એમ પણ નહિ કે કેવળ જનોઈ ધારી, જન્મ માત્રથી બ્રાહ્મણ અને કૃત્યથી શૂદ્રને પણ શરમાવે. તેવી વ્યક્તિની વાત અહીં મહારાજ નથી કરતા. જે સત્શાત્રો અને સંસ્કૃતિના રક્ષણ માટે જીવી જાણે છે. જેણે તે કાર્ય કરવા પાછળ જગતના એશઆરામ અને પોતાનો સ્વાર્થ ત્યાગ કર્યો છે. એવા જે બ્રાહ્મણ તેણે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે અને જગત માટે કલ્યાણનો માર્ગ રક્ષણ કરી રાખ્યો છે. એમને ધન્યવાદ છે.
ચોથા કોઈ ગરીબ. ગરીબ એટલે અહીં સગવડતાના અભાવવાળી વ્યક્તિ એવું નથી. ગરીબ તો એને કહેવાય કે કોઈ પોતાનો અપરાધ કરે તો પણ બદલો વાળવાની ઈચ્છા ન રાખે. એવા અર્થમા અહીં ગરીબ છે. બાકી ઘણી વ્યક્તિ સગવડતાના અભાવમાં સીધી સરળ હોય પણ સમય આવ્યે ઘા મારી દે અને પોતાનો સ્વભાવ બતાવે. એવી વ્યક્તિની અહીં મહારાજ વાત કરતા નથી.
અહીં તો યુધિષ્ઠિર મહારાજા પૃથ્વીના સમ્રાટ હતા તો પણ તેનો સ્વભાવ ગરીબ હતો. અંબરીષ મહારાજ ચક્રવર્તી સમ્રાટ હતા તો પણ દુર્વાસા સાથે બદલાનો સંકલ્પ ન હતો. એવી વ્યક્તિના અપરાધથી મહારાજ કહે અમે ડરીએ છીએ. જો એનો અપરાધ થાય તો જીવનો નાશ થઈ જાય. જીવનો નાશ એટલે શું ? તો મહારાજ કહે કલ્યાણનો માર્ગ ન સૂઝે. ગમે તેટલી કલ્યાણના માર્ગની સાનુકૂળતા હોય પણ તેને કલ્યાણનો માર્ગ ન સૂઝે એ જીવનો નાશ છે. વસ્તુતઃ જીવનો નાશ શકય નથી. વચ.ગ.મ.૪૬મા મહારાજ કહે છે કે…’દેહે કરીને મરવું એ મરણ નથી અમે તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એને જ મરણ કહીએ છીએ. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડયો જાણવો'(મૃત્યુ પામ્યો જાણવો) તેના જીવનો નાશ થઈ ગયો જાણવો. માટે પોતાના જીવના કલ્યાણનો રસ્તો ન સૂઝે એ જ જીવનો નાશ થયો એમ જાણવુ. આ ચારનો દ્રોહ કરવાથી પોતાના જીવનો નાશ થઈ જાય છે. મહારાજ કહે છે કે મોટે ભાગે આ ચારનો દ્રોહ માનથી થાય છે અથવા મત્સર, ઈર્ષ્યા વગેરેથી થાય છે. મહારાજ કહે છે કે તેની ભક્તિ પણ આસુરી ગણાય છે. પછી ‘મારા હરજી શું…’ અને ‘મારા વાલાજી શું…’ એ બે પદ શીખવાની દરેકને આજ્ઞા કરી છે.
પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછયું જે આ સંસારને વિષે જે પંડિત છે તે શાસ્ત્રો પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી ? ત્યારે મહારાજ બોલ્યા જે એને ભગવાનનો આશ્રય નથી માટે અંતર્શત્રુએ એના જીવને હરાવી નાખ્યો છે અને કોઈ કાળે એને માથું ઉંચકવા દેતા નથી. પછી પોતાની કલ્પના ભગવાનમાં તથા નિર્દોષ સંતમા પણ કરે છે કે એને પણ મારા જેમ કામાદિક નિવૃત્તિ નહિ પામતા હોય. તે દોષથી અંતર્શત્રુ એના અંતરમાં ઘર કરીને રહે છે ને ભગવાન ને સંતનો મહિમા સમજવા દેતા નથી. વેદ, વેદાંત, ન્યાય, તર્ક, શાસ્ત્ર, પુરાણ બધું ભણે છે, વાંચે છે, પણ આજીવિકા મેળવવાના હેતુથી ભણે છે અથવા માન ખ્યાતિ વધારવા ભણે છે, પણ ચતુર્થ પુરુષાર્થ એવા પોતાના મોક્ષને માટે શાસ્ત્રાધ્યયન નથી થતું. જે આજીવિકા માટે અને અંતર્શત્રુ અને મોહ વધારવા માટે બની રહે છે. તેથી મહારાજ કહે છે કે તેને ભગવાનનો આશ્રય નથી. આજીવિકા, ભોગ કે માન મોટાઈને માટે છે તેથી અંતર્શત્રુએ એના જીવને દબાવી દીધો છે. વળી પોતાના જેવી જ આંતર્સ્થિતિ ભગવાનની પણ કલ્પે છે માટે તેને ભગવાનનો મહિમા કેમ સમજાય ? ન જ સમજાય.
પછી વળી મહારાજે એ જ વિષયમાં દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળને પ્રશ્ન પૂછયો જે બ્રહ્મ સ્વરૂપ એવા સત્પુરુષ તેના વર્તનને સામાન્ય જીવ કળી ન શકે તેથી તેનો મહિમા જાણી ન શકે અને મહિમા જાણ્યા વિના એવી સ્થિતિ થાય નહિ. માટે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ ટળે ? કોઈથી યથાર્થ ઉત્તર થયો નહિ.
ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે પૃથ્વી ઉપર પરમાત્માને મળેલા જે સંત તે સંગાથે એને જ્યારે અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. વળી જેને જે સંગાથે દૃઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ. તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ વિરોધ ટાળ્યાનો અકસીર ઈલાજ છે અને આત્મદર્શનનું સાધન છે. સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે. પરમેશ્વરનું સાક્ષાત્દર્શન થવાનું પણ એ જ સાધન છે.