પ્રતિપાદિત વિષયઃ
અસત્પુરુષો અને સત્પુરુષોની શાસ્ત્રમાંથી સમજણની ગ્રાહૃાવૃત્તિ.
મુખ્ય મુદ્દાઃ
૧. અસત્પુરુષો બધી જ વસ્તુને સરખી (બ્રહ્મ) માને છે જ્યારે સત્પુરુષો તમામમાં તફાવત દેખે છે. તેમાં પણ ભગવાન અને બીજા પદાર્થોમાં અતિ તફાવત છે એમ માને છે.
ર. અસત્પુરુષને ભાવના કરવી એ જ મુખ્ય છે. જ્યારે સત્પુરુષ ભાવના પહેલાં પદાર્થવિવેક પણ જરૂરી માને છે.
૩. અસત્પુરુષના તેમ માનવામાં તેઓનો નબળો આશય અને સત્પુરુષોમાં તેનો વિશુદ્ધ આશય કામ કરે છે.
વિવેચન :–
આ વચનામૃત અસત્પુરુષ તથા સત્પુરુષની સમજણનું છે. આ વચનામૃતમાં શુકમુનિએ મહારાજને પ્રશ્ન પૂછયો છે કે સત્શાસ્ત્રોમાંથી અસત્પુરુષ અને સત્પુરુષ કેવી સમજણનું ગ્રહણ કરે છે ?
મહારાજ તેનો ઉત્તર કરતાં કહે છે કે પ્રથમ તો ધ્યાન કરવાની બાબતમાં બંનેના મત જુદા જુદા છે. સત્પુરુષો એવું માને છે કે ધ્યાન તો એક પરમાત્માનું અથવા તેના અવતારો કે તેની મૂર્તિઓ તેનું જ ધ્યાન કરાય. જ્યારે અસત્પુરુષો પોતાના મનને ગમતા કોઈપણ આકારનું ધ્યાન થાય એવું માને છે. પોતાનું મન જે ગમતા પદાર્થમાં અટકે તેનું ધ્યાન કરવું અને તે સ્ત્રીઆદિક પદાર્થમાં મન વિકૃતિ કરે તો તેમાં બ્રહ્મની ભાવના કરવી. જ્યારે સત્પુરુષો ભગવાનના સંબંધમાં આવેલા પદાર્થો અને વ્યક્તિઓમાં ધામ અને મુક્તોની ભાવના કરવી એવું કહે છે.
અસત્પુરુષોની દૃષ્ટિએ સૃષ્ટિની દરેક આકૃતિ ધ્યાન કરવા યોગ્ય છે કારણ કે તે બધી જ બ્રહ્મ છે. બ્રહ્મની ભાવના કરવા યોગ્ય છે. વસ્તુતાએ એવી રીતે બ્રહ્મની ભાવના કરવાથી તે પદાર્થ બ્રહ્મ બની જતો નથી. ઉચ્ચ ભાવના કરવા માટે શાસ્ત્રમાં કહેલા વિવેકની જરૂર છે. ગમે તે પદાર્થમા ઉચ્ચ ભાવના કરવાથી ફાયદો થતો નથી.
જે પદાર્થમાં માનવીનું ભોગથી ખરડાયેલું મન સદાને માટે ફસાયેલું છે તેવા સ્ત્રી, ધન આદિ પદાર્થોમાં ગમે તેટલી ઉચ્ચ ભાવના કરવાથી મનની વિકૃતિઓ દૂર થતી નથી. વિકૃતિથી ખદબદતું મન જ્યારે તેનું જ ધ્યાન કરવા લાગી જશે ત્યારે તેમાં વિકૃતિ વધવાની છે. ભાવના કયાં કરવી અને કયાં કરવાથી ફાયદો થાય તેની પણ મર્યાદા હોય છે અને તેમાં વિવેકની પણ જરૂર પડે છે. તો જ ભાવના ફળદાયી થાય છે. સ્ત્રી–પુરુષમાં વિજાતીય આકર્ષણ સહજ પડયું છે અને અનાદિ કાળની દબાયેલી વિકૃતિઓ યોગ થતાં ઉભરાઈ આવે છે. તેમાં તો પરસ્પર દોષબુદ્ધિ કરીને મનમાં અભાવ કરીને વૈરાગ્ય ઊભો કરવાનો હોય છે. એવું શાસ્ત્રકારો કહે છે. તેને સ્થાને તેમાં બ્રહ્મની ભાવના કરીને તેમાં મન પરોવવું એ તેના જીવમાં પડેલા નબળા આશયનું પરિણામ છે.
નિષ્ઠા અથવા ભાવના કયાં કરવી અને ધ્યાન કોનું કરવું તેના નિર્ણયમાં જ સત્પુરુષપણું કે અસત્પુરુષપણું સ્પષ્ટ થઈ આવે છે. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણમાં મોટો તફાવત એ આવે છે કે ભાવના તો બંને ઊંચી કરે છે; પરંતુ આલંબન પદાર્થની વાસ્તવિકતા પણ જરૂરી છે. કેવળ કોરી ભાવના ફળદાયી થતી નથી. આલંબન પદાર્થ વાસ્તવિક અને અતિ ઉત્કૃષ્ટ હોય તો તેનુ ઉત્કૃષ્ટ ફળ નીવડે. શ્રીજી મહારાજે (વચનામૃતમાં) કહ્યું છે કે ગોપીઓ કામભાવે શ્રીકૃષ્ણ ભગવાન સાથે જોડાણી હતી તો પણ તે જન્મમરણથી તરી ગઈ. કારણ કે તેનું આલંબન સત્યસ્વરૂપ એવા પરમાત્મા હતા. જ્યારે જગતની સ્ત્રીઓ પોતાના પતિને સેવે છે અને કદાચ ઊંચી ભાવના રાખે તો પણ ગોપીઓની પદવીને કેમ પામી શકે ? ન જ પામે. મહારાજ કહે છે તેમાં તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. કારણ કે આલંબન વસ્તુની મહત્તા પણ જરૂરી છે.
સત્પુરુષની પસંદગી ધ્યાન માટે પરમાત્મા છે. પરમાત્મા, તેના અવતાર અથવા તેની મૂર્તિઓ તેનું જ તે ધ્યાનમાં આલંબન લે છે અને પછી તેમાં ઉચ્ચ ભાવના કરે છે તેથી તે ભાવના યથાર્થ ફળે છે. તેના જીવનું કલ્યાણ થાય છે.
અસત્પુરુષો પોતાને મનગમતા વિજાતીય સ્ત્રી અને પુરુષો તેનું આલંબન લઈને તેનું ધ્યાન કરે છે અને તેમાં ઊંચી ભાવના કરે છે તો પણ પદાર્થ માયિક અને માયિક વિકૃતિઓથી ભરેલા હોવાથી તેની ભાવના કામ આવતી નથી. ઉલટું તેમાંથી ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. આવું કરવામાં તેના મનની નબળાઈ જ કારણભૂત છે.
વચનામૃતમાં સત્પુરુષની સમજણ દ્વારા બીજો એ પણ ઈશારો કરવામાં આવ્યો છે કે કેવળ વાસ્તવિકથી કલ્યાણ થતું નથી. સાક્ષાત્પરમાત્મા કે તેમના મહાન સત્પુરુષોની પ્રાપ્તિ થાય તેમાં પોતાનું શ્રેય પ્રાપ્ત કરવા ઉચ્ચ ભાવના કરવી અતિ જરૂરી છે. શાસ્ત્રના ઈતિહાસમાં જેણે જેણે પ્રાપ્તિ થયા પછી યોગ્ય અવસરનો લાભ લઈને ઉચ્ચ ભાવના કેળવી છે તે અવશ્ય માયાને તરી ગયા છે અને પ્રાપ્તિ થયા પછી તેને ઓળખીને ભાવના નથી કરી શકયા તે નિષ્ફળ ગયા છે. જેમ કે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થયા પછી પણ યાદવો જેવો જોઈએ તેવો ભાવ ભગવાનને વિષે કેળવી ન શકયા તો વાસ્તવિકતા તો હતી પણ ભાવની ગેરહાજરીમાં પોતાનું કાર્ય યથાર્થ ન થઈ શકયું અને એ ભક્ત કહેવાયા નથી એવું ભાગવત જણાવે છે. જ્યારે ગોપીઓ ભલે કામભાવથી ભાવિત થઈ તો પણ શ્રુતિ તુલ્ય ગણાઈ. માટે મહારાજે વચનામૃતમાં કહ્યા મુજબ શુદ્ધ પાત્રમાં ઉચ્ચ ભાવના કલ્યાણની પ્રાપ્તિ માટે જરૂરી વસ્તુ છે.
ભાવનાથી શું વિશેષતા છે ? એવું વિચારવું યોગ્ય નથી. તેથી ઉલ્ટું અસત્પદાર્થમાં તેને ઓળખીને તેમાં ભાવના એટલે કે અભાવબુદ્ધિ અથવા ત્યાગબુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુમુક્ષુના માર્ગમાં નડતરરૂપ થયા વિના રહેતા નથી. તેની યોગ્યતા પ્રમાણે તેમાં ત્યાગબુદ્ધિ અથવા ઉદાસીનતા કરવી જોઈએ. તો જ અસત્પદાર્થનું બંધન દૂર થઈ શકે. મહારાજ કહે છે કે સત્પુરુષની સમજણમાં ભગવાનના આકાર અને બીજા આકાર બેય સરખા નથી. બન્નેમાં અતિશય ફેર છે. જ્યારે અસત્પુરુષો તો ગમે તેમ કરીને બધું સરખું કરવા માગતા હોય છે. તેઓ કહે છે કે આ ભેદ શાસ્ત્રકારોએ શા માટે ઊભો કર્યો હશે ? ભેદ તો છે નહિ. સ્ત્રીનું ધ્યાન કરો કે પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરો બન્ને એક છે, બ્રહ્મ છે. એવો અતિ અવિવેક છે. જ્યારે સત્પુરુષની સમજણમાં તો મહારાજ એમ કહે છે કે ભગવાનની મૂર્તિમાં ચતુર્ભુજ, અષ્ટભુજની જે ભાવના છે તે પણ ભગવાનને બીજાથી અલગ પાડવા માટે છે. તેમની દૃષ્ટિમાં તો ભગવાનના ભક્ત અને બીજા સામાન્ય જીવ પણ એક નથી, અલગ છે. બધાને સરખા સમજવા તે તો અસત્પુરુષની સમજણ છે અને બધુંય સરખું છે એવું સમજવું એની પાછળ એનો કંઈક નબળો ઈરાદો કામ કરી રહ્યો છે.
મહારાજ એમ કહે છે કે પોતાને મળેલ મૂર્તિનું જ ધ્યાન કરવું એ સિવાય તે જ ભગવાનના પૂર્વે થયા જે અવતાર તેનું પણ ધ્યાન ન કરવું. શા માટે ! તો જો પોતાને મળેલ સ્વરૂપને વિષે પતિવ્રતાનો ભાવ છોડીને તે મૂર્તિઓનું ધ્યાન કરશે તો બીજા દેવતા કે મનુષ્યો તેનું પણ ધ્યાન કરવા લાગી જશે અને બધું સમ થઈ જશે. પોતાનું પતિવ્રતાપણું જશે. માટે અસત્પુરુષની સમજણમાં બધું જ બ્રહ્મ છે. તેને બહાને તથા સમભાવને બહાને પોતાના નબળા આશયો પૂરા કરવા સિવાય કોઈ હેતુ હોતો નથી.