પ્રતિપાદિત વિષયઃ
પરમાત્મામાં તીવ્ર કે મંદ સ્નેહ થવાનું કારણ ?
મુખ્ય મુદ્દાઃ
૧. કેવળ ઈન્દ્રિયો જે વિષયમાં પ્રવર્તે ત્યાં મંદ વેગ રહે ને તેને અનુસારે મંદ સ્નેહ થાય છે.
ર. ઈન્દ્રિયો સાથે મન ભળે તો મધ્યમ વેગથી પ્રવર્તે તો મધ્યમ સ્નેહ થાય.
૩. ઈન્દ્રિયો, મન અને જીવ ભળે તો તીવ્ર સ્નેહ થાય છે.
૪. જગત વિષયના દોષની સેર્ય જીવમાં ઉતારી હોય તો ઈન્દ્રિયો, મન, પ્રવર્તે ને બરાબર વિક્તિ જણાય તો પણ તેમાં સ્નેહ ન થાય.
વિવેચન :–
આ વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રી આદિક પદાર્થમાં એવું હેત થાય છે તેનો વિયોગ થાય તો પ્રાણ જાય અને કેટલાકને સાધારણ હેત હોય છે. તે બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ જો ભગવાન મળે તો ભગવાનમાં પણ એમ જ જોડાય જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય અને સાધારણ હેતવાળો ભગવાન મળે તો તેમાં પણ સાધારણ હેતથી જ જોડાય છે. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ થયો કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે જીવમાં એ ભેદ છે તે અનાદિ નથી પણ કર્મે કરીને થયો છે. જ્યારે એ જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ મંદ, મધ્યમ અને તીવ્ર એ ત્રણ પ્રકારે થાય છે. માટે જેવા વેગથી જીવ પ્રવર્તે તેવા વેગથી જીવની વૃત્તિ પદાર્થમાં ચોટે છે અને તેને અનુસારે પદાર્થમાં સ્નેહ થાય છે. તેથી સ્ત્રી આદિકના વિયોગે પ્રાણ જાય તેવું હેત છે તેનો અર્થ એ છે કે તેમાં તીવ્ર વેગથી જીવ પ્રવર્ત્યો છે. જ્યારે ભગવાનમાં જોડાય ત્યારે પણ તેનો તે જ તીવ્ર વેગ હોવાથી ભગવાનમાં પણ અસાધારણ હેત થાય છે. એ વાત સાચી છે; પરંતુ એનો અર્થ એવો ન કરી શકાય કે ભગવાનમાં અસાધારણ હેત કરવું હોય તો પ્રથમ તેને સ્ત્રીઆદિકમાં અસાધારણ હેત કરવું જ પડે. સ્ત્રીના વિયોગમાં રડતાં શીખવું જ પડે અને તેને વિયોગે પ્રાણ કાઢી નાખવાનું શીખવું પડે. જો જીવમાં અનાદિનો એવો ભેદ હોય તો જેને સંસારમાં ઘાટું હેત હોય તેને જ ભગવાનમાં ઘાટું હેત થાત. અહીં મહારાજ કહે છે એવું નથી. એ તો સંસારમાં હેત નથી અને તે જ વ્યક્તિ ભગવાનને માર્ગે વળ્યો તો સંસારમાં ન હતું એટલે ભગવાનમાં થવાની શકયતા જ નથી એવું નથી.
સાધારણ રીતે મનુષ્યના ઈન્દ્રિયો અંતઃકરણ જે વેગથી પ્રવર્તતા હોય તે જ પ્રમાણે ભગવાનમાં પણ પ્રવર્તે ખરા. તેમાં ફેરફાર શકય નથી અથવા તેને પ્રથમ જગતમાં પ્રવર્તાવીને અભ્યાસ કરવો પડે તેવું નથી. એ તો ભગવાનના માર્ગમાં તીવ્ર વેગ લગાડે તો જગતમાં હેત ન હોય તો પણ ભગવાનમાં તીવ્ર વેગથી સ્નેહ થાય છે. જો એમ ન હોત તો સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્યવાળા મુમુક્ષુઓ જ્યારે સંસારનો ત્યાગ કરીને ભગવાનને માર્ગે પ્રવર્તે ત્યારે તેને ભગવાનમાં પણ તીવ્ર વૈરાગ્ય રહેશે અને તે ભગવાનમાં ચોટી શકત નહિ. ઉલ્ટું તેઓને પણ તીવ્ર વેગથી ભગવાનમાં હેત થયું છે એવાં પૂર્વેનાં ઉદાહરણો છે. સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગી સદ્. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે ગોપીઓના જેવો પરમ સ્નેહ હતો. એવો ઉલ્લેખ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કરેલો છે (સ્વા.વા––)
પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે એ વૃત્તિના વેગમાં ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે તે વેગ ગુણે કરીને નથી. કારણ કે ઘણી વખત તેવો વેગ તામસી માણસોને પણ લાગી જતો હોય છે. કયારેક રાજસી અને સાત્ત્વિકી માણસોને પણ લાગે છે. માટે નિયમ ન હોવાથી ગુણ તેમાં કારણરૂપ જણાતા નથી.
મહારાજ કહે છે તેમાં કારણ તો કર્મ છે અને તેમાં પણ કર્મની સામગ્રી જે ઈન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તેનું એક એક ક્રિયામાં વધુ ભળવાથી થાય છે. જ્યારે ક્રિયામાં કેવળ ઈન્દ્રિયો જ પ્રવર્તે પણ મન–અંતઃકરણ ન ભળે ત્યારે વૃત્તિમાં મંદ વેગ રહે છે અને સ્નેહ પણ મંદ થાય છે. જ્યારે મને સહિત ઈન્દ્રિયો પદાર્થમાં જાય પણ જીવ ન ભળ્યો હોય ત્યારે મધ્યમ વેગ થાય છે અને જ્યારે ઈન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે ત્યારે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. ત્યારે તે પદાર્થમાં તીવ્ર વેગથી ચોટે છે ને સ્નેહ પણ તીવ્ર થાય છે. મહારાજ કહે છે કે કોઈ એક ઈન્દ્રિયમાં તીવ્ર વેગ લાગે તો બીજી બધી તેને અનુસરીને તેના વેગમાં મદદ કરનારી બની જાય છે અને જીવ તેમાં ઊંડો પ્રવેશ કરી જાય છે.
મનમાં આશંકા થાય કે પદાર્થમાં ખાલી ઈન્દ્રિયો જ પ્રવર્તે અથવા મને સહિત ઈન્દ્રિયો કે જીવ સહિત બધાજ પ્રવર્તે તેમાં કોઈ કારણ ખરું ? કયારે કોઈ મનુષ્યના ઈન્દ્રિયો જ પ્રવર્તે છે અને જીવ તેમાં ભળતો નથી તેનુ શું કારણ છે ?
તેનું સમાધાન એ છે કે તે મનુષ્યની ભગવાન પ્રત્યેની અથવા જગત પદાર્થ પ્રત્યેની બુભુક્ષા જેટલી તીવ્ર હોય તેટલી વધારે ઓછી સામગ્રી તેમાં ભળે છે. ભગવાન પ્રત્યેની બુભુક્ષા એટલે ભગવાન મેળવવાની ભૂખ, ભગવાનનું સુખ મેળવવાની ભૂખ અને સંસાર પ્રત્યેની બુભુક્ષા એટલે સાંસારિક પદાર્થોની તીવ્ર વાસના. જેને ભગવાન પામવાની અતિ તીવ્ર ગરજ હોય તેને ભગવાન પ્રત્યે તેના ઈન્દ્રિયો, મન અને જીવ ત્રણે વેગથી પ્રવર્તે છે. તેના પ્રત્યેની ભૂખ એ જીવમાં વેગ લાવે છે. આત્મામાં વેગ લગાડવા પ્રથમ તો ભૂખ લાગવી જોઈએ. શુભ દેશકાળાદિકનું સેવન, અંતઃકરણમાં પુનઃ પુનઃ તેનું પરિશીલન, ઈન્દ્રિયોની સાનુકૂળતા, આલંબન વિષયમાં શ્રેષ્ઠતા, સુખદતા વગેરે ગુણો ભગવાન પ્રત્યેના વેગને વધારનારા બને છે.
નિત્યાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર પણ મહારાજે એવો આપ્યો છે કે જીવને ભગવાનમાં તીવ્ર વેગે કરીને હેત કેમ થતું નથી તો અશુભ દેશકાળનો યોગ તેના ભગવાન પ્રત્યેના વેગનો નાશ કરી નાખે છે અને જગતવેગ વધારે છે. માટે અશુભનો ત્યાગ કરીને શુભદેશકાળ સેવે તો ભગવાનમાં તીવ્ર વેગે કરીને હેત થાય. પછી ચૈતન્યાનદ સ્વામીએ પૂછયું કે વિષમકાળ હોય ત્યારે તેનાથી બચવા શું કરવું ? મહારાજ કહે ત્યારે ત્યાંથી દૂર ભાગી નીસરવું. દેશ, કાળ, સંગ વગેરે આઠેય પ્રકારના અશુભનો યોગ થાય તો તેનાથી બચવા માટે યેન કેન પ્રકારે યુક્તિ કરીને તેનાથી દૂર રહેવું તો જ તેની વિપરીત અસરથી બચી શકાય, પણ જોગમાં રહીને ગમે તેવું દૃઢ મનોબળ હોય તો પણ અસર તો થયા વિના રહે જ નહિ.
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે હૃદયમાં મંદ,મધ્યમ કે તીવ્ર વેગ વર્તે છે તે કેમ જાણવો ? ત્યારે મહારાજે એક નેત્ર ઈન્દ્રિયનું ઉદાહરણ લઈને જગત વિષયનો વેગ લાગે છે તે બતાવ્યું છે. મંદ વેગમાં ત્રણે પ્રકારની સ્ત્રીને દેખીને વિકૃતિ ન થાય. જ્યારે મન સહિત ઈન્દ્રિયો ભળે અને મધ્યમ વેગ વર્તે ત્યારે યુવાનને દેખે તો વિકૃતિ થાય. જ્યારે જીવ પણ ભળે ત્યારે તીવ્ર વેગ વર્તે ને ત્રણે પ્રકારની સ્ત્રીને દેખીને અથવા પોતાની મા–બેન તેને દેખીને મનમાં વિકૃતિ સર્જાય. એનો અર્થ એ થયો કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય તો પણ મનમાં વિકૃતિ ન થાય ત્યારે મંદ વેગ ગણાય. મધ્યમ અને કનિષ્ઠમાં તો ન થાય પણ ઉત્તમ ભોગમાં વિકૃતિ થાય તો મધ્યમ વેગ જાણવો અને કનિષ્ઠ વિષય હોય અથવા કોઈ પ્રકારના પ્રતિકૂળ વિષય હોય તો પણ મનમાં વિકૃતિ થઈ આવે ત્યારે એમ જાણવું કે તીવ્ર વેગ છે.
જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેનાં રૂપ કુરૂપ જણાય તો પણ વિકાર ન થાય તેને કયો વેગ જાણવો ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય અને તેની સેર્ય જીવમાં ઉતરી ગઈ હોય પછી તે પદાર્થ દેખાય તેની સાથે જીવમાં સોંસરી જે દોષ બુદ્ધિની સેર્ય આરપાર ઉતરી ગઈ છે તે પણ યાદ આવે છે. તેથી સ્ત્રી આદિકને દેખે છે તો પણ મનમાં ભોગબુદ્ધિ થતી નથી ઉલ્ટી ત્યાગબુદ્ધિ તીવ્ર બને છે. જેમ સુંદર કઢેલ ભેંસનુ દૂધ હોય ને તેમાં સાકર નાખી હોય પણ તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને દેખે તો તેમાંથી ભોગબુદ્ધિ દૂર થઈને ઉલ્ટી ત્યાગબુદ્ધિ આવી જાય છે. વિષયમાં વેગ થવાનું કારણ તેમાં ભોગબુદ્ધિ ઊભી થવી એ છે. પણ અહીં પદાર્થની સંપૂર્ણ વિક્તિ જણાય છે પણ દોષ જ્ઞાનથી ભોગબુદ્ધિ નાશ કરી નાખે છે અને તે દેખે છે તો પણ વિકારરહિત રહે છે તેથી વેગશૂન્ય રહે છે.
બીજી દૃષ્ટિ એ છે કે જેમ જનક જેવા ભક્ત રાજા હોય તે જ્ઞાને કરીને એટલે કે પોતાના આત્માનું જ્ઞાન તથા પરમાત્માના મહિમાનું જ્ઞાન તથા પોતે એવા મોટા પરમાત્માનો દાસ છે એવું જ્ઞાન તેણે કરીને તેની અતિ વિશાળ દૃષ્ટિ થઈ જાય છે ત્યારે તેને આ લોકના વિષયસુખ તુચ્છ થઈ જાય છે. તેને તેમાં અતિશય ખુવારી દેખાય છે. ત્યારે તેમાંથી ભોગબુદ્ધિ નાશ થઈ જાય છે ને વિકૃતિ થતી નથી અને વેગશૂન્ય રહેવાય છે.
મહારાજ કહે કે ભગવાન તથા સંતના વચનમાં અતિ વિશ્વાસી હોય તો પણ તેમના વચને કરીને એવી નિર્વિકાર સ્થિતિમાં રહી શકે છે તેથી વિષય પ્રત્યેનો વેગ તેમાં રહેતો નથી.
પછી મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે માયામાં કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે માયા તો કેવળ દુઃખદાયી છે. ત્યારે મહારાજે આશંકા કરી કે માયામાંથી ઉપજ્યા જે ત્રણ ગુણ તેમાં સત્ત્વગુણ તો સુખરૂપ ગણાય છે. ભાગવતમાં કહ્યું છે કે ‘સત્વં યદ્બ્રહ્મદર્શનમ્।'(ભાગ.૧ -૨ -૨૪) સત્ત્વગુણમાં બ્રહ્મનું દર્શન થાય છે. સત્ત્વગુણની સંપત્તિ તો જ્ઞાન, વૈરાગ્ય, વિવેક અને શમદમાદિક છે. એવી સત્ત્વગુણરૂપ માયા તે કેવી રીતે દુઃખદાયક છે ? વળી ૧૧મા સ્કંધમાં કહ્યું છે કે…
વિદ્યાવિદ્યે મમ તનુ વિદ્ધયુદ્ધવ ! શરીરિણામ્।
બન્ધમોક્ષકરી આદ્યે માયયા મે વિનિર્મિતે ।।ભા.૧૧–૧૧–૩।।
માટે મોક્ષને કરનારી એવી વિદ્યારૂપી જે માયા તે કેવી રીતે દુઃખદાયી છે ? ત્યારે સંતોથી ઉત્તર થયો નહિ.
ત્યારે મહારાજ બોલ્યા જેમ યમરાજનું જે રૂપ તે પાપી જીવને ભયાનક, વિકરાળ ને દુઃખદાયી દેખાય છે, પણ પુણ્યવાળાને તો તે જ યમરાજનુ રૂપ અતિ સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તેમ માયા છે તે ભગવાનથી વિમુખ છે. તેને તો અતિ બંધન કરનારી ને અતિ દુઃખદાયી છે. જ્યારે ભગવાનના જે ભક્ત છે એટલે કે સાચે જ ભગવાનની આરાધના કરવા માગતા સાધક છે તેને તો તે જ માયા અતિ સુખદાયી છે અને ઈન્દ્રિયો અંતઃકરણ તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરી આપે છે. માટે ભક્તને માયા દુઃખદાયી નથી. સુખદાયી છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ આશંકા કરી જે માયા સુખદાયી છે ત્યારે ભક્ત ધ્યાન કરે છે ત્યારે અંતઃકરણ સંકલ્પ–વિકલ્પ કરીને કેમ દુઃખ આપે છે ? ત્યારે મહારાજ કહે, જે કાચો પોચો સત્સંગી હોય તેને કુસંગી ડગાવ્યાનો આગ્રહ કરે છે, પણ પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ. તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેણે ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણીને ભગવાનનો અતિદૃઢ આશ્રય હોય તેને માયા દુઃખ દેતી નથી અને તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખતી નથી. જેને આશ્રયમાં ફેર હોય તેને માયા દુઃખ દે છે ને ડગાવે છે. દૃઢ આશ્રયવાળાને તો સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરે છે. માટે જ્યારે એ જીવ ભગવાનનો પરિપકવ આશ્રય કરશે ત્યારે તેને ડગાવવા તથા પીડવા માયા સમર્થ નહિ થાય.