વ–૦૭ : દૈવી–આસુરી જીવના લક્ષણનું, અન્વય–વ્યતિરેકનું

પ્રતિપાદિત વિષયઃ

૧. દૈવી–આસુરી જીવ.

ર. ભગવાનનું અન્વય–વ્યતિરેકપણું.

મુખ્ય મુદ્દાઃ

૧.આસુરી જીવ દૈવી ન જ થાય.

ર.ભગવાન અન્વય થકા સદા વ્યતિરેક જ છે.

વિવેચન :–

હરિભક્તો પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા. તેમા દૈવી આસુરીનો પ્રસંગ નીસર્યો કે દૈવી હોય તે ભગવાનનો ભકત જ થાય અને આસુરી હોય તે ભગવાનથી વિમુખ જ થાય. ત્યારે ચીમનરાવજીએ મહારાજને પ્રશ્ન પૂછયો કે હે મહારાજ આસુરી જીવ કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય?

મહારાજ કહે, આસુરી જીવ તો દૈવી ન જ થાય. કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી ચડયો હોય, તેને કોઈ છેડે નહીં અને એમને એમ સત્સંગમાં દેહ મૂકે. વળી પાછો સત્સંગમાં દેહ ધરે. આમ વારંવાર બ્રહ્મને વિષે લીન થાય. એમ અનંતવાર લીન થાય ને વળી સત્સંગમાં દેહ ધરે ત્યારે તેનો આસુરભાવ નાશ થાય. તેમાં પણ જો કોઈ મોટા સંતને રાજી કરી દે તો તુરત દૈવી થાય. જો સત્સંગમાં દેહ ધરે તે દરમ્યાન કોઈ છેડે કે કોઈ ટોકર લાગી જાય તો આસુરભાવ ઉખળી આવે ને કરેલો દાખડો નિષ્ફળ જાય અને તેવોને તેવો જ આસુરભાવ આવી જાય. જો કોઈ ધક્કો ન લાગે તો અનંતવાર લીન થઈ સત્સંગમાં દેહ ધરે ત્યારે દૈવી થાય એવી કઠણ પ્રક્રિયા છે

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે ? ને વ્યતિરેકપણું કેમ છે ? ત્યારે મહારાજ કહે, ભગવાન અર્ધા માયાને વિષે અન્વય થયા છે અને અર્ધા પોતાના ધામમાં વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થકા પણ વ્યતિરેક જ છે. વ્યતિરેક એટલે શું તો ‘યેન કેનાપિ સંબંધેન – વિશેષેણ વા અતિશયતયા રિચ્યતે ઈતિ વ્યતિરેકી’ – જે તે કોઈ પણ સંબંધથી કે વિશેષતાથી બિલકુલ અલગ પડવું તેને વ્યતિરેક કહેવાય. ભગવાનનું મુખ્ય સ્વરૂપ વ્યતિરેક છે. તેમાં આચાર્યોની અલગ અલગ માન્યતાઓ છે. રામાનુજાચાર્યજી અન્વય સ્વરૂપ પર વધારે મહત્ત્વ આપે છે. એટલે કે મૂળ સ્વરૂપ અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ સહેતુક છે. મુકતોને આનંદ ઉપજાવવા ખાતર તે સ્વરૂપો છે. અન્વય સ્વરૂપ મૂળ છે, નિર્હેતુક છે. જ્યારે મહારાજ વ્યતિરેક સ્વરૂપને મૂળ સ્વરૂપ માને છે ને અન્વય સ્વરૂપ કર્મફળપ્રદાતા રૂપે અને ઈતર હેતુઓ માટે છે એમ માને છે. રામાનુજાચાર્યજી એવું માને છે કે ભગવાન સર્વદેશી થકા એકદેશી છે. એટલે સર્વદેશી સ્વરૂપ મૂળ છે અને તેને આનુસંગિક એકદેશી એટલે દિવ્યધામસ્થ સ્વરૂપ છે. જ્યારે મહારાજ ભગવાનને એકદેશી થકા સર્વદેશી માને છે. તેમાં ફેર એ પડયો કે અક્ષરધામસ્થ જે મૂર્તિમાન સ્વરૂપ છે તે મુખ્ય છે અને તો જ ‘મરીને ભગવાનના ધામમા જવું’ એ વધારે બંધ બેસતું રહે. અન્વય સ્વરૂપ તો અહીં પણ છે. જો તેની મુખ્યતા હોય તો ધામમાં જવાની જરૂર નહીં પડે. માટે શાસ્ત્રોક્ત રીતે પણ આ માન્યતા વધારે બંધ બેસતી રહે છે.

હવે અહીં તેથી આગળ વિચારણા છે કે ભગવાન તો અન્વય ને વ્યતિરેક બન્ને સ્વરૂપે રહૃાા છે. તે તો ઉલ્ટો ગૂંચવાડો ઊભો થયો કે અન્વય હોય તો વ્યતિરેક ન થઈ શકે અને વ્યતિરેક હોય તો અન્વય ન થઈ શકે. તો ભગવાન બન્ને રીતને કેવી રીતે ચરિતાર્થ કરે છે ?

ત્યારે મહારાજ કહે છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ વ્યતિરેક જ છે અને તે મૂર્તિમંત રૂપે સર્વત્ર વ્યાપી પણ શકે છે. મહારાજ કહે, ભગવાનને એવી બીક નથી જે હું માયામાં પ્રવેશ કરીશ તો અશુદ્ધ થઈ જઈશ. ભગવાન તો માયામાં આવે તો માયાને પણ અક્ષરધામરૂપ બનાવી દે છે. બીજું દૃષ્ટાંત વૃક્ષ અને આકાશનું આપ્યું છે. જેમ બીજમાં આકાશ છે તેમાંથી વૃક્ષ, ડાળી, પાંદડાં સર્વેમાં આકાશ અન્વય થયો પણ વૃક્ષને કાપે તો આકાશ કપાય નહિ. જો આકાશ વ્યતિરેક હોય, વૃક્ષથી અલગ હોય તો જ તેમ બને. નહીં તો વૃક્ષ કપાયાની સાથે આકાશ કપાઈ જવો જોઈએ. વૃક્ષને બાળે ત્યારે આકાશ બળી જવો જોઈએ પણ તેમ નથી થતું તેનું કારણ આકાશ સ્વરૂપથી સદા વ્યતિરેક છે. તેમ માયાના કાર્યના વિસ્તારની સાથે ભગવાન સદા અન્વય થાય પણ અન્વય થયા થકા પણ આકાશની પેઠે સદા વ્યતિરેક જ છે. માયાના કાર્યથી સદા નિર્લેપ જ રહે છે. સદા અસંગી જ રહે છે. સદા શુદ્ધ રહે છે. માટે પરમાત્મા સદા વ્યતિરેક પણ છે. એવી રીતે ભગવાનનું અન્વય વ્યતિરેકપણું છે.