પ્રતિપાદિત વિષયઃ
તીવ્ર, કુંઠિત, અને નિર્મૂળ વાસનાનાં લક્ષણો તથા કપટી અને માનીનાં લક્ષણો .
મુખ્ય મુદ્દાઃ
૧. તીવ્ર વાસનાવાળો વિષયથી પોતાની મેળે અથવા બીજા કોઈથી નીકળી ન શકે.
ર. કુંઠિત વાસનાવાળો દેશકાળે વિષયમાં બંધાઈ જાય.
૩. નિર્મૂળ વાસનાવાળાને વિષયનો સદાકાળ અંતરથી અભાવ વર્ત્યા કરે.
વિવેચન :
આ વચનામૃત વાસના નિર્મૂળ કરવાનું છે. વચનામૃતની શરૂઆતમાં મહારાજે પરમહંસોને પૂછયું કે જેને વાસના કુંઠિત ન થઈ હોય એટલે કે વાસના તીક્ષ્ણ હોય તથા જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેનાં શા લક્ષણ છે ?
પછી મહારાજે તેનો ઉત્તર કર્યો કે જેને વાસના તીક્ષ્ણ હોય અને કુંઠિત ન થઈ હોય તેની ઈન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોટી જાય તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ. પોતાના હૃદયમાં ઉદ્ભવેલો અથવા શાસ્ત્ર કે સંત પાસેથી મેળવેલો પ્રત્યાહાર વિચાર એટલે કે વિષયમાંથી મારે પાછું વળવું છે એવા વિચારના કટકે કટકા કરી નાખે અને વિચારને ધૂળમાં રગદોળી નાખે ત્યારે એમ જાણવું કે વાસના તીક્ષ્ણ છે. તે જેમ જેમ વાસનાથી બહાર નીકળવા મથે ત્યારે ઉલ્ટો તેમાં ખૂંચતો જાય. તીવ્ર વાસના વિષયનું પ્રબળ સ્મરણ કરાવનારી બને છે. ત્રણેય અવસ્થામાં વિષયથી પરિપ્લુત દશામાં વીતે છે. કદાચ બાહ્ય રીતે વિષયનો તિરસ્કાર પણ ઘણો બતાવે પણ એકાંત કે અંદરથી તેનાથી અલગ પડી શકાતું નથી ત્યારે એમ જાણવું કે એ બધા તીવ્ર વાસનાનાં લક્ષણ છે.
જ્યારે મહારાજ કહે છે જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષય પ્રત્યે જાય ત્યારે પણ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ. કદાચિત્વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય તો પણ પાછી વાળે તો તરત પાછી વળી આવે પણ વિષયમાં આસક્ત થાય નહિ. તેની વૃત્તિ તેને તીવ્ર વિષય સ્મરણ કરાવતી નથી. તેનો પ્રબળ વિચાર વાસનાના પ્રવાહના કટકા કરી નાખે છે; પરંતુ વળી પાછો પ્રસંગે પ્રસંગે પ્રવાહ ચાલુ થઈ જાય ખરો. આમ માનસિક અને બાહ્ય વાસના પ્રવાહ કપાય અને સંધાય એવું વર્ત્યા કરે ત્યારે વાસના કુંઠિત છે એમ જાણવુ. કુંઠિત વાસનાવાળાને મનમાં રાગ રહેલો હોય છે અને ઈન્દ્રિયોનો વેગ શાંત થઈ ગયો હોય છે. જ્યારે તીક્ષ્ણ વાસનાવાળાના ઈન્દ્રિયો પણ વિષય પ્રત્યે પ્રબળ વેગવાળા વર્તતા હોય છે.
જ્યારે જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે. સારા નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. અહીં જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે અભાવ વર્તે છે. એવું કહ્યું તેનો અર્થ તિરસ્કારના અર્થમાં નહિ, પણ હાજરી હોવા છતાં ગેરહાજરીની માફક હોવાના અર્થમાં અભાવ શબ્દ વપરાયો છે. અન્યથા સુષુપ્તિમાં કોઈ વસ્તુનો તિરસ્કાર હોઈ શકતો જ નથી. સુષુપ્તિ વખતે કોઈની હાજરી હોય તો પણ આના મગજમાં તે વસ્તુ કે વ્યક્તિની ગેરહાજરી હોઈ શકે. વિષય દેહ ગુજરાન માટે ગ્રહણ કર્યા પછી પણ પૂર્વ જન્મમાં ભોગવ્યા હોય અને તેની વિસ્મૃતિ વર્તે તેમ વિસ્મૃતિ થઈ જાય છે. એ જ તેની વાસનાનું નિર્મૂળપણું બતાવે છે. તેના અંતઃકરણમાં વિષયનો વિષય તરીકે પ્રવેશ જ થઈ શકતો નથી. જેટલો થાય છે તેટલો શરીર નિભાવ માટે થાય છે.
મહારાજે દૃષ્ટાંત આપ્યું છે કે જેમ પુછલેલ ઢોરને લાકડાથી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી ઊંચું રહે ને મેલી દે તો ધબ લઈને બેસી જાય. એવી નિર્વાસનિક પુરુષની વિષય પ્રત્યે વૃત્તિ હોય છે. સારા કે નરસા વિષય દેહ ગુજરાન હેતુ માટે સમાન હેતુથી તેની દૃષ્ટિમાં સમ રહે છે અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તી શકે છે. વાસના જ માણસને દેહભાવમાં ખેંચી લાવે છે.
ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછયું જે વાસના કુંઠિત તો હોય પણ મૂળમાંથી ટળી નથી જતી તેનું શું કારણ છે ? ત્યારે મહારાજ કહે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર વાનાંમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના ટળવામાં ન્યૂનતા રહે છે. એ ચાર વાનાં સંપૂર્ણ થાય તો વાસના ભક્તના અંતરમાં રહી શકે નહિ; મૂળમાંથી ટળી જાય.
પછી મહારાજે પ્રશ્ન પૂછીને ઉત્તર આપ્યો કે અનંત સાધનોમાંથી એક એવું મોટું સાધન તે પરમાત્માને વિષે માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો દરેક પ્રકારની ખામી ટળી જાય અને સર્વે ગુણ આવે. આ એક સાધન ચારેની ગરજ સારે છે.
પછી મહારાજે પ્રશ્ન પૂછયો જે કપટી હોય અને બુદ્ધિવાળો હોય એટલે કે પોતે વાસ્તવિક રીતે નિર્વાસનિક ન હોય અને યથાર્થ મહિમા પણ ન હોય તો પણ પોતાને સમાજ પાસે અતિ નિર્વાસનિક બતાવવામાં હોંશિયાર હોય અને પોતાને ભગવાનનો અતિ મહિમા સમજાઈ ગયો છે એવું બતાવવામાં ખૂબ કુશળ હોય. પોતાનું કપટ કોઈને દેખાવા દે નહિ ત્યારે તેનું કપટ કેવી રીતે કળાય ?
તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો કે તેનું કપટ એમ ઓળખાય જે તેની બેઠક સત્સંગના દ્વેષી સાથે હોય અને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતા હોય તે પાસે હોય. બીજા વાસનિક સાથે તેને સારી સુવાણ્ય થતી હોય. નિર્વાસનિક સાથે તેને અંદરની રુચિ મળતી ન હોય. ભગવાન ને સંતનો દ્રોહ કરતો હોય તેના પ્રત્યે તેને લાગણી અને સૃહૃદયતા જન્મતી હોય ત્યારે એમ જાણવું જે તેનામાં પણ તેવા જ અંશો ઊંડે ભરેલા પડયા છે કારણ કે સુવાણ્ય સજાતિમાં થાય છે. જો સજાતીયતા ન મળે તો વડીલો કહે તો પણ સુવાણ્ય ન થઈ શકે.
વળી જ્યારે મહારાજે આશંકા કરી કે વધારે ચાલાક હોય ને એવાનો સંગ ન કરતો હોય ને વાસ્તવમાં એવો હોય તો કેમ ઓળખાય ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જે કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે તેનું કપટ ઓળખાય. ત્યારે મહારાજે કહ્યું તે ઠીક ઉત્તર કર્યો. જ્યારે કપટાચરણ કરવાનો સમય જ ન રહે, સ્વપ્નમાં બકવાસ કરે અથવા ગુપ્ન્ર દ્વારા અંતર વૃતાત જાણે ત્યારે કુશળ કપટીનું કપટ ઓળખાય છે અને તે પણ ઘણા લાંબા સમયના પરિણામો જોઈને કળાય છે થોડા કાળમાં નક્કી કરી શકાતું નથી.
વળી મહારાજે પૂછયું કે જેણે કરીને સર્વે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય એવો કયો એક અવગુણ છે ? ત્યારે શ્રીપાત દેવાનંદ સ્વામી કહે ભક્તનો દ્રોહ કરવાથી ગુણો પણ દોષરૂપ થઈ જાય છે. ત્યારે મહારાજ કહે એ ઉત્તર ખરો પણ અમે તો તેનો બીજો ઉત્તર ધાર્યો હતો. એટલે કે તેનાથી પણ તમામ ગુણો દોષરૂપ થઈ જાય છે. તે છે ભગવાનને નિરાકાર માની ઉપાસના કરવી. તેનાથી તેના બધા ગુણ દોષરૂપ થઈ જાય છે.
પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો. એટલે કે કલ્યાણના માર્ગના હિતેચ્છુ હોય, આપણું સર્વ પ્રકારે હિત કરતા હોય અને સુલક્ષણ સ્વભાવના હોય તો પણ તેનો અભાવ આવે છે ત્યારે કયું પરિબળ કામ કરે છે ?
મહારાજે જ તેનો ઉત્તર કર્યો જે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. પછી ભલે સામા સંત સો એ સો ગુણવાળા હોય અને અભાવનું કોઈ પણ નિમિત્ત તેમાં ન હોય તો પણ જેને માન હોય તેને અભાવ આવવાનાં સો સો નિમિત્ત દેખાય. મહારાજ કહે, એનો સ્વભાવ જ એવો હોય જે પોતાને વખાણે અથવા પોતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પ્રકારે સન્માને એટલે તેને તે લફંગાનો સરદાર હોય તો પણ વિનય વિવેકનો ભંડાર દેખાય. તેની એક એક ચેષ્ટામાં તેને સદ્ગુણો ટપકતાં દેખાય અને તેને અતિરસ આવે.
જ્યારે જો કોઈ પોતાને વખાણતો ન હોય, નિંદા ભલે ન કરતો હોય, દ્રોહ ભલે ન કરતો હોય પણ પોતાને વખાણતો ન હોય, પ્રયાસ કરવા છતાં પોતાના માન સન્માન કે વખાણમાં ન જોડાતો હોય ત્યારે તેમાં સો ગુણ હોય તે પડયા મૂકીને તેનો જેવો તેવો અવગુણ ખોળી કાઢીને કે તે અટંટ છે, ઉદ્ધત્ત છે, વિનય વિવેક વિનાનો છે તેવું જ તેની દૃષ્ટિમાં ખટકયા કરે છે. પ્રથમ મન, વચનથી દ્રોહ કરે છે પછી દેહે કરીને પણ દ્રોહ કરે છે. મહારાજ કહે, માન સમજુમાં જ હોય એમ નથી. ભોળામાં પણ સમજુ કરતાં પણ વધુ હોય. હોંશિયારમાં જ હોય ને બુદ્ધિહીનમાં ન હોય એવું નથી. જેને ભગવાનનો ને સાધુનો ખપ ઓછો હોય તેવા બધાયમાં હોય છે. તે માન તો પોતાનો મહિમા થોડો ભૂલીને ભગવાનનો મહિમા અતિશય સમજાઈ જાય ત્યારે જાય. જેમ ઉદ્ધવજી મહાન હતા તો પણ ભગવાનનો મહિમા સમજતા હતા તો ગોપીઓ પાસે કાંઈ માન રહ્યું નહિ. તુલસીદાસજી પણ ભગવાનનું નામ જેના મુખમાં હોય તેને પોતાના શરીરના ચામડાથી તેના પગરખાં બનાવી દેવા તૈયાર છે. એવો મહિમા સમજાય તો ગરજ વધે અને માન જાય, નહિ તો ન જાય.
અહીં એક જિજ્ઞાસા ઊભી થાય છે કે કોઈ વ્યક્તિને વિષયનો અંતરમાં અતિ અભાવ થઈ ગયો તો દેહ નિભાવના ભોગનો પણ તિરસ્કાર કરે તો શો બાધ છે ? તેને અનાદર થઈ તો ગયો છે ! ત્યારે મહારાજ કહે કે જેવું તેવું હોય ને તે ભોગવતો હોય ને તેમાં જેવો આનદ રહે તેવો સારામાં ન રહે; મૂંઝાઈ જાય. સામાન્ય દેહ નિભાવની વસ્તુમાં તેની ખુશી રહે છે. તેનો શો અર્થ કરીશું ? માટે એ તો વ્યક્તિના મનની માન્યતા છે કે જેમ ભોગની ઝાઝી નિંદા કરીએ તેમ આપણે વધારે વૈરાગી ગણાઈએ. એ કોઈ મુમુક્ષુને અધ્યાત્મ જીવનમાં ભગવાન પાસે પહોંચાડવામા મદદરૂપ થઈએ એવી અંતરની ભાવના નથી, પણ મુમુક્ષુ વધુ આપણા કબજામાં રહે તેવી ભાવનાથી પ્રેરાઈને તેવું થતું હોય છે. શાસ્ત્રકારોનું કે મહારાજનું તેવું કહેવું થતું નથી. જીવન નિભાવનો ઉચ્છેદ કરી તે જીવનયાપન કેવી રીતે કરશે ? દેહયાત્રા જ ખોરવાઈ જશે તો મુમુક્ષુએ મેળવવાના વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણ કેમ પામશે ? માટે વૈભવી દેહયાત્રાનો અભાવ અને સહજ જીવનનિભાવનો આદર એ વિષયના અભાવની નિશાની છે તેવું જ સ્વઆદર અને સ્વઅનાદરનું જાણી લેવું.
વ્યક્તિને બીજી બધી વ્યક્તિઓ જેટલું સન્માન મળતું હોય તો તૃપ્તિ થતી નથી. સહજ રીતે આશ્રમ, વર્ણ કે પદ મોભાથી સહજ મળતા આદરથી તેને તૃપ્તિ થતી નથી. વિશેષ પ્રયાસપૂર્વક અને સામાન્ય સમાજ પ્રવાહથી નોખા પડી વિશિષ્ટ રીતે તેમનું સન્માન થાય તો જ તેવો પોતાનો આદર ગણે છે. બધાની સાથે આદર મળે પણ તે પોતાનો અનાદર થયો હોય તેવું અનુભવે છે. તેનું કારણ એ છે કે તેને અંતરમાં સ્વઅનાદર નથી ઉલ્ટો સ્વનો જ આદર છે. તેથી સહજ રીતે મળતો આદર તેને ઘણો જ ઓછો અને સીમિત અનુભવાય છે. પોતાને થયેલ શ્રેષ્ઠ પ્રાપ્તિનું ગૌરવ અથવા સ્વાભિમાન એ અલગ વસ્તુ છે. તેમાં તો બીજા ભક્તોને પણ આદર આપીને કે અપાવીને ઉલ્ટું વધુ ગૌરવ અનુભવાય છે. મહારાજે કહેલ દેહનો અનાદર એટલે સ્વઅનાદર એટલે શું ? તેનો ઊંડો વિચાર કરવાનો છે. અતિ માન સન્માનમાં કંટાળો આવે, મૂંઝાઈ જાય. પરમાત્માના માર્ગમાં કોઈ મદદ કરે કે સાધનાના માર્ગમાં કોઈ પ્રોત્સાહન આપે તો ગમે. ઘણી વખત સ્વઆદરવાળાને માન સન્માન આપવા માટે સમાજને મજબૂર થવું પડે છે તો પણ તે માન સન્માનથી તેને અધ્યાત્મ લાભ કોઈ થાય એવું નથી. જ્યારે જે વ્યક્તિ બીજાના આદરથી પોતાના કલ્યાણના માર્ગમાં કાંઈ મદદ થઈ છે કે નહિ અથવા પ્રોત્સાહન મળ્યું છે કે નહિ તેનાથી જ રાજી થાય છે જે જરૂરી પણ છે. તેનો તિરસ્કાર કે તેમાં મૂંઝવણ હોવી તે ખોટય ગણાય. વાસ્તવમાં આ ભેદરેખા મગજમાં આવવી ઘણી કઠણ છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! એ પંચ વિષયનો અભાવ કેમ થાય ? મહારાજે ઉત્તર કર્યો કે તેનો અભાવ થવાનાં મુખ્ય સાધનમાં તો ભગવાનનું માહાત્મ્ય સમજાય તે છે અને ત્યારપછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે ભગવાનનું માહાત્મ્ય અનંત છે. તેના અનેક દૃષ્ટિકોણ છે. ભગવાન સર્વ સૃષ્ટિની સત્તાનું, સંપત્તિનું, સુખનું , બુદ્ધિનું, સિદ્ધિનું, ગુણોનું, કલાનું કેન્દ્ર છે. ઉપરના ગુણોનો મૂળ ઉદ્ભવપ્રવાહ પરમાત્મા છે એમ જાણ્યું હોય અને આ તેના સંત છે એમ જાણતો હોય.
જેમ ઉદ્ધવજી કેવા મોટા હતા તો પણ ગોપીઓનો ભગવાન સાથેનો ગાઢ પ્રેમ અને સંબંધ જોઈને માન ન રહ્યું. તેમ એવા માહાત્મ્યવાળા ભગવાનને જાણે તો તેના ભક્ત આગળ માન કેમ રહે ! અને દાસાનુદાસ થઈને કેમ ન રહેવાય ! એ તો રહેવાય જ. અને સાધુ પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને મહદ્ભાગ્ય માને. નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત ત્યારે સ્વઆદર કેવો સચવાય ? તો અહીં શા માટે આશા રાખવી ? પ્રારબ્ધવશ થઈને ભોગની અગવડતા વેઠવી પડત તો પછી ઊંચા પંચ વિષયની આકાંક્ષા અહીં શા માટે ? એમ વિચારે તો સ્વઅનાદર અને વિષય અનાદર હૃદયમાં આવે. માટે જેટલો મહિમા તેટલો સત્સંગમાં અચળ પાયો થાય છે અને તેમાં જેટલી ખામી હોય તેટલો તેનો સત્સંગમાં વિશ્વાસ નહિ.