લ –૧૩ : દેશકાળે પરાભવ ન થાય તેનું

પ્રતિપાદિત વિષયઃ

ભૂંડા દેશકાળમાં પણ પરાભવ ન થાય.

મુખ્ય મુદ્દાઃ

૧.પરમાત્માના ચરણારવિંદને નિર્વિકલ્પપણે પામ્યો હોય તો દેશકાળાદિકે પરાભવ ન થાય ને તે વિના ગમે તેવો મોટો હોય તો પણ પરાભવ થાય.

ર. મુક્તિને પામ્યા પછી પણ ભગવાનમાં અને મુક્તોમાં ઘણો ભેદ રહે છે.

વિવેચન :–

આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે જે કેવો પુરુષ હોય તેને દેશકાળાદિકે કરીને પરાભવ ન થાય અને કેવો હોય તેને થાય ? સ્વામી કહે છે સાંભળ્યામાં તો એવું આવે છે બ્રહ્માને સરસ્વતીને દેખીને મોહ થયો, શિવજીને મોહિની દર્શનથી મોહ થયો. ઈન્દ્ર અહલ્યામાં, અગ્નિ ૠષિ પત્નીમાં, ચંદ્ર તારામાં, ચ્યવન સુકન્યામાં મોહિત થયા. વિભાંડક, એકલશ્રૃંગી, ગૌતમ, પરાશર, વિશ્વામિત્ર, બૃહસ્પતિ આ બધા મોટા મોટાનો દેશકાળાદિકે પરાભવ થયો ને મોહ થયો. માટે વિચારીને ઉત્તર કરો. બ્રહ્માનંદ સ્વામીથી ઉત્તર થયો નહિ ત્યારે મહારાજ બોલ્યા કે નિર્વિકલ્પ સ્થિતિને પામીને જે નારાયણના ચરણારવિંદને પામ્યો હોય તે તુચ્છ જેવો જીવ હોય તો પણ તેને દેશકાળાદિકથી પરાભવ ન થાય અને બ્રહ્માદિક હોય તો પણ પરાભવ ન થાય. એવી સ્થિતિને ન પામ્યો હોય તો સામાન્ય જીવને પણ પરાભવ થાય અને મોટા બ્રહ્માદિકને પણ થાય.

તમામ જીવોનું ચિત્ત સવિષયક, સાલંબન, સંસ્કારવાળું અને સાધિકાર હોય છે. કોઈ પણ વિષયને આધારે તેનું અસ્તિત્વ ટકી રહેતું હોય છે. જેમ અગ્નિની જ્યોત ઈંધણને આધારે બળે છે, પણ ઈંધણ પૂરું થતા ઈંધણનો નાશ કરી પોતે પણ શાંત થઈ જાય છે. ઈંધણ અને અગ્નિ બન્ને અલગ છે છતાં ઈંધણને આભારી અગ્નિ રહેલો છે. તેમ સંપૂર્ણ વિષય નાશ થતાં ચિત્ત નિર્બીજ થઈ જાય છે. જન્મ મરણ લેવરાવે તેવું રહે નહિ તો પણ ચિત્તમાં પડેલા સંસ્કારો જ્યાં સુધી હોય ત્યાં સુધી ચિત્તનો પોતાનો લય થતો નથી. નિરોધ સંસ્કારોનો અભ્યાસ કરવાથી ચિત્તના વિષય સંસ્કારો નાશ થતાં ચિત્તનો પોતાનો લય થઈ જાય છે ત્યારે તેને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ થઈ ગણાય.

ભગવાનનો પોતાના જીવાત્મામાં અશેષ–નિશેષ સાક્ષાત્કાર થાય ત્યારે એવી સ્થિતિ થાય છે અથવા એવી સ્થિતિ થાય તો પરમાત્માનો જ્ઞએવો સાક્ષાત્કાર થઈ શકે છે. ભગવાનની કૃપા થકી એવી પરમાત્મામાં નિર્વિકલ્પ સ્થિતિ થાય છે ત્યારે તુચ્છ જેવો જીવ હોય તો પણ તેનો પરાભવ થતો નથી અને બ્રહ્માદિક હોય તો પણ તેનો પરાભવ થતો નથી. એવી સ્થિતિમાં ખામી હોય અને ચિત્તમાં વિષયના સંસ્કારો જીવંત હોય તો નાના અથવા મોટાને દેશકાળાદિક થકી પરાભવ થાય છે. માટે ભાગવતમાં કહ્યું છે કે…

તત્સૃષ્ટસૃષ્ટસૃષ્ટેષુ કોન્વખણ્ડિતધીઃપુમાન્।
ૠષિં નારાયણમૃતે યોષિન્મય્યેહ માયયા ।। (ભાગ.૩ -૩૧ -૩૭)

બ્રહ્માથી સર્જન કરાયેલ મરીચ્યાદિ તેણે સર્જેલા કશ્યપાદિક તેઓએ સર્જેલા દેવ મનુષ્યાદિક પુરુષ તેમાં કયો પુરુષ બદ્રિકાવાસી નારાયણ ભગવાન સિવાય એવો છે કે જેને સ્ત્રી રૂપી મારી માયા વડે પણ અખંડિત બુદ્ધિવાળો હોય અર્થાત્સૃષ્ટિમાં એક નારાયણ સિવાય સ્ત્રી રૂપી માયાથી ખંડિત અંતઃકરણ ઈન્દ્રિયોવાળા એટલે કે મન ઈન્દ્રિયોવાળા થયા હોય છે. મોહ પમાડવા માટે સ્ત્રી રૂપી માયા છે. અસત્દેશકાળાદિકમાં સ્થિતિ કરીને તો નારાયણ એક જ પરાભવ પામતા નથી. બીજા તો મહાન હોય –ધ્યાન, યોગ, તપ આદિકથી મહાન હોય તો પણ નિર્વિકલ્પ સ્થિતિ વિના દેશાદિકથી પરાભવ પામે છે. મહારાજ કહે એવો અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. સુત પુરાણીએ કહ્યું છે કે…        

ઉઢ્ઢામભાવપિશુનામલવલ્ગુહાસ
વ્રીડાવલોક નિહતોમદનોપિ યાસામ્।

સંમુહ્ય ચાપમજહાત્પ્રમદોત્તમાસ્તાઃ
યસ્યેન્દ્રિયં વિમથિતુમ્કુહકૈર્નશેકુઃ ।।

જે સ્ત્રીઓના ઉદ્દમભાવ– અતિ ઉન્મર્યાદિત અભિપ્રાય એટલે કે અતિ આકર્ષણ માટે બતાવેલ પ્રેમભાવ, પિશુન–ચિત્તના આકર્ષણ કરવા માટે ગુપ્ત અભિપ્રાયને સૂચવનાર, અમલ–વાસ્તવિક સર્વસ્વ અર્પણાત્મક, વલ્ગુહાસ–સુન્દર પ્રસન્નતા સૂચવનારું હાસ્ય, વ્રીડા–ભોગને આમંત્રણ આપતી લજ્જા તેણે સહિતનું અવલોકન આ બધી ચેષ્ટાથી પરાભૂત થયેલ અમદન–શિવ પણ સંમુહ્ય–મોહ પામીને ભોગ બુદ્ધિ કરીને ચાપમઅજહાત્–પોતાનું પિનાક ધનુષ્ય જે સર્વ શત્રુનાશક છે તેનો ત્યાગ કરતા હતા.(પણ કામ બાણને ગ્રહણ કરતા હતા) એવી હજારો મોહ પમાડનારી પ્રમદાઓ કુહકૈ મોહ પમાડવાના ઉપાયોથી જે શ્રીકૃષ્ણનારાયણના ઈન્દ્રિયો, મનને મથન કરવા માટે એટલે કે પરાભવ કરવા માટે શક્તિમાન થતી ન હતી. એવા ભગવાનને અજ્ઞાની લોકો પોતાના જેવા માણસ માનતા હતા. માટે ભગવાન તો દેશકાળાદિકમાં રહ્યા હોય તો પણ તેને દેશાદિક બાધ કરી શકતા નથી અને જો તે પરમાત્માના ચરણારવિંદમાં નિર્વિકલ્પ સ્થિતિને પામી રહ્યો હોય તો પણ તેનો પરાભવ થતો નથી. બીજાનો થાય છે.

પછી નિત્યાનદ સ્વામીએ મહારાજને પૂછયું જે વિષયના સાંનિધ્યમાં અથવા વિપરીત દેશકાળના સાંનિધ્યમાં તો નારાયણ અને બીજા મુકત્માઓ વચ્ચે ભેદ દેખાઈ આવે છે; પરંતુ એવા દેશ કે વિષયનું સાંનિધ્ય ન હોય ને અક્ષરધામને વિષે રહ્યા હોય ત્યારે તો ‘મમ સાધર્મ્યમાગતાઃ।'(ગીતાઃ૧૪ -૨) એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા હોય ત્યારે મુક્તો અને નારાયણને વિષે કેમ ભેદ સમજવો ? ત્યારે મહારાજ બોલ્યા જે નારાયણ અને મુક્તોમાં અતિશય ભેદ છે. તે પ્રથમ તો સ્વરૂપનો ભેદ છે. ભગવાન નારાયણ અને મુક્તો બધાના આકાર દિવ્ય જ છે. તો પણ મૂર્તિનો પ્રભાવ અલગ જ છે.

ભાગવતના એકાદશ સ્કધમાં ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે કે ‘કેવલં સાત્ત્વિકં જ્ઞાનં મન્ન્ષ્ઠિં તુ નિર્ગુણં સ્મૃતમ્ ।’ શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન અથવા ધ્યાન એ સાત્ત્વિક છે એટલે કે સત્ત્વ ગુણ વધારનારું છે. જ્યારે પરમાત્માની મૂર્તિ સંબંધી જ્ઞાન અને ધ્યાન નિર્ગુણ છે. એટલે કે માયાના ગુણથી રહિત છે. એટલું જ નહિ સત્ત્વ આદિક સર્વે માયાના ગુણ માત્ર તેના મૂળ ઉખાડીને તેનું નિકંદન કાઢનારું છે. જો બન્ને સરખા હોય તો પ્રભાવ પણ સરખો પડવો જોઈએ, પણ તેમ નથી. ભગવાનની મૂર્તિમાં કોઈ પણ ભાવ કામ, ક્રોધ, દ્વેષ, સ્નેહ, ભક્તિ વગેરેથી નિમગ્ન થાય તો પણ તે મૂર્તિનો સંબંધ જ એવી ચીજ છે કે જીવાત્માના માયાના સંબંધના ટુકડે ટુકડા કરી નાખે છે. જ્યારે પરમાત્મા નારાયણ સિવાય બીજાનો સંબંધ એવો પ્રભાવિત ન હોઈ શકે. વળી મર્યાદા પણ હોય છે કે તે સાથે પ્રેમભાવ હોય તો જ તેનું સારું થાય પણ બીજા ભાવથી ઉલ્ટું અધોગતિ થાય. તે સ્વરૂપની ભિન્નતા છે. માટે જુદું પરિણામ આવે છે.

આમ સ્વરૂપની ભિન્નતા એટલે કે ભગવાનની જાતિ જ જુદી છે. તેથી મુક્તોમાં તથા પરમાત્મા નારાયણમાં તમામ પ્રકારના સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, સૌન્દર્ય, આદિક વિષયમાં અતિશય ભેદ પડે છે. તો પછી જે શ્રુતિમાં–સ્મૃતિમાં સામ્યતા વર્ણવી છે તે વર્ણનનો કોઈ અર્થ રહ્યો નહિ. આમાં સમાનતા જેવું છે શું ?

તો એવું નથી તે પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ભોગ સામ્યતા છે ”સર્વાન્કામાન્સહ બ્રહ્મણા વિપશ્ચિતા” પરમાત્મા કૃપાળુ છે તેમણે એક જગત વ્યાપાર સિવાય તમામ પ્રકારના ભોગ મુક્તોને પણ પોતાના જેવા જ પ્રેમથી અને વાત્સલ્યભાવથી આપ્યા છે. માટે મહારાજ કહે છે ભેદ તો અતિશય છે. જેમ ચંદ્ર અને તારાઓમાં ભેદ છે કે નથી ? પ્રકાશ જાતિએ સમાન હોવા છતાં અતિ ભેદ છે. રાત્રિનો અંધકાર ચંદ્રવતે દૂર થાય છે. અઢારભાર ઔષધિનું પોષણ ચંદ્રથી થાય તે તારાઓથી ન થાય. રાજા અને ચાકરની સત્તામાં કાંઈ ફેર છે કે નહિ ? જરૂર છે. રાજાની અનુમતિથી ચાકર બધું કરી શકે પણ અસાધારણ સત્તા તો રાજાની જ છે અથવા રાજા થકી જ છે. માટે જેમ સ્વરૂપમાં અતિભેદ છે તેમ જગત સંચાલનમાં સત્તાના કેન્દ્રની દૃષ્ટિએ પણ અતિ ભેદ છે. અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ સત્તા પરમાત્મા નારાયણની છે. કર્તુમ્અકર્તુમ્અન્યથાકર્તુમ્શક્તિ એક અને એક એવા નારાયણ સિવાય કોઈની પાસે નથી તે વાત મહારાજે રાજાના દૃષ્ટાંત દ્વારા બતાવી છે.

માટે મુક્તોમાં અને પરમાત્મામાં અતિશય ભેદ છે. તેને જે સરખા કહે છે તે મહાપાપી જાણવા. એમ માનવુ એ પરમાત્માના સ્વરૂપ અને સત્તાનો હડહડતો અનાદર કરે છે એવો તેનો અર્થ છે. માટે મહાપાપી છે. આમ કહેવા પાછળ તેનો દુષ્ટ આશય છે એમ મહારાજ કહે છે. આમ કહેવા પાછળ તેમને ભગવાન પ્રત્યેની કે મુક્તોના સન્માનની ભાવના નથી. પણ ભગવાનપણાના જે લૌકિક લાભો તથા ભક્તો અનુયાયીઓની ભગવાન પ્રત્યેની ભાવના હોય તેનો આ લૌકિક લાભ ઉઠાવવાની આ નબળી મુરાદ છે માટે મહાપાપી છે. એવા નબળા આશયવાળાની છાયામાં પણ ન ઊભું રહેવું એમ મહારાજ કહે છે. મહારાજે એવી દાનતવાળાના દર્શનને પણ મહાપાપ જેવું પાપ કહ્યું છે.

સર્વે પાપનું મૂળ આલોકના વિષય અથવા ભોગ છે. તે એવી માન્યતાવાળા છે તે ભગવાનના વ્યક્તિત્વને પણ વટાવીને આ લોકના વિષય કે ભોગ મેળવવા ઉપયોગ કરે છે, માટે મહારાજ તેને મહાપાપ કહે છે. તે વજ્રલેપ થાય છે અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં મુક્તો કે ભક્તોની મોટાઈ વર્ણવી છે તે નારાયણના સંબંધને લઈને અથવા આ તેના છે એને લઈને મોટાઈ કહેવામાં આવી છે. પણ પરમાત્માને છોડીને તો ખુદ અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજા સામાન્ય જીવની શી વાત ! તેથી વેદ સ્તુતિમાં પણ એ જ ભાવની વેદોએ સ્તુતિ કરી છે કે હે ભગવાન જો અપિરિમત જીવો વ્યાપક અને તમારા જેવા હોય તો શાસક અને શાસિત એવો ભેદ રહેશે નહિ. માટે એમ જે માને છે અને ભગવાન અને જીવને એક અથવા સમાન માને છે તે દુષ્ટ છે. ‘એકમેવાદ્વિતીયં બ્રહ્મ ।'(છાંદો.૬ -૨ -૧) એ શ્રુતિનો પણ એ જ અર્થ છે કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એવો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે.