વચનામૃત–પ૯ :અસાધારણ સ્નેહનું

પ્રતિપાદિત વિષય :

ભગવાનમાં અસાધારણ પ્રીતિ થવાનું કારણ.

મુખ્ય મુદ્દા :

૧. ભગવાનના માનુષી વ્યકિતત્વમાં વિશ્વાસ, આસ્તિકતા અને મહિમા એ અસાધારણ પ્રેમનું કારણ બને છે.
ર. જો પ્રેમ નિગૂઢ હોય તો સત્સંગ કરતાં કરતાં જણાઈ આવે છે.
૩. મોટા પુરુષનો સંગ પણ ભગવાનમાં અસાધારણ પ્રેમ થવામાં કારણ બને છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ ! ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું કારણ શું છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : એક તો પરમાત્માના વ્યકિતત્વમાં વિશ્વાસ હોય કે આ નિશ્ચય જ ભગવાન છે તથા આસ્તિકપણું હોય, ભગવાનનાં ઐશ્વર્યોને જાણે જે ગોલોકાદિ ધામના પતિ છે, અનંત બ્રહ્માડના કર્તા, હર્તા, ધર્તા (શકિત–સામર્થી વાળા) અને સર્વના અંતર્યામી છે. એવો મહારાજનો મહિમા જણાય ત્યારે તેને મહારાજમાં અસાધારણ હેત થાય છે. મહારાજના મનુષ્યાકાર સ્વરૂપમાં સૃષ્ટિલીલા અને કલ્યાણમાર્ગના જેટલા દિવ્ય ગુણોની અને દિવ્યતાની પ્રતીતિ થાય તેટલો મહારાજમાં અસાધારણ પ્રેમ થાય છે.                

અહીં વિશ્વાસ અને આસ્તિકતા બંને શબ્દોનો એક સાથે પ્રયોગ થયો છે. માટે કિંચિત્‌ભિન્ન અર્થ કહેનાર બને છે. મોટે ભાગે બંને એક અર્થમાં પ્રયોજાતા હોય છે. અહી વિશ્વાસ એટલે ધામસ્થ મહિમાની પ્રતીતિ અને આસ્તિકતા એટલે મહારાજના મનુષ્ય સ્વરૂપમાં લોકોત્તરીય કલ્યાણકારિતાની પ્રતીતિ. એવા અર્થમાં લઈ શકાય.

ત્યારે વળી મુકતાનંદસ્વામી એ પૂછયું : એવો ભગવાનનો મહિમા જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે ? ત્યારે મહારાજ કહે : એેવો મહિમા જો જાણતો હોય તેને ભગવાનને વિશે અસાધારણ હેત છે પણ તે જાણતો નથી. કારણ કે મહિમા સાથે પ્રીતિને વ્યાપ્તિ છે. મહિમા હોય ત્યાં પ્રીતિ અવશ્ય હોય છે પણ તે ભકત જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું તથા બળદેવજીમાં અપાર બળ હતું, પણ બીજાના જણાવ્યા સિવાય જણાયું નહીં. તેમ એના હૃદયમાં ભગવાન પ્રત્યે અસાધારણ પ્રીતિ છે પણ જણાતી નથી.

વળી મુકતાનંદ સ્વામીએ પૂછયું : એ પ્રીતિનું બળ કેમ જણાય ? ત્યારે મહારાજ કહે : સત્સંગ કરતાં કરતાં એ પ્રીતિનું બળ જણાઈ આવે છે. ત્યારે મુકતાનંદસ્વામીએ પૂછયું : દેશ, કાળ અને ક્રિયા ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે બીજું કાંઈ છે ? ત્યારે મહારાજ કહે : દેશ તો પૃથ્વી કહેવાય. તે પુરુષને આધારે બદલતી નથી. સર્વત્ર સરખી કહેવાય અને કાળ પણ સરખો કહેવાય, પણ જે દેશમાં અતિશય જે મોટા સમર્થ પુરુષ રહેતા હોય તો તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ, ભૂંડો કાળ ને ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે અને અતિશય ભૂંડા પાપી જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ, સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડાં થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવો જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે જો પુરુષ અતિશય સમર્થ હોય તો સમગ્ર પૃથ્વી પર પોતાના સ્વભાવ પ્રમાણે દેશ, કાળ ને ક્રિયા પ્રર્વતાવે, તેથી ઓછા હોય તો એક દેશમાં તેથી ઓછા…ઓછા છેવટે પોતાના ઘરમાં પ્રવર્તાવે છે.

‘રાજા કાલસ્ય કારણમ્‌’રાજા એટલે કે આગેવાન–એ કાળનું કારણ છે. કાળ એટલે અહીં દિવસ, મહિનો, વર્ષ એમ નહીં; પણ સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ એને કાળ કહેવાય છે. તેનું કારણ રાજા બની શકે છે. એટલે કે રાજા કલિયુગમાં પણ સતયુગના ધર્મ પ્રર્વતાવી શકે છે. જન હિતકારી અને પ્રજાવત્સલ એવા રાજાઓની પ્રીતિ અને શાસનને માન આપી સમગ્ર પ્રજા દુષ્ક્રિયા છોડીને પવિત્ર ક્રિયાવાળી બને છે. તેથી સમગ્ર દેશમાં કલિયુગ હોય તો પણ સતયુગનું વાતાવરણ ઊભું થાય છે. માટે રાજા તે સતયુગનું કારણ બન્યા; પરંતુ આયુષ્ય, શારીરિક બળ વગેરેમાં ઉલ્ટા સુલ્ટું થતું નથી.

મહારાજે અહીં કહ્યું કે જેવા મોટા પુરુષ હોય તે પ્રમાણે પોતાની સામર્થીએ કરીને પૃથ્વી, પોતાનો દેશ, પ્રાંત, ગામ, શેરી, ઘરમાં પોતાના સ્વભાવ પ્રમાણે ક્રિયાઓ ફેરવીને, વાતાવરણ ફેરવીને કાળ પરિવર્તન, ક્રિયા પરિવર્તન કરાવી શકે અને તેથી જ તે ધરતી પણ સારા દેશમાં પરિવર્તીત થઈ એમ ગણાય છે. માટે મહારાજ કહે છે કે શુભ અશુભ જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ જ છે.

સદ્‌.ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ કહ્યું છે કે એક જ અસત્પુરુષમાં સમગ્ર અશુભ એવા દેશાદિક આઠ વસીને રહેલા છે. તેનો સંગ કરે તો તેના સમગ્ર દેશાદિક અશુભ થઈ જાય છે અને એક જ સત્પુરુષને યોગે કરીને સમગ્ર દેશાદિ શુભ બની જાય છે.