પ્રતિપાદિત વિષયઃ
ભગવાનને જેવા છે તેવા જાણવા અને તેનો ઉપાય.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન જેવા છે તેવા જાણે તો ભગવાનનો દ્રોહ ન થાય.
ર.ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂરા જાણી શકાય નહિ તો અધૂરા ગણાય.
વિવેચન :–
આ વચનામૃતમાં બુવાના કાનદાસજીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ભગવાન શે પ્રકારે રાજી થાય છે ? એટલે કે આપ કયે પ્રકારે રાજી થાઓ છો ? ત્યારે મહારાજ કહે, ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે શંકા થાય કે દ્રોહ શું ? તો ભગવાન જેવા છે તેવા ન જાણીએ અને બીજી રીતે ભગવાનને જાણીએ તો દ્રોહ કર્યો કહેવાય.
તેમાં એક તો ભગવાન આ સમગ્ર જગતના કર્તા હર્તા છે તેવા ભગવાનને ન જાણે અને કાળને, કર્મને, સ્વભાવને કે માયાને કર્તા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. વળી ભગવાન સાકાર છે તો તેના આકારનું ખંડન કરે અથવા ભગવાનને નિરાકાર જાણે તો પણ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. દૃષ્ટાંત આપતાં મહારાજે કહ્યું, તમે ગામના પટેલ છો તે ગામમાં તમારી પટલાઈ ન રહેવા દે તો તમારો દ્રોહ કર્યો કહેવાય. બીજા, પટેલ ન હોય તેનો હુકમ ચલાવે તો તે દ્રોહી કહેવાય. તમારો દુષ્પ્રચાર કરે કે અમારો રાજા હાથ–પગ વિનાનો છે તો દ્રોહી કહેવાય.
કેટલાક કાળને કર્તા માને ‘જન્યાના જનકઃ કાલઃ જગતાં આશ્રયો મત ।’ તેઓ એવું માને છે કે કાળે કરીને બધું થાય છે. કાળને ભગવાનની શક્તિ ન માને, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરનારો સેવક છે એવું ન માને તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. કેટલાક કર્મને પ્રધાન ગણે છે. સૃષ્ટિ કર્મને આધારે થાય છે તેમ માને છે; પરંતુ ભગવાનને કર્મફળપ્રદાતા માનીને કર્મને અન્યથા કરનાર છે એમ ન માને. વળી કેટલાક સાંખ્ય વગેરે પ્રકૃતિને કર્તા માને છે, પણ પ્રકૃતિના નિયંતા ભગવાન છે અને તે માયાને પણ અન્યથા કરીને કર્તા હર્તા છે એમ ન માને. વળી કેટલાક સ્વભાવને કર્તા માને પણ ભગવાન સ્વભાવને બદલાવવામા સ્વતંત્ર છે એવું ન માને.
સામાન્ય રીતે તો સૃષ્ટિમાં કાળ, કર્મ, માયા, સ્વભાવ વગેરેનું મુખ્ય કર્તૃત્વ લોકોની નજરમાં આવતું હોય છે અને સૃષ્ટિના નિયમ પ્રમાણે થતું પણ તેમજ હોય છે. જેમ કે કાળ–ૠતુચક્ર છે તે પ્રમાણે જ થતું હોય છે. વળી જે સારા કર્મ કરે છે તે સુખી થાય છે. નબળા કર્મ કરે તે દુઃખી થાય છે. માયા પદાર્થના સ્વભાવ પ્રમાણે વ્યક્તિને બંધન કરે છે. સ્વભાવ જેમ કે લીંબડાનું બીજ તેમાંથી લીંબડો જ થાય અને કડવો જ થાય. આ બધા કાળ, કર્મના નિયમો છે. જેટલી સત્તા કાળ, કર્મો વગેરેની આપણા દિલમાં આપણે વિશ્વાસપૂર્વક અને નિશંકપણે સ્વીકારીએ છીએ અને આપણા જીવમાં તેના નિયમોની દૃઢતા અને વિશ્વાસ છે તેવો–પરમાત્મા એ બધાના અંતરમાં રહીને નિયંતા છે, પ્રેરક છે તેને ગૌણ કરીને પોતે ઈચ્છે તો કરવા સમર્થ છે. તે બધાની શક્તિ કરતાં પણ પર શક્તિવાળા છે. આ બધાં તત્ત્વો મહારાજના દાસ છે. એવી ખરે સમયે સાચા ભક્તને પણ પ્રતીતિ ઢીલી પડી જાય છે અને આ બધાં તત્ત્વોની વાત હોય તો એકદમ નિશંક મનાઈ જાય છે. આ વસ્તુ; આપણે તેઓને તે તે બાબતે કર્તાહર્તા માનીએ છીએ અને કહેવા માત્ર મહારાજને કર્તાહર્તા માનીએ છીએ એવી આપણી માન્યતા મહારાજને નથી ગમતી. તેથી રાજી થતા નથી. તેથી મહારાજ કહે છે કે ભગવાન જેવા છે તેવા ન જાણે તો દ્રોહ થાય છે અને રાજી થતા નથી. તેથી આટલી વાતની આપણા જીવમાં દૃઢતા કરવાની છે. એક તો મહારાજ સદા સાકાર છે. બીજું આ જગતનાં સ્વતંત્ર સ્વરાટ કર્તા–હર્તા છે. ત્રીજું આ બધાં જે તત્ત્વો કહ્યાં તેના નિયંતા અને તેનાથી પર છે. આ બધાં તત્ત્વો તેના દાસ છે એવું મહારાજ પ્રત્યે આપણું વલણ અને માન્યતા રહે તો રાજી થાય.
મહારાજ કહે છે કે વેદોમાં ભગવાનનું બહુ પ્રકારે વર્ણન કર્યું, પણ કોઈના સમજ્યામાં યથાર્થ આવ્યું નહિ. કારણ કે તે પરમાત્મા તરફ લક્ષ્ય રાખીને વર્ણવામાં આવ્યું હતું. પછી તેને સમજનારા જીવોની શક્તિ અને દૃષ્ટિને ધ્યાનમાં રાખીને પ્રથમ સાંખ્યશાસ્ત્રે સમજાવતાં કહ્યું કે ચોવિસ તત્ત્વો છે અને પચીસમા તેથી અતિ શુદ્ધ ભગવાનને કહ્યા, પણ તેમાં એટલું ગર્ભિત સમજી લેવું કે તત્ત્વ ભેળા જીવ ઈશ્વરને કહ્યા અને તેથી પર પરમાત્મા છે. જ્યારે યોગશાસ્ત્રમા છવીસમાં ભગવાનને કહ્યા અને તેમાં જીવની વૃત્તિ કેન્દ્રિત કરવા કહ્યું. તેથી આગળ વધીને પંચરાત્રશાસ્ત્રે કહ્યું કે તે પરમાત્મા પુરુષવિધ છે. એટલે કે તેણે તે પરમાત્માના રૂપ, આકાર નિર્ણય કરી આપીને તેની ઉપાસના કરવાથી તે ભગવાનને બરાબર ઓળખી શકાય છે; માટે ઉપાસના બતાવી. જ્યારે વેદ જે વેદાંત તેમણે તો પ્રથમથી જ અતિ મહિમા કહ્યો હતો.
આમ આ ચારે શાસ્ત્રો મળીને એક મત થઈને એક ભગવાનને ઓળખાવે છે અને એક મહારાજનો મહિમા ગાય છે. જેમ દૂધને અનેક ઈન્દ્રિયોથી ચકાસે ત્યારે સંપૂર્ણ ખાતરી થઈને યથાર્થ ઓળખાય છે એમ ચારેય શાસ્ત્રોએ કહેલા મહિમાનો સમન્વય કરીને એક સાર કાઢે ત્યારે ભગવાનનો મહિમા યથાર્થ જાણી શકાય અને યથાર્થ ઓળખાય જેથી ભગવાનનો અપરાધ મટે અને ભગવાન રાજી થાય.