પ્રતિપાદિત વિષયઃ
જીવના કલ્યાણનો ઉપાય.
મુખ્ય મુદ્દાઃ
૧.રાજા રૂપે અને સાધુ રૂપે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લઈને વિચરતા હોય ત્યારે તે પરમાત્માની ઓળખાણ સહિતના આશ્રયથી કલ્યાણ થાય છે.
ર.તેમના એકાંતિક સંતને ઓળખી તેમની આજ્ઞા તથા ભગવાનની આજ્ઞામાં વર્તવાથી કલ્યાણ થાય છે.
૩.મૂર્તિનો વિશ્વાસ રાખી આશ્રય કરી ધર્મ સહિત ભક્તિ કરવાથી કલ્યાણ થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈએ મહારાજને પૂછયું, હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે કયારે તે ભગવાનનો આશ્રય કરી, તેને શરણે થઈ, આજ્ઞામાં રહીને ભક્તિ કરે તો જીવનું કલ્યાણ થાય છે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ ન હોય તો તેમને મળેલા એટલે કે એકાંતિક એવા સાચા સંત તેનો આશ્રય કરી ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરે તો પણ કલ્યાણ થાય છે. જો એવા સાધુનો પણ મેળાપ ન થાય તો ભગવાનની જે પ્રતિમા તેમાં દૃઢ વિશ્વાસ રાખી સ્વધર્મમાં રહીને ભક્તિ કરે તો પણ જીવનું કલ્યાણ થાય છે. આ પ્રમાણે એક પછી એક વિકલ્પ રૂપે ત્રણ ઉપાયો કહ્યા.
અહીં મહારાજ ભગવાનના અવતાર બાબતમાં વિશેષ કહે છે કે ભગવાનના અવતાર રાજા રૂપે હોય અથવા સાધુ રૂપે હોય ત્યારે સરખા લક્ષણે યુક્ત ન હોય. રાજા રૂપે હોય ત્યારે સત્ય, શૌચાદિક ઓગણ ચાલીસ લક્ષણે યુક્ત હોય અને સાધુ સ્વરૂપે હોય ત્યારે કૃપાળુ, દ્રોહરહિતતા વગેરે ત્રીસ લક્ષણોએ યુક્ત હોય છે. તેનો મેળાપ થાય અને તેની સાચી ઓળખાણ થવી ઘણી જરૂરી છે. જે તે ભગવાનના અવતારકાળમાં ઘણાને ભગવાનને મળવાનો લાભ મળ્યો હતો પણ ઓળખાણ વિરલ વ્યક્તિઓને જ થઈ છે. માટે કલ્યાણના માર્ગમાં મળ્યા પછી ઓળખાણ થવી એ જ કલ્યાણ છે. કેવળ મળવું એ શ્રેયને પ્રાપ્ત કરાવનારું તો જરૂર છે પણ તેટલું જ પૂરતું નથી. ઓળખાણ થઈ ગઈ તો પૂર્ણ કલ્યાણ થઈ ગયું એમ સમજવું. તેમજ કૃપાળુ આદિક ત્રીસ લક્ષણો સાધુ રૂપે પરમાત્મામાં આવ્યાં હોય ત્યારે તેમાં હોય ત્યારે પણ ઓળખાણ મુખ્ય છે.
સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે જીવના કલ્યાણ માટે ત્રીસ અને ઓગણ ચાલીસ લક્ષણો કારણભૂત છે. પરચા, ચમત્કારો કે ઐશ્વર્ય કારણભૂત નથી. જીવના પક્ષે ઓળખાણ થવી અને તેની સાથે શાશ્વત સંબંધ જોડાવો એ કલ્યાણમાં કારણભૂત છે પણ મળવામાત્રથી પૂરું કાર્ય સરી જતું નથી. એટલે તો પરમાત્માની સાચી ઓળખાણને જ આત્યંતિક કલ્યાણ કહેવાયું છે; સ્થૂળ રીતે મળવામાત્રને નહિ. સાચી ઓળખાણ થયા પછી આશ્રય કરીને સંબંધ જોડાય છે અને તે કલ્યાણમાં કારણભૂત બને છે. ઓળખાણમાં પણ ઓગણચાલીસ ગુણ અને રાજ વ્યવહાર તથા ત્રીસ લક્ષણ ને સાધુ વ્યવહારના પદડા પાછળ તે પરમાત્માનું ભગવાનપણું ડોકિયા કરતું હોય છે. તેમની કલ્યાણકારીતા ઝળકી રહી હોય છે. ભગવત્તત્ત્વની ‘કલ્યાણૈકતાનતા’ અને ‘હેયપ્રતિભટ્ટતા’ અવારનવાર ચરિત્ર પ્રસંગો, વ્યવહારોમાં તરી આવતા હોય છે. તે જીવના અંતરના કલ્યાણના ખપથી ઓળખાય છે. લક્ષણોનું ચેકલીસ્ટ લઈને બેસવાથી ઓળખાણ થતી નથી. ઉલ્ટું ભટકાઈ જવાય છે.
મહારાજ કહે છે, વ્યવહારદશામાં બન્ને સ્વરૂપોમાં સરખી રીતો હોતી નથી. રાજા રૂપે ભગવાન હોય ત્યારે ઐશ્વર્ય, સત્તા અને કલ્યાણકારીતા વિશેષ હોય છે. જ્યારે સાધુ રૂપે હોય ત્યારે જ્ઞાન, સાધના અને કલ્યાણકારીતા વિશેષ હોય છે. બાકી સત્યસંકલ્પપણું, શરણાગતનું કલ્યાણ કરવું, શાસ્ત્રનો આદર વગેરે તે બન્નેમાં હોય છે. તેને પ્રત્યક્ષ ઓળખી તેનો આશ્રય કરે અને તેની આજ્ઞામાં રહીને ભક્તિ કરે તો તે જીવનું કલ્યાણ થાય છે. મહારાજ કહે છે કે ભગવાનના અવતાર પૃથ્વી પર પ્રત્યક્ષ ન હોય ત્યારે તેના એકાંતિક સાધુ તો જરૂર વિચરતા હોય છે. તેનો આશ્રય કરી ભગવાનની તથા તેની આજ્ઞામાં રહે અને ભક્તિ કરે તો પણ જીવનું કલ્યાણ થાય છે. અહીં પણ સાધુને મળવામાં તેની સાધુતાની ઓળખાણ મુખ્ય કલ્યાણનું કારણ બને છે. સાથે રહેવામાત્રથી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થઈ જતી નથી. જો એવા સાધુનો મેળાપ ન થઈ શકે તો ભગવાનની પ્રતિમામાં દૃઢ વિશ્વાસ રાખી, ધર્મમાં રહીને ભક્તિ કરવાથી જીવનું કલ્યાણ થાય છે.