પ્રતિપાદિત વિષયઃ
સત્સંગીએ અવશ્ય જાણવાની વાર્તા.
મુખ્ય મુદ્દાઃ
૧.સંપ્રદાયની રીત.
ર.ગુુરુપરંપરા.
૩.સંપ્રદાયમાં પ્રમાણરૂપ ગ્રથ.
૪.સર્વેના નિયમો.
પ.ભગવાનનુ સ્વરૂપ.
વિવેચન :–
આ વચનામૃતમાં પ્રથમ મહારાજે મોટા મોટા પરમહંસોને પ્રશ્ન પૂછયો. જે સત્સંગી હોય તેણે અવશ્યપણે શી શી વાર્તા જાણવી જોઈએ ?
પછી પોતે જ તેનો ઉત્તર કર્યો જે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ. જેમાં સારી રીતે પરમાત્મા સંબંધી જ્ઞાનનો તથા જીવના કલ્યાણ સંબંધી જ્ઞાનનો વારસો આપવામાં આવતો હોય તેને સંપ્રદાય કહેવામાં આવે છે. તેની રીત જાણવી જોઈએ. એટલે સંપ્રદાયમાં પ્રથમ પ્રવેશ કેમ છે ? તો પ્રથમ સામાન્ય દીક્ષા અપાય છે. એટલે કંઠી બાંધવામાં આવે છે. તે દ્વારા મહારાજની શરણાગતિ કરાવવામાં આવે. તે મોટે ભાગે સંતો દ્વારા અને કયારેક હરિભક્તો દ્વારા પણ બાંધી શકાય છે. તેથી તે મહારાજને શરણે થયા ગણાય. શરણું થતાં પૂર્વના પાપ ભગવાન માફ કરે છે. જીવન દરમ્યાન વર્તમાન પાળી પાપ બંધ કરે તો અંતે તેને મહારાજ ખુદ તેડવા આવે છે. નિષ્કુળાનંદસ્વામી કહે છે કે…
મારા જનને અતકાળે જરૂર મારે આવવું,
બિરૂદ મારું ન બદલે એ સર્વે જનને જણાવવું.
વળી જીવન દરમ્યાન જો તેને વિશેષ ભક્તિ જાગે તો વિશેષ દીક્ષા લેવાય છે. જે મહામંત્ર સહિત આચાર્ય પાસેથી લેવાય છે. તે સદા મહારાજને સમર્પિત ભાવથી રહે છે અને તમામ કાર્યકલાપ કરે છે. ભગવાનપરાયણ રહીને જીવન જીવે છે.
સાકાર ભગવાનની ઉપાસના ઈત્યાદિ સંપ્રદાયની રીત છે તે જાણવી. રીતભાત જાણવાથી આચારશુદ્ધિ વિશુદ્ધિ જાણી શકાય છે. બીજું ગુરુપરંપરા જાણવી જોઈએ. મહારાજ કહે છે કે કેવી રીતે ? તો રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર હતા ને શ્રીકૃષ્ણ પરમાત્મા થકી સાક્ષાત્ભગવદ્જ્ઞાનને પામેલા હતા તો પણ શ્રીરંગ ક્ષેત્રને વિષે રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા હતા. લક્ષ્મીદેવીના માધ્યમથી સાક્ષાત્નારાયણ સુધી તે પરંપરા પહોંચી છે. જ્યારે બીજી બાજુ રામાનંદ સ્વામીના શિષ્ય મહારાજ પોતે થયા અને પોતે ધર્મકુળના આચાર્યમાં પોતાના ગુરુપરંપરા પદની સ્થાપના કરી. તે પરંપરાના વાહકોને જાણવાથી જ્ઞાનની શુદ્ધિની પરંપરા જાણી શકાય છે. જેથી શંકાઓનું નિવારણ થાય છે.
બીજું સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્રો તેને જાણવા. તે મહારાજે ખુદ શિક્ષાપત્રીમાં ગણાવ્યા મુજબ વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવદ્, વિષ્ણુસહસ્ત્રનામ, ગીતા, વિદુરનીતિ, વાસુદેવમાહાત્મ્ય અને યાજ્ઞવલ્કય સ્મૃતિ આ આઠ શાસ્ત્રોને મહારાજે પ્રમાણરૂપ ગણ્યા છે. છતાં પણ મહારાજે શિક્ષાપત્રી અને સત્સંગિજીવનમાં આ સંબંધમાં કહ્યું છે કે એ શાસ્ત્રોમાં આપેલા નિર્ણયો પણ સંપ્રદાયના ગ્રંથોને અનુસારે ગ્રહણ કરવા. તેથી મુખ્યપણે આપણે શિક્ષાપત્રી, સત્સંગિજીવન, વચનામૃત, ધર્મામૃત વગેરે ગ્રંથોના આદેશોને સારી રીતે જાણવા ને અનુસરવું. કોઈ બાબતનો નિર્ણય તેમાં ન હોય કે અધૂરો અથવા સંદિગ્ધ હોય ત્યારે જરૂર પેલા ગ્રંથોનો સહારો લેવો અને ચોથું સર્વ સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા અર્થાત્સંપ્રદાયના આશ્રિત સર્વે આચાર્ય, બ્રહ્મચારી, સાધુ, સત્સંગીઓ તેઓની જે મર્યાદાઓ મહારાજે તથા મોટા સંતોએ નક્કી કરી છે તથા પ્રવર્તાવી છે તેના શુભ હેતુઓ જાણવા. જેથી પાળવામાં કોઈ સંશય ન રહે. પાંચમું આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ જાણવું.
સ્થાનક જે બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ તથા સેવક જે રાધા, રમા, અર્જુન વગેરેને યોગે કરીને ભગવાનનાં અનેક સ્વરૂપો છે તેને જાણવા. પોતાના અક્ષરધામમાં રહ્યું પોતાનું પણ સ્વરૂપ જે સદા સાકાર મૂર્તિ છે, દ્વિભુજ છે. તેજપુંજમાં રહ્યું છે. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિઓ, ઐશ્વર્ય, વગેરે જે જે પરમાત્મામાં રહ્યું છે તેને જાણવું. રૂપો તથા અવતાર ધર્યાની રીતને જાણવી. ગીતા તથા ભાગવત્જેવા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ ભગવાનનું સ્વરૂપ સમજવું. તેમાં વ્યાસજીનાં વચનના આધારે સમજવું. કારણ કે વેદો, ઉપનિષદોના અર્થોમાં વ્યાસજી સૌથી વધારે પ્રમાણ રૂપ છે અને પોતે ભગવાન છે અને અમે માન્યા છે. વ્યાસજીએ કહેલા વિધાનોમાં જ્યારે સંદિગ્ધતા હોય તો રામાનુજાચાર્યજીના કરેલા ભાષ્યો તથા તેમનાં વચનોનો આધાર લેવો. વ્યાસજીએ સર્વ કરતાં શ્રીકૃષ્ણ ભગવાનને અધિક કહ્યા છે. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાન સાથે કોઈપણ રીતે જે જે સંબંધને પામ્યા તે નિર્ગુણભાવને પામી ગયા છે. માટે ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કહે તે પણ ઠીક નથી. માટે ભગવાનનું સ્વરૂપ પૂર્ણ નિર્ગુણ અને દિવ્ય છે એમ જાણવું. આપણે પણ મહારાજના સ્વરૂપને સમજવું તે સર્વે મૂર્તિઓ, વિભૂતિઓ તથા અવતારોના ધરતલ છે એમ જાણવું. વળી ભગવાનના સ્વરૂપમા સેવકોને ભેદે કરીને અથવા સ્થાનકને ભેદે કરીને ભેદ ન જાણવો. ભગવાન કોઈ પણ સેવકને સાથે હોય અથવા કોઈ પણ સ્થાનકમાં હોય તો પણ તે તે જ છે તેમાં ભેદ નથી. વળી ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, પણ તેના ઉપદેશ પ્રમાણે આચરણ કરવું.