પ્રતિપાદિત વિષયઃ
કાળ, કર્માદિકની સત્તા કેટલી ?
મુખ્ય મુદ્દાઃ
૧.સર્વસ્વ સત્તા પરમાત્માની છે.
ર.કાળ, કર્મ ભગવાનની ઈચ્છાને પામીને ફળ આપે છે.
૩.ભગવાન જીવના પૂર્વકર્મને જોઈને દેહ આપતા હોવાથી વિચિત્રતા જીવના કર્મનું ફળ છે. તેમાં ભગવાનની નિર્દયતા કે વિચિત્રતા નથી.
વિવેચન :–
આ વચનામૃતમાં વડોદરાના ચીમનરાવજીએ પ્રશ્ન પૂછયો. હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા. પછી સૃષ્ટિ સમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહોની પ્રાપ્તિ થઈ તથા દેવ મનુષ્યાદિકનું જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું કે ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનમાં વિષમપણું અને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.
ત્યારે મહારાજ બોલ્યા જે એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમ જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ, સૂક્ષ્મ જે દેહ તે બીજવૃક્ષ ન્યાયે રહ્યા છે. માટે તેને કારણ શરીર કહે છે. જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે. એટલે કે વાસ્તવિકતાથી ઉલ્ટી બુદ્ધિ કરાવનારું છે. સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ, દેહમાં આત્મબુદ્ધિ અને જે નુકશાનકર્તા છે તેમાં મારાપણાની બુદ્ધિ કરાવનારું છે. એટલે અવિદ્યાત્મક છે. વળી તે અનાદિ છે. એટલે કે તેની કયારેય ઉત્પત્તિ થઈને પછી જીવને વળગ્યું છે એવું નથી. જ્યારનો જીવ છે ત્યારનું તેનું પણ અસ્તિત્વ સાથે જ છે; પરંતુ તે અનંત નથી. મુક્તિ અવસ્થામાં તેનો અંત આવી જાય છે. માટે તે અનાદિ છે અને સંચિત કર્મે યુક્ત છે. જીવને કારણ શરીર વળગ્યું છે તેમ અનાદિ સંચિત કર્મો કારણ શરીરમાં સચવાઈ રહ્યાં છે, તેણે યુક્ત છે. જીવ અને કારણ શરીરને પૃથ્વી–ગંધની જેમ નિત્ય સંબંધ છે. એટલે અનાદિ સંબંધ છે પણ અનંત નથી. તે દૂર થઈ શકે તેવો છે.
મહારાજે વચનામૃતમાં અન્યત્ર પણ આ સંબંધમાં સુંદર દૃષ્ટાંત આપ્યું છે કે પરમાત્મા મેઘને સ્થાને, જીવો બીજને ઠેકાણે અને માયા – ધરતીને સ્થાને છે. જેમ મેઘના વરસવાથી ધરતીમાં પડેલા બીજ ઊગી નીકળે છે. તેમાં જેવું બીજ તેવું વૃક્ષ ઊગે છે અને વિચિત્ર વનરાઈ ઊગે છે. તેમાં કોઈ બાવળ ઊગે અને કોઈ આંબો થાય. તેમાં વરસાદની વિચિત્રતા કે પક્ષપાત નથી. વરસાદ તો જળ વરસાવે છે. વિચિત્રતા તો બીજમાં જ પડી છે. બીજમાં વિચિત્રતા છે તે પોતાનાં પ્રાચીન સંચિત કર્મોની છે. જેવાં કર્મો તેવા દેહને પામે છે તેમાં ભગવાનની વિષમતા નથી. ભગવાન તો જીવના કર્મોને જોઈને દેહ આપે છે, પોતાની વિષમ દૃષ્ટિથી નહિ. તેમાં તો વિષમતા છે જ નહિ. જ્યારે નાસ્તિક તો પરમાત્માનો અનાદર કરીને કેવળ કર્મને મુખ્ય કહે છે. જો વરસાદ(અર્થાત્જલયોગ) ન હોય તો ઉત્તમમાં ઉત્તમ બીજ વાવો તો પણ શું પરિણામ આવશે ? જો કર્મ જ સર્વસ્વ હોય તો જળયોગ વિના પણ ફળ મળવું જોઈએ પણ તેમ થતું નથી. માટે મહારાજ કહે કેવળ કર્મને સાચા કહે છે તે ખોટું છે.
શાસ્ત્રમાં જે કર્મનું બળ કહ્યું છે તે તો ઘણાક ભગવાનના એકાંતિક ભક્ત થયા હોય ત્યારે તેના પરમાત્માની ભક્તિ સંબંધી કર્મનું બળ કહેવામાં આવ્યું છે. તે કેવળ કર્મનું કે એકલા કાળનું પણ બળ નથી. તે તો કોઈક યુદ્ધ થાય અથવા અકસ્માત થાય એવા વિશિષ્ટ પ્રસંગોમાં કાળનું બળ કહેવાય છે, પણ કેવળ કાળનું બળ સર્વોપરી છે એમ નથી. તેવું જ સ્વભાવનું જાણવું. જ્યારે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે તો પોતે સત્ય સંકલ્પ છે. પોતે સંકલ્પ કરીને આવ્યા છે કે ભક્ત–અભક્ત જે કોઈને મારો યોગ થાય તેનું કલ્યાણ થાઓ. ત્યારે તો કેવળ પરમાત્માનું જ બળ કહેવાય. કાળ કર્મનું બળ કહેવાય નહિ. જેમ કૃષ્ણાવતારમાં પૂતના ભગવાનને ઝેર પાવા આવી હતી. તેનું યશોદા તુલ્ય કલ્યાણ કર્યું. તેમજ અસુરો ભગવાનને મારવા આવ્યા હતા. તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું. શ્રીજી મહારાજે પણ એવા પાપના પહાડ જેવા અતિ પાપી જીવોનો ઉદ્ધાર કર્યો. ત્યાં પરમાત્માનું જ બળ કહેવાય. માટે જ્યાં જેનું બળ હોય ત્યાં તેનું મહત્ત્વ કહેવાય. આમ અંતે તો કાળાદિક સર્વે પરમાત્માની ઈચ્છાને પામી પોતાનું બળ બતાવી શકે પણ પરમાત્માની ઈચ્છા વિના તરણું પણ હલાવી ન શકે. માટે સર્વોપરી તો પરમાત્મા જ છે. જો એ બધાને મૂકીને ભગવાન એકલા જ કાર્ય કરવા લાગી જાય તો તેનું જે પોતે સર્જન કર્યું છે તે નિરર્થક થાય અને સંપૂર્ણ ભાર તેને સોંપી દે તો તે જ સર્વંસર્વા બની જાય. માટે ભગવાન પોતાની મરજી પ્રમાણે તેના દ્વારા કાર્ય કરાવે છે અને એ જ પરમાત્માનું પરમાત્માપણું છે.