પ્રતિપાદિત વિષયઃ
નિર્વિકલ્પ સમાધિ.
મુખ્ય મુદ્દાઃ
૧.અષ્ટાંગયોગની સમાધિ કરતાં પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપી સમાધિ શ્રેષ્ઠ છે.
ર.ભગવાનના ભક્તએ મન સાથે જરૂર વેર બાંધવું; તેમાં તેનુ જરૂર સારું થશે.
વિવેચન :–
આ વચનામૃતમાં વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય; પરંતુ જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી જ છે. તે કહીએ તે સાંભળો. પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી નિર્વિકલ્પતા અલગ છે. પરમાત્માના નિશ્ચયમાં જ્યારે નિર્વિકલ્પતા આવે ત્યારે એકાંતિકપણું આવે પણ પ્રાણ રૂંધીને હમેશાં સમાધિમાં ગયા કરે તો પણ એકાંતિકતા આવી જાય એવું નથી. વળી એના અંતરમાં વિકલ્પો મટી જાય એવું પણ નથી.
અહીં મહારાજ કહે છે કે એક તો પ્રાણના નિરોધે કરીને અષ્ટાંગ યોગની નિર્વિકલ્પ સમાધિ છે અને બીજી પ્રત્યક્ષ પરમાત્મા એવા શ્રીજી મહારાજના નિર્વિકલ્પ નિશ્ચયરૂપી સમાધિ છે. તેમાં એકાંતિકતા પામવા માટે અને પરમાત્માના ધામમાં જઈને પરમાત્માના સેવક થઈને સેવામાં રહેવા માટેનુ જે સાધન છે તે નિર્વિકલ્પ નિશ્ચયરૂપી નિર્વિકલ્પ સમાધિ છે, પણ પ્રાણના નિરોધથી પમાતી સમાધિ એ પરમાત્માની સેવાનું અને એકાંતિકપણાનું સાધન બની જતી નથી. નિર્વિકલ્પ નિશ્ચયની સમાધિ છે તે પરમાત્માની ઓળખાણની સમાધિ છે. તેમાં વિકલ્પ ન રહેવો જોઈએ. તેમાં કોઈ સંશય ન રહે તો એ પ્રાણ રોધથી થતી નિર્વિકલ્પ સમાધિ કરતાં શ્રેષ્ઠ જ છે. કારણ કે તેની પ્રાપ્તિ શ્રેષ્ઠ છે.
અષ્ટાંગયોગની નિર્વિકલ્પ સમાધિથી પ્રત્યક્ષ ભગવાન એવા શ્રીજી મહારાજમાં કાંઈક સંકલ્પ વિકલ્પ થતા હોય કે નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થતા હોય તો તે મટી જતા નથી. ઉલ્ટું મહારાજ કહે છે કે જો નિશ્ચય ન હોય તો સમાધિમાં પણ નવું નવું જોવાને ઈચ્છે તો પ્રત્યક્ષ મૂર્તિ શ્રીજી મહારાજમાં તેને તૃપ્તિ અને સંતોષ કે કૃતકૃત્યતા અનુભવાતી નથી. જયારે નિશ્ચય રૂપી નિર્વિકલ્પ સમાધિ તો તેને મહારાજની મૂર્તિમાં જ કૃતકૃત્યતાની અનુભૂતિ કરાવે છે. માટે કલ્યાણના માર્ગમાં નિશ્ચયની નિર્વિકલ્પતાનું જે મહત્ત્વ છે અને તે જે પ્રાપ્તિ કરાવે છે તે પ્રાણ રોધની સમાધિથી થતું નથી. તે નિર્વિકલ્પ નિશ્ચયની સમાધિની પ્રક્રિયા મહારાજે આ વચનામૃતમાં કહી છે જે…
અત્ર સર્ગો વિસર્ગ સ્થાનં પોષણમૂતયઃ।
મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ।। ભાગ.૨/૧૦/૧ ।।
આ દશ લક્ષણો ભગવાનના કહ્યા છે. એટલે કે નવ લક્ષણોથી ઓળખીને ભગવાનનો આશ્રય કરવો. આ દશ લક્ષણો ભગવાનના કાર્યરૂપ દશ લક્ષણો છે. તે આ પ્રમાણે છે.
૧.સર્ગ – આ પ્રત્યક્ષ મહારાજ આ મહાવિશ્વના સ્રષ્ટા છે.
ર.વિસર્ગ – તેમાં અવાંતર ભૂત અને પંચ ભૌતિક સૃષ્ટિના પણ સર્જનારા મહારાજ છે.
૩.સ્થાનં – વળી બ્રહ્માંડોમાં ભક્તોની રક્ષા માટે સ્થાનોની રચના ભગવાને કરી છે.
૪.પોષણં – બ્રહ્માંડમાં જ્યાં કોઈ સ્થાને મુમુક્ષુ–દૈવી કે ભક્ત જીવ છે તેનું પોષણ કોઈને કોઈ રીતે ભગવાન કરે છે.
પ.ઉતિકથા – વળી તે ભગવાન જીવોને પોતપોતાની વાસના પ્રમાણે તેનું ફળ આપે છે. શુભનું શુભ ફળ(પ્રહ્લાદ)અશુભનું અશુભ ફળ (હિરણ્યકશિપુ).
૬.મન્વંતર કથા – મન્વતંરો દ્વારા ધર્મ પ્રવૃત્તિ આ મહારાજ કરાવે છે.
૭.ઈશાનુકથા – ઈશ્વરો અને અવતાર કથાઓ.
૮.નિરોધ – તેની લીલામાં ચિત્તનો નિરોધ કરવો.
૯.મુક્તિ – જગત સંહાર કરનારા મહારાજ પોતાના ભક્તોને મુક્તિ લાભ આપે છે.
૧૦.આશ્રય – આવા મહારાજનો આશ્રય કરવાથી આલોક પરલોકની સિદ્ધિ થાય છે.
આવું કલ્યાણકારી પ્રત્યક્ષ શ્રીજી મહારાજનું સ્વરૂપ જાણીને અચળ નિશ્ચય કરવામાં આવે. જે કોઈનો ડગાવ્યો ડગે નહિ. કોઈ પણ જાતના સંકટમાં, કોઈ પણ જાતના અંતઃ શત્રુની પ્રવૃત્તિ પોતાના હૃદયમાં થાય અથવા ભગવાન તેવાં ચરિત્ર કરે, ગમે તેવા રોગાદિક સંકટમાં સપડાઈ જાય ને ભગવાન તેમાંથી કદાચ ન ઉગારે તો પણ તેને નિશ્ચયમાં ડગમગાટ ન થાય. જે કોઈ એક ભગવાન કહેવાય છે તે જ આ મહારાજ હશે કે નહિ ? એવો ડગમગાટ ન થાય. ગમે તે અવસ્થામાં પણ એક જ પ્રકારનો રણકાર હૃદયથી ઊઠે. ત્યારે નિશ્ચયમાં નિર્વિકલ્પતા આવી ગણાય. તે અષ્ટાંગયોગની સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. આત્યંતિક કલ્યાણને કરનારી છે. આ થયા પછી કદાચ તેને પેલી સમાધિ થાય અથવા ન થાય તો પણ કોઈ વિશેષતા નથી.
ત્યારે દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો, જે મનમાં ભગવાનને વિશે થતા સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે છે પણ મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય ? ત્યારે મહારાજે કૌરવ–પાંડવનું દૃષ્ટાંત આપીને કહ્યું કે ભગવાનનો ભક્ત જો મન સાથે લડાઈ આદરે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે અને મન સાથે હારે તો પણ યોગભ્રષ્ટ થાય ને અંતે જતાં ભગવાનને પામે. માટે મન સાથે લડાઈ લેવામાં ફાયદો છે, પણ ભક્તએ કરેલો દાખડો છૂટી ન પડે. જેથી બુદ્ધિવાન હોય તેણે પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વેર બાંધવું તો ભગવાન રાજી થશે.