પ્રતિપાદિત વિષયઃ
સ્વભાવની ઓળખાણ.
મુખ્ય મુદ્દાઃ
૧.જીવ સાથે એકરસ થયેલા બહિર્મુખ કર્મોને સ્વભાવ કહેવાય છે.
ર.ભગવાનની ભક્તિ સહિત આત્મનિષ્ઠા હોય તેનાથી તે સ્વભાવ જીતાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં પ્રથમ દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે ?
મહારાજે ઉત્તર કર્યો જે, જીવે જે પૂર્વ જન્મને વિષે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય. તેમ કર્મ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી ને રહ્યા છે. તે જ સ્વભાવ, વાસના કે પ્રકૃતિ કહેવાય છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પ્ર.૩ વા.૧૯રમા કહ્યું છે જે ”સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે. કેમ જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય પણ ભગવાનની સ્મૃતિ કરતા જે સંકલ્પ થાય તે સર્વે સ્વભાવ કહેવાય.”
અહીં વચનામૃતમાં તો વાસના–સ્વભાવને ભેળા જ ગણ્યા છે, છતાં સદ્.ગુણાતીતાનંદ સ્વામી વધારે ઊંડાણ અને સૂક્ષ્મતાથી સ્વભાવને વાસના કરતાં પણ થોડો વિલક્ષણ કહે છે. મહારાજે પણ એ જ વસ્તુ કહી કે ભગવાનથી બહિર્મુખ જે કર્મો કર્યા હોય તે જીવ સાથે એકરસતા પામી ગયા હોય. પછી જ્યારે ભગવાનની સ્મૃતિ કે કોઈ પ્રકારનું ભજન કરવા બેસીએ ત્યારે જીવ સાથે બહિર્મુખ કર્મો એકરસતા પામી ગયા હોય તે અતંર્મુખ કોઈ રીતે થવા ન દે. મહારાજે એ જ સ્વભાવ કહ્યા અને સ્વામીએ પણ તેને જ સ્વભાવ કહ્યા. સ્વામી એટલો સૂક્ષ્મ વિભાગ બતાવતાં કહે છે કે પંચ વિષયની ઈચ્છાઓ થાય તે વાસના કહેવાય અને અંદરના ઊઠાવો ઊભા થઈને ભજન ન કરવા દે તે સ્વભાવો છે. વાસના પોતાની ભૂખ તૃપ્ત કરવાની આગ્રહી છે, જ્યારે સ્વભાવને પોતાની કોઈ ભૂખ નથી પણ ભજન આરાધનાનો વિરોધ કરવાનો દુરાગ્રહ હોય છે. વાસનાની એક ભૂખ હોય છે. તે ભૂખ તૃપ્ત થતાં તત્કાળ તે શાંત બેસી જાય છે. સમય જતાં ફરી પાછી તેની ભૂખ જાગે છે. સ્વભાવ આઠો પહોર વિરોધ કરવા સાવધાન થઈને બેઠો હોય છે. એટલી તેની વિલક્ષણતા છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ ! તે સ્વભાવ, વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે આત્મનિષ્ઠા સહિત પરમાત્માની ભક્તિ એ જ તેને ટાળ્યાનો ઉપાય છે. જો આત્મનિષ્ઠા ન હોય તો ભગવાનમાં હેત કરે તેમ બીજામાં પણ હેત થઈ જાય અને ભક્તિ ન હોય તો સ્વભાવને ભગવાનની સહાય વિના પહોંચી શકાતું નથી. માટે બન્ને વાનાં હોય ત્યારે વાસના–સ્વભાવને સારી રીતે જીતી શકાય છે.