વ–૦૯ : ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું

પ્રતિપાદિત વિષયઃ

નિર્ગુણ સુખની ઓળખાણ.

મુખ્ય મુદ્દાઃ

૧.નિર્ગુણ સુખ અતિ માત્રામાં છે.

ર.નિર્ગુણ સુખ સમાધિ અવસ્થામાં અથવા ગુણાતીત સ્થિતિમાં અનુભવાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે મુનિ મંડળ પ્રત્યે પ્રશ્ન પૂછયો છે. રાજસી, તામસી અને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું સુખ તે જેમ ત્રણ અવસ્થામાં જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય ?

ત્યારે મહારાજે જ તેનો ઉત્તર ચિદાકાશનો નિર્દેશ કરીને ભગવાનનું સુખ કેવું હોય તે બતાવ્યું છે. સુખનાં સાધનો સ્થૂળ હોય છે પણ સુખ પોતે અતીન્દ્રિય પદાર્થ છે. તેથી તેને ઈદંગ્રાહી બતાવી શકાતું નથી. તે માટે તે માત્ર અનુભૂતિનો જ વિષય બની રહે છે. ભાવગ્રાહી બની રહે છે. તેથી દરેકને તે વસ્તુ પકડવી કઠણ પડે છે. જેમકે સમગ્ર જગતમાં તમામ દેહધારીઓને સુખ જોઈએ જ છે. માણસની પાસે તો તેને મેળવવાની યુક્તિઓ તથા આયોજનો પણ છે, પણ સુખની સ્પષ્ટ ઓળખાણ નથી. તેથી સુખને ભરોસે સંપત્તિની પાછળ ભટકી પડે છે. ઘણીવાર તો સંપત્તિ મળી જાય તો પણ સુખ મળતું નથી, પણ દુઃખ વધુ મળે છે. તો પણ માણસ ઉપરથી રાજી થાય છે અને અંતરમાં દુઃખિયો થઈ જાય છે. તેથી આ વચનામૃતનો વિષય નિર્ણય કરવો વધુ કઠિન છે છતાં અશકય તો નથી જ.

આપણે પ્રથમ તામસ, રાજસ, સાત્ત્વિક સુખને ક્રમથી સમજીએ. તો નિર્ગુણ સુખ સમજવામાં સરળતા રહેશે. તેની વ્યાખ્યા આપતાં ભગવાન ગીતામાં જણાવે છે કે..

યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ ।
નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમૃદાહૃતમ્‌।।

વિષયેન્દ્રિયસંયોગાત્‌યત્તદગ્રેમૃતોપમમ્‌।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્‌।।

યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ્‌।
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્‌।। ।।ગીતા–૧૮,૩૯,૩૮,૩।।

આત્માનું વાસ્તવિક જે ધર્મભૂત જ્ઞાન છે તેને સંપૂર્ણપણે ઢાંકી દઈને અથવા આંશિક ઢાંકીને તેનો પ્રભાવ ઓછો કરવામાં જે જેટલું સફળ થાય તેની માત્રા ઉપરથી તેનું તામસપણું, રાજસપણું વગેરે કક્ષાઓ નક્કી કરવામાં આવે છે.

તામસ સુખમાં સુખ ભોગવતી વેળાએ, પછી અને પરિણામમાં પણ આત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકીને મોહ જ સક્રિયપણે રહ્યો હોય છે, માટે તેને તામસ સુખ કહેવાય. રાજસ સુખમાં કયારેક જ્ઞાન ઢંકાયેલુ, કયારેક જાગ્રત અને પરિણામે મોહ ઉપજાવીને સ્વરૂપને આવરણ કરનારું હોય છે, માટે તે રાજસ કક્ષાનું સુખ કહેવાય છે. જ્યારે સાત્ત્વિક સુખ આત્મ જાગૃતિના અભાવમાં મોહ કરનારું હોય છે. તેથી રાજસ સુખ આરંભમાં સારું પણ પરિણામ સારું હોતું નથી. જ્યારે સાત્ત્વિક સુખમાં આરંભમાં કઠિનતા પણ પરિણામ કલ્યાણમય હોય છે.

તામસ સુખ ભોગવિવેકને લુપ્ત કરીને અંધકાર લાવનારું, સંપૂર્ણ આત્મભાન ભુલાવનારું હોય છે. જ્યારે રાજસ સુખ ભ્રાંતિ સર્જનારું અર્ધ ભાન ભુલાવનારું હોય છે. જ્યારે સાત્ત્વિક સુખ વિષયના વેગ શાંત કરનારું, વિવેક જાગ્રત કરનાર હોય છે. જ્યારે નિર્ગુણ સુખ વિવેકનું સર્જન કરનારું, અને બંધન અને મોહના ટુકડા કરી નાશ કરનારું હોય છે. તામસ સુખ કલેશ કલહથી ભરપૂર હોય છે અને પરિણામે હૃદયમાં તેને ઉત્પન્ન કરનારું અને પશુબુદ્ધિ વધારનારું હોય છે. જ્યારે રાજસ સુખ અતિ આયાસ કરાવનારું અને જગતને ભામે ચડાવનારુ, અતિપરિશ્રમ દેનારું હોય છે. જ્યારે સાત્ત્વિક સુખ સંતોષથી ભરપૂર, પરિણામે વિવેક જાગ્રત કરનારું, આત્મભાનની નજીક લઈ જનારું હોય છે. જ્યારે નિર્ગુણ સુખ પૂર્ણકામતાથી કે કૃતકૃત્યતાથી ભરપૂર હોય છે. તેની અનુભૂતિ થતાં માણસને એવી અનુભૂતિ થાય છે કે મારે મનુષ્ય દેહ પામીને જે કરવાનું હતું તે થઈ રહ્યું છે. આત્મભાન પૂર્ણ જાગૃત કરનારું અને સર્વે બંધનને મૂળથી તોડનારું હોય છે.

કોઈને શારીરિક માર માર્યા પછી, કોઈનું અતિ અગત્યનું કામ બગાડયા પછી, હિંસા કર્યા પછી જે હર્ષાનુભૂતિ કે સુખાનુભૂતિ થાય છે તે તામસ સુખની અનુભૂતિ છે.

જ્યારે કોઈને હરીફાઈમાં પરાજય આપ્યા પછી, ઈષ્ટ પંચવિષય મહાપ્રયત્ને મળી ગયા પછી, કામાદિક ભોગવ્યા પછી જે સુખાનુભૂતિ કે હર્ષાનુભૂતિ થાય છે તે રાજસ સુખ છે.

જ્યારે કોઈ અધ્યાત્મ સાધના સફળ થયા પછી, પરોપકાર કર્યા પછી, બીજાને વિના સ્વાર્થ મદદરૂપ થયા પછી સારી અનુભૂતિ થાય તે સાત્ત્વિક સુખ છે.

જ્યારે પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થયા પછી, ઓળખીને સાચા ભાવનું સમર્પણ કર્યા પછી, ધ્યાન, આરાધના કર્યા પછી જે સુખાનુભૂતિ થાય તે નિર્ગુણ સુખ છે.

બીજી વાત આ વચનામૃતમાં મહારાજે એ કરી છે કે દરેક પ્રકારના સુખને સમ્યક્‌સ્વરૂપમાં અનુભવવા માટે ખાસ અવસ્થા પણ જરૂરી છે. જેમકે તામસ સુખ અનુભવવા સુષુપ્તિ, રાજસ માટે સ્વપ્ન દશા, સાત્ત્વિક માટે જાગૃત અવસ્થા. તેવી જ રીતે નિર્ગુણ સુખાનુભૂતિ માટે સમાધિ અવસ્થા છે અથવા ગુણાતીત અવસ્થા છે. તે વિના યથાર્થ સ્વરૂપાનુભૂતિ શકય નથી. પછી અનુમાન લગાવી શકાય કે આવું હોય, પણ યથાર્થ અનુભૂતિ માટે તો તે તે અવસ્થા અવશ્ય જરૂરી છે.

બીજું આ બધા સુખને વ્યતિરેક દૃષ્ટિથી પણ તપાસ કરીને ઓળખી શકાય છે. જેમ કે સુખનો વ્યતિરેક એટલે કે વિરોધી દુઃખ છે. તામસ સુખ ભોગવતી વખતે પણ દુઃખની એકદમ નજીક હાજરી હોય છે. હિંસાજનિત સુખ વગેરેમાં તેવું હોય છે. જ્યારે રાજસ સુખમાં પરિણામે દુઃખ અવશ્ય હોય છે. જ્યારે સાત્ત્વિક સુખમાં પરિણામે શરૂઆતમાં કે મધ્યમાં દુઃખની ગેરહાજરી અથવા અતિ અલ્પમાત્રા હોય છે. જ્યારે એ અનુસંધાનમાં નિર્ગુણ સુખ અનુભવ્યા પછી તેને દુનિયામાં કોઈપણ દુઃખની હાજરીમાં પણ દુઃખ ર્સ્પશ જ કરી શકતુ નથી. એ નિર્ગુણ સુખની સંસારમાં જીવતા ભકતોની સાચી નિશાની છે. પ્રહ્‌લાદ,મીરા કે આપણા નંદ સંતો તથા એ પછી થયેલા બ્રહ્મનિષ્ઠ સંતો અને છેલ્લે આપણા ગુરુમહારાજ શ્રી ધર્મજીવન સ્વામી એના શ્રેષ્ઠ દૃષ્ટાંતો છે. ગીતામાં પણ એ જ વાત બતાવી છે.

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિક તતઃ ।

યસ્મિન્‌સ્થિતો ન દુઃખેન ગુરૂણાપિ વિચાલ્યતે ।।ગીતા–૬૨૨।।

નિર્ગુણ સુખાનુભૂતિ એકવાર થઈ હોય અથવા થઈ રહી હોય તો તેને મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ માનસિક ભાવમાં સ્પર્શ કરતું નથી. તે નિર્ગુણ સુખનો પ્રભાવ છે, ઓળખાણ છે. મહારાજે અત્રે નિર્ગુણ સુખ સમજાવવા ક્રમશઃ તામસ, રાજસ, સાત્ત્વિક સુખને પ્રથમ ઓળખાવ્યા છે. ત્યાર પછી નિર્ગુણ સુખની સુખાનુભૂતિ કેવી હોય છે તે બતાવ્યું છે.