પ્રતિપાદિત વિષયઃ
મોહ નિવૃત્તિના ઉપાયનું નિરૂપણ.
મુખ્ય મુદ્દા
૧. મોહની લાક્ષણિકતા.
ર. મોહ ટાળવાનાં સાધનો – ઉપાયો.
વિવેચન :–
આ વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ?
તેના ઉત્તરમાં મહારાજે પ્રથમ મોહનું સ્વરૂપ બતાવ્યું છે. મહારાજ કહે છે કે મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી (અને ન કરવા યોગ્ય જ થાય છે).
વળી મહારાજ વચ.ગ.મ.પ૩મા કહે છે કે શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે છે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ. માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે.
ગીતા પણ એક મોહ નિવારણનું શાસ્ત્ર જ ગણી શકાય. કારણ કે શરૂઆતમાં જ ભગવાન અર્જુન પ્રત્યે કહે છે કે’કુતસ્ત્વા કશ્મલમિદમ્વિષમે સમુપસ્થિતમ્।’ અહીં પણ કશ્મલ શબ્દથી મોહને જ કહ્યો છે. છેલ્લે અર્જુન એકરાર પણ કરે છે કે ‘નષ્ટો મોહઃ સ્મૃતિલબ્ધા કરિષ્યે વચનં તવ ।’ હે મહારાજ, તમારા ઉપદેશથી મારો મોહ નષ્ટ થયો છે. માટે અહીં પણ મોહની ચિકિત્સા કરવામાં આવી છે. મહારાજે કહ્યું કે મોહમાં પોતાનો અવગુણ સૂઝે નહિ, ઉલટો સામાનો જ અવગુણ સૂઝે. તેથી જ તો ગીતાના અંતે ‘મારો મોહ નષ્ટ થયો છે’ એવું સ્વીકારનાર અર્જુન પણ ગીતાની શરૂઆતમાં ભગવાન પર આક્ષેપ કરે છે કે… ‘કથં ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ।’ ‘કથ’ શબ્દપ્રયોગનો આશય છે કે મહારાજ, તમારી કાંઈક ભૂલ થાય છે, મને આદેશ દેવામાં. ખુદ ભગવાન પાસે પણ જીવને આવું થાય છે કારણ કે મોહનો સ્વભાવ જ એવો છે કે પોતાનો અવગુણ ન સૂઝે.
કેવળ જ્ઞાનથી પણ મોહનું નિવારણ થતું નથી. કારણ કે ગીતામાં કહ્યું છે કે…
સદૃશમ્ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિમ્યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ।।(૩–૩૩)
જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે પણ શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ, તેનું જોર ચાલતું નથી. મોહિત વ્યક્તિને જ્ઞાન નથી હોતું એવું નથી અને જ્ઞાની મહાત્માઓને મોહ નથી હોતો એવું નથી. ઘણી વખત બંને જગ્યાએ બંને વસ્તુ સાથે કામ કરતી હોય છે. જ્ઞાની હોય ને મોહ પણ ભરપૂર હોય. મોહની બાબતમાં મજેદાર હકીકત તો એ છે કે પોતાને જ્ઞાન હોય છતાં મર્યાદા ઉલ્લંઘન કરે ત્યારે તો તેને મોહ કહેવાય છે. ‘મોહ’ ટાઈટલ જ્યારે લાગ્યું ત્યારે તેમા જ્ઞાનનો કે વાસ્તવિક શ્રેષ્ઠ વસ્તુનો તિરસ્કાર થતો હોય છે, એમ કહી દઈએ તો પણ અતિશયોકિત નહિ થાય. મોહમાં જ્ઞાનનો તિરસ્કાર થવો જ જોઈએ. નહિ તો મોહ–મોહ નહિ.
મહારાજે અહીં પણ મોહનું સ્વરૂપ સમજાવવા ઘણી અટપટી વાત કરી છે. મહારાજ કહે અમે આજે રાત્રે ધ્રુવ દીઠો. પછી તારા, દેવતા, ગ્રહો, સૂર્ય, ચંદ્ર વગેરેનાં સ્થાનો દીઠાં. પછી અંતર્દૃષ્ટિ કરી તો પિંડમાં પણ બધું દીઠું ને છેવટે ક્ષેત્રજ્ઞ અને તેમા રહેલા પુરુષોત્તમને જોઈને તેમા વૃત્તિ અતિ ચોટી ગઈ ને સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહિ. પછી કોઈ ભક્તજને આવીને અમારી બહુ સ્તુતિ કરી ત્યારે તેની દયાએ કરીને અમારે દેહમાં અવાયું. પછી અમારા હૃદયમાં વિચાર થયો કે બીજાને સમાધિમાંથી નીસરાતું હશે તે કેમ નીસરાતું હશે ? પછી એમ જણાયું જે તેને વિષયમાં કાંઈક આસક્તિ રહે છે માટે નીસરાય છે. આનો અર્થ એવો થાય કે પંચવિષયની તુલનામાં મહારાજના સ્વરૂપના સુખનો આપણે તિરસ્કાર કે અનાદર કરીએ છીએ એ આપણી મોહ દશા છે.
મોહ અને અજ્ઞાન ભેદ : મોહ અને અજ્ઞાન બંને અલગ–અલગ છે. તેથી મોહ એ ફક્ત અજ્ઞાન જ નથી. તેનાથી કાઈક વિશેષ છે. મોહમાં અજ્ઞાન બિલકુલ નથી એવું પણ નથી પણ અજ્ઞાન એ જ મોહ હોત તો જ્ઞાન થતાં સાથે તેનો નાશ થવો જોઈએ. શાસ્ત્રજ્ઞોને તે કયારેય થવો ન જોઈએ પણ એવું તો નથી. કયારેક તો શાસ્ત્રજ્ઞોને શાસ્ત્રજ્ઞાન એ મોહનું ઉપકરણ બની જાય છે; મોહનું ધ્યેય સાધવામાં સાધન બની જાય છે. માટે મોહમાં છતી જાણકારીનો તિરસ્કાર થતો હોય છે. જ્ઞાનને પેટાળમાં રાખી તેને ઉલ્લંઘી મોહ પોતાનું કામ કરે છે.
મોહ અને વાસના ભેદ : મોહ વાસના કરતાં પણ થોડોક અલગ છે. વાસના એટલો જ મોહ નથી. તે તેનાથી થોડોક વિશેષ છે. જો ખાલી વાસના જ હોય તો તેમા શરમ આવે છે. એટલે થોડીક મર્યાદા રહે છે પણ મોહમાં સંકોચ નથી હોતો. એ તો હોંશે હોંશે પોતાનું પ્રદર્શન કરે છે અને વળી, ગુણભાવમાં પ્રદર્શિત થાય છે. માટે તેનાથી થોડો વિશેષ છે.
વાસના તો કોઈ પૂરા વર્તમાન–મર્યાદા પાળનારામાં પણ હોઈ શકે. સંપૂર્ણ વર્તમાન મર્યાદા પાળે છે એટલે એની તમામ વાસના ટળી ગઈ છે એવું નથી; માર્ગે ચાલ્યા છે. એનો વિરોધ તેના અંતરમાં જરૂર છે. જયારે મોહિત પૂર્ણ વર્તમાન મર્યાદા પાળી જ ન શકે. મોહે તેમાં કાંઈક તોડવાની યુક્તિ શોધી રાખી હોય. કારણ કે મોહ પાસે પણ જ્ઞાન હોય છે તે જ્ઞાન વિનાનો હોતો નથી; પણ પોતાનું ધ્યેય સાધવાનું વિશેષ જ્ઞાન હોય છે.
મોહ અને પ્રમાદ ભેદ : મોહ છે તે પ્રમાદ કરતાં પણ જુદો છે. પ્રમાદ એટલે જે કરવાનું હોય તે ન કરે ને ન કરવાનું હોય તે થાય. જ્યારે તેની સરખામણીમાં મોહને જોવો હોય તો એમ કહી શકાય કે જ્યાં ચોટવાનું હોય ત્યાં ન ચોટાય અને જ્યાં નથી ચોંટવાનુ ત્યાં ચોટાય એટલે કે ઉખેડયા પણ ઉખડી ન શકાય. તેને મોહ કહેવાય. ઘણી વખત પ્રમાદ દૂર થઈ ગયા પછી પણ મોહ ચાલુ હોય છે. ઉપરથી થોડું વ્યવસ્થિત થતાં પ્રમાદ દૂર થઈ જાય છે પણ તેની સાથે તેનો જીવ પણ જ્યાં ચોટાડવાનો હોય ત્યાં ચોટી ગયો હોય તેવું નથી. સદ્.ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે મુક્તાનદ સ્વામીમાં હેત થાય નહિ અને ભૂંડણ જેવી ડોશી(કુરૂપ સ્ત્રી) હોય તેમા હેત થાય. કેમ જે દેવની માયાનો મોહ જ એવો છે. (ગુ. સ્વા. વા. પ્ર. ૧/૧પ૧)
મોહ શબ્દ’મુહ્વૈચિત્યે’ કલ્યાણના માર્ગથી વિપરીત ચિંતનના અર્થમાં થાય છે. તેને સાંખ્યકારિકામાં પાંચ પગથિયાં દ્વારા–પાંચ કક્ષાનો બતાવ્યો છે.(સા.કા.૪૭) જેને પંચપર્વા અવિદ્યા કહી છે. તમ–મોહ–મહામોહ–તામિસ્ર–અંધતામિસ્ર.
આ જ વસ્તુને યોગસૂત્રમાં પાંચ કલેશો કહીને બતાવ્યા છે. અવિદ્યા–અસ્મિતા– રાગ–દ્વેષ–અભિનિવેશ. જે ક્રમશઃ પર્યાય શબ્દો જ છે. તેમા અનિત્ય–અશુચિ–દુઃખ–અનાત્મામાં નિત્ય–શુચિ–સુખ– આત્મબુદ્ધિ માની લેવું એટલે કે ‘તત્ર અશ્રેયસિ પ્રવૃતસ્ય પ્રત્યયાવરે શ્રેયો અભિમાને આદ્યો વિપર્યયઃ તમઃ ઈત્યભિધીયતે’ ટૂંકમાં પોતાના આત્મકલ્યાણના અનુસંધાને જેને વિપરીત બુદ્ધિ થાય છે, અકલ્યાણકારી પ્રવૃત્તિમાં જ જેને રુચિ થાય છે તેને પ્રથમ કક્ષાનો મોહ કહેવાય છે. કારણ કે હજુ વિપરીતતાની શરૂઆત જ થઈ છે. જેની સારવાર કરવી સહેલી છે.
ત્યાર પછી ભૌતિક એવા શરીર–સ્વજનમાં આત્મબુદ્ધિ મમત્વબુદ્ધિને અસ્મિતા–અથવા મોહ શબ્દથી કહેવાય છે. તે બીજી કક્ષાનો વધારે ઘાટો મોહ છે. કારણ કે તેમા વિપરીતતાનો પ્રવાહ પોતા પૂરતો ન રહીને થોડો દૂર સુધી પ્રવૃત્ત થઈ ગયો હોવાથી મારણ કરવું વધારે કઠિન બને છે.
ત્યાર પછી શબ્દાદિ પંચવિષયની ‘સુખ તૃષ્ણા રાગઃ–મહામોહ’ આ વચનામૃતમાં મહારાજે આ પ્રકારના મોહને વિશેષ બતાવ્યો છે. મધ્યમણિ ન્યાયથી. મહારાજે કહ્યું છે કે મોહનું જે કારણ છે તે પંચવિષય જ છે. એટલે કે તેમા આસક્તિ છે.
‘દુઃખ જિઘાંસા દ્વેષઃ (ક્રોધઃ) તામિસ્ત્ર ચતુર્થ’ એ આગળથી પણ વધારે બદતર મોહ છે. કારણ કે આસક્ત હોય તે વારણને તો જાણે છે. જો કોઈ પ્રિય પાત્ર હોય અને તે વારે તો વાળ્યો વળે ખરો પણ ક્રોધ કે દ્વેષનો વેગ હમેશાં આસક્તિના વેગ કરતાં વધારે વેગ હોય છે. તેનુ વારણ થવું ઘણું કઠણ છે. માટે તે ઘણો આગળ વધી ગયેલો મોહ છે.
જ્યારે છેલ્લો ‘સર્વસ્ય પ્રાણિનઃ વિદૂષાં–અવિદૂષાં સમાનતયા મરણત્રાસઃ પંચમ’ મરણત્રાસ એ પાંચમો મોહ છે. ખરેખર મોહ તો જિજીવિષાનો છે. જ્ઞાની–અજ્ઞાનીમાં આ જિજીવિષા એટલી બધી રૂઢ પડી છે કે મોતના મુખમાં બેઠા હોઈએ તોય મનમાં થાય કે હું વધુ જીવું, કયારેય મરુ નહિ અને વાસ્તવિક એથી તદ્દન ઉલ્ટી છે કે રહે તો નહિ જ. તેથી તેનો ત્રાસ થાય છે. ખાસ કરીને શાસ્ત્રોના ઈતિહાસમાં પ્રબળ અસુરોમાં આ વિશેષ સ્પષ્ટ અને જાહેરમાં તરી આવે છે. રાવણ, કંસ વગેરેએ છેલ્લા શ્વાસ સુધી મૃત્યુ ટાળવાના જ પુરુષાર્થો કર્યા હતા. ત્રાસ તો બધાને છે પરીક્ષિત જેવાને પણ હતો, પણ તે દૈવી હતા એટલે વાસ્તવિકનો સ્વીકાર કરતા. જ્યારે પેલા તદ્દન મોહ અને આસુરભાવના સ્પષ્ટ ઉદાહરણ કહેવાય. આમ મોહની પ્રગતિ પાંચ તબક્કામાં થાય છે.
અહીં મધ્યમણિ ન્યાયથી ત્રીજા પ્રકારના મોહનું વિશેષ વર્ણન કરવાથી સંક્ષિપ્તમાં પાંચેય આવી જાય છે. મહારાજ કહે કે જ્યારે રમણીય પંચવિષયમાં ચિત્ત અતિશય તણાતું હોય તો પછી ગુરુ કે ઈષ્ટદેવ જો નિષેધ કરે તો પણ માની ન શકાય ને ગમે તેવો બુદ્ધિવાન હોય તેની બુદ્ધિનું ઠેકાણું રહે નહિ ને પશુ જેવો થઈ જાય છે. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા જો મોહનું ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે એવો મોહ છે : વચ.લોયા–૧૭.
મોહને ઉખેડવા મહારાજે ત્રણ ઉપાયો કહૃાા છે : તેમા એક આત્મનિષ્ઠા, બીજું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની પ્રક્રિયા સારી પેઠે સમજવી અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશય સમજવું.
જગતના પંચવિષય અને દેહાત્મબુદ્ધિ અતિ રૂઢ થઈ ગયા છે. તે કાંઈ જલ્દી, સુખપૂર્વક અને સહેલાઈથી અલગ થઈ જાય એવા નથી. માટે તેને અલગ કરતાં અગવડતા અને દુઃખ અનુભવાશે તેને સહન કરવાની તૈયારી જોઈએ એટલે કે આત્મનિષ્ઠા જોઈએ.
સૃષ્ટિ પ્રક્રિયા સમજતાં તેની નશ્વરતા અને ક્ષુલ્લક આપણા હૃદયમાં સમજાય છે. જેને આપણે ચોટયા છીએ અથવા જેની પાછળ કિંમતી મનુષ્ય દેહ વેડફીએ છીએ તે જો અતિ ક્ષુલ્લક સમજાય તો તેમાંથી પાછું વળવાની ઈચ્છા થાય.
ત્રીજું મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશય સમજવું જોઈએ. અત્યારે આપણને પંચવિષય સુખદાયક મનાયા છે પણ સાચા સુખનું કેન્દ્ર તો મહારાજ છે. તમામ પંચવિષયમાંથી પણ એવું સુખ પ્રાપ્ત નહિ થાય જેવું મહારાજના સ્વરૂપમાંથી પ્રાપ્ત થશે. વળી, વિષય સુખ તો નાશવંત છે જ્યારે પરમાત્માનું સુખ એકવાર આવ્યા પછી નાશ થતું નથી. એવી તુલના આપણા અંતરમાં આવે તો જગત વિષયનો મોહ દૂર થાય.
જ્યારે મોહ દૂર થાય ત્યારે સારા અને નરસા બંને પ્રકારના વિષય સરખા ભાસે. એટલે કે નરસા તો નરસા છે જ; પણ સારા પણ નરસા અનુભવાય એ મોહ ટળ્યાની નિશાની છે. વિષયનું પ્રયોજન ન રહેવાથી અથવા તેમા દોષની ભરપૂરતા દેખાવાથી એવી દશા આવે છે. એવી નિર્મોહ દશાનો શાસ્ત્રમાં અતિ મહિમા કહ્યો છે. તેને જ શાસ્ત્રમાં તત્વવેત્તા, અનન્ય ભક્ત, કે પતિવ્રતાના અંગવાળા ભક્ત કહ્યા છે. એવું પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એવું નથી, જે હોંશિયાર અથવા બુદ્ધિવાળા હોય તેને જ આવે એવુ પણ નથી, પરંતુ ખપવાળાને આવે એવો નિયમ છે.
મહારાજ કહે છે કે જેમ આ સંસારમાં ઘણી ભોળી સ્ત્રીઓ પતિવ્રતાપણું રાખે છે ને ઘણી ડાહી હોય ને હોંશિયાર હોય તો પણ પતિવ્રતાપણું રાખતી નથી. એવું કરવું તેને બંધનરૂપ લાગે છે. માટે ડાહ્યાને કે બુદ્ધિવાળાને જ મોહ દૂર થાય ને બીજાને ન થાય એમ નથી. મહારાજ કહે જેને મોહ ટાળવાની તીવ્ર ઈચ્છા અને ખપ હોય તેને મોહ ટળે છે ને તે નિર્મોહી થાય છે. જેને ખપ છે તેણે પણ ધીરે ધીરે પ્રયાસ કરવો, પણ આજને આજ મોહને ઉખેડી નાખું એમ વિચારે તો એમ મોહ ઉખડતો નથી. માટે કહેલા સાધનો દૃઢ કરવાનો નિત્ય આદર રાખવો. યોગસૂત્રમાં પણ કહ્યું છે કે ‘અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધ’ આદરથી અને ધીરજથી અભ્યાસ ચાલુ રાખીએ તો ધીરે ધીરે જરૂર થાય છે. પણ ઉતાવળ કરીને આકળા ન થઈ જવું. ગીતામાં કહ્યા મુજબ ‘અનેકજન્મ સંસિદ્ધ’ લાંબી ધીરજ રાખવી. અને મોહનાં મૂળ ઉખાડવાનો આદર રાખવો. જ્યાં સુધી પોતાને મનગમતા, અનુકૂળ, ઉપયોગી એવા પંચવિષયનો પણ અતિ અભાવ થઈને દુઃખરૂપ પંચવિષય તુલ્ય ન થઈ જાય ત્યાં સુધી સાધન દશા કહેવાય અને જ્યારે બંને સમાન અનુભવાય ત્યારે તે સિદ્ધ દશાને પામ્યો કહેવાય. ત્યારે શાસ્ત્રો તેને કૃતાર્થ થયો એમ કહે છે. સર્વે શાસ્ત્રનો અંતિમ આશય પણ એ જ છે.