પ્રતિપાદિત વિષયઃ
ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ.
મુખ્ય મુદ્દાઃ
૧.ત્રણ દેહથી અલગ પડીને વૃત્તિને શુદ્ધ કરીને ભગવાનની મૂર્તિમાં રાખવાનો અભ્યાસ કરવો.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ થોડીવાર ધ્યાનમુદ્રામાં બેસી, દર્શન દઈને પછી બોલ્યા, જે આ નેત્રની વૃત્તિ અરૂપ છે તો પણ રૂપવાન પદાર્થ તેના માર્ગમાં આવે તો ત્યાં અટકી જાય છે. પોતે સ્પર્શરહિત છે તો પણ સ્થૂળ પદાર્થમાં અટકી જાય છે. માટે આ નેત્રની વૃત્તિ પણ સ્થૂળ ગણાય અને પૃથ્વી તત્ત્વ પ્રધાન છે. ખરેખર તો વૃત્તિપ્રવાહ ચૈતન્યમાંથી નીકળે છે માટે પંચભૂતથી પર છે અને દિવ્ય છે છતાં પણ અનાદિ કાળથી વૃત્તિને વિષયોને જ પકડવાનો અભ્યાસ પડી ગયો હોવાથી તથા પંચવિષયો પંચભૂતને આધારે રહેલા હોવાથી દરેક ઈન્દ્રિયોની વૃત્તિ સ્થૂળ અને પંચભૂત પ્રધાન બની ગઈ છે. મહારાજ કહે, તેને સાધક જ્યારે ભગવાનની મૂર્તિમાં એકાગ્ર કરીને સ્થાપે છે એટલે કે મૂર્તિમાં વૃત્તિ રાખે છે ત્યારે તે વૃત્તિમાં પંચભૂતનું પ્રધાનપણું ધીરેધીરે ક્રમશઃ ઓછું થતું જાય છે અને છેવટે માયિકભાવ મટીને વૃત્તિમાં દિવ્યતા આવતી જાય છે. જેટલી પંચવિષય ગ્રહણ કરવાની વૃત્તિમાં ભૂખ રહે છે તેટલું સ્થૂળતાનું પ્રધાનપણું વધતું જાય છે. વૃત્તિના આશયમાંથી જેટલા પંચવિષય હટતા જાય છે તેટલી વૃત્તિ દિવ્ય બનતી જાય છે.
જ્યારે પ્રકૃતિ પુરુષ પર્યંતના વિષય વૃત્તિના આડે આવે તો પણ તેમાં વૃત્તિ રોકાય નહીં ઉલ્ટો વૃત્તિમાં તેનો અભાવ રહે. ત્યારે તે માયિક ભાવથી રહિત થઈ ગણાય. મહારાજે એ બાબતમાં ફળા વિનાના બાણનું દૃષ્ટાંત આપ્યું છે. ફળા વિનાનું બાણ ભીંતમાં મારે તો ભટકાય ને ઉથળકીને પાછું પડે છે. તેમ પંચવિષય અને માયિકભાવ ગ્રહણ કરવામાં એવી અવસ્થા થાય ત્યારે તેની વૃત્તિ માયિક મટીને દિવ્ય થઈ ગણાય. જ્યારે એવી દિવ્ય થઈને ભગવાનની મૂર્તિને વિશે ચોટે છે ત્યારે તે વૃત્તિમાં પ્રકાશ થાય છે અને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રેમ થાય છે. તેને મૂર્તિમાં અતિશય વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે.
મહારાજ કહે કે વૃત્તિ મૂર્તિમાં લીન થઈ જાય છે. એ જ યોગીને નિદ્રા કહી છે પણ તમોગુણની સુષુપ્તિમાં લીન થવું એ યોગીને માટે નિદ્રા નથી. મહારાજ કહે, એવી રીતે જેને ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તેને અતિશય પવિત્ર ભાવથી રહેવું. એટલે કે સર્વે અશુદ્ધ એવા માયિક ભાવનો ત્યાગ કરવો અને ત્રણ દેહથી પૃથક પોતાને આત્મરૂપ એટલે કે અક્ષરબ્રહ્મની ભાવના કરીને રહેવું તો કાર્ય જલ્દી થાય છે. તેનો અભ્યાસ કરવો. તે પણ મહારાજે કરોળિયાનું રૂપક આપીને સ્થૂળ ભાવમાં સમજાવ્યું છે. ખરેખર તો આત્મચૈતન્ય અને તેની વૃત્તિ અલગ છે જ નહિ. તો પણ સ્થૂળ રૂપક આપીને જલ્દી સમજાઈ જાય તેમ બતાવ્યું છે. પોતાની વૃત્તિથી પણ વ્યતિરેક પોતાને ભિન્ન માનીને તેના દ્વારા ભગવાનમાં કેમ રહેવું તેના અભ્યાસ માટે મહારાજે સરસ દૃષ્ટાંત ગોઠવ્યું છે જેથી અભ્યાસ જલ્દી પકડાય.