પ્રતિપાદિત વિષયઃ
ભગવાનનો નિશ્ચય.
મુખ્ય મુદ્દાઃ
૧. ભગવાનના પરસ્વરૂપને પહેલા જાણીને પ્રત્યક્ષ સ્વરૂપમાં તેનું અનુસંધાન કરતા જવું.
ર. ભગવાનના(પ્રત્યક્ષ) સ્વરૂપમાં મનુષ્યભાવ ટાળી દેવભાવ લાવવો. દેવભાવ ટાળી પરમાત્માનો ભાવ લાવવો. તેને દૃઢ કરવો તે નિશ્ચય.
વિવેચન :–
આ વચનામૃત નિશ્ચયનું છે. મહારાજ કહે છે કે ભગવાનનું ધામમાં રહ્યું એવું મૂળરૂપ છે તે કેવું છે ? તેનો પ્રથમ નિર્ણય કરવો પડે છે. તેનો નિર્ણય કરીને પરમાત્માના પૃથ્વી ઉપરના અવતાર સ્વરૂપનું ભજન કરે, ઉપાસના કરે પણ ધામસ્થ સ્વરૂપ કેવું છે તેના અનુસંધાનપૂર્વક પ્રત્યક્ષ સ્વરૂપને જોતો જાય છે, તેની આરાધના કરતો જાય છે. ત્યારે શાસ્ત્રો કહે છે કે ભક્ત પણ તેને સમાન અને તે સ્વરૂપને આકારે થઈ જાય છે.
હવે મહારાજ કહે છે કે કોઈ ભક્ત વરાહ, મચ્છ, કચ્છ, નૃસિંહ, વામન, વ્યાસ, વગેરે અવતારને ભજે છે અને તેની મૂર્તિનું ધ્યાન–ઉપાસના કરે છે તો ધામમાં જાય ત્યારે તેવા સ્વરૂપે જ ભગવાનને શું દેખે છે ? અને તે ભક્ત પણ શું વરાહાદિક આકારે થઈ જાય છે ? એ ભક્તના અંતરમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. જો તે તે ધ્યાને કરીને તદાકારપણું થતું હોય તો તેમજ થવું જોઈએ. એવું તો થતું નથી. વાસ્તવમાં શાસ્ત્રોમાં પરમાત્માના ધામનું જ્યાં વર્ણન આવે છે ત્યાં તેવું વર્ણન તો આવતું નથી. તે વર્ણન તો કંઈક અલગ પ્રકારનું આવે છે. માટે મહારાજ કહે છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે ? તો ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. ભગવાનની મૂર્તિનું દ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય છે પંચભૌતિક નથી. તે તો તેજોમય મૂર્તિ છે. પરમાત્માની મૂર્તિમાં કોટિ કોટિ સૂર્યનો દીપ્તિયોગ છે. કોટિ કોટિ કામદેવને પણ લજ્જા પમાડે તેવા રૂપ, લાવણ્ય, યૌવન, સૌન્દર્ય અને રમણીયતાવાળા છે. જે ભક્ત જે ઈષ્ટદેવને ભજે છે તે પોતાના ઈષ્ટદેવના રૂપ આદિક પણ સમગ્રપણે ઈન્દ્રિયો અંતઃકરણથી ગ્રહણ કરી શકતો નથી. ત્યાં ભક્તના ઈન્દ્રિયો અંતઃકરણની મર્યાદા છે. તે કેટલુંક ગ્રહણ કરે ! અને જો સંપૂર્ણ ગ્રહણ કરી શકતા હોય તો ભગવાન મર્યાદિત બની જાય. રૂપ આદિક અમર્યાદિત છે એવું શાસ્ત્રો–સંતો કહે છે તે રહેશે નહિ.
વળી મહારાજ કહે છે કે ભગવાન અનંત કોટિ બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે. સમગ્ર સૃષ્ટિની સત્તાનું કેન્દ્ર છે. અતિશય સુખ સ્વરૂપ છે. સુખ માત્રનું ઉદ્ગમ કેન્દ્ર છે. તેની આગળ આ લોક, પરલોક સંબંધી વિષયના સુખ અતિ તુચ્છ થઈ જાય છે. તે ભગવાન સદા દ્વિભુજ છે; પરન્તુ જ્યારે તે ભગવાન કોઈક કાર્ય માટે વરાહાદિક અથવા રામકૃષ્ણાદિક સ્વરૂપને ધારે છે ત્યારે મૂળ સ્વરૂપનો ત્યાગ કરીને અવતાર ધરતા નથી. પોતાની તમામ શક્તિ, રૂપ, ગુણ સહિત જ અવતાર ધરે છે, પણ ભક્તોને આ લોકમાં સ્થૂળ બુદ્ધિથી દેખાતા નથી. ભગવાન કોઈ ભક્તને પોતાની ઈચ્છાથી. કોઈક જગ્યાએ ચતુર્ભુજ, અષ્ટભુજ વગેરે સ્વરૂપ, રૂપ, શક્તિ વગેરે દેખાડે છે. સતત દેખાતા નથી પણ ભજનારા ભક્તે હૃદયમાં તે પૂર્ણકક્ષાના રૂપ, ગુણોના અનુસંધાનપૂર્વક ભગવાનની આરાધના કરવી. તેથી જ તો જ્યાં જ્યાં મત્સ્યાદિક ભગવાનના ચિત્રો કરે છે ત્યાં થોડોક ભાગ તેવો કરી પછી ચતુર્ભુજ, શંખચક્રાદિક આયુધો, વૈજયન્તિ, કિરીટ, શ્રીવત્સ આદિક પરસ્વરૂપના અસાધારણ ચિહ્નો બતાવાય છે. અર્થાત્ પર સ્વરૂપ વરાહાદિક જેવું નથી પણ એક જ છે. તે આગળ વર્ણન કર્યું તેવું છે.
શ્રીકૃષ્ણ ભગવાને દેવકીજીને, અક્રૂરજીને, અર્જુનજીને, ઉદ્ધવજીને, રૂકિમણીજી વગેરેને જે તે સ્થળે પોતાના પર સ્વરૂપની ઝાંખી કરાવી હતી. મહારાજે જન્મ સમયે અને દિવ્ય ગતિ આપતી વખતે માતાને, સમાધિ પ્રકરણમાં ભક્તને, મુક્તાનંદ સ્વામીને નિશ્ચય કરાવતી વખતે, વ્યાપકાનંદ સ્વામીને, અનેક પ્રસંગોમાં પ્રતીતિ કરાવેલી છે. માટે ભગવાનના એવા પરભાવે સહિત પૃથ્વી ઉપરના સ્વરૂપને સેવે તો ભક્ત પર સ્વરૂપના આકારને પામે છે. પૃથ્વીપરના સ્વરૂપઆકારને નહિ. ભગવાનની મૂર્તિ અથવા અવતાર મૂર્તિને એવા પરભાવે જોવા તેને જ નિશ્ચય થયો એમ કહેવાય છે. તેથી તો કહેવાય છે કે આને નિશ્ચય ન હતો ને હવે થયો. ત્યારે શું પ્રથમ નહોતો દેખતો ? દેખતો જ હતો, પણ મનુષ્યભાવે અથવા આ લોકના ભાવે દેખતો હતો પરભાવે સહિત નહોતો દેખતો. પછી સંતના સત્સંગથી મહારાજને પરભાવે જોવા લાગ્યો તેથી તેને નિશ્ચય થયો એમ કહેવાય છે.
ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે અને તેમાંતો મનુષ્યભાવનો લેશ પણ નથી. માટે મનુષ્ય ભાવ ટાળી દેવભાવ, બ્રહ્માદિક ઈશ્વરભાવ, પ્રધાન પુરુષનો ભાવ, પ્રકૃતિપુરુષ ભાવ, અક્ષરભાવની દિવ્યતા લાવવી. છેવટે અક્ષરાતીત પુરુષોત્તમનો ભાવ લાવવો. એવો નિશ્ચયનો વિકાસ ક્રમ છે.
મહારાજે વ્રજના ગોપને કેમ નિશ્ચય થયો તે દૃષ્ટાંત આપ્યું છે. તે પ્રમાણે નિશ્ચય ક્રમ છે. તેથી ભગવાનની મૂર્તિ અથવા અવતાર સ્વરૂપ તેમાં મનુષ્યભાવ ન આવવા દેવો. ખરેખર તો ભગવાનના ભક્તમાં પણ મનુષ્યભાવ ન પરઠવો તો ભગવાનમાં તો પરઠાય જ કેમ ? કેમ જે આ લોકમાં કોઈ ભક્ત આંધળા, લૂલા, વૃદ્ધ, હોય તો તે ધામમાં થોડા એવા જ રહેવાના છે ? એ તો દિવ્ય સ્વરૂપને પામવાના છે. એવા પરભાવથી તેમાં પણ મનુષ્યભાવ ન પરઠવો અને કોઈને ધોખો થતો હોય તો મહારાજ કહે ચેતવી દેવો. મહારાજ કહે, નિશ્ચયની બાબતે આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પાડયા વિના છૂટકો નથી. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ઘણી કાચ્યપ રહે છે.
વળી મહારાજ કહે કે આવી પોતાના ઈષ્ટદેવની મૂર્તિની વાત કરતા પણ બીક ઘણી લાગે છે. કેમ જે પોતે અંગ બાંધી રાખીને માંડ માંડ જોડાયો હોય તેમાં જરા નવી વાત સાંભળે ને અંગ તૂટી જાય તો મૂળગો જાય. માટે બીક પણ લાગે છે. તમે બધા નિશ્ચયની વાતને દૃઢ કરજો ને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર વાત કરજો. એવી અમારી આજ્ઞા છે.