પ્રતિપાદત વિષયઃ
ભગવાનનો મહિમા સહિત નિશ્ચય.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય અથવા(મનુષ્ય ચરિત્રમાં) તેમનો નિશ્ચય થાય તો તે જીવ બીજના ચંદ્રમાની જેમ વધતો જાય છે.
ર.જો ભગવાનમાં અનિશ્ચયનો ઘાટ થાય તો તે જીવ તેજહીન થતો જાય છે.
૩.પરિપૂર્ણ નિશ્ચયવાળાને કૃતાર્થતા–પૂર્ણતા અનુભવાય છે.
૪.અપૂર્ણ નિશ્ચયવાળાને પ્રાપ્તિમાં ઘણી જ શંકાઓ રહે છે.
વિવેચન :–
મહારાજ બહુ વાર વિચારીને પછી ભક્તો સામે કરુણા કટાક્ષે કરીને જોઈને બોલ્યા. આજ તો નિશ્ચયની વાત કરવી છે. તે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. એ જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને મનુષ્ય જેવા થાય છે અર્થાત્તે જે તેજોમય સ્વરૂપ છે તે જ આ સ્વરૂપ છે. એવું સંત સમાગમે કરીને ઓળખાણ થાય અને તેના જીવમાં દૃઢ નિશ્ચય થાય ત્યારે એનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. એટલે કે જીવમાં પોતાના આત્માને સંસારથી છોડાવીને મુક્ત કરવાની અતિ ક્ષીણ, અતિ અલ્પ શક્તિ હતી પણ અમાવસ્યાના ચંદ્રમામાં જેમ સૂર્યની કળા આવે તેમ ચંદ્રમા વધતો જઈને પૂર્ણિમાની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. તેમ જીવ પણ પોતાના ઉદ્ધારની શક્નિે વધારે વધારે પામતો જઈને નિશ્ચયના પ્રતાપે બીજા જીવોના ઉદ્ધારની શક્નિે પણ પામી જાય છે. પછી તેનાં ઈન્દ્રિયો અંતઃકરણ કે સંસારના કોઈ પરિબળ તેને નિશ્ચયમાંથી ડગાવી શકતા નથી. ભગવાન પણ ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ તેને ભગવાનમાં દોષ ભાસતો નથી.
આમ મહિમા સહિત પરમાત્માની ઓળખાણ થવાથી કે નિશ્ચય થવાથી જીવ નિર્ભય બની જાય છે. તેથી ઉલ્ટું તે જ ભક્તને જો કયારેક અસત દેશ, કાળ, સંગ, શાસ્ત્રાદિકને યોગે કરીને, દેહાભિમાને કરીને અથવા કામાદિક કોઈ અંતર્શત્રુની આસક્તિએ કરીને ભગવાનની ક્રિયામાં કે ભગવાનના ચરિત્રમાં સંદેહ થાય અને ભગવાનનો અભાવ આવે જે ‘આ ભગવાન હશે કે કેમ ?’ અથવા ભગવાન હોય તો આવો પક્ષપાત વગેરે દોષિત પ્રવૃત્તિ કેમ કરે ? એવો સંશય અથવા અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્રમા જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કિંચિત્ખોટ હોય તો ભગવાનને રાજી કરવામાં ઝાઝી નડતી નથી. કારણ કે તેને તો સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન માફ કરી દે છે પણ ભગવાનના ચરિત્રોમાં કે ભગવાનના આચરણમાં શંકા કે અવગુણ જો આવે તો એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે અને એ જીવ કોઈ દિવસ વિમુખ થયા વિના રહે નહિ.
મહારાજ કહે છે કે જેને ખુદ ભગવાન પ્રત્યે દુબળો નિશ્ચય હોય અને તેના પ્રત્યે હૃદયમાં ઊંડે ઊંડે દૃઢતામાં ઢીલાશ હોય તે સત્સંગમાં દિવસો પસાર કરતો હોય તો પણ સત્સંગની દિવ્યતામાં તેને જરા પણ સ્વાદ આવતો નથી. મહારાજ કહે છે કે તેને મનમાં એવા ખોટા કુતર્કો અને નબળા ઘાટ થયા કરે અને અંતર્શત્રુ હૃદયમાંથી હઠે નહિ. તેથી એવા ઘાટ થયા કરે કે ‘શું જાણીએ મારું કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું મરીને રાજા થઈશ કે ભૂત થઈશ ?’ કારણ કે એને નિશ્ચયની ખામીને લઈને અંતરમાં ઊંડો સંદેહ રહ્યા કરે છે કે હું જે કરું છું તે ભક્તિ ગણાતી હશે કે પુણ્ય હશે કે પછી પાપ પ્રવૃત્તિ હશે ? ત્યાં સુધી તેને સંદેહ થાય છે અને તેથી એમ માને છે કે આ પ્રવૃત્તિના ફળ રૂપે હું ભૂત થઈશ તો ? આ સંપ્રદાય(સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો) પાપ પ્રવૃત્તિ સભર છે કે બીજા કરતાં આની કોઈ વિશેષતા નથી ! મહારાજની આજ્ઞામાં તથા મહારાજે બાંધેલી પ્રથામા તેને અઢારમી સદી દેખાય, રૂઢિચુસ્તતા દેખાય અને અંધશ્રદ્ધા, જડતા વગેરેનાં દર્શન તેને નિશ્ચયની નબળાઈથી થાય છે. જગતમાં જે દોષ સભરતા છે તે જ અથવા તેનાથી વિશેષ આ સત્સંગમાં(મહારાજના સિદ્ધાંતો તથા મહારાજે પ્રવર્તાવેલી પ્રણાલીમાં) આવા ખોટા તર્કો તેના હૈયામાં થયા કરે અને સત્સંગની જે દિવ્યતા અને કલ્યાણકારીતાના સ્પર્શથી તેનો જીવ વંચિત રહી જાય.
જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂકયું છે અને મારી(એટલે કે સત્સંગની) રીત ભાત ગમશે તથા મારી(સત્સંગ સંબંધી) વાત માનશે તેનું પણ કલ્યાણ થશે અને પોતાને સત્સંગમાં નિત્ય દિવ્યાનુભૂતિનો અનુભવ થતો રહે. ત્યારે જાણવું જે તેનો નિશ્ચય દૃઢ છે. માટે મહારાજ કહે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને કૃતાર્થપણુ માનવું.
મહારાજ કહે છે કે જેના હૃદયમાં ભગવાન પ્રત્યે તથા તેના ભક્ત પ્રત્યે તથા ભગવાનના સંબંધિત થયેલ પદાર્થ પ્રત્યે દિવ્યતા કે મહિમાની ભાવના નથી તેને નપુસંક જેવો જાણવો. નિશ્ચયહીનતા કે નિશ્ચયમાં દુર્બળતા એ પુરુષાર્થ રહિતતા છે. તેનાથી કોઈ દિવસ મોક્ષફળરૂપી સંતાનની પ્રાપ્તિ થતી નથી. જો કે ઉદર પોષણના અભાવમાં તેઓ સત્સંગને છોડીને કયાંય બીજે જતા નથી તો પણ નપુસંક નરોની માફક તેના સંગે સત્સંગ સંબંધી પૂર્ણકામતા કે કલ્યાણની પ્રતીતિરૂપી પુત્રફળ કયારેય આવતું નથી. તેથી તો મહારાજ કહે છે કે તેને મુખે કદાચને ગીતા, ભાગવત્, વચનામૃત, સત્સંગિજીવન વગેરે કલ્યાણકારી ગ્રંથો સાભળે તો પણ તેનું કલ્યાણ થતું નથી. તેથી તે ગ્રંથો અકલ્યાણકારી નથી પણ તે પુરુષ જ કલ્યાણ બીજરહિત હોવાથી શાસ્ત્રમાંથી બીજું બધું કાઢશે પણ કલ્યાણની રીત કાઢી શકશે નહિ. મહારાજ કહે, જેમ સર્પની લાળ પડવાથી દૂધ, દૂધ રહેતું નથી. તે પુષ્ટિ તો નથી કરતું પણ પ્રાણ હરે છે. તેમ નિશ્ચયની દૃઢતારહિતના મુખે કથા સાંભળવી તે સારું કરી શકતી નથી, ઉલ્ટું ભૂંડું થાય છે.