વ–ર૦ : જનક રાજાની સમજણનું

પ્રતિપાદિત વિષયઃ

કામાદિકનું બીજ બળી ગયાનું સાધન.

મુખ્ય મુદ્દાઃ

૧.વિષય અને કામાદિક પ્રત્યે દોષોની તથા વૈરબુદ્ધિની શેડય જીવમાં ઉતારવી.

ર.એવી સમજણ હોય તો પણ નબળા દેશકાળ ન સેવવા.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે. રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે. માટે એ કામાદિકનું બીજ ન રહે એટલે કે ફરી વખત પ્રરોહણ થઈને તેની ચેષ્ટા કે પ્રવૃત્તિ ન થાય એવું એક સાધન કયું છે ? પછી શુકમુનિએ કહ્યુ, જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય છે. ત્યારે મહારાજે આશંકા કરી જે શિવ, બ્રહ્મા, શૃંગીૠષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ ન હતી ? (શું આત્મદર્શી નહોતા ?) જે કામે કરીને સર્વે વિક્ષેપને પામ્યા ? માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા. તો પણ ઈન્દ્રિયોની વૃત્તિ વિષય પ્રત્યે અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે યથાર્થ ઉત્તર ન થયો. વળી જ્ઞાની જેમ નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્યારે નિર્વિકાર રહે છે તેમજ અજ્ઞાની સુષુપ્તિને વિષે નિર્વિકાર રહે છે.

જ્યારે ઈન્દ્રિયોની વૃત્તિ જગતમાં અનુલોમ થાય છે ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બંને કામાદિકે કરીને વિક્ષેપને પામે છે. માટે તેમાં જ્ઞાની અજ્ઞાનીનો કોઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો. પછી તો મોટા મોટા સંતોએ મળીને ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિમાર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસીણી આવી. સુલભા આત્મદર્શીની હતી. પંચશિખ ૠષિની જ શિષ્યા હતી. જનકની પરીક્ષા કરવા આવી હતી. અલ્પ વસ્ત્રો ધરી સભામાં નાચવા લાગી. હાવભાવો બતાવવા લાગી તો પણ જનક જરા પણ ચલાયમાન ન થયા. ત્યારે સુલભાએ રાજામાં પ્રવેશ કર્યો તો પણ જનક ચલિત ન થયા અને તેને રૂંધી રાખી. જ્યારે ખૂબ પ્રાર્થના કરી ત્યારે બહાર આવવા અવકાશ આપ્યો. સુલભા થાકી ને હારી ગઈ. ત્યારે જનકે તેને કહ્યું તું મારા ચિત્તને મોહ પમાડવાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ૠષિ તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગને અનુસર્યો છું.

સાંખ્યનું તાત્પર્ય એ છે કે ચોવીસ તત્ત્વો અને તેનાં કાર્યોને જાણવાં. ખાસ કરીને તેમાં રહેલા દોષોને જાણીને તેનો સાક્ષાત્કાર કરવો. જગત અને પંચ વિષયના દોષોની શેડય જીવમાં ઉતારવી અને યોગનું તાત્પર્ય તેનો અભ્યાસ કરી અતિ સાક્ષાત્કાર કરવો તથા પરમાત્માના ગુણોનો અભ્યાસ કરીને સાક્ષાત્કાર કરવો. જનક કહે આ બન્ને મેં કર્યું છે. તેથી મારે સુખ દુઃખ સમ છે. આ જગતનુ સુખ તે પણ દુઃખરૂપ હું જાણું છું. મારી મિથિલા નગરી બળી જાય તો પણ તેમાં મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો પણ દોષથી અતિ અસંગી ને નિર્વિકારપણે રહ્યો છું. એવી રીતે સુલભાને જનકે કહ્યું ને આત્મનિષ્ઠમાં અગ્રેસર એવા શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા.

અહીં એક વસ્તુ વિચારવા જેવી છે કે મહારાજે બ્રહ્મા, શિવ, પરાશરાદિકથી પણ દોષ પ્રત્યે અસંગી અને નિર્વિકાર રહેવામાં જનકને શ્રેષ્ઠ કહ્યા. તો બ્રહ્માદિક શું નિર્વિકલ્પ સમાધિવાળા ન હતા ? તેઓ શું જનક જેવા આત્મદર્શી ન હતા ? હતા જ તો. બ્રહ્મા, શિવ તો જ્ઞાનના પણ મૂળ પ્રદાતા કહેવાય છે. જનક પાસે જે સાંખ્ય ને યોગનું જ્ઞાન હતું તે શું બ્રહ્માજી પાસે અને શિવજી પાસે ન હતું ? કે ઓછું હતું ? તો કયા કારણથી જનક તેઓથી પણ આગળ ગણાયા ? તો એટલી જ વાત જનકમાં વિશેષ હતી કે જગતના જે દોષો અને તત્ત્વોના જે દોષો છે તે નક્કી કરીને તેની શેડય જનક મહારાજાએ જીવમાં ઊંડી ઉતારી હતી. કામાદિક સાથે વૈરબુદ્ધિની દૃઢતા પોતાના જીવમાં ઉતારી હતી. દોષોના ઉદ્‌ભવ સ્થાનરૂપ એવી પ્રવૃત્તિમાં રહીને પણ નિર્વિકાર રહેવા માટેનો પડકાર તેમણે પોતાના જીવમાં ઝીલ્યો હતો. બાકી જ્ઞાન, સાંખ્ય, યોગ વગેરેમાં તો બ્રહ્માદિ જનકથી જરૂર આગળ હતા. આમાં જે વાતની જનકને દૃઢતા હતી તેમાં કદાચ તે ઢીલા હશે. તો જ કામાદિક પ્રવૃત્તિ શકય બને, નહિ તો શકય ન બને.

મહારાજ કહે છે કે જનક રાજાની પેઠે જેના હૃદયમાં સમજણની દૃઢતા એટલે કે પંચ વિષય અને કામાદિક શત્રુની દોષબુદ્ધિ અને વૈરબુદ્ધિની શેડયની દૃઢતા થઈ હોય તે કોઈ રીતે વિકારને પામે નહિ. તેની ઈન્દ્રિયો અનુલોમપણે વર્તતી હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભ ન પામે. એવો જે હરિભક્ત હોય, ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. માટે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો અર્થાત્‌જગતના ભાવોમાં જે વધુ નિર્વિકાર રહેતા શીખ્યો તે પછી ત્યાગી હોય કે ગૃહસ્થ; તે મોટો છે અને એવો ન હોય તે નાનો છે. મહારાજ કહે આગળ ગણાવ્યા જે મોટા મોટા તેમાંથી કોઈકને જનક જેવી સમજણની ખોટય છે ને કેટલાક ભૂંડા દેશાદિકથી પરાભૂત થયા છે. માટે એવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ. કોઈપણ પ્રકારે નબળા દેશકાળનું સેવન ન જ કરવું. ઉગર્યાનો એ જ ઉપાય છે.