પ્રતિપાદિત વિષયઃ
સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ ?
મુખ્ય મુદ્દાઃ
૧.ઈષ્ટદેવ પ્રત્યે અસાધારણ ભક્તિવાળા જે મહાપુરુષ છે તે સંપ્રદાયમાં મોટેરા કરવાને યોગ્ય છે.
ર.મોટેરા ચાર પ્રકારના છે–દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે જ આગેવાન સંતો તથા ભક્તોને પ્રશ્ન પૂછયો છે જે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય પણ તે જ છે. એ ચાર સંપૂર્ણ ન હોય અને એ ચારમાંથી કોઈ એક મુખ્યપણે હોય તો પણ ત્રણેય જે બાકી રહ્યા તે તે એકના પેટામાં આવી જાય એવું એક કયું એ ચારેમાં શ્રેષ્ઠ છે ?
ત્યારે ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ એવો તો એક ધર્મ છે. તે ધર્મ હોય તો ત્રણેય વાનાં તે પુરુષમાં આવે. ત્યારે મહારાજ બોલ્યા જે ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય માટે તેને શું સત્સંગમાં મોટેરો કરીશું ? એ પ્રશ્નનો કોઈથી ઉત્તર થયો નહિ.
મહારાજ અહીં સત્સંગમાં મોટેરા થવા યોગ્ય કોણ છે તેની વાત કરે છે. સમાજમાં સામાન્ય રીતે મોટેરા એટલે સત્તા, માન, સન્માન અને પોતાના સમાજમાં રહીને યોગ્યતા વિના પણ સમાજ કરતાં વિશેષ સુખ સગવડતા ભોગવતા હોય તે મોટેરા છે એવો ખ્યાલ પ્રવર્તતો હોય છે. મોટાઈના માપદંડ બે પ્રકારના છે. એક તો ઉપર બતાવ્યો. તે પણ એક જાતની મોટાઈ સમાજમાં ગણાય છે. જ્યારે બીજો માપદંડ શ્રેષ્ઠ સદ્ગુણો, ઊંચી અધ્યાત્મ સ્થિતિ પ્રાપ્ત કરવી તે છે. સમાજમાં જે મોટેરાના પદની ઝંખના પ્રવર્તે છે તે માન, સત્તા અથવા વિશિષ્ટ સંગવડો ભોગવવાની ભૂખથી પ્રવર્તે છે. મહારાજ એવી મોટાઈની અહીં વાત કરતા નથી. મહારાજ તો સદ્ગુણ અને સ્થિતિએ કરીને પામેલી મોટાઈની વાત અહીં કરે છે. એથી પણ થોડું આગળ જઈને કહે છે કે પોતાની ભગવાન સંબંધી સામર્થી કે પ્રભાવથી અનેક મુમુક્ષુઓને ભગવાનના માર્ગે વાળીને પોતાના જેવી સ્થિતિ પ્રદાન કરાવે એ જ સાચા અર્થમાં મોટેરા છે. રાતિ–દદાતિ ઈતિ રા । જેઓ નાનાઓને પણ પોતાના સરખી મોટાઈ અપાવે, પમાડી દે તે મોટેરા. જેઓ ભગવાનના માર્ગનુ સાચું માર્ગ દર્શન આપે એ મોટેરા છે. સીધો અર્થ એ છે કે સત્સંગસમૂહના નાયકને લાયક કોણ છે ? સમગ્ર સમૂહને મહારાજની પાસે પહોંચાડવામાં દોરવણી આપવાની ક્ષમતા કોનામાં છે ? સત્સંગ સમાજના નેતા બનવા યોગ્ય કોણ છે ? આગેવાનનો ઝભ્ભો પહેરીને બેસી જનારા, બેસવાની ઈચ્છાવાળા તો જ્યાં સમૂહ ભેળો થયો હોય ત્યાં પુષ્કળ હોય છે. તેમાં યોગ્ય ક્ષમતાવાળા કોણ છે ? તેનો વિચાર કરવાનો છે.
સંતોના વિચારમાં એવું આવ્યું કે હે મહારાજ એવો તો એક ધર્મ છે. જે જેમાં હોય તે મોટેરાને યોગ્ય બની શકે અથવા આખા સમાજને કલ્યાણના માર્ગે દોરી શકે. ત્યારે મહારાજ કહે ધર્મ તો કોઈ વિમુખ જીવ હોય તેમાં પણ હોવાની શકયતા છે અને ભગવાનનો દ્રોહી હોય તેમાં પણ હોઈ શકે. તો શું તે મોટેરો કરવા યોગ્ય ગણાય ખરો ? ન જ ગણાય. માટે મહારાજના મતે પોતાના ઈષ્ટદેવની દૃઢ ભક્તિ એ એવો ગુણ છે જે અસાધારણ રૂપમાં હોય તો સમગ્ર સમૂહને માર્ગદર્શનરૂપ બને. ભક્તિ અને ધર્મ, એક એક તો બન્ને મહાન છે જ; પરંતુ અહીં તો બન્નેની ક્ષમતા એકથી પૂરી પડે એવું બેમાંથી એક કયું છે ? એવું જ્યારે વિચારવાનું થાય છે ત્યારે જરૂર ઊંડાણમાં જવું પડે છે.
ધર્મ એ આચાર સંહિતા છે, કલેવર છે અને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો લગાવ એ પ્રાણ છે, ચેતના છે. ધર્મ આચારસંહિતાપ્રધાન હોવાથી વિશેષે કરીને વિધિ નિષેધ અને ક્રિયા કાંડમાં જોડે છે. જ્યારે ભક્તિ ઈષ્ટદેવમાં જોડે છે અને એના પ્રત્યેનો લગાવ વધારે છે. તેથી જ તો વચ.ગ. અં.પ્ર.૧૧માં મહારાજ કહે છે કે એક તો જાનકીજીની માફક પોતાના ઈષ્ટદેવનો અને તેના ભક્તનો ગુણ જ લેનારો છે ને બીજો ધર્મ વૈરાગ્ય નિયમમાં આકરો છે. તો કોની સોબત–સત્સંગ કરવો સારો ? ત્યારે પણ મહારાજ ઈષ્ટદેવમાં લગાવ–ભક્તિને વધારે મહત્ત્વ આપે છે. વળી મહારાજ સંપ્રદાયની પુષ્ટિ અંગે વચ.ગ.મ.પ્ર.પ૮મા કહે છે કે સંપ્રદાયની પુષ્ટિ પોતાના ઈષ્ટદેવના અવતરણ હેતુ, કાર્ય અને ચરિત્રોથી તથા તેના ગ્રંથથી થાય છે પણ વેદોથી કે સ્મૃતિ ગ્રંથોથી થતી નથી. વેદ–સ્મૃતિ ગ્રંથોથી ધર્મની દૃઢતા જરૂર થાય છે. અહીં પણ સંપ્રદાય સાચા અર્થમાં પુષ્ટ કેમ થાય એ જ મોટેરા શબ્દ પાછળ અનુસંધાન છે.
મહારાજ અહીં ગાદીના અધિકાર સંબંધી કે કોઈ મિલકત વારસાના અધિકારની વાત કરતા નથી. ઈષ્ટદેવના અવતરણ હેતુનો પ્રચાર પ્રસાર વધારે થાય અથવા કોઈ વધારે કરી શકે તેની યોગ્યતા બતાવતાં મહારાજે ‘મોટેરા’ શબ્દ વાપર્યો છે. એવી મોટાઈ ઈષ્ટદેવની ભક્તિમાં છે. ઈષ્ટદેવ પ્રત્યેની જો તેનામાં અસાધારણ લગની હશે અને બીજા ગુણોની ન્યૂનતા હશે તો પણ સંપ્રદાય સમૂહને જરૂર મહારાજને નજદીક દોરી જશે અને સંપ્રદાયના અનુયાયીને ભગવાનના માર્ગે આગળ વધવામાં મદદ રૂપ થશે. એ ચોક્કસ વાત છે. સંપ્રદાયને પુષ્ટ કરવામાં અસાધારણ ભક્તિમાં જે ક્ષમતા છે તેની સરખામણીએ ધર્મમાં ઓછી છે. મહારાજ કહે છે કે પોતાના ઈષ્ટદેવમા ખરેખર સાચી જ લગની હોય તો તે મહિમા સમજીને કયારેય ઈષ્ટદેવની આજ્ઞા લોપશે નહિ. આજ્ઞા લોપે, વળી પાછો મુખથી મોટાઈ ગાય ને ભક્તિનો દેખાવ કરે છે ત્યારે એમ સમજવું કે ખરેખર તેના હૃદયમાં ભક્તિનો અભાવ છે અને છતાં ભક્તિનો દેખાડો છે. તો તેના અંતરમાં મૂંગો ઈરાદો કંઈક અન્ય છે એવું અનુમાન થઈ શકે છે.
ત્યારે શુકાનંદ સ્વામીએ પૂછયું તો પછી ધર્માદિક ત્રણેય યુક્ત ભક્તિ શા માટે કહી અને એકલી ભક્તિ શા માટે ન કહી ? ત્યારે મહારાજ કહે, તે ધર્માદિ ગુણ કહ્યા છે તે ભક્તિના રક્ષણ માટે કહ્યા છે. જો ભક્તિમાં થોડી ઘણી કચાશ હોય તો પણ તે ગુણો ભક્તિનું રક્ષણ કરીને તેને સજીવન રાખશે; પરંતુ એ ભક્તિ પૃથુરાજા જેવી કે ગોપીઓના જેવી અસાધારણ હોય તો એકલી ભક્તિ પૂર્ણ કાર્ય કરી દે છે અને જો કાંઈ કચાશ હોય તો તેના રક્ષણ માટે ધર્માદિક ગુણની હાજરીમાં ભક્તિ પૂર્ણ કાર્ય કરી શકે છે.
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછયુ જે એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ? ત્યારે મહારાજ બોલ્યા જે એ પણ મોટા પુરુષની સેવા થકી આવે છે. જે સાચા અર્થમાં સમગ્ર સંપ્રદાયનું પોષણ કરવા અને આગળ વધારવા સક્ષમ છે અને પોતાના ઈષ્ટદેવમાં લગાવવાળા છે. એવા મોટા પુરુષની સેવા થકી એવી ભક્તિ આવે છે. કારણ કે પોતાના અંતરમાં ઊંડે ઊંડે પડેલી વસ્તુ અતિશય અંતરંગ સેવકને આપે છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ‘માટે જે જનમાં ગુણ જેવો રે તેવો આપે સેવકને’ માટે એવા જે મોટા પુરુષ હોય જેના અંતરના ઊંડાણમાં પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અતિ લગાવ પડયો છે તે અતિ ભાવથી સેવા કરનારાને આપે છે. એવા સંપ્રદાયના પોષક, રક્ષક અને વિસ્તાર કરનારા મહાપુરુષો પણ ચાર કક્ષાના છે. દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનલ અગ્નિ જેવા.
જે દીવા જેવો હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. એવા જે ભક્ત તે સાધુતાના ગુણે સંપન્ન હોય છે; પરંતુ વિષય, સત્તાનો યોગ અથવા અંકુશના અભાવમાં તેને ભોગના સંકલ્પો થાય અને ભોગ ભોગવવા લાગી જાય અથવા તેમાં રસબસ થઈ જાય. તેથી દીવાની જેમ ઓલાઈ ગયા જાણવા. પવન ન હોય ત્યાં સુધી દીવો પ્રકાશ આપીને બીજાને પથદર્શન કરાવે પણ પવન આવતાં પોતાની ચારે બાજુ જ અંધારું ફરી વળતાં કાંઈક રસ્તે ચડયા હોય તે પણ વચમાં ભટકી પડે. કારણ કે વિષયના યોગમાં પોતે જ ઝાંખા પડી જાય. એટલે તેણે અગાઉ આપેલું માર્ગદર્શન પણ ધૂંધુળું બની જાય અને માર્ગે જનારને પોતાને જ શંકા ઉત્પન્ન કરે કે આપણે માર્ગ પર છીએ કે ભૂલ્યા છીએ ? માટે પ્રથમ આપેલું માર્ગદર્શન ઝાઝું કામ ન આવ્યું.
જે મશાલ જેવા છે તે થોડો વધારે પવન આવે તો તે પણ ઓલાઈ જાય. એટલે કે ભોગ કે સત્તા વણઈચ્છી આવી પડે અથવા અચાનક ભોગનો એકાંત જોગ ઊભો થાય અને અનુયાયી સેવકવર્ગ મોટા પુરુષને જોરાવરીએ ભોગમાં વિવશ કરીને તરબોળ કરી દે ત્યારે તેને પણ અંતરની વાસનાના સંસ્કાર ઉશ્કેરાઈને ભોગમાં ભળી જવાય ત્યારે મશાલ પણ ઓલાઈ ગઈ જાણવી. તેનું અધ્યાત્મનું પાણી ઉતરી જાય છે. માટે તેઓ બીજાને અધ્યાત્મ માર્ગદર્શન પૂરું પાડી શકે તેવી પરિસ્થિતવાળા રહેતા નથી. માત્ર બુઝાએલી મશાલ જેવા આગેવાન રહી જાય છે.
વીજળી જેવા જો હોય તે તો પવનથી તો ઠીક પણ પાણીથી પણ ઓલાય નહિ. મેઘની ઘટામાં રહીને ચમકે છે. ઉલ્ટું વધારે ઘટામાં વીજળી વધુ ચમકે છે. આમ વીજળી જેવા જે મોટેરા છે તે ગમે તેવી સત્તા, ભોગ કે એકાંત કે વેવલા અનુયાયી વર્ગની વેવલાઈથી થતાં ભોગાતિરેકની અસરમાં આવતા નથી. ઉલ્ટા એવા વિષમ સમયમાં પણ પોતાની નિર્લેપતાથી વીજળીના જેવું પોતાનું અધ્યાત્મ તેજ ઝંખવાણું પડવા દેતા નથી અને મહારાજ પાસે જનારા મુમુક્ષુને માર્ગદર્શન પૂરું પાડે છે. મહારાજ કહે છે કે સાધન દશાવાળા જે ભગવાનના એકાંતિક સાધુ તે વીજળી જેવા છે.
ચોથા વડવાનળ જેવા છે. જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી. ઉલ્ટું જળનું જ ઈંધણ કરીને બળવાન બને છે. સમુદ્રના ખારા જળનું પાન કરીને મૂળ દ્વારે કાઢી નાખે છે. તેની સંસારમાં મીઠા જળરૂપે વૃષ્ટિ થાય છે. તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. એવા જે મોટા પુરુષ હોય તે સમુદ્રના જળ જેવા ખારા જીવને પણ મીઠા કરી નાખે છે, ભગવાનને સન્મુખ કરી દે છે. જોબનપગી, માનભા, મુંજોસુરુ વગેરે એના પ્રભાવના દૃષ્ટાંતો છે. એવા જે મહાપુરુષ તે ગમે તેવા મોહના સ્થાનોમાં મોહિત થતા નથી અને તેની ભગવાન પ્રત્યેની ભક્તિ અને લગની તેમાં ફેર પડતો નથી. ઉલ્ટું વિષમ પરિસ્થિતિમાં મહારાજની નિષ્ઠા નિખરી ઉઠે છે અને ઈષ્ટદેવ પ્રત્યેના લગાવનો વેગ વધે છે. તે મહારાજના સિદ્ધ દશાવાળા એકાંતિક સાધુ છે.
તેમાં વીજળી જેવા અને વડવાનળ જેવા મોટા પુરુષની સેવા પોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો જીવના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ આવે છે.