વ–૧૭ : જ્ઞાની જીતેન્દ્રિય છે તેનું

પ્રતિપાદિત વિષયઃ

જીતેન્દ્રિયપણું કોને કહેવાય અને ત્યાગી સંતને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવુ ઘટે કે નહિ ?

મુખ્ય મુદ્દાઃ

૧.પંચ વિષયનો અંતરમાં દોષે યુક્ત અભાવ થાય તે જીતેન્દ્રિયપણાનું કારણ છે.

ર.નિવૃત્તિમાર્ગવાળા ત્યાગીએ પણ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવું એ જ ભક્તિ છે. તેમ કરવાથી તે ભગવાનની કૃપાનું પાત્ર બને છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે, પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચ કર્મેન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઈન્દ્રિયો દ્વારે એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેના ઈન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા તોપણ જ્ઞાનીને જીતેન્દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે.

મહારાજે શંકા કરી કે નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઈન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે. માટે નિર્વિકલ્પ સમાધિવાળા અને નિર્વિકલ્પ સમાધિ વિનાના તેને વિષય ગ્રહણમાં તો કોઈ ભેદ નથી. વળી નિર્વિકલ્પ સમાધિવાળા સમાધિમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે તેમ સમાધિ રહિતના જીવો સુષુપ્તિમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે. જ્યારે જાગૃતિમાં ઈન્દ્રિયકહ્યું, શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે. જે સુખદુઃખ મોહાત્મક છે,’ભોગે રોગ ભયમ્‌’ રોગ અને પીડાના કેન્દ્ર છે. મળવા મુશ્કેલ છે અને મળ્યા પછી સાચવવા મુશ્કેલ તથા ભયાવહ છે. જ્યારે ભોગવાતા દુઃખ, ભય અને યમયાતના જોડાયેલી છે. વળી તે વિષય ભોગનું પરિણામ પણ અતિ કષ્ટદાયી છે. યમયાતનાના કારણભૂત છે. બંધનો વિષયમાં અનુલોમ થાય ત્યારે કોઈ ફર્ક દેખાતો નથી. તો જીતેન્દ્રિયપણું અને અજીતેન્દ્રિયપણું તેમાં કેમ છે ? તેમાં નિર્વિકલ્પ સમાધિ મુખ્ય કારણરૂપ નથી. તો કઈ વસ્તુ મુખ્ય કારણભૂત બને છે ? ત્યારે કોઈથી ઉત્તર ન થયો.

મહારાજે ઉત્તર કરતાં રાગ અને વૈરી ઊભા કરનારાં છે. અનિષ્ટ, પતન અને મરણને આમંત્રણ આપનારાં છે. ચિંતા, શોક અને ઉદ્વેગના ખજાનારૂપ છે. પરિણામતાપસંસ્કારૈ સર્વં દુઃખં એવ વિવેકીનઃ । યોગસૂત્ર અનુસારે સ્વાભાવિક અનેક દોષરૂપ છે. તેને જાણે એટલે કે શાસ્ત્ર અને સત્પુરુષનો વિશ્વાસ રાખીને તેનો સાક્ષાત્કાર કરે અને ભગવાનની મૂર્તિના કહેલા કલ્યાણકારી ગુણ જાણે તો તેને પંચ વિષયનો અભાવ આવે છે અને તેને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી તેને તેમા કયારેય પ્રીતિ થાય જ નહિ. આવું સમજીને પોતાના મનમાં–જીવમાં પંચ વિષયના અભાવની આંટી બેસી જાય તે પુરુષ જીતેન્દ્રિય થાય છે.

શ્રીજી મહારાજે બતાવ્યા મુજબ નિર્વિકલ્પ સમાધિ પણ જીતેન્દ્રિયપણામાં કારણ નથી. પંચ વિષય પ્રત્યે આવી જે અભાવબુદ્ધિ જીતેન્દ્રિય પણામાં કારણરૂપ છે. તેથી નિર્વિકલ્પ સમાધિ ભલે ન હોય પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી હૃદયમાં વિષયદોષનો સાક્ષાત્કાર કરે તો જીતેન્દ્રિય થઈને નિર્વાસનિક થાય છે. એમ ન કરે ને કદાચ નિર્વિકલ્પ સમાધિ સ્થિતિને પામ્યો હોય તો પણ જીતેન્દ્રિય થઈ શકતો નથી. માટે અષ્ટાંગ યોગથી નિર્વિકલ્પ સમાધિને પામવા કરતાં પણ શ્રવણ મનનાદિ કરી આવી દૃઢ આંટી પાડી ને જીતેન્દ્રિય સ્થિતિ કેળવવી તે કલ્યાણના માર્ગમાં ઘણી કિંમતી અને શ્રેષ્ઠ છે. તેથી જેટલી વિષયમાં અરુચિ અને અંતરથી અભાવ, તેટલું તે પુરુષમાં જીતેન્દ્રિયપણું આવે છે. જેટલો વિષયનો આદર અને રુચિ એટલું તે પુરુષમાં અજીતેન્દ્રિયપણું આવે છે. પછી ભલે નિર્વિકલ્પ સમાધિવાળા હોય ! પછી બીજાની તો વાત જ શી કહેવી ?

પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછયો. એક ત્યાગી સંત છે. તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે, આત્મનિષ્ઠ છે અને સર્વે રીતે અસંગપણે રહે છે. તેને કોઈ રીતનું બંધન પણ નથી. બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા સંબંધી પ્રવૃત્તિ માર્ગમાં પ્રવર્તે છે અને તે પ્રવૃત્તિને યોગે કરીને કામાદિ દોષ હૃદયમાં પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે. જેમ કે જ્યારે ઈચ્છિત કાર્ય ન થાય ત્યારે સેવકો, નોકરો પર ક્રોધ, સુંદર પદાર્થોની ઉપસ્થિતિમાં લોભ, સ્વાદિષ્ટ પદાર્થોને યોગે સ્વાદ, બરોબરિયાની સફળતા વખતે મત્સર, ઈર્ષા, રમણીય વિષય વખતે મોહ વગેરેનું સાંનિધ્ય થવાના સંજોગો વધારે ઊભા થાય ત્યારે અસાવધાનીમાં કયારેક વિકાર પણ થઈ આવે. માટે એ ત્યાગીને એવી પ્રવૃત્તિમાં રહેવું ઘટે કે ન ઘટે ? બીજો પ્રશ્ન એ કે એવા પ્રવૃત્તિ માર્ગમાં રહેતાં કેવી રીતે નિર્વિકાર રહેવાય ? મહારાજ કહે, કોઈ કહેશે આજ્ઞામાં રહીએ તો નિર્વિકાર રહેવાય. ત્યારે આજ્ઞાથી ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.

તે શંકાનું સમાધાન અને પ્રશ્નનો ઉત્તર આપતાં મહારાજે કહ્યું કે એ ત્યાગીએ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાં રહેવું ઘટે છે. તેમાં નિર્વિકાર રહેવા માટે મહારાજે બે વાત કહી. એક તો ભગવાનની આજ્ઞામાં રહીને પ્રવૃત્તિ કરવી અને તેમ છતાં પણ જો પ્રવૃત્તિને યોગે અંતર્‌ વિકારના પ્રસંગો આવે તો અંતરથી સાવધાન રહેવું પણ ગાફલાઈ રાખીને ન જોડાવું. તેવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાં જોડાવું તેને જ ભક્તિ કહેવાય છે. એવી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરવી એ ભગવાનની કૃપાનું કારણ છે અને તે ભક્ત ભગવાનના રાજીપાનો પાત્ર છે. મહારાજ કહે, એવી રીતે જે પ્રવૃત્તિમાં વર્તે છે તેની બરોબર કેવળ આત્મનિષ્ઠાવાળો આવી શકતો નથી. કેમ જે આ તો નિવૃત્તિ માર્ગવાળો છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં જોડાયો છે. તે ભક્તે પણ પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાં જોડાવું. નિયમથી અધિક પણ વર્તવું નહિ અને ન્યૂન પણ રહેવું નહિ. અંતર્‌શત્રુથી સાવધાન રહીને સેવામાં જોડાવું. તો કોઈ જાતનું બંધન થશે નહીં. ઉલ્ટું એવી પ્રવૃત્તિને ગીતાની દૃષ્ટિએ નિષ્કામ કર્મયોગ કહ્યો છે. તે પૂર્વના બંધનનો પણ નાશ કરનારો બને છે અને ભગવાનના પૂર્ણ રાજીપાનું કારણ બને છે.