લ–૧૪ : રુચિનું

પ્રતિપાદિત વિષયઃ

મહારાજની રુચિ તથા અભિપ્રાય.

મુખ્ય મુદ્દાઃ

૧. નિરાકાર સ્વરૂપમાં પ્રીતિ નહિ.

ર. અક્ષરબ્રહ્મની સાથે એકતા કરીને સાકાર ભગવાનની સ્વામી–સેવક ભાવે ઉપાસના કરવી.

૩. ગોપીઓના જેવી ભક્તિ.

૪. જડભરતના જેવો વૈરાગ્ય.

પ. શુકજીના જેવી આત્મસ્થિતિ.

૬. યુધિષ્ઠિરના જેવી ધર્મનિષ્ઠા મહારાજ ગમે છે.

વિવેચન :–

આ વચનામૃત રુચિ તથા અભિપ્રાયનું છે. શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે પૂર્વે જે આચાર્ય થયા છે તેને પૃથક પૃથક રુચિ છે એ સર્વ આચાર્યોએ પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ અંતે પોતાની રુચિ ઉપર જાય. તેમ તેમના ગ્રંથોમાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. એવી રીતે અમારી વાર્તા ઉપરથી તમને સર્વેને અમારી કેવી રુચિ તથા અભિપ્રાય જણાય છે ? જેને જેમ જણાતો હોય તે કહો.

પછી મહારાજ કહે લ્યો અમે જ અમારો અભિપ્રાય તથા રુચિ કહીએ તે સાંભળો. જે મોટા હોય ને સમર્થ હોય ને પોતાને વિષય કાંઈ બાધ કરે તેમ ન હોય તો પણ નાના ભક્તોના માર્ગદર્શન માટે પણ પોતે જગત વિષયતથા ભોગનો ત્યાગ રાખવો. એવો ત્યાગ અમને ગમે છે.

મહારાજ કહે છે ૠષભદેવ ભગવાન હતા તો પણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ત્યારે ત્યાગીઓને જીવનથી ઉપદેશ દેવા સિદ્ધિઓનો ત્યાગ કર્યો હતો. તે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે…

ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે ।
યદ્વિશ્રંભાચ્ચિરાચ્ચીર્ણં ચસ્કન્દ તપ એશ્વરમ્।।

નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુ યેરયઃ ।
યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી ।।(ભાગ.પ–૬–૩,૪)

અસ્થિર એવા મનનો યોગી સિદ્ધ થયો હોય તોપણ કયારેય વિશ્વાસ ન કરવો. જે મનનો વિશ્વાસ કરવાથી ઘણા લાંબા કાળથી એકત્રિત કરેલું ભગવાન શિવજીનું તપ નાશ પામી ગયું હતું. મોહિનીમાં મોહ પામીને. જે યોગી મનનો વિશ્વાસ કરે છે કે મારું મન કલ્યાણકારી છે. મને કોઈ ફિકર નથી. એવા વિશ્વાસી યોગીના હૃદયમાં મન કામ શત્રુને પ્રવેશવાનો માર્ગ આપે છે અને પછી બીજા અંતર્શત્રુઓ પણ સારી રીતે પ્રવેશ કરે છે. જેમ વ્યભિચારિણી સ્ત્રી પોતાનો પતિ પોતામાં વધુ વિશ્વાસ કરે તો જાર પુરુષને આમંત્રણ આપીને પતિને જ મરાવી નાખે છે. તેમ મન પોતાના આત્માને જ નરકની ખાણમાં નાખે છે. માટે એવી રીતે મનનો ભરોસો ન કરે અર્થાત્મારું મન હવે ભવિષ્યમાં વિકૃતિઓ નહીં કરે એવો વિશ્વાસ ન કરે પણ પોતાના મનથી હમેશાં ચેતતો રહે એવો ત્યાગ મહારાજ કહે છે અમને ગમે છે.

હૃદયથી આવું વિચારવું એ સાધકના હૃદયનો અતિ પરિશુદ્ધ આશય ગણાય અને મનનો ભરોસો કરી વિષયના કીચડમાં જાણી જોઈને ફસાય તેની પાછળ તેના જીવમાં જ તેટલી મલિનતા પડેલી છે એમ સાધકે વિચારવું જોઈએ. મનનો વિશ્વાસ એ પતનનું કારણ છે. મન એ કામાદિક વિકારોથી ભરેલું છે. ઈન્દ્રિયો નિત્ય વિષયની અભિરુચિવાળા જ રહેલા છે. તે બન્ને મોક્ષ માર્ગેથી પતન કરાવવાના સ્વભાવવાળા છે.

બીજું મહારાજ કહે છે કે મારા મનમાં શ્વેતદ્વીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી એટલે કે વૈકુંઠ આદિક ધામ જેમાં દિવ્ય ભોગો છે તો પણ તે ગમતા નથી. કારણ કે તે ભોગોમાં તપને પ્રોત્સાહન મળતું નથી ઉલ્ટા તે ભોગો દિવ્ય તપમાં વિઘટક બને છે. તેથી મહારાજ કહે છે કે શ્વેતદ્વીપ કે બદ્રિકાશ્રમાં જઈને નિરન્ન થકા તપ કરવું ગમે છે પણ દિવ્ય ધામમાં જઈને ભોગ ભોગવવા તે અમારા મનમાં નથી ગમતા. તેની અમને રુચિ નથી. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, અક્ષરધામ અને આલોકમાં મોટા એકાંતિક સંત ત્યાં વિષય નથી, તેનો આદર નથી, ત્યાં ભગવાનની કથા છે; બીજે નથી.

વળી તપ કરવા માટે અને ભજન માટે અક્ષરધામ સર્વ કરતાં શ્રેષ્ઠ છે. એવું સ્વામીએ મહારાજના પ્રસંગથી બતાવ્યું છે. મહારાજ કહે છે કે ભલે બીજા ધામોમાં જગત સમાન માયિક વિષયો નથી જ, દિવ્ય ભોગ છે તો પણ એવા દિવ્ય ભોગમાં પણ અમારી રુચિ નથી. અમારી રુચિ તો ભોગનો ત્યાગ કરવાની છે. મહારાજ કહે છે અમે પગે કરીને ઠેલી નાખીએ છીએ અને આવી મહારાજની દિવ્ય રુચિ અથવા સિદ્ધાંત તે જ અનુયાયીના મનને જલ્દી નિર્વાસનિક અને પવિત્ર બનાવનારો બને છે. સાધકનું મન વિષય સંયોગ અને ભોગથી ડરીને છેટે રહેવું જોઈએ; પરંતુ ભોગ વિલાસ અને વિષય ભોગના તાહેરામાં ખૂંતી જતું હોય તો આપણા માર્ગમાં જરૂર વિધ્ન આવે છે.

વળી મહારાજ અવતાર વિવેક બતાવતાં કહે છે કે બધા અવતાર નારાયણના જ છે તો પણ તેમાં ૠષભદેવજી બહુ ગમે છે. લોકસંગ્રહ–ત્યાગી સાધુઓ તથા સિદ્ધો મુક્તોને માટે પણ ઉપદેશાર્થ શાસ્ત્રમા કહ્યા પ્રમાણે કરવું તેને લોક સંગ્રહ અથવા લોક શિક્ષા કહેવાય છે. પોતાની સાધના પૂરી થાય અથવા કોઈ પણ પ્રકારે ઝાઝા અનુયાયીનો આદર્શરૂપ કે આગેવાન બને તેને માટે ગીતામાં પણ લોકસંગ્રહનું ઘણું મહત્ત્વ આપેલું છે. માણસ સાધનાની મર્યાદા વટાવીને નિશ્ચિત સ્થિતિમાં પહોંચી જાય એટલે પૂરું થઈ ગયું એવું નથી. તેને પણ લોકસંગ્રહ જરૂરી છે. નહિ તો તે પણ પાપનો અધિકારી કદાચ બની જાય છે. તે ૠષભદેવ ભગવાનમાં ઘણી જોવા મળે છે.

વળી સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે ૠષભદેવે સો જીવનું કલ્યાણ કર્યું(પોતાના પુત્રને દિવ્ય ઉપદેશ આપીને) કપિલજીએ એક માતાનું કલ્યાણ કર્યું. આજ સાધુ કહે છે કે અમે દૈવી જીવનું કરીશું અને આસુરી જીવનું તો મહારાજ કરી શકે માટે આ પણ પસંદગીનો દૃષ્ટિકોણ છે. ઝાઝા જીવનું કલ્યાણ કરવાપણું એ પણ અવતારોમાં અધિક ન્યૂન ભાવનું કારણ બતાવે છે. એ દૃષ્ટિએ મહારાજ કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અમને કોટિગણું હેત છે. કારણ કે તેમને જે ભાવથી પણ જે કોઈ આશર્યા એવા અનંતનું તેમણે કલ્યાણ કર્યું છે. માટે કોટીગણા હેતનું કેન્દ્ર બને છે. એ જ દૃષ્ટિકોણથી મહારાજના આશ્રિત તરીકે આપણે વિચારીએ તો આપણે મહારાજમાં અબજોગણું હેત કરવું જોઈએ. મહારાજે એટલા જીવનો ઉદ્ધાર કર્યો છે ને જીવના કલ્યાણ માટે એટલા માર્ગો ચલાવ્યા છે ને ઉપાયો રચ્યા છે. બધા અવતારોની ચર્ચામાં વાતનો એક સૂર સોંસરો મહારાજનો નીકળતો દેખાય છે કે જીવોના કલ્યાણની પ્રવૃત્તિ મહારાજને બહુ ગમે છે. ઝાઝા જીવનો ઉદ્ધાર થાય તેમાં મહારાજનો ખૂબ રસ છે. તેથી તેવા પ્રકારના ગુણ ને લક્ષણો જ્યાં દેખાય ત્યાં મહારાજને હેત અને રુચિ થાય છે. મહારાજની વાતમાં નહિ પણ મહારાજના સમગ્ર જીવનમાં પણ એ જ દેખાય છે. મહારાજે વચનામૃતની શરૂઆત પણ એવા મુદ્દાથી કરી છે કે અમારી વાતમાં એટલે કે ઉપદેશને આચરણમાં તમને સુંસરો ચાલ્યો આવતો અભિપ્રાય શો દેખાય છે અને અમને આ ગમે છે ને આ નથી ગમતું તથા આવાની સાથે બને છે. સુવાણ્ય થાય છે ને આની સાથે નથી થતી, તેના નિર્ણયોમાં એક સળંગ અને સૂક્ષ્મ માપદંડ હોય તો એજ છે કે જીવોના કલ્યાણની પ્રવૃત્તિમાં રહેવું. સંતો ભક્તો પાસે પણ એજ પ્રવૃત્તિ કરાવરાવી.

કોઈ પણ સદ્ગુણ, વ્યક્તિ કે અવતારમાં કેમ નથી હોતા તો પણ ગમવા ન ગમવાનું કારણ મહારાજ આ દૃષ્ટિથી માપે છે. નહિ તો એમ કોણ કહી શકે કે એ દિવ્ય ધામના ભોગમાં પણ અમને રુચિ નથી. જેવું બદ્રિકાશ્રમ કે શ્વેતદ્વીપમાં રહેવું ગમે છે. મહારાજના નિર્ણયમાં સંદિગ્ધતા જરા પણ છે જ નહિ. તેથી જ મહારાજ કહે છે કે અમને એક નારાયણના સ્વરૂપમાં જ નિષ્ઠા છે, કારણ કે અતિ વિશુદ્ધ કલ્યાણની પ્રવૃતિ નારાયણના સ્વરૂપ સિવાય બીજે મળતી નથી.

મહારાજ ઉપાસના વિષેની સ્પષ્ટતા કરતાં પણ કહે છે કે એક અધો ઉર્ધ્વ પ્રમાણેરહિત તેજ સમૂહમાં દિવ્ય સિંહાસનમાં પુરુષોત્તમ નારાયણ (શ્રીજી મહારાજ) બિરાજે છે. ચારે કોરે અનત મુક્તો તેને આરાધે છે એવા નારાયણની ઉપાસના છે. સંતોની વાતોમાં પણ કહ્યું છે કે અક્ષરધામમાં શ્રીજી મહારાજના બે ચરણારવિંદની જ ઉપાસના છે ત્યાં ચાર ચરણારવિંદની ઉપાસના નથી કે ચતુર્ભુજ પણ નથી. મહારાજ કહે અમને તેજ તો ઘણું દેખાય છે પણ તેમાં અમને રુચિ નથી. મૂર્તિ જ્યારે નથી દેખાતી તો અમને ઘણું કષ્ટ થાય છે. એવી અમને નારાયણના સ્વરૂપની ઉપાસના કરવાની ગમે છે. ભક્તિ તો ગોપીઓના જેવી. એટલે કે તમામ ચેષ્ટાઓ તેને અર્થે કરવી અને તેના વિરહમાં તરફડવું. પ્રાણને પણ ધારી શકવું નહિ એવી કરવી ગમે છે. એ માટે મને કોઈક કામી, લોભીને જોઈને એમ થાય છે કે એવું હેત આપણને ભગવાનમાં થાય તો ઠીક. એમ સદાને માટે તલસાટ અને અંતરમાં ભક્તિની ભૂખ રહે છે. તૃપ્તિ થતી નથી.

મહારાજ કહે છે અમારે સુવાણ્ય એટલે મનમેળ પણ એની સાથે થાય છે કે જેના અંતરમાં કામાદિક દોષની જરા પણ પ્રવૃત્તિ ન હોય, ધર્મમાં રહેતો હોય ને ભગવાનનો અનન્ય ભક્ત હોય. નહિ તો ભેળો રહેતો હોય તો પણ રુચિ થતી નથી. અંતરમાં ઉપેક્ષા રહ્યા કરે છે. મહારાજ કહે છે કે કામ કરતાં પણ માન, ઈર્ષ્યા સત્સંગમાંથી જલ્દી અને વધારે પાછા પાડે છે. મહારાજ સત્સંગમાં જોડવાના ઘણા આગ્રહી છે તેથી કહે છે કે તેઓના ઉપર ઘણો ખેદ રહે છે. માન, ઈર્ષ્યા, ક્રોધ સત્સંગમાં વધારે વિઘાતક છે, સંબંધ તોડનારા છે.

ટૂંકમાં નિરાકારમાં પ્રીતિ નહિ, અક્ષરરૂપ થઈ સાકાર ભગવાનની સ્વામી સેવક ભાવે ઉપાસના, ગોપીઓના જેવી ભક્તિ, જડ ભરતના જેવો વૈરાગ્ય, શુકજીના જેવી આત્મસ્થિતિ, યુધિષ્ઠિરના જેવી ધર્મનિષ્ઠા અમને ગમે છે અને એમાં અમારી રુચિ અને સાધકોએ એવું થવું એવો અમારો અભિપ્રાય છે. એમ મહારાજનું કહેવું છે.